અક્ષિરોગ (આયુર્વેદ અનુસાર) : આંખ સંબંધી રોગો. ઝાંખું અથવા બેવડું દેખાવું, ચક્કર આવવાં, માથું દુખવું, આંખમાં વેદના થવી, આંખ લાલ બનવી, આંખમાંથી પાણી ઝરવું, આંખ ચોંટી જવી, આંખમાં પીયા વળવા વગેરે આંખના રોગનાં પ્રાથમિક લક્ષણો ગણાય. આંખના રોગ થવાનાં મુખ્ય કારણો : (1) તાપમાંથી આવીને શીતળ જળથી આંખનું પ્રક્ષાલન (2) દૂરની વસ્તુને તાકી તાકીને જોવું (3) રાત્રિજાગરણ (4) આંખમાં રેતી, ધૂળ, ધુમાડો વગેરેના કણો પડે (5) વમનને રોકવાથી કે અતિવમનથી (6) મળ, મૂત્ર, અશ્રુ વગેરેના વેગને રોકવાથી (7) ક્રોધ, શોક, ક્લેશ કે નિરંતર રુદનથી (8) મસ્તક ઉપર પ્રહાર થવાથી (9) નશીલા પદાર્થોના સેવનથી (10) અતિ અમ્લ અને પ્રવાહી પદાર્થોના વધુ સેવનથી (11) ચાલુ વાહનમાં, સૂતાં સૂતાં અથવા ઓછા પ્રકાશમાં વાચન, ભરતગૂંથણ વગેરે કરવાથી (12) અતિ તીવ્ર પ્રકાશથી (દા.ત., વેલ્ડિંગનો) (13) બિનજરૂરી ચશ્માં પહેરવાથી (14) ચલચિત્ર, ટી.વી. વગેરે બહુ નજીકથી અને સતત જોવાથી.

આયુર્વેદ પ્રકુપિત વાતાદિદોષને અક્ષિરોગનું કારણ ગણે છે. શરૂઆતમાં આંખમાં પાણી ભરાય, ખંજવાળ આવે, સોજો આવે, આંખો ચોટી જાય વગેરે ચિહ્નો દેખાય છે. આંખનો બહુ જ સામાન્ય રોગ અભિષ્યંદ (conjuctivitis) છે. આ રોગમાં અશ્રુ આવે, આંખમાં કાંઈ ખૂંચતું હોય તેમ લાગે, માથું દુ:ખે, પ્રકાશ સહન ન થાય અને આંખ લાલ થઈ જાય છે. ખીલ, ઝામર, મોતિયો, પડદાનું ખસી જવું, ફૂલું પડવું, નાસૂર, રતાંધળાપણું વગેરે આંખના બીજા ગંભીર રોગો છે.

ઉપચાર : આંખનો સતત ઉપયોગ કરનારે આંખને થોડા થોડા સમયના અંતરે આરામ આપવો જરૂરી છે. વાચન વખતે આંખથી પુસ્તક લગભગ 45 સેમી. દૂર રાખવું જરૂરી છે. પ્રકાશ આંખ ઉપર ન આવે તેની કાળજી રાખવી તથા સૂતાં સૂતાં વાંચવાનું ટાળવું વગેરે બાબતો આંખના સ્વાસ્થ્ય માટે પાળવી જરૂરી છે. આંખના રોગોની શરૂઆતમાં જ ઉપચાર કરવો હિતાવહ છે. આંખના રોગોમાં જાતે ઉપચાર કરવાને બદલે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ, કારણ કે આંખ અતિકોમળ અંગ છે અને તેને એક વાર નુકસાન થયા પછી સારવાર કામયાબ ન બને એવી પરિસ્થિતિ સર્જાવાનો સંભવ છે.

આયુર્વેદમાં ત્રિફળાચૂર્ણ પલાળેલ પાણીને ગાળીને તેનાથી આંખનું પ્રક્ષાલન સૂચવેલ છે. ત્રિફળાઘૃત અને સપ્તામૃત લોહ આંખ માટે સારાં ગણાય છે. આધુનિક મત પ્રમાણે વિટામિન Aવાળી ખાદ્યચીજો જેવી કે કોથમીર, ગાજર, પપૈયું, કેરી, ટમેટાં, કેળાં, તાંદળજો, ડોડીની ભાજી, દૂધ, ઈંડાં વગેરે આંખના સ્વાસ્થ્ય માટે લેવાં જરૂરી છે.

મૂળરાજ વૈદ્ય