અડવાણી, પંકજ (24 જુલાઈ 1985, પુણે, મહારાષ્ટ્ર) : ભારતનો બિલિયર્ડ અને સ્નૂકરનો શ્રેષ્ઠ ખેલાડી.

આંતરરાષ્ટ્રીય બિલિયર્ડ અને સ્નૂકર ફેડરેશનનો 17 વખત વિશ્વ ચૅમ્પિયન બનેલ પંકજ અડવાણી શરૂઆતનાં થોડાંક વર્ષ કુવૈતમાં કુટુંબ સાથે રહેલ. ત્યારબાદ પંકજનું કુટુંબ બૅંગાલુરુ રહેવા આવી ગયું. પંકજે પ્રાથમિક શિક્ષણ બૅંગાલુરુની ફ્રેંક એન્થની સરકારી શાળામાંથી લીધું ત્યારબાદ ભગવાન મહાવીર જૈન કૉલેજમાંથી બી.કૉમ.ની ડિગ્રી મેળવી.

માત્ર 10 વર્ષની ઉંમરે સ્નૂકરના ભૂતપૂર્વ ભારતીય ચૅમ્પિયન અરવિંદ સવુરની દેખરેખ હેઠળ સ્નૂકરની તાલીમ શરૂ કરી. પોતાના મોટા ભાઈ ડૉ. શ્રી અડવાણીની સહાયથી અને પોતાના ગુરુની દેખરેખથી માત્ર 11 વર્ષની વયે જ તેણે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ મેળવવાની શરૂઆત કરી અને માત્ર 15 વર્ષની વયે વર્ષ 2000માં તેણે જુનિયર બિલિયર્ડ ચૅમ્પિયનશિપ મેળવી. ત્યારબાદ 2001 અને 2003માં પણ ચૅમ્પિયનશિપ   મેળવી. એટલું જ નહીં 2003માં તો તેણે સ્નૂકરમાં સિનિયર ચૅમ્પિયનશિપ પણ જીતી લીધી. માત્ર 17 વર્ષની વયે આવી સિદ્ધિ મેળવનાર તે ભારતનો સૌથી યુવાન રાષ્ટ્રીય ચૅમ્પિયન બન્યો.

1999માં ઇંગ્લૅન્ડમાં વિશ્વ બિલિયર્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પદાર્પણ કર્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌપ્રથમ 2005માં માલ્ટામાં યોજાયેલ વિશ્વ બિલિયર્ડ ચૅમ્પિયનશિપમાં પંકજે ગ્રાન્ડ ડબલ્સ મેળવ્યું. આમ કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો. ત્યારબાદ તો તેણે બીજી ત્રણ વખત વર્ષ 2008માં બૅંગાલુરુમાં, 2014માં ઇંગ્લૅન્ડમાં અને 2018માં માનમ્યારમાં પણ ગ્રાન્ડ ડબલ્સ સ્પર્ધા જીતી. પંકજ ભારતનો પ્રથમ ખેલાડી બન્યો જેણે સ્નૂકર અને બિલિયર્ડ એમ બંને રમતમાં ઍમેચ્યૉર વિશ્વ ટાઇટલ મેળવ્યું હોય.

એપ્રિલ, 2012માં ગોવામાં આયોજિત એશિયન બિલિયર્ડ ચૅમ્પિયનશિપમાં વિજેતા બની પંકજ એશિયાનો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ ચૅમ્પિયનશિપમાં પાંચ વખત વિજય મેળવ્યો હોય.

દર વર્ષે સતત વિજેતા બનતા પંકજ અડવાણીએ 2 ફેબ્રુઆરી, 2017ના રોજ પૂનામાં પી.વાય.સી. હિંદુ જિમખાના ખાતે રમી પોતાની 29મી રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. આમ અત્યાર સુધી(વર્ષ 2017)માં તેણે કુલ 60 ટાઇટલ જીત્યાં, જે પૈકી 19 વિશ્વખિતાબ, 8 એશિયન, 2 એશિયન ગેઇમ્સ, 1 ઑસ્ટ્રેલિયન ઓપન અને 30 રાષ્ટ્રીય મેળવ્યા.

સ્નૂકર તરીકેની કારકિર્દી જોઈએ તો માત્ર 18 વર્ષની વયે 25 ઑક્ટોબર, 2003માં ચીનમાં આયોજિત વિશ્વ ઍમેચ્યૉર સ્નૂકર ચૅમ્પિયનશિપમાં ભાગ લઈ પોતાની આંતરરાષ્ટ્રીય સ્નૂકર સ્પર્ધામાં શરૂઆત કરનાર પંકજે આ જ વર્ષે ટાઇટલ જીતી ભારતનો સૌથી યુવાન ટાઇટલવિજેતા બન્યો. ત્યારથી 2019 સુધીમાં સ્નૂકરમાં પણ દરેક સ્પર્ધાઓમાં જ્વલંત સફળતા મેળવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, સાથે એશિયન ગેઇમ્સમાં પણ 2006માં દોહા ખાતે અને 2010માં ગુંગઝૂ ખાતે એમ બે વખત ગોલ્ડમેડલ પણ મેળવ્યા. 9 વખત બિલિયર્ડ અને 4 વખત સ્નૂકરમાં એમ કુલ 13 વખત તેણે એશિયન ટાઇટલ્સ પણ જીત્યાં છે તો રાષ્ટ્રીય કક્ષાએ પણ જુનિયર કક્ષાએ સાત અને સિનિયર કક્ષાએ 10 એમ 17 ટાઇટલ બિલિયર્ડમાં અને સ્નૂકરમાં પણ જુનિયર કક્ષાએ ચાર અને સિનિયર કક્ષાએ 13 ટાઇટલ્સ મેળવ્યાં છે.

પંકજ અડવાણીની આવી અદભુત સિદ્ધિઓની પ્રશંસા કરતાં ભારત સરકારે 2009માં પદ્મશ્રી અને 2018માં પદ્મભૂષણથી તેમનું સન્માન કર્યું છે. આ ઉપરાંત 2004માં અર્જુન ઍવૉર્ડ અને 2006માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન ઍવૉર્ડ પણ મેળવ્યા છે. કર્ણાટક સરકારે પણ તેમને રાજ્યોત્સવ પ્રશસ્તિ, કેમ્પેગોડા ઍવૉર્ડ, એકલવ્ય ઍવૉર્ડ વગેરેથી સન્માનિત કર્યા છે. આ સિવાય પણ બીજાં અનેક સન્માનો મેળવનાર પંકજ અડવાણી માત્ર ભારતના જ નહીં, પરંતુ વિશ્વના શ્રેષ્ઠ બિલિયર્ડ અને સ્નૂકર ખેલાડી તરીકે હંમેશાં આવનાર પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે.

જગદીશ શાહ