અડદ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલા પૅપિલિઓનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna mungo (Linn.) Hepper; syn. Phaseolus radiatus Roxb., non Linn.; syn. P. mungo Linn.; non Roxb & auct. (સં. माष, હિં. उडद, उरद; ગુ. અડદ; અં. બ્લૅક ગ્રામ.) છે અને તેને ગુજરાતી નામ મગ સાથે કાંઈ સંબંધ નથી.

ફણસી, સોયાબીન, મગ, મઠ, વાલ, વટાણા, કળથી, વાલોળ, ચોળા, મેથી, મગફળી, તુવેર, ચણા, ચણોઠી, કૌંચા વગેરે તેના ઉપકુળના સહસભ્યો છે.

અડદ વગેરે કઠોળને Vigna નામની નવી અલગ જાતિમાં તાજેતરમાં મૂકેલાં છે. તે અગ્રિમતાના નિયમ (rule of priority) પ્રમાણે યથાર્થ છે.

અડદના છોડ આશરે 1થી 1.5 મી. ઊંચા હોય છે. ચોમાસું ઊતરતાં તેને શિંગો બેસે છે. સંયુક્ત ત્રિપંજાકાર પર્ણો અને પતંગિયાંના આકારનાં પુષ્પો તેને હોય છે. અડદ એ બીજ છે. તેને દળતાં બે સફેદ દાળ અથવા ફાટ દરેક કઠોળની માફક થાય છે. Vigna જાતિના બધા સભ્યો સાવ જુદા જુદા પ્રકારનાં પ્રોટીનો ધરાવે છે. અડદના બીજનું બાહ્ય બીજાવરણ કાળું હોવાથી તેને black gram કહેલ છે.

અડદનું વાવેતર મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, પ. બંગાળ, આંધ્રપ્રદેશ તથા કર્ણાટકમાં મોટા પ્રમાણમાં થાય છે. ભારત બહાર અડદ ઈરાન, મલેશિયા, પૂર્વ આફ્રિકા, ગ્રીસ વગેરે દેશોમાં પણ વવાય છે. ગુજરાતમાં સૂરત, વલસાડ અને પંચમહાલ જિલ્લાઓમાં અડદનું વાવેતર થાય છે. અડદનું વાવેતર જૂન-જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. અમુક પ્રમાણમાં તે રવિપાક તરીકે પણ લેવાય છે. સામાન્ય રીતે 80થી 90 દિવસમાં પાક તૈયાર થાય છે. અડદના પાક માટે પાણી શોષનારી જમીન વધુ યોગ્ય ગણાય છે, જોકે બેસર, મધ્યમ કાળી અને ગોરાડુ પ્રકારની જમીન પણ યોગ્ય ગણાય છે. અડદનું ઉત્પાદન ગરમ તથા સમુદ્ર-સપાટીથી 1,800 મી. ઊંચા ઠંડા પ્રદેશમાં પણ થઈ શકે છે. ડુંગરાળ તથા ભેજવાળી જમીન પણ અડદ માટે અનુકૂળ હોય છે. પ્રતિ હેક્ટરે 5,000થી 6,000 કિગ્રા. છાણિયું ખાતર અને 35થી 50 કિગ્રા. ફૉસ્ફરસ તથા 25થી 50 કિગ્રા. નાઇટ્રોજન મળી શકે તેટલું રાસાયણિક ખાતર તેમાં નાખવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ જમીનમાં હેક્ટર દીઠ 10થી 12 કિગ્રા. બિયારણ વવાય છે. બે ચાસ વચ્ચે 30 સેમી. અને બે છોડ વચ્ચે 10 સેમી. જેટલું અંતર રખાય છે. અડદની સુધારેલી જાતોમાં ઝાન્ડેવાલ, G.75 અને T.9 જાણીતી છે. અડદનું વાવેતર સ્વતંત્ર રીતે અથવા કપાસ, મકાઈ, જુવાર તથા બાજરીના પાક સાથે મિશ્ર પાક તરીકે પણ કરી શકાય છે.

શિંગ કાળા રંગની થાય કે તુરત જ તેને લણવામાં આવે છે. તે પછી સૂકવવામાં આવે છે. આ રીતે સૂકાયેલ શિંગ ઝૂડીને કે ઉપર બળદ ચલાવીને અડદના દાણા અને ભૂસું અલગ કરવામાં આવે છે. પ્રતિ હેક્ટર અડદના દાણા 500થી 750 કિગ્રા. તથા ભૂસું 1,500થી 1,600 કિગ્રા. મળે છે. ભૂસું ઢોરના ખોરાક તરીકે વપરાય છે. અડદમાં પ્રોટીનનું પ્રમાણ (23થી 24%) સોયાબીનથી બીજા ક્રમમાં ગણાય. અડદમાં ફૉસ્ફરસ તથા વિટામિન A, B અને C હોય છે. અડદ પૌષ્ટિક ખોરાક છે. તે દાળ તરીકે તથા બીજાં ધાન્યો સાથે મિશ્રણ રૂપે (રોટલા, ભાખરી, ઇડલી, ઢોંસા, વગેરે) વપરાય છે. તેની પાપડ, વડી તથા અડદિયાપાક જેવી બનાવટો પણ જાણીતી છે.

આયુર્વેદ પ્રમાણે અડદ દુગ્ધવર્ધક, વાજીકર, મૂત્રલ છે. તે સંધિવા અને પક્ષાઘાતમાં ઉપયોગી છે.

અડદના રોગો :

  1. અડદનો એન્થ્રેકનોઝ (પાનનાં ટપકાંનો રોગ) : આ રોગ ગ્લોમેરેલા લીન્ડમુથિયેના શીયર ફૂગથી થાય છે. પીળી કિનારીથી ઘેરાયેલા રતાશ કે લાલાશ પડતાં પાન ઉપર ઘેરા રંગનાં કેન્દ્રવાળાં ટપકાં પડે છે. ઘણાં ટપકાં ભેગાં થઈ પાન ઉપર અનિયમિત આકારનો સુકારો જોવા મળે છે. આવાં ટપકાં તેની શિંગ ઉપર જુદાં જ તરી આવે છે. મૂળ સિવાયના દરેક ભાગ ઉપર ઘેરાં કથ્થાઈ કે રતાશ પડતાં ચાઠાં જોવા મળે છે. આવાં લક્ષણો ચોળા અને મગ ઉપર પણ જોવા મળે છે. રોગયુક્ત વિસ્તારનું બિયારણ, પ્રતિવર્ષ માત્ર અડદનો જ પાક, કઠોળ વર્ગના સહયજમાન પાક, ગરમ અને ભેજવાળું વાતાવરણ આ રોગનાં ઉત્પાદક બળો છે.

ઉપાયો : બિયારણને ફૂગનાશક દવાની માવજત, કાર્બન્ડાઝીમ અથવા તાંબાયુક્ત દવા રોગ દેખાય કે તુરત જ છાંટવી જરૂરી ગણાય.

  1. કૃમિ (અડદના ગંઠવા, કૃમિ) : અડદના આ રોગનું કારણ મેલોઇડોગાઇન (meloidogyne spp) પ્રકારના કૃમિ છે. આ કૃમિ મૂળમાં અનેકવિધ નાનીમોટી વિકૃતગાંઠ પેદા કરે છે. વિકાસ રૂંધાતાં છોડ વામણો, નિસ્તેજ અને નબળો પડે છે. તેનાં ટોચનાં પાન પીળાં પડી જાય છે. પ્રતિવર્ષ એકનો એક જ પાક તથા સહયજમાન કઠોળ તેમજ શાકભાજીના પાકો આ રોગનાં કારણો છે.

ઉપાયો : ધાન્ય પાકો સાથે પાકની ફેરબદલી તથા સેન્દ્રિય ખાતરોનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

  1. પાનનાં ટપકાંનો રોગ (Cercospora leaf spot) : અડદમાં સરકોસ્પોરા ક્રુએન્ટા (Cercospora cruenta Sacc) નામની ફૂગથી આ રોગ થાય છે. ચોમાસાની ઋતુના પાછળના સમય દરમ્યાન પાનની નીચેની સપાટીએ ભૂખરા રંગનો છૂટક છૂટક ઉગાવો જોવા મળે છે, જ્યારે ઉપરની સપાટી આછી પીળી થાય છે. સામાન્ય ઠંડું અને ભેજવાળું વાતાવરણ આ રોગનું જનક ગણાય છે.

ઉપાયો : રોગની શરૂઆતમાં 0.05%ના દરે કાર્બન્ડાઝીમનો છંટકાવ કરવામાં આવે છે.

  1. મૂળનો કોહવારો : આ રોગ માટે મેક્રોફોમીના ફેજીયોલાઈ (Macrophomina pheseoli, Maubl Ashby) નામની ફૂગ જવાબદાર છે. છોડના મૂળ ઉપર જ રોગનાં લક્ષણો જોવા મળે છે. તે કાળું પડીને તેના રેસા છુટ્ટા પડી જાય છે. છોડ એકાએક ચીમળાઈને સુકાઈ જાય છે અને જલદીથી બહાર ખેંચાઈ આવે છે.

ઉપાયો : સેન્દ્રિય ખાતરનો બહોળો ઉપયોગ કરાય છે. અતિશય પાણી તથા પાણીની ખેંચ પણ ટાળવી પડે છે.

  1. જીવાણુથી થતો સુકારો (bacterial blight) : આ રોગ માટે ઝેન્થોમોનાસ કેમ્પેસ્ટ્રીસ ઉપજાતિ ફેજીયોલાઇ નામના જીવાણુ જવાબદાર છે. આ રોગમાં પાન ઉપર તેમજ કોઈક વખત શિંગ ઉપર થોડાં ખાડાવાળાં અને પીળી કિનારીથી ઘેરાયેલાં ચાઠાં પડે છે. ટપકાંની સંખ્યા અને કદ વધતાં પાન વાંકુંચૂકું થઈ સુકાઈ જાય છે અને ખરી પડે છે. રોગગ્રાહ્ય બીજની જાત તથા પ્રતિવર્ષ અડદનો જ પાક રોગનું કારણ બને છે.

ઉપાયો : વાવતાં પહેલાં બીજની માવજત, રોગની શરૂઆતમાં તાંબાયુક્ત દવાનો છંટકાવ તથા પાકની ફેરબદલી આ રોગના મુખ્ય ઉપાયો છે.

  1. પચરંગિયો (અડદનો યલો મોઝેક) : આ રોગ માટે યલોબીન મોઝેક વાઇરસ2 જવાબદાર છે. આ રોગમાં પાન ઉપર અનિયમિત આકારનાં પીળાં અને ઘાટાં લીલા રંગનાં ચિત્ર-વિચિત્ર (mosaic) ધાબાં પડે છે. પાન કદમાં નાનાં અને જાડાં થઈ જાય છે. કુમળાં પાન ઉપર મોઝેકની અસર ખાસ જોવા મળે છે, જેને કારણે ફૂલ અને શિંગ ઉપર અસર થાય છે. રોગગ્રાહ્ય બીજ, સહયજમાન પાક અને કીટકો તેનાં ઉદ્ભાવક ગણાય છે.

ઉપાયો : રોગપ્રતિકારક અને રોગમુક્ત વિસ્તારનું બીજ વાવવું પડે છે અને કીટકનું નિયંત્રણ કરવું પડે છે.

  1. ભૂકી છારો (અડદનો છારો) : આ રોગ માટે ઇરીસાઇફી પોલીગોની નામની ફૂગ જવાબદાર છે. રોગની શરૂઆતમાં પાનની ઉપરની સપાટીએ છૂટક છૂટક ભૂકી છારો જોવા મળે છે. રોગના ઉગ્ર સ્વરૂપમાં આખું પાન રાખોડી રંગની ભૂકીથી છવાઈ જાય છે. પાન ઝાંખું અને ભૂરાશ પડતું થાય છે. કોઈક વખત પાન ખરી પણ પડે છે. ઠંડું અને વાદળછાયું વાતાવરણ તથા સહયજમાન પાક આ રોગનાં કારણો છે.

ઉપાયો : રોગની શરૂઆતમાં 300 મેશની ગંધકની ભૂકી હેક્ટરે 20થી 25 કિગ્રા.ના દરે વહેલી સવારે છાંટવામાં આવે છે.

ભીષ્મદેવ કિશાભાઈ પટેલ