અગ્નિપથ યોજના

January, 2001

અગ્નિપથ યોજના : દેશના યુવાનોને લશ્કરમાં ભરતી થવાની તક આપતી કેન્દ્ર સરકારની યોજના.

14મી જૂન, 2022ના રોજ ભારત સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાને ટૂર ઑફ ડ્યૂટી પણ કહેવામાં આવે છે. અગ્નિપથ યોજના અંતર્ગત દેશનાં 18થી 21 વર્ષનાં યુવાનો અને યુવતીઓ સૈન્યમાં ચાર વર્ષ માટે ભરતી થઈ શકે છે. એ માટે 12મા ધોરણમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણની શૈક્ષણિક લાયકાત નક્કી થઈ છે. અગ્નિપથ યોજના અંતર્ગત વર્ષમાં બે વખત ભરતી બહાર પડશે. પસંદ થયેલા યુવાનોને છ માસ સુધી તાલીમ મળશે. સાડા ત્રણ વર્ષ સુધી લશ્કરમાં ફરજ બજાવવાની તક મળશે. આ યોજના હેઠળ ભારતીય લશ્કરની ત્રણેય પાંખમાં યુવાઓની ભરતી થશે. એમાંથી જેમનો રેકૉર્ડ ખૂબ જ સારો હશે એવા 25 ટકા યુવાનોને સૈન્યમાં કાયમી થવાની તક મળશે. એ સિવાયના યુવાનોને ફરજમાંથી મુક્ત કરીને ખાસ ડિપ્લોમા સર્ટિફિકેટ અને વળતર અપાશે. અન્ય સરકારી ભરતીઓમાં સૈન્યની કામગીરીના ગુણ ઉમેરવાની જોગવાઈ થઈ છે. આ યોજના અંતર્ગત સૈન્યમાં જોડાનારા યુવાનો અગ્નિવીરના નામથી ઓળખાશે. સૈન્યમાં અગ્નિવીરનો અલગ રેન્ક ગણાશે. અગ્નિવીરોને પ્રથમ ત્રણ વર્ષ મહિને 30 હજાર રૂપિયા પગાર અપાશે. એ પછી ચોથા વર્ષે 40 હજાર રૂપિયા મહિનાનો પગાર કરી દેવાશે. પગારની કુલ રકમમાંથી 30 ટકા રકમ બચત ફંડમાં જશે અને એટલી જ રકમ કેન્દ્ર સરકાર એમાં ભેળવશે. બચતની બધી જ રકમ ફરજમાંથી મુક્ત થતી વખતે અગ્નિવીરોને આપી દેવામાં આવશે. ચાર વર્ષ પછી અગ્નિવીરો ફરજમાંથી મુક્ત થશે ત્યારે અંદાજે 10થી 12 લાખ રૂપિયાની રકમ મળશે. વળી, એ રકમને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે યોજનાની જાહેરાત કરી તે પછી દેશનાં કેટલાંય રાજ્યોમાં યુવાનોએ વિરોધ-પ્રદર્શનો કર્યાં હતાં. આ યોજના ટૂંકા ગાળાની હોવાથી તેનો લાંબા ગાળે કોઈ લાભ મળશે નહીં – એમ માનીને યુવાનોએ સૈન્યમાં કાયમી ભરતીની માગણી મૂકીને હિંસક પ્રદર્શનો કર્યાં હતાં, જેમાં 12 ટ્રેનોને આગ ચાંપવામાં આવી હતી. 300 જેટલી ટ્રેનોમાં નુકસાન થયું હતું. 250 પૅસેન્જર ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. અગ્નિપથના કારણે સૈન્યની ત્રણેય પાંખમાં કાયમી નોકરીની તક નાબૂદ થશે, પેન્શન સહિતના મળવાપાત્ર લાભો નહીં મળે અને સૈન્યમાં આગામી સમયમાં ભરતી ટૂંકા ગાળા માટે કે કૉન્ટ્રાક્ટના આધારે થવા લાગશે એવી દહેશત યુવાનોએ વ્યક્ત કરી હતી. 2020 પછી સૈન્યમાં એક પણ કાયમી ભરતી થઈ નથી એવી દલીલ યુવા પ્રદર્શનકારીઓએ કરી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ થઈ છે, જેની સુનાવણી થવાની બાકી છે. ભારે વિરોધ-પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે સૈન્યની ત્રણેય પાંખોમાં નિયમિત ભરતીપ્રક્રિયામાં કોઈ જ ફેરફાર કરાશે નહીં. જેટલી સંખ્યામાં વાર્ષિક સરેરાશ ભરતી થાય છે એટલી ભરતી આગામી સમયમાં પણ થતી રહેશે. કેન્દ્ર સરકારના ખુલાસા પછી યુવાનોનાં વિરોધ-પ્રદર્શનો અટક્યાં હતાં. આ યોજના હેઠળ દર વર્ષે સરેરાશ 45થી 50 હજાર યુવક-યુવતીઓને સૈન્યમાં ભરતી કરવાનો ભારત સરકારે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

હર્ષ મેસવાણિયા