અક્ષાંશ–રેખાંશ : અક્ષાંશ એટલે પૃથ્વી ઉપરનું કોઈ ભૌગોલિક સ્થાન વિષુવવૃત્તથી કેટલું દૂર આવેલું છે તે પૃથ્વીના ગોળા ઉપર કે નકશામાં દર્શાવવા માટેનું માપ. તે ખૂણાની રીતે મપાતું અંતર (કોણીય અંતર) છે. પૃથ્વી પોતાની ધરી (અક્ષ) ઉપર 24 કલાકમાં એક ધરીભ્રમણ પૂરું કરે છે, જેને કારણે પૃથ્વી ઉપર દિવસ-રાત થતાં અનુભવાય છે. આ અક્ષને કાટખૂણે આવેલું અને પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતું સમતલ પૃથ્વીની સપાટીને જે વર્તુળમાં છેદે તેને પૃથ્વીનું વિષુવવૃત્ત કહેવાય છે. પૃથ્વીના પટ ઉપરના કોઈ સ્થળનું વિષુવવૃત્તથી ઉત્તર-દક્ષિણ દિશામાં માપતાં જે કોણીય અંતર આવે, તેને તે સ્થળના અક્ષાંશ કહેવાય છે. કોણીય માપ હોવાથી અક્ષાંશને અંશ (= ડિગ્રી0)  કળા (મિનિટ ´) – વિકળા (સેકન્ડ ’’) દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. [10 (અંશ) = 60´ (કળા) = 3600’’ (વિકળા)]. સ્થળ વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ દિશામાં આવેલું હોય તે મુજબ અક્ષાંશના આંકડાની સાથે દિશાસૂચક સંજ્ઞા ઉ. કે દ. લખવામાં આવે છે. પૃથ્વીની ધરીને લંબાવતાં પૃથ્વીના પટને તે ધ્રુવબિંદુઓમાં છેદે છે. પૃથ્વીનું ધરીભ્રમણ થતું હોવા છતાં અક્ષની વ્યાખ્યા મુજબ, અક્ષની ઉપર જ રહેલ ધ્રુવ તો તેમનાં નામ અનુસાર અચળ, સ્થિર જ રહે છે. ઉત્તર ધ્રુવના અક્ષાંશ ઉ. 900 અને દક્ષિણ ધ્રુવના દ. 900 (મહત્તમ) છે, જ્યારે વિષુવવૃત્તના અક્ષાંશ 00 (લઘુતમ) છે.

10 અક્ષાંશનું પૃથ્વીના પટ ઉપરનું સરેરાશ રેખીય અંતર 60 દરિયાઈ માઈલ (nautical mile) એટલે 111 કિમી. થાય છે. અમદાવાદના અક્ષાંશ ઉ. 230-01´ છે, એટલે કે અમદાવાદનું ભૌગોલિક સ્થાન વિષુવવૃત્તથી ઉત્તર દિશામાં 230-01´ પર આવેલું છે, અક્ષાંશનો ગાળો પ્રદેશનો વિસ્તાર (ભૌગોલિક સીમાઓ વચ્ચેનો વ્યાપ) કેટલો છે તે સૂચવે છે. ગુજરાત રાજ્ય ઉ. અક્ષાંશ 200-01´ થી 240-07´ની વચ્ચે આવેલું છે; ભારત દેશ ઉ. 080-04´ થી 370-06´ અક્ષાંશ વચ્ચે વિસ્તરેલો છે.

કોઈ પણ સ્થળના અક્ષાંશ નક્કી કરવા માટેની એક સહેલી અને પ્રાયોગિક રીત પણ છે. બહારની બાજુએ લંબાવતાં પૃથ્વીની ધરી આકાશી ગોળાને જ્યાં છેદે છે તે આકાશીય ધ્રુવબિંદુને પારખવું અને નજીકના ક્ષિતિજતળથી તે કેટલું ઊંચે રહેલું છે તેનું કોણીય માપ કાઢવું. આ માટે ઉત્તર ગોળાર્ધમાં કુદરતી સગવડ સાંપડેલી છે, કારણ કે ધ્રુવતારક (Pole Star) લગભગ પૃથ્વીની ધરીની દિશામાં જ આવેલો છે. એટલે ઉત્તર ગોળાર્ધમાંના કોઈ પણ સ્થળેથી જોતાં ઉત્તર ક્ષિતિજથી ધ્રુવતારક કેટલો ઊંચો દેખાય છે તે કોણીય માપ ઉપરથી અવલોક્ધાના સ્થળના ખગોળ-આધારિત અક્ષાંશ નક્કી કરી શકાય છે.

અક્ષાંશ–રેખાંશ

પોતાની ધરી ઉપર મુક્તપણે ફરી શકે તેવી રીતે ગોઠવેલી લોહચુંબકીય સોય કોઈ સ્થળે ક્ષિતિજતળ સાથે કેટલો ખૂણો (નમન કોણ, inclination) રચે છે તેને આધારે અવલોકનના સ્થળના ચુંબકીય અક્ષાંશ (magnetic latitude) નક્કી થઈ શકે છે. આવી ચુંબકીય સોય પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત ઉપર ક્ષિતિજરેખાને સમાંતર રહે છે, જ્યારે ચુંબકીય ધ્રુવ ઉપર તે કાટખૂણે ઊભી રહે છે.

પ્ર. દી. અંગ્રેજી