અત્રંજી ખેડા : આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક કાળનો સંસ્કૃતિદર્શક ટીંબો. તે ઉત્તરપ્રદેશના ઇટાવાથી 16 કિમી. ઉત્તરે કાળી નદીના જમણા કાંઠે આવેલો છે. તે 1,200 × 400 × 6થી 12 મીટર માપનો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રો. નૂરુલ હસન અને પ્રો. ગૌર દ્વારા 1961થી 1967 સુધી ઉત્ખનિત. તેના કુલ છ સાંસ્કૃતિક તબક્કાઓ નીચે મુજબ છે.

  1. ઓ. સી. પી. સંસ્કૃતિ (ochre coloured pottery) : ઈ. પૂ. 2000થી ઈ. પૂ. 1900નો અંતકાળ. સંભવત: દોઆબના મૂળ લોકોનાં ચિતરામણવાળાં ગેરુરંગી વાસણોનો તબક્કો. ચૉળી, ચોખા, જવ, ચણાની ખેતી થતી. હડપ્પીય સંસ્કૃતિ સાથે સંબંધ. બાંધેલા મકાનની ગેરહાજરી.
  2. બ્લૅક ઍન્ડ રેડવેર સંસ્કૃતિ : ઓ. સી. પી. પછીનો સમયગાળો. અકીક, ચાલ્સડોનીનાં ઓજારો, તાંબાનો મર્યાદિત ઉપયોગ.
  3. પી. જી. ડબલ્યુ સંસ્કૃતિ (painted grey ware) : ઈ. પૂ. 1200થી ઈ. પૂ. 600. ચિત્રિત ભૂખરાં વાસણોની, આર્યો સાથે સંકળાયેલી સંસ્કૃતિ. અગાઉનાં પથ્થરનાં ઓજારો બંધ થઈ લોખંડનાં ઓજારો-હથિયારોની શરૂઆત. તાંબા તથા હાડકાનાં ઓજારો, હથિયારો પણ ખરાં. અર્ધગોળ ચૂલા અને અગ્નિસ્થળોની હાજરી. પૂરથી નાશ.
  4. એન. બી. પી. સંસ્કૃતિ (northern black-polished ware) : ઈ. પૂ. 600થી ઈ. પૂ. 200. એન. બી. પી.વાળો પ્રાચીન ઐતિહાસિક કાળ. શહેરીકરણની શરૂઆત. લોખંડનો વપરાશ ચાલુ. અન્ય સ્થળે ‘પંચમાર્ક’ સિક્કાની હસ્તી.
  5. શુંગ કુશાણ કાળ : ઈ. પૂ. 200થી ઈ. 300. લોખંડની અનેકવિધ ચીજો. બીબાઢાળ સિંહાકૃતિ. ગુપ્તકાળની ગેરહાજરી. ઘણો સમય ઉજ્જડ રહ્યું.
  6. મધ્યકાલીન ઐતિહાસિક કાળ : ઈ. 1200થી ઈ. 1500. મુસ્લિમ કાળની શરૂઆત. ઓપયુક્ત રેતિયાં વાસણો. અનુઓપયુક્તકાળમાં તાંબાની અનેક ચીજોની હસ્તી. પૂરથી નાશ.

સુમનબહેન પંડ્યા