અઝુદ્દદ્દૌલા બિન રૂક્ન

January, 2001

અઝુદ્દદ્દૌલા બિન રૂક્ન (શાસનકાળ : ઈ. સ. 949–983) : બુવયહ વંશનો ઇરાક દેશનો સર્વશક્તિશાળી અમીર. એણે એ યુગનાં નાનાં રાજ્યોનું સંગઠન કરી પોતાના વંશને મજબૂત બનાવ્યો હતો. એનું લગ્ન ખલીફા અલ-તાઈની શાહજાદી સાથે થયું હતું. એ મુસલમાનોનો સૌપ્રથમ રાજા હતો, જેણે શહેનશાહનું લકબ ધારણ કર્યું હતું. એના પુત્ર બહાઉદ્દૌલાએ પિતાના ‘મલેકુલ્ મુલ્ક’ લકબ ધારણ કર્યું હતું અઝુદ્દૌલાનો દરબાર શિરાઝ શહેરમાં હતો; પણ એણે બગદાદમાં સુંદર ઇમારતો, મસ્જિદો વગેરે બંધાવી અને નહેરો કાઢી હતી. હજરત અલીનો મકબરો પણ એણે બંધાવ્યો હતો; પણ આ બધામાં સૌથી અગત્યની ઇમારત બીમારિસ્તાન (ઇસ્પિતાલ) તેણે બગદાદમાં સ્થાપેલી (978–79), જેમાં 24 વૈદ્યો નીમવામાં આવ્યા હતા. એ સમયનો મહાન કવિ મુતનબ્બી એનાં ગુણગાન ગાતો અને પ્રખ્યાત વ્યાકરણકાર અબૂ અલી અલફારિસી જે કિતાબુલ ઇઝાહનો લેખક હતો, એણે પોતાની કૃતિઓ આ અમીરને સમર્પણ કરી હતી. એના ખ્રિસ્તી વઝીર નસ્ર ઇબ્ન હારૂનને એણે દેવળો અને મઠોના સમારકામની પરવાનગી આપી હતી.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી