અગ્રવાલ, અનિલ

July, 2026

અગ્રવાલ, અનિલ (જ. 1947 – અ. 2002) : પર્યાવરણ સુરક્ષા માટે કાર્ય કરનાર.

અનિલકુમાર અગ્રવાલ એક ભારતીય પર્યાવરણવાદી તરીકે ખૂબ જાણીતા થયા. આઈઆઈટી કાનપુરમાંથી તેઓ મિકૅનિકલ ઇજનેર થયેલા. તે પછી અંગ્રેજી દૈનિક ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં વિજ્ઞાનના સંવાદદાતા તરીકે જોડાયેલા. તેઓ ખૂબ જાણીતા થયા દિલ્હીમાં સેન્ટર ફોર સાયન્સ ઍન્ડ એન્વાયરમેન્ટ નામની સંશોધન સંસ્થાની સ્થાપનાને કારણે, જે આજે પણ કાર્યરત છે. ‘ડાઉન ટુ અર્થ’ નામનું પર્યાવરણ સામયિક તેમણે શરૂ કરેલું. એમનો વારસો  આજે જાણીતાં પર્યાવરણવિદ સુનિતા નારાયણ સંભાળી રહ્યાં છે.

ભારત સરકારે 1986માં પદ્મશ્રીથી અને વર્ષ 2002માં પદ્મભૂષણથી તેમની પર્યાવરણ વિષયની કામગીરીને બિરદાવી છે. આ વિષયના 20થી વધુ પુસ્તકો ઉપરાંત અનેક સંશોધનલેખો એમના નામે બોલે છે.

પર્યાવરણ સુરક્ષા માટે અને તેને પોષક એવી વિકાસ નીતિ માટે તેઓ સતત નીતિનિર્ધારકો અને શાસકો સામે પડકારરૂપ બની રહ્યા. 1973માં ઉત્તરાંચલ વિસ્તારમાં જે ચિપકો આંદોલન ચાલ્યું હતું ત્યારથી તેમની કારકિર્દીમાં જબરજસ્ત વળાંક આવ્યો અને એમની જીવનદિશા બદલાઈ ગઈ.

તેમના સંપાદન હેઠળના સામયિક ‘ડાઉન ટુ અર્થ’માં તેમણે લખેલા છેલ્લા તંત્રીલેખનું શીર્ષક છે ‘મને કઈ બાબતે ખૂબ ગુસ્સો ચડે છે’ તેમાં એમણે દરેક નવા વિચારને અવરોધતી અમલદારશાહી અને તંત્રની વિલંબિત પ્રણાલી સામે પસ્તાળ પાડી હતી. દૃષ્ટિવિહીન વિદેશી સંસ્થાઓની પણ તેમણે આકરી ટીકા કરી હતી. વન્યજીવન અને અભયારણ્યો પાછળ જે વેપારી માનસિકતા ચાલી આવી છે તેના તેઓ આકરા ટીકાકાર હતા. એક રાષ્ટ્રીય વિભૂતિ તરીકેનું સન્માન તેમને પ્રાપ્ત થયું હતું. ‘ડાઇંગ વિઝ્ડમ’ નામનો ગ્રંથ વાંચીએ તો આપણી પ્રાચીન પરંપરા અને નવાં સંશોધનો વચ્ચે ક્યાં સમન્વય છે તે આપણે પામી શકીએ. એમણે પ્રબોધેલી રાષ્ટ્રીય જળનીતિ, ઊર્જાનીતિ અને પર્યાવરણનીતિ અમલી બની શકી નથી જેના કારણે આજે પણ આપણે પર્યાવરણીય સંકટ અનુભવી રહ્યા છીએ.

ડંકેશ ઓઝા