અનામત ચલણ (Reserved Currency) : વિશ્વમાં સાર્વત્રિક સ્વીકૃતિનો ગુણ ધરાવતું વિદેશી ચલણ. દરેક દેશ તેને પોતાની વિદેશી હૂંડિયામણની અનામતોમાં મૂકવા તત્પર હોય છે. વિદેશી દેવાની પતાવટ કરવા તેમજ અતિરિક્ત આયાતોનું મૂલ્ય ચૂકવવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. અનામત ચલણમાં ચાર લક્ષણો જરૂરી છે : (1) મૂલ્યસ્થિરતા – તેનું મૂલ્ય સ્થિર હોવું જોઈએ. (2) પરક્રામ્યતા (negotiability) – તે પરિવર્તનીય હોવું જોઈએ. (3) તે વિશ્વવેપારમાં મોખરાનું સ્થાન ધરાવતા દેશનું ચલણ હોવું જોઈએ. (4) અન્ય ચલણોમાં તેનું પરિવર્તન સહેલાઈથી થઈ શકે એ માટે વિદેશી હૂંડિયામણનું કાર્યક્ષમ બજાર અસ્તિત્વમાં હોવું જોઈએ. 1945થી 1970ના ગાળામાં અનામત ચલણ તરીકે અમેરિકન ડૉલર અને બ્રિટિશ પાઉંડ સ્ટર્લિગનું પ્રભુત્વ હતું. પછી તેમના મૂલ્યની અસ્થિરતાના ભયને લીધે તે બે ચલણો ઉપરાંત ફ્રેંચ ફ્રાંક, જર્મન માર્ક અને જાપાનના યેનનો તેમાં ઉમેરો થયો હતો. યુરોપમાં કેટલાક દેશોએ સહિયારું બજાર (EEC) ઊભું કરેલ હોવાથી તેનું ચલણ યુરોડૉલર પણ અનામત ચલણ તરીકે સ્વીકારાય છે.

ગુલામહુસેન પીરભાઈ મલમપટ્ટાવાલા