અગ્રવાલ, કેદારનાથ

January, 2001

અગ્રવાલ, કેદારનાથ (જ. 1911, કમસિન, જિ. બાંદા, ઉ. પ્ર.) : હિન્દીમાં જાણીતા કવિ, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અપૂર્વ’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

રાયબરેલી અને કટની ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી મેળવી. તે પછી 1938માં વકીલાત શરૂ કરી.

છેલ્લાં 50 વર્ષથી તેઓ લેખનકાર્ય કરી રહ્યા છે. સાહિત્યની વિભિન્ન વિદ્યાઓમાં 20થી વધુ ગ્રંથો તેમણે આપ્યા છે. તેમાં 14 કાવ્યસંગ્રહો, 3 નિબંધસંગ્રહો, 2 નવલકથાઓ અને 1 પ્રવાસવર્ણન ઉપરાંત અનુવાદો અને સાહિત્યિક વિવેચનોનો સમાવેશ થાય છે. તેમની કૃતિઓ વિવિધ ભારતીય તેમજ વિદેશી ભાષાઓમાં અનૂદિત કરાઈ છે.

તેમને 1973માં સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ અને 1986માં હિંદી સાહિત્ય સંમેલન, અલ્લાહાબાદ તરફથી સાહિત્ય વાચસ્પતિ ઍવૉર્ડ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત તેમને અનેક ઍવૉર્ડ અને ઇલકાબો મળ્યા છે. તેઓ ઘણાં સાહિત્યિક ઍસોસિયેશનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.

અનુભવની તીવ્રતા, શૈલીની ઉત્કૃષ્ટતા, પ્રગતિશીલ વૈચારિકતા અને આધુનિક સંવેદનક્ષમતાને લીધે અર્વાચીન હિંદી સાહિત્યમાં પુરસ્કૃત કૃતિ ‘અપૂર્વ’નું પ્રદાન મૂલ્યવાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા