અધ્યાત્મવાદ (સાંસ્કૃતિક માનવવિદ્યા)

January, 2001

અધ્યાત્મવાદ (સાંસ્કૃતિક માનવવિદ્યા) : અધ્યાત્મ એ દર્શનનું પ્રાથમિક રૂપ છે. સભ્યતાના વિકાસના પ્રારંભકાળમાં મનુષ્ય પાસે કોઈ ને કોઈ સ્વરૂપે દર્શન હતું. જીવન અને જગત પ્રત્યે કેટલાક વિશ્વાસો અને કેટલીક માન્યતાઓ મનુષ્ય ધરાવતો હતો. સાધનોનો અભાવ, જ્ઞાનની અલ્પતા અને વિકાસના પ્રથમ સોપાનની નિકટ હોઈને તે આ સમસ્યાઓ ઉપર ઊંડું ચિંતન કરી શકતો નહિ. આવું ચિંતન ખરેખર તો છેલ્લાં ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષોથી થવા લાગ્યું છે.

અધ્યાત્મનું પ્રાથમિક રૂપ આદિમ ધર્મભાવનામાં સમાયેલું છે. એ સમયે ધર્મ સામાજિક જીવનનું એક અવિભાજ્ય અંગ બન્યો હતો અને બધી વ્યક્તિઓ એની સાથે સંકળાયેલી હતી. એમાં લોકોત્તર દિવ્ય શક્તિઓના અસ્તિત્વમાં દૃઢ આસ્થા ધરાવવી એ મુખ્ય બાબત હતી. આ અલૌકિક શક્તિઓ અનેક લૌકિક ઘટનાઓની કર્તા, નિયામક અને સંચાલક છે. તેઓ પ્રસન્ન થઈને મનુષ્યને સુખ અને કુપિત થતાં કષ્ટ આપનારી છે, આથી તેમને પ્રસન્ન રાખવાના ઉપાયો કરતા રહેવામાં શ્રેય છે અને એ માટે આ શક્તિઓને તુષ્ટ અને પ્રસન્ન રાખવી એ વ્યાવહારિક ધર્મનું મુખ્ય કાર્ય છે એમ દૃઢપણે મનાવા લાગ્યું. આ નિમિત્તે વિવિધ કર્મકાંડો, સંસ્કારો, ઉત્સવો, અનુષ્ઠાનો અને યજ્ઞોનું આયોજન થયું. વળી સદનસીબ અને ઇષ્ટફળની પ્રાપ્તિ અર્થે પ્રાર્થના, બલિદાન, યજ્ઞ વગેરે કરવાં, પોતાના રક્ષણ માટે મંત્ર, તંત્ર, કવચ, તાંત્રિક વિધિઓ વગેરે કરવા એ પણ એમના કર્મકાંડનો ભાગ બન્યો. ગર્ભાધાન, જન્મ, મૃત્યુ, લગ્ન, રાજતિલક, યુદ્ધમાં વિજય વગેરે અવસરો અંગે વિશેષ અનુષ્ઠાનો થતાં. આ બધા બાહ્યોપચારની પાછળ ઉપરોક્ત આસ્થા કારણભૂત હતી. સમય જતાં આ મૂળભૂત આસ્થા કે માન્યતાને આધારે સામાજિક રીતરિવાજો, સંસ્કારો અને અન્ય કર્મકાંડો પ્રચલિત થયાં. ઉત્તરકાલમાં આ વિશ્વાસો દર્શન અને વિજ્ઞાન માટે પરીક્ષણનો વિષય બન્યા. આવા અધ્યાત્મપરક વિશ્વાસોના મૂળમાં રહેલ વિચારો જાણવા રસપ્રદ છે.

આ ગોચર જગત સિવાય એક અન્ય અગોચર જગત છે પણ આપણને એનો પત્તો લાગતો નથી. આ અગોચર જગત પડદા પાછળ છે, પરંતુ તે આપણા પ્રત્યક્ષ જગતથી બિલકુલ અલગ નથી. યોગ્ય સાધનોનો પ્રયોગ કરીને સાચે રસ્તે જવાથી તે ઇંદ્રિયાતીત જગતમાં પહોંચી શકાય છે. આ અદૃશ્ય જગત દૈવી શક્તિઓનું નિવાસસ્થાન છે. તે આપણી પાસે સહજપણે આવીને આપણા જીવનમાં ઇષ્ટ કે અનિષ્ટ ઘટિત કરી શકે છે. વાસ્તવમાં આ દૈવી શક્તિઓનું જગત ચિરંતન છે. મનુષ્યનું જગત એના પર નિર્ભર છે. દૈવી શક્તિઓ અસીમ સામર્થ્યયુક્ત છે. તેમની પૂજા કરવી અને તેમની આજ્ઞાનું પાલન કરવું એ મનુષ્યનું કર્તવ્ય છે. મૃત્યુ બાદ મનુષ્યનો આત્મા શેષ રહે છે અને તે આ દિવ્યલોકમાં જાય છે.  આ અને આવા વિશ્વાસોને અધ્યાત્મવાદ કે અધ્યાત્મવિદ્યા કહે છે. આવા વિશ્વાસોની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ એ અંગે કંઈ નિશ્ચિતપણે કહી શકાતું નથી.

આદિમ મનુષ્યની સમક્ષ પ્રકૃતિ પોતાનાં અનંત રૂપોમાં પ્રસરેલી હતી. સૂર્ય અને ચંદ્રની પ્રત્યક્ષતા, તેમનું ઊગવું અને આથમવું, અનંત ગ્રહ-નક્ષત્ર-તારાયુક્ત આકાશ, મેઘ, નદી, જંગલ, વનસ્પતિઓનું સુકાવું અને ફરીથી પાંગરવું, ઋતુચક્ર, વીજળી, પૂર, વાવાઝોડાં વગેરે બધાં તેને માટે રહસ્યરૂપ હતાં. વળી જન્મ અને મૃત્યુની ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં જીવનની અસહાયતા વરતાવી, આકસ્મિક વિપત્તિઓનું ડગલે ને પગલે ઊભાં થવું, આ અને બીજા પ્રકૃતિના વિવિધ વ્યાપારોની પાછળ દૈવી શક્તિઓ અને દેવતાઓ કારણભૂત હોય એવી કલ્પના કરવી એને માટે સ્વાભાવિક હતી.

દેવતાઓ અંગે તે માનતો કે દેવતાઓ શક્તિમાન તો છે પણ સાથોસાથ પવિત્ર અને પાવનકારી પણ છે. તેથી તેમના પ્રત્યે મનુષ્ય વિશેષ આદરભાવ ધરાવતો. પોતાના વ્યક્તિગત અનુભવને આધારે તે દૈવી શક્તિઓને ભીષણ કે મૈત્રીપૂર્ણ એમ બંને રીતે સમજતો હતો.

નૈતિકતાનું પાલન પણ તત્વતઃ દેવતાઓ સાથે સંકળાયેલું હતું. દૈવી શક્તિઓ શુભ અને મૈત્રીપૂર્ણ અવશ્ય છે પરંતુ તેમની સાથે નૈતિક આચરણ પરત્વે તેઓ ભારે કઠોર હોય છે. આદિમ મનુષ્યને પોતાની આ ધારણા અનુસાર પોતાના જીવનને વિવિધ નિગ્રહો, સંયમો અને વિધિનિષેધોનું પાલન કરવા બાધ્ય થયો અને એને અનુરૂપનો જીવનવ્યવહાર ગોઠવવો પડ્યો. અન્યથા દેવતાઓને પ્રસન્ન કરવા અશક્ય છે એમ માનતો. આ નૈતિક બંધનોએ મનુષ્યને સ્વેચ્છાચારી અને મુક્તભોગી બનતાં અટકાવ્યો. આમ દેવતાઓની તથાકથિત આજ્ઞાઓ અને વિધિનિષેધોને કારણે મનુષ્યે આત્મસંયમનો અભ્યાસ કરવો પડ્યો.

અધ્યાત્મની આ પ્રાચીન ધારાએ ઉદાત્ત અને ખુશહાલ અનુભૂતિઓને સંચિત કરી લીધી હતી. એમાં એણે પોતાના કર્મકાંડપરક ઉત્સાહને વિધાયકપણે અનેક ધારાઓમાં પ્રવાહિત કરીને તેના નૈતિક અને કલાત્મક સર્જનો, જેવાં કે મૂર્તિશિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય અને સંગીતના ઉત્કર્ષમાં કામે લગાડ્યો. બીજી બાજુ એ કર્મકાંડોથી પ્રેરિત થઈને એણે નકારાત્મકપણે ઉન્માદિત થઈ યુદ્ધલિપ્સા, કટ્ટરતા, આતંક અને માનવીય શક્તિના હ્રાસ અને અપવ્યય કરવામાં પ્રયોજ્યો.

આમ અધ્યાત્મવાદ આ પ્રકારની માનવતાનો વીતી ગયેલો ઇતિહાસ છે. આ વાદમાં અનેક ભ્રમ, મિથ્યા ધારણાઓ અને અંધવિશ્વાસો સમાયેલા હતા. વિજ્ઞાને પોતાના પ્રકાશ વડે અધ્યાત્મવાદની ઘણી ખરી ભ્રાંત માન્યતાઓની અવાસ્તવિકતા પ્રગટ કરી. આથી આજના જમાનામાં અધ્યાત્મવાદ તરફ સંદેહ, અવિશ્વાસ અને ક્યારેક તિરસ્કાર પણ દર્શાવાય છે. જોકે તેને સાવ ઉખાડી નાખવાથી માનવતા પોતાને જડથી ઉખડેલી અને  નૈતિક તેમજ આત્મિક રિક્તતા કે શૂન્યતા પામી રહી છે. માનવજાત સમક્ષ આવું સંકટ આ પૂર્વે ક્યારેય આવ્યું નથી.

અધ્યાત્મવાદે માનવના જીવનને વ્યાપક અને ઘનિષ્ઠપણે પ્રભાવિત કરેલ છે. સાહિત્ય, સંગીત, મૂર્તિકલા, સ્થાપત્ય, ચિત્રશિલ્પ – આ બધાં થોડેવધતે અંશે એનાથી પ્રભાવિત થયાં છે. સભ્યતા અને સંસ્કૃતિના વિકાસની સાથોસાથ જેમ જેમ ધર્મનો વિકાસ અને પરિષ્કાર થતો ગયો તેમ તેમ તેના પ્રભાવ અને અભિવ્યક્તિનાં વિશિષ્ટ રૂપો પણ પ્રગટ થતાં રહ્યાં છે. ભારત હજી સુધી અમુક હદ સુધી અધ્યાત્મપ્રવણ દેશ કહેવાય છે. તેના અતીતનું સાહિત્ય, સંગીત, નૃત્ય તેમજ અન્ય લલિતકલાઓ આધ્યાત્મિક વિશ્વાસોથી પ્રેરિત અને આધ્યાત્મિક શ્રેયસની સિદ્ધિ અર્થે પ્રણીત છે. કેવળ ભોગવાદી લેખકોએ પણ માનવજીવનનું ધ્યેય મોક્ષ કે મુક્તિનો સ્વીકાર કર્યો છે. જોકે દેશમાં હવે રાજકીય અને આર્થિક જીવન વિજ્ઞાનપરક થઈ રહ્યું છે તેમ છતાં અહીંની જનતા હજી પણ અધ્યાત્મપ્રવણ છે. એક તરફ અંધવિશ્વાસોથી પ્રેરિત થઈને સૂર્ય-ચંદ્ર ગ્રહણને અવસરે ત્રસ્તભાવ ધરાવવો અન પુણ્યઅર્જન નિમિત્તે દાન-પુણ્ય કરવાં અને વિશેષ જળાશયો કે નદીઓમાં સ્નાન કરવાં તેમજ વિશ્વશાંતિ માટે યજ્ઞોનું આયોજન કરવું અને બીજી બાજુ કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત, અહિંસા, સહિષ્ણુતા વગેરે પણ જન-માનસમાં અંગભૂત રહ્યાં છે તે વિસ્મયકારક છે.

પ્રવીણચંદ્ર પરીખ