અનંતનાથ પુરાણ (તેરમી સદી) : મધ્યકાલીન કન્નડ કવિ જન્નની પ્રસિદ્ધ કાવ્યકૃતિ. એમાં ચૌદમા તીર્થંકર અનંતનાથની કથા ચૌદ અધ્યાયોમાં ચમ્પૂશૈલીમાં-ગદ્યપદ્યમિશ્ર-કહેવાઈ છે. કાવ્યનું કથાનક સંસ્કૃત ‘ઉત્તરપુરાણ’, કન્નડ ‘ચાવુંડરાય પુરાણ’ અને ‘અનંતનાથ પુરાણ’માંથી લીધેલું છે. તેમાં કવિએ પોતાની રીતે થોડા ફેરફારો કર્યા છે. ચંમ્પૂકાવ્યમાં આવતાં અઢાર પ્રકારનાં વર્ણનો તથા જૈન પુરાણની અષ્ટાંગ રૂઢિઓને કાવ્યમાં ગૂંથ્યાં છે. મૂળ કથાનક ચંડશાસન રાજાનું છે. એ રાજા પોતાના મિત્ર વસુદેવને ત્યાં જાય છે. ત્યાં એની પત્ની સુનંદા પર મુગ્ધ થઈ એને દગાથી ઉપાડી જાય છે. ઘેર લાવ્યા પછી અનેક રીતે સમજાવ્યા છતાં સુનંદાને એ ચલિત કરી શકતો નથી. આખરે જાદુથી વસુદેવનું કાપેલું શિર એની સામે રાખે છે, જે જોઈને સુનંદા પ્રાણત્યાગ કરે છે. પસ્તાતો ચંડશાસન સુનંદાના શબ સાથે પોતે પણ ચિતાસ્નાન કરે છે. એની પર આક્રમણ કરવા આવેલો વસુદેવ આ જોઈને વૈરાગ્ય ધારણ કરે છે. આ કથા પર કેટલેક અંશે રામકથાની અસર વરતાય છે.
એચ. એસ. પાર્વતી