અગ્નિ પર ચલન : સાંકડી ખાઈમાં તળિયે પાથરેલા અંગારાઓના પાતળા થર પર ચાલવાની પ્રથા. ભારતીય ઉપખંડ, મલેશિયા, જાપાન, ચીન, ફિજી, તાહિતી, ન્યૂઝીલૅન્ડ, મોરિશિયસ, બલ્ગેરિયા, સ્પેન વગેરેમાં પ્રચલિત ધાર્મિક પ્રણાલી. પ્રાચીન ભારત, ચીન અને ગ્રીસમાં પણ આ પ્રણાલીનું અસ્તિત્વ હતું. પૂજારી, સાધુઓ અથવા ભક્તો કેટલીક વાર અંગારાઓના જાડા થર પર પણ ચાલતા. ફિજી અને મોરિશિયસમાં લાકડાના કોલસાને બદલે ગરમ લાલ પથ્થરો પર ચાલવાની પ્રથા પણ અસ્તિત્વમાં હતી. ક્યાંક અંગારા ભક્તના માથા ઉપર પણ રેડાતા જેને ‘અગ્નિસ્નાન’ કહેવાતું. પ્રાચીન ભારતમાં અને અન્ય દેશોમાં ‘અગ્નિસ્નાન’ની કસોટી પણ હતી, જેમાં પુરુષે કે સ્ત્રીએ પોતાની વાતની સચ્ચાઈ કે નિર્દોષતા પુરવાર કરવા સળગાવેલાં લાકડાંમાં પ્રવેશ કરવાનું રહેતું. જો તે કોઈ પણ હાનિ વગર બહાર નીકળે તો તે નિર્દોષ સાબિત થાય. રામાયણમાં લંકાનિવાસ બાદ સીતાએ પોતાની શુદ્ધતા પુરવાર કરવા અગ્નિસ્નાનની કસોટીમાંથી પસાર થવું પડ્યું હોવાનો ઉલ્લેખ છે.
અગ્નિ પર ચાલનારા એમ માનતા કે જેઓ ઈશ્વરમાં શ્રદ્ધા નથી ધરાવતા તેમને જ તેમાં શારીરિક હાનિ થાય. ભક્તો ક્યારેક પોતાનાં કામ પાર પડ્યા પછી પણ અગ્નિ પર ચાલતા. અગ્નિ પર ચાલનારા કોઈ રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ કરતા. તેનાથી જાણકાર ન હોવાને લીધે અંધશ્રદ્ધાળુઓ તેને ચમત્કાર માની લેતા. અગ્નિ પર ચાલવાથી શારીરિક હાનિ થઈ હોવાના પ્રસંગો ખાસ નોંધાયા નથી.
હેમન્તકુમાર શાહ