અનંતપુર : ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 14o 41´ ઉ. અ. અને 77o 36´ પૂ. રે. જિલ્લાનો વિસ્તાર : 19,130 ચોકિમી. અને વસ્તી 3,40,613 (2011) છે.  જિલ્લાની ઉત્તરે કર્નૂલ, પૂર્વમાં કડાપ્પા, અગ્નિ દિશામાં ચિત્તુર જિલ્લાની તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ કર્ણાટક રાજ્યની સરહદ આવેલી છે. આ જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ દખ્ખણના ઉચ્ચપ્રદેશનો ભાગ હોઈ ત્યાં ટેકરીઓ, મેદાનો અને થાળાં તેમજ જંગલો આવેલાં છે. અહીં જૂનથી સપ્ટેમ્બરના ગાળા દરમ્યાન પુષ્કળ વરસાદ પડે છે. ભારતનું મોટાભાગનું શંખજીરું (ટાલ્ક) આ જિલ્લામાંથી મળે છે. દેશમાં તેનો ખાતરો બનાવવામાં ઉપયોગ થાય છે તથા યુરોપમાં નિકાસ પણ કરવામાં આવે છે. કપાસ, કઠોળ, મગફળી અને જુવાર આ જિલ્લાના મુખ્ય કૃષિપાકો છે. અનંતપુર શહેર બૅંગ્લોરથી 190 કિમી. ઉત્તર તરફ હૈદરાબાદ-બૅંગલોર ધોરી માર્ગ પર આવેલું છે. મધ્યયુગીન વિજયનગર રાજ્યના દીવાને આ શહેર વસાવેલું અને તેમની પત્ની અનંદાના નામ પરથી શહેરને આ નામ આપેલું છે. અહીં વિનયન, વિજ્ઞાન અને ઇજનેરી કૉલેજો આવેલી છે.

હેમન્તકુમાર શાહ