અધિશોષણ-સૂચકો (adsorption-indicators) : અવક્ષેપન (precipitation) અનુમાપનમાં તુલ્યબિંદુ(equivalent point)એ અવક્ષેપ ઉપર અધિશોષિત થઈને તેને વિશિષ્ટ રંગ આપનાર સૂચકો. ફેજાન્સે સૌપ્રથમ 1923-24માં આ પ્રકારના સૂચકો દાખલ કર્યા. કલિલ પ્રણાલી(colloids)ના ગુણધર્મો ઉપર તેમની ક્રિયાવિધિનો આધાર છે.
ક્લોરાઇડના દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરતાં સિલ્વર ક્લોરાઇડ અવક્ષિપ્ત થાય છે, જે વધુ પ્રમાણમાં હાજર એવા ક્લોરાઇડ આયનોનું અધિશોષણ કરે છે. તેને પરિણામે પ્રાથમિક અધિશોષિત સ્તર મળે છે. આના ઉપર દ્વિતીયક અધિશોષણથી વિરુદ્ધ ભારવાળા આયનો જોડાય છે. તુલ્યબિંદુએ પહોંચતાં સિલ્વર આયનનું પ્રમાણ વધતાં Ag+નું પ્રાથમિક અધિશોષણ થાય છે, જ્યારે નાઇટ્રેટ આયનો દ્વિતીયક અધિશોષણથી જોડાય છે. આ સમયે જો સૂચક તરીકે ફ્લુઅરેસીન ઉમેરેલું હોય તો નાઇટ્રેટના બદલે ઋણભારવાહી ફ્લુઅરેસીન આયનનું વધુ તીવ્રતાથી અધિશોષણ થાય છે અને પોતાની હાજરી સિલ્વર ફ્લુઅરેસીનેટ સંકીર્ણના ગુલાબી રંગ વડે દર્શાવે છે. લુઅરેસીનના દ્રાવણનો રંગ લીલાશપડતો પીળો હોય છે. અધિશોષિત ફ્લુઅરેસીન આયનનો પુનર્વિન્યાસ થતાં ગુલાબી રંગ ઉત્પન્ન થાય છે. આમ અવક્ષેપનો ગુલાબી રંગ તુલ્યબિંદુ આવી ગયાની નિશાની છે. તુલ્યબિંદુ સારી રીતે પરખાય તે માટે દ્રાવણમાં ડેક્સ્ટ્રીન ઉમેરાય છે. વળી દ્રાવણમાં દ્વિ કે ત્રિ-સંયોજક ધન આયનો ગેરહાજર હોય તે જરૂરી છે. સિલ્વર હેલાઇડ પ્રકાશસક્રિય હોઈ અનુમાપન આછા પ્રકાશમાં કરવું જરૂરી છે. વળી હેલાઇડ આયનોની સાંદ્રતા બહુ વધારે તેમજ બહુ ઓછી ન હોય તે પણ જરૂરી છે.
સૂચકની પસંદગીમાં નીચેની બાબત ધ્યાનમાં લેવાય છે : (1) અવક્ષેપ કલિલ રૂપે છૂટો પડવો જોઈએ. (2) સૂચક આયનનો વીજભાર અવક્ષેપન માટે વપરાતા આયન(દા.ત., Ag+)થી વિરુદ્ધ પ્રકારનો હોવો જરૂરી છે. (3) પૂર્ણ અવક્ષેપન થયા પછી જ સૂચક આયનનું અવક્ષેપન ઉપર અધિશોષણ થાય તે જરૂરી છે.
અધિશોષણ-સૂચકો સામાન્ય રીતે ઍસિડ રંગકોના સોડિયમ ક્ષારરૂપ (દા.ત., ફ્લુઅરેસીનનો સોડિયમ ક્ષાર) અથવા બેઝિક રંગકના ક્લોરાઇડ ક્ષારરૂપ (દા.ત., રહોડેમાઇન 6G, હાઇડ્રોક્લોરાઇડ) હોય છે. અગત્યનાં સૂચકો નીચે પ્રમાણે છે. જે આયનોના અનુમાપનમાં આ સૂચકો ઉપયોગી છે તે આયનો કૌંસમાં દર્શાવ્યા છે.
ફ્લુઅરેસીન (હેલોજન, SCN–, Ag+)
ડાયક્લોરોફ્લુઅરેસીન (હેલોજન, SCN–, Ag+)
ટેટ્રાબ્રોમોફ્લુઅરેસીન (ઇઓસીન) (Br–, I–, SCN–, Ag+)
રહોડેમાઇન 6G (Ag+, Br–)
જ. ચં. વોરા
પ્રહલાદ બે. પટેલ