અનામત પ્રથા : કેટલાંક નિયત સામાજિક જૂથોના ઝડપી ઉત્કર્ષ અને વિકાસ માટે વિવિધ શૈક્ષણિક, રાજકીય, વ્યાવસાયિક, સામાજિક વગેરે ક્ષેત્રોમાં અમુક જગ્યાઓ અનામત રાખવાની નીતિ. ભારતના બંધારણમાં આ નીતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં આ સામાજિક જૂથો ‘નકારાત્મક ભેદભાવ’(negative discrimiation)નો ભોગ બન્યાં હતાં, તેને પરિણામે તેઓમાં પછાતપણું આવ્યું. તે દૂર કરવા તેમના પ્રત્યે ‘હકારાત્મક ભેદભાવ’ (positive discrimination) દર્શાવવામાં આવે, તો તે તર્કસંગત, ન્યાયસંગત અને સમાજના પોતાના જ હિતમાં ગણાય એવું સ્વીકારાયું. બંધારણમાં સમતાવાદી ઢબની, ન્યાયી સમાજરચનાનું ધ્યેય ભારતની પ્રજાએ સ્વીકાર્યું છે તે દૃષ્ટિએ અનામત પ્રથા દ્વારા સમાજના એ વિભાગોની અસમાનતાઓ દૂર કરી તેમને પણ બાકીના સમાજની હરોળમાં લાવવાનો પ્રયાસ કરવો એવો પણ એક તર્ક એની પાછળ રહેલો છે. અલબત્ત, ભારત જેવા સમાજમાં સામાજિક જૂથોનું પછાતપણું અત્યંત સંકુલ ઘટના છે. એના અનેક સ્રોત છે. વિવિધ કારણો અને પરિબળોનું તે સહિયારું અને સંચિત પરિણામ છે. અનામત પ્રથા પછાતપણાને દૂર નહિ તો હળવું કરવાનો એક માર્ગ છે.
ભારતીય સમાજનો લગભગ પોણો ભાગ, એટલે દેશની 72થી 75 ટકા જેટલી વસ્તી એક યા બીજા પ્રકારના પછાતપણાનો ભોગ બનેલી છે. બંધારણમાં ત્રણચાર સ્થળોએ આ પછાત વિભાગો માટે અનામત અથવા ખાસ પ્રબંધો કે રક્ષણોની જોગવાઈઓ કરવામાં આવેલી છે. મૂળભૂત હક્કોમાં કાયદા સમક્ષ સૌ નાગરિકોની સમાનતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે (કલમ 14). રાજ્ય ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ કે એવા કોઈ આધાર પર નાગરિક-નાગરિક વચ્ચે ભેદભાવ નહિ કરે (કલમ 15). તેમાં એક અપવાદ એ રાખવામાં આવ્યો છે કે જો રાજ્ય અનુસૂચિત જ્ઞાતિઓ (હરિજનો વગેરે) અને અનુસૂચિત જનજાતિઓ (આદિવાસીઓ વગેરે) તેમજ અન્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે ખાસ પ્રબંધો કરશે તો તે ભેદભાવ ગણાશે નહિ. સ્ત્રીઓ અને બાળકો માટે પણ આવો અપવાદ કરવામાં આવ્યો છે. એ જ રીતે બંધારણની કલમ 16 અનુસાર રાજ્યની જાહેર નોકરીઓમાં ઉપર જણાવેલ આધાર પર નાગરિક-નાગરિક વચ્ચે કોઈ ભેદભાવ નહિ કરે, પણ કલમ 16 (4) હેઠળ જણાવવામાં આવ્યું છે કે અનુસૂચિત જ્ઞાતિઓ, અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે જો નોકરીઓમાં અનામત જગાઓ રાખવામાં આવે તો ભેદભાવ કર્યો છે એમ ગણાશે નહિ. કલમ 20 મુજબ રાજ્ય દ્વારા સંચાલિત કે તેની મદદ મેળવતી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ આપવાની બાબતમાં કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહિ. તેમાં આ અંગે અપવાદ કરવામાં આવ્યો છે. ઉપરાંત, બંધારણના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના પ્રકરણમાં કલમ 46 હેઠળ રાજ્યને એવો માર્ગદર્શક આદેશ આપવામાં આવ્યો છે કે સમાજના નબળા વર્ગો, ખાસ કરીને અનુસૂચિત જ્ઞાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનાં શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે ખાસ સંભાળ લેવી.
લોકો દ્વારા ચૂંટાયેલાં ધારાગૃહોમાં પણ અનામત બેઠકોનો પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. બંધારણની કલમ 330 હેઠળ લોકસભામાં અને કલમ 332 હેઠળ રાજ્યોની વિધાનસભાઓમાં, તેમની વસ્તીને ધોરણે અનુસૂચિત જ્ઞાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોનો પ્રબંધ કલમ 334 હેઠળ પ્રથમ 10 વર્ષ માટે કરવામાં આવેલો. ત્યારબાદ આઠમા બંધારણીય સુધારા (1959) અને 23મા બંધારણીય સુધારા (1969) અને છેલ્લે 45મા બંધારણીય સુધારા દ્વારા તે મુદત વધારીને 40 વર્ષની એટલે 29 જાન્યુ. 1990 સુધી લંબાવવામાં આવી છે. છેલ્લો મુદતવધારો કરવામાં આવ્યો ત્યારે લોકસભામાં અનુસૂચિત જ્ઞાતિઓ માટે 78 બેઠકો અને અનુસૂચિત જનજાતિઓ માટે 39 બેઠકો અનામત હતી. રાજ્યોની વિધાનસભાઓ અને સંઘશાસિત વિસ્તારોનાં ધારાગૃહોમાં અનુસૂચિત જ્ઞાતિઓ માટે 546 અને અનુસૂચિત જનજાતિઓ માટે 291 બેઠકો અનામત હતી.
ભારતના ઍંગ્લો-ઇન્ડિયન સમુદાયમાંથી પણ લોકસભામાં બે સભ્યોની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપ્રમુખને, અને જે તે રાજ્યની વિધાનસભામાં એક સભ્યની નિમણૂક કરવાની સત્તા તે રાજ્યના રાજ્યપાલને આપવામાં આવી છે, અને અનામત બેઠકોના મુદતવધારા સાથે તેની મુદતમાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ કરવામાં આવેલી છે.
છેલ્લે, બંધારણની કલમ 335 હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે વહીવટી તંત્રની કાર્યક્ષમતાને સુસંગત રહે એ રીતે જાહેર સેવાઓમાં સ્થાન આપવામાં અનુસૂચિત જ્ઞાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના સભ્યોના દાવાઓ પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવશે. ‘‘જાહેર સેવાઓમાં સ્થાન આપવા’’ શબ્દોનો અર્થ સર્વોચ્ચ અદાલત દ્વારા શોષિત કર્મચારી સંઘ કેસના ચુકાદા(1981)થી ‘‘જાહેર સેવાઓમાં ભરતીથી તે જુદી જુદી કક્ષાઓમાં બઢતી’’ એવો કરવામાં આવ્યો હોવાથી જાહેર સેવાઓમાં રૉસ્ટર પ્રથા તેમજ નિશ્ચિત ટકાવારીની પ્રથા બંધારણ સાથે સુસંગત છે, એમ કહ્યું છે. આનાથી આ સમુદાયોના સભ્યોને બઢતીમાં અગ્રિમતા પ્રાપ્ત થાય છે. જાહેર સેવાઓમાં આ સમુદાયોના સભ્યો માટે અનામત બેઠકોની કેટલી ટકાવારી રાખવી તેનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો નથી. પણ સંઘ સરકારે અનુસૂચિત જ્ઞાતિઓ માટે 15 ટકા તેમજ જનજાતિઓ માટે 71 ટકા અનામત બેઠકો રાખવાનો નિર્ણય અને અમલ કરેલો છે. તે જ રીતે જાહેર સેવાઓમાં તેમના પ્રત્યેનો આવો તરફેણયુક્ત વ્યવહાર ક્યાં સુધી ચાલુ રાખવો તેની કોઈ સમયમર્યાદા બંધારણે આંકી નથી.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહોના ઉત્થાન અને કલ્યાણ માટે જરૂરી ઉપાયો સૂચવવા માટે ભારત સરકારે 1953માં પ્રથમ બૅકવર્ડ ક્લાસિઝ કમિશન (કાલેલકર કમિશન) નીમ્યું, 1955માં તેણે હેવાલ સુપરત કર્યો. 1979માં તે વખતની જનતા સરકારે બિન્દેશ્વરીપ્રસાદ મંડલના અધ્યક્ષપદે એક બીજું પંચ નીમેલું. એણે 1980માં પોતાનો હેવાલ સુપરત કર્યો, જે ‘મંડલ પંચના હેવાલ’ તરીકે જાણીતો થયો. એ હેવાલમાં સામાજિક-શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની કુલ સંખ્યા 3,743 અને તેમની કુલ વસ્તી દેશની વસ્તીના આશરે 52 ટકા છે, એવો અંદાજ મૂકવામાં આવ્યો. એણે કેન્દ્ર સરકારની નોકરીઓ, જાહેર ક્ષેત્રની નોકરીઓ અને શિક્ષણસંસ્થાઓમાં 27 ટકા બેઠકો અનામત રાખવાની ભલામણ કરી. વિશ્વનાથ પ્રતાપસિંઘ-સરકારે આ ભલામણોના સ્વીકારની જાહેરાત 13 ઑગસ્ટ 1990ના રોજ કરી. આ જાહેરાતને પગલે પગલે દેશના જુદા જુદા ભાગોમાં પણ ખાસ કરીને ઉત્તરનાં હિન્દીભાષી રાજ્યોમાં – હિંસક અનામત-વિરોધી આંદોલનો થયાં. ઉપરાંત, ઉચ્ચ અથવા સવર્ણ જ્ઞાતિઓના આર્થિક રીતે પછાત (ગરીબ) સમૂહોને પણ અનામત પ્રથાનો લાભ આપવો જોઈએ, એવું દબાણ વધવા લાગ્યું. 1990માં સત્તા પર આવેલ કૉંગ્રેસની નરસિંહરાવ સરકારે 25 સપ્ટેમ્બર 1991ના રોજ ખાસ સરકારી જાહેરનામું બહાર પાડી ઉચ્ચ અથવા સવર્ણ જ્ઞાતિઓના આર્થિક રીતે પછાતો માટે વધારાની 10 ટકા બેઠકો અનામત રાખવાની જાહેરાત કરી.
અનામત બેઠકો સંબંધી આ બંને નિર્ણયોની બંધારણીયતા સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી. 16 નવેમ્બર 1992ના રોજ નવ ન્યાયમૂર્તિઓની બનેલ બેન્ચે ‘અનામત કેસના ચુકાદા’ તરીકે જાણીતો બનેલ ઐતિહાસિક ચુકાદો આપ્યો. એમાં એણે ઠરાવ્યું કે (1) સામાજિક-શૈક્ષણિક પછાતો માટે રાખવામાં આવેલી 27 ટકા બેઠકોની જોગવાઈ બંધારણીય છે, પણ એઓ પૈકી જેઓ સાધનસંપન્ન કક્ષા(‘ક્રીમી લેયર’)માં હોય એમને એમાંથી બાકાત રાખવામાં આવે; (2) સવર્ણ જ્ઞાતિઓના આર્થિક પછાતો માટે જાહેર કરવામાં આવેલી 10 ટકા અનામત બેઠકોની જોગવાઈ બંધારણ સાથે સુસંગત નથી, માટે તે રદ કરવામાં આવે; (3) કેન્દ્ર કક્ષાએ એક પંચ નીમવામાં આવે, જે ‘સાધનસંપન્ન’ની કક્ષામાં કોનો સમાવેશ કરવો, એનાં ધોરણો તૈયાર કરે. વળી, આ પંચ અન્ય કયા સમૂહોને અનામત પ્રથામાં દાખલ કરવા અને કોને બાકાત કરવા એ વિશેના મુદ્દાઓ અને તે વિશે કરાતી રજૂઆતોનું નિરાકરણ કરે; (4) કુલ અનામત બેઠકોની ટકાવારી 50 ટકાથી વધવી ન જોઈએ. એક બાજુ આ સમૂહોનું પૂરતું પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ તો બીજી બાજુ વહીવટી તંત્રની કાર્યક્ષમતા પણ જળવાવી જોઈએ. એમ બંને બાબતો વચ્ચે સુમેળ સધાવો જોઈએ; (5) બધા ન્યાયમૂર્તિઓ એ મુદ્દે સહમત થયા કે પછાત સમૂહોના પછાતપણાનું નિર્ધારણ કરવા માટે જ્ઞાતિ (જન્મ) એકમાત્ર ધોરણ હોઈ શકે નહિ; (6) સામાજિક-શૈક્ષણિક પછાત સમૂહોને પ્રવેશબિંદુએ (એન્ટ્રી-પૉઇન્ટ) અનામત પ્રથાનો લાભ મળવો જોઈએ, પણ પછીના બઢતીના તબક્કાઓમાં અનામત પ્રથાનો લાભ ન મળવો જોઈએ. ઉપરાંત સરકારની ઉચ્ચ સનદી સેવા અને સશસ્ત્ર દળો જેવાં ક્ષેત્રોને જ્ઞાતિ-આધારિત અનામત પ્રથાની બહાર રાખવાનું સૂચન કર્યું. અનામત પ્રથાનો લાભ પશ્ચાદવર્તી ધોરણે (રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી) પણ આપી શકાય નહિ. પણ હાલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તેમજ જાહેર ક્ષેત્રનાં કૉર્પોરેશનોમાં જ્યાં અનામત પ્રથા અમલમાં છે, ત્યાં આગામી પાંચ વર્ષ સુધી બઢતીમાં અનામત પ્રથાનો લાભ આપવો ચાલુ રહેશે.
ત્યારબાદ 1993માં બંધારણીય સુધારા 73 અને 74 દ્વારા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (ત્રણે સ્તરોની પંચાયતો) અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ(નગરપાલિકાઓ અને મહાનગર-પાલિકાઓ)માં 33 ટકા બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી એટલું જ નહિ, પણ આ સંસ્થાઓમાં સરપંચો અને અધ્યક્ષોની કુલ બેઠકોનાં 33 ટકા સ્થાનો સ્ત્રીઓ માટે અનામત રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. અનામત અંગેના ચોથા પંચે સંરક્ષણ દળો, વૈજ્ઞાનિક સંસ્થાનો તથા ન્યાયતંત્રમાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે અનામતની જોગવાઈ સારુ ભલામણ કરી હતી પરંતુ માર્ચ, 2000ના ‘એક્શન ટેકન મેમોરેન્ડમ’માં આ ભલામણો અસ્વીકાર્ય ગણીને ન્યાય અને પર્યાવરણ ખાતાએ જણાવ્યું કે તેનો અમલ શક્ય નથી. આમ વિશિષ્ટ ક્ષેત્રોમાં અનામતનો અમલ ન થયો.
દિનેશ શુક્લ