અદ્ભુતાનંદજી (જ. 1847, પાડગોલ, તા. પેટલાદ; અ. 1947, મહેલોલ, તા. ગોધરા) : વૈદિક પરંપરાના પ્રસિદ્ધ સંન્યાસી. બ્રાહ્મણ પરિવારમાં જન્મ, પૂર્વાશ્રમનું નામ ભોળાનાથ, પિતા ગૌરીશંકર અને માતા યમુનાગૌરી. અભ્યાસ ચાર ગુજરાતી ચોપડી. ગોવિંદલાલ ગોસાંઈ પાસે શ્રીમદભાગવતનું અધ્યયન, વૈદિક કર્મકાંડનો પણ અભ્યાસ કરેલો. ભાઈઓ સાથેના કુટુંબકલેશથી કંટાળી 50 વર્ષે વાનપ્રસ્થ ગ્રહણ કર્યું અને પત્નીની અનુમતિ મળતાં આબુ-અચલેશ્વરના વાલ્મિકિ આશ્રમના મહાત્મા વિજયાનંદજી પાસે સંન્યાસની દીક્ષા લીધી, અને અદભુતાનંદ નામ પામ્યા. અગિયાર ઉપનિષદો અને ચારેય વેદોનું ગુરુ પાસે રહી સાંગોપાંગ અધ્યયન કર્યું. ગુરુની અનુમતિ મળતાં ચારે ધામ યાત્રા કરી અને યદૃચ્છાવિચરણ કરતા થયા. પંજાબી પરમહંસ નારાયણસ્વામી સાથે અમેરિકા પણ જઈ આવ્યા. વાડાશિનોર, નડિયાદ વગેરે સ્થળોએ જ્યાં જ્યાં ભગવદવૃત્તિ દેખાય ત્યાં વિચરણ કરતા. ગુજરાત અને કચ્છમાં વ્યાપક પરિભ્રમણ કર્યું. આ દરમિયાન તેઓ મુમુક્ષુઓ અને જિજ્ઞાસુઓના અધિકાર પ્રમાણે વેદધર્માનુસાર કર્મ, ઉપાસના અને આત્મજ્ઞાનનો બોધ આપતા. 100 વર્ષ જેટલું દીર્ઘ આયુષ્ય ભોગવી બ્રહ્મનિર્વાણ પામ્યા. તેમનું સમાધિસ્થાન મહેલોલ(તા. ગોધરા)માં આવેલું છે.
‘અદભુત’ નામ છાપથી તેમણે પદ-ભજનો લખ્યાં છે તેમજ તેમના ગદ્ય-અંશો પણ પ્રાપ્ત થાય છે. તેમની વાણી ‘શ્રી અદભુતાનુભવપ્રકાશ’ નામે પ્રગટ થઈ છે. આ ગ્રંથમાં તેમના આધ્યાત્મિક વિચારો અને તેમની ઉપદેશોની આચારપદ્ધતિ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે.
તેમને મતે સંસારરૂપી સમુદ્ર તરવો મહાકઠણ છે, પણ જ્ઞાની માટે તે સુલભ છે. ‘અહં અને મમ’નો ત્યાગ કરી ‘હું અને મારું’ ને બદલે ‘તું અને તારું’ એ પ્રમાણે પરમાત્માપરાયણ જીવન જીવવામાં આવે તો મોક્ષ સહજ છે. ઉપાસનાથી ચિત્તશુદ્ધિ થાય છે અને તેથી જ્ઞાનના અધિકારી થવાય છે પણ આત્મજ્ઞાન વિના મોક્ષ પ્રાપ્ત થતો નથી. આ માટેની સાધનસીડી સમજાવતાં તેઓ કહે છે કે આરોહણ રીતે, પ્રથમ ગુરુની વદવિધિ (ગુરુનાં વચનો ગ્રહણ કરવાં), વદવિધિથી પ્રશ્નો કરવાની વિધિ, પ્રશ્નોથી કારણો સમજવાનો વિધિ, કારણોથી અસંશયી થવાપણું, અસંશયી થવાથી સર્વજ્ઞપણું, સર્વજ્ઞતાથી બ્રહ્મ સ્વરૂપ થવાપણું અને બ્રહ્મસ્વરૂપ થવાથી બ્રહ્મનંદની પ્રાપ્તિ થાય છે.
પ્રવીણચંદ્ર પરીખ