અઝીમુલ્લાહખાં : અઢારસો સત્તાવનના વિપ્લવના એક આગેવાન નેતા અને નાનાસાહેબ પેશ્ર્વાના મંત્રી. નાનાસાહેબે વિપ્લવમાં સ્વીકારેલ નેતૃત્વ તથા તેને લગતું કરેલું આયોજન અઝીમુલ્લાહખાંની સલાહને આભારી હતું. નાનાસાહેબ પેશ્વાના પિતા બાજીરાવ બીજાના અવસાન બાદ બ્રિટિશ સરકારે નાનાસાહેબનું બંધ કરેલું વર્ષાસન પાછું મેળવવા અઝીમુલ્લાહખાં ઇંગ્લૅન્ડ ગયેલા. ત્યાં બ્રિટિશ સરકાર અને સંસદસભ્યો સાથે આ માટે સબળ દલીલો કર્યા છતાં તેઓ નાનાસાહેબનું પેન્શન ફરી ચાલુ કરાવવામાં સફળ થઈ શક્યા નહોતા. પરિણામે અંગ્રેજ સરકાર પ્રત્યેના તેમના અણગમામાં ભારે વધારો થયો અને ભારત પાછા ફર્યા બાદ તેમણે નાનાસાહેબ પેશ્વાને કાનપુરમાં વિપ્લવની આગેવાની લેવા પ્રેર્યા. 6ઠ્ઠી જૂન 1857ના રોજ નાનાસાહેબ પેશ્વાની આગેવાની નીચે વિપ્લવકારીઓએ કાનપુરનો લીધેલ કબજો અઝીમુલ્લાહખાં તથા લશ્કરી અફસર જ્વાલાપ્રસાદના આયોજનને આભારી હતો.

કાનપુરમાં ‘એન્ટ્રેન્ચમેન્ટ’ નામે જાણીતા થયેલા સ્થાનમાં આશરો લઈ રહેલ અંગ્રેજ સૈનિકો સહિત આશરે 900 જેટલી વ્યક્તિઓને શરણે લાવવામાં અઝીમુલ્લાહખાંએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેઓ નિર્દોષ લોકોના જાન લેવાના તથા લૂંટફાટના વિરોધી હતા. આ માટે તેઓ અંગ્રેજો તથા વિપ્લવકારીઓની ટીકા કરતા. તેઓ નાનાસાહેબ પેશ્વાને છેક સુધી વફાદાર રહ્યા હતા અને નાનાસાહેબના પરાજય બાદ રઝળપાટમાં તેઓ નાનાસાહેબની સાથે રહ્યા હતા. નેપાળમાં તેરાઈના જંગલમાં રોગચાળાને લીધે અઝીમુલ્લાહખાંનું અવસાન થયું હોવાનું મનાય છે.

રમણલાલ ક. ધારૈયા