અડવાણી, ભેરુમલ મહેરચંદ

January, 2001

અડવાણી, ભેરુમલ મહેરચંદ (જ. 1875, હૈદરાબાદ–સિંધ; અ. 7 જુલાઈ 1950, પુણે) : સિંધી સાહિત્યના બહુમુખી પ્રતિભાવાળા લેખક, વિદ્વાન અને ઇતિહાસકાર. સિંધી ગદ્યસાહિત્યના મુખ્ય સ્તંભોમાંના એક. કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ અને બાળસાહિત્ય — એમ લગભગ બધા જ સાહિત્યપ્રકારોમાં તેમણે બહુમૂલ્ય યોગદાન આપેલ; તેમ છતાં ઇતિહાસ, ભાષાવિજ્ઞાન અને સંશોધનક્ષેત્રે કાર્ય કર્યું તે વધારે ઉલ્લેખનીય.

ભેરુમલનાં આશરે 50 જેટલાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે, જેમાં વિશેષ છે સિંધ, સિંધી ભાષા, સિંધી લોકો, સિંધી સંસ્કૃતિ, ઇતિહાસ અને ભૂગોળ વિશેનાં તથા સિંધ પ્રાંતનાં વિવિધ ક્ષેત્રો વિશેના પ્રવાસ જેવા વિષયો પર લખેલાં પુસ્તકો : ‘ગરીબ અલલુગાત’ (1907), ‘આમલન જો અહેવાલ’ (1919), ‘સિંધ જો સૈલાની’ (1923), ‘સિંધી બોલી’ (1925), ‘વડો સિંધી વ્યાકરણ’ (1925), ‘ગુલકંદ’ (1928), ‘સિંધી બોલીઅ જી તારીખ’ (1941), ‘હિન્દુન જૂં રીતિયૂં રસ્મૂં’, ‘સિંધ જે હિન્દુન જી તારીખ’ (બે ભાગમાં1946, 1947), ‘કદીમ સિંધ’ (બે ભાગમાં –1957) વગેરે. આ કૃતિઓ એમની મહેનત, કુશળતા, સૂઝ અને વિદ્વત્તાનાં ઉલ્લેખનીય ઉદાહરણો છે. એમની અન્ય કૃતિઓમાં કથાસાહિત્યની કૃતિઓ : ‘આનંદ સુંદરિકા’ (1910), ‘પ્રેમ જો મહાતમ’ (1914), ‘વરિયલ ઐ નયમત’ (1915), ‘મોહિનીબાઈ’ (1917) અને નાટ્યકૃતિઓ : ‘દુરુ ભગત’ (1919), ‘બઝાઝિયુન જો નાટક’ (1921), ‘મુરિસ જી મુરિસી’ (1925) તથા ‘પંગતી મુકદ્દમો’ (1927) પણ મહત્ત્વપૂર્ણ છે. એમણે ગદ્ય અને પદ્યની કૃતિઓના કેટલાક સંગ્રહોનું સંપાદન પણ કર્યું છે; જેમાં વિશેષત: ‘ગુલઝાર નઝ્મ’ (1909), ‘ગુલઝાર નસ્ર’ (1929) અને ‘હીરે જૂં કણિયૂં’(1929)નો સમાવેશ થાય છે.

ભેરુમલ અડવાણી

તેઓ 20 વર્ષની ઉંમરે સૉલ્ટ એક્સાઇઝ ખાતામાં નોકરીમાં જોડાયા. નોકરી દરમિયાન એમને સિંધના જુદા જુદા પ્રદેશોમાં ફરવાનો અવસર મળ્યો તેથી સિંધના લોકોની રહેણીકરણી તથા તેની ભૌગોલિક સ્થિતિથી વાકેફ થયા. 1924માં તેઓ સરકારી નોકરી છોડીને ડી. જે. સિંધ કૉલેજમાં વ્યાખ્યાતા થયા અને 1937 સુધી સિંધી વિષયનું અધ્યાપન કર્યું. 1940માં સિંધ સરકારે સિંધી સાહિત્ય માટે કેન્દ્રીય સલાહકાર બોર્ડની રચના કરી ત્યારે ભેરુમલને તેના સભ્ય તરીકે લેવામાં આવ્યા.

સિંધના શિક્ષણવિભાગ માટે એમણે પાઠ્યપુસ્તકો પણ તૈયાર કર્યાં, જેમાં ગદ્ય-પદ્યના સોએક પાઠ એમણે જાતે લખ્યા હતા. પાઠ્યપુસ્તક-નિર્માણના શરૂઆતના તબક્કામાં એમનું આ કામ ખૂબ જ નોંધપાત્ર રહ્યું. વીસમી સદીના પ્રથમ દશકથી તેઓ આ કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરતા રહેલા.

અનુવાદક્ષેત્રે પણ એમણે સુંદર કામ કર્યું છે. અનુવાદોમાં એચ. બી. સ્ટવની નવલકથા ‘અંકલ ટૉમ્સ કૅબિન’નો અનુવાદ ‘ગોલન જા ગૂંદર’ (1852), સર વૉલ્ટર સ્કૉટના નાટક ‘ટૅલિસ્મન’નો અનુવાદ ‘તિલ્સિમ’ (1891), શેક્સપિયરના ઐતિહાસિક નાટક ‘કિંગ જૉન’નો અનુવાદ ‘હિરસ જો શિકાર’ તથા રવીન્દ્રનાથ ટાગોરના નાટક ‘પોસ્ટઑફિસ’નો અનુવાદ ‘આઝાદીઅ જી કોડી’ (1938) મુખ્ય છે. એમની આ કૃતિઓ અસરકારક રજૂઆત અને સુંદર શૈલીના કારણે મૂળ કૃતિઓ જેવો સ્વાદ આપે છે.

ભેરુમલે સંશોધન, ભાષાવિજ્ઞાન અને ઇતિહાસ જેવા શુષ્ક વિષયોને પોતાની સહજ, સરળ અને સુગ્રથિત ભાષામાં પ્રસ્તુત કર્યા છે. તે એમની વિદ્વત્તાનું સુંદર પ્રમાણ છે.

હુંદરાજ બલવાણી

જયંત રેલવાણી