અદ્વૈતવાદ : દર્શનમાં સત્(સત્તા)ની તપાસ તરવામાં આવે છે. અને સતને જ ‘તત્વ’ કે ‘પદાર્થ’ કહે છે. ક્યારેક એને અંતિમ સત્તા કે સત્ય અને પરમ તત્વ કહે છે. આ સતનું અસ્તિત્વ છે કે નથી ? તે એક છે કે અનેક છે ? તે સ્થૂળ છે કે સૂક્ષ્મ છે ? વગેરે પ્રશ્નો પર વિચાર થયો છે, પરિણામે અનેક ‘વાદ’ ઊભા થયા છે. જે લોકો સતને એક માને છે તેઓ એકત્વવાદી છે અને જે સતને અનેક માને છે તેઓ અનેકવાદી, બહુત્વવાદી કહેવાય છે. બહુત્વવાદીઓને જ દ્વૈતવાદી કહેવામાં આવે છે. અદ્વૈતવાદી આ બધાથી ભિન્ન છે. તેઓ સતને ન તો એક માને છે અને ન અનેક માને છે. તેઓ તેને અગમ, અગોચર, અચિંત્ય, અલક્ષણ તેમજ અનિર્વચનીય માને છે. તેમને અદ્વૈતવાદી કહેવાનું કારણ એ છે કે તેઓ દ્વૈતવાદનું ખંડન કરે છે. આ ખંડનાત્મકતાને લઈને કેટલાક તેમને એકત્વવાદી માને છે પરંતુ દાર્શનિક દૃષ્ટિએ અદ્વૈતવાદ એકત્વવાદથી ભિન્ન છે. જોકે એકત્વવાદમાંથી જ અદ્વૈતવાદ પ્રગટ્યો છે અને તે એની નિકટનો પણ છે પરંતુ અદ્વૈત સતનું વર્ણન એક, બે વગેરે સંખ્યાથી થઈ શકે નહીં. અગમ તત્વને સંખ્યાના માળખામાં મૂકી ન શકાય. ‘નેતિ-નેતિ’ વગેરે શબ્દોથી જ વાસ્તવિક વર્ણન થઈ શકે.

પ્રવીણચંદ્ર પરીખ