અંબિકા : હિંદુ ધર્મમાં અંબા, અંબામાતા, અંબાજી, ઉમા, દુર્ગા વગેરે નામોથી પૂજાતાં લોકપ્રિય દેવી. વેદમાં અંબિકાને રુદ્રની ભગિનીરૂપે વર્ણવવામાં આવી છે ને રુદ્ર સાથે બલિદાનનો અંશ ગ્રહણ કરવા માટે એનું પણ આવાહન કરવામાં આવતું. મૈત્રાયણી સંહિતામાં તેને રુદ્રની અર્ધાંગિની કહી છે. ઉત્તરકાલમાં તેની ઉમા અને દુર્ગા સ્વરૂપે પૂજા થવા લાગી. શાક્ત સંપ્રદાયનો વિકાસ થતાં તે આદ્યશક્તિ અને પરમેશ્વરી હોવાનો ખ્યાલ પ્રવર્ત્યો.
પૌરાણિક વૃત્તાંતો પ્રમાણે અસુરોના ઉપદ્રવથી ત્રિલોકમાં ત્રાસ પ્રવર્ત્યો ત્યારે પરાજિત અને ભયભીત થયેલા દેવો જગતજનની દેવીને શરણે ગયા અને આનો શીઘ્ર ઉપાય કરવા પ્રાર્થના કરી. દેવીએ પોતાના દેહમાંથી તત્કાળ અનેક હાથવાળું એક દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું. દેવોએ એ સ્વરૂપની સ્તુતિ કરી અને તેમના હસ્તમાં પોતાનાં આયુધો ધારણ કરાવ્યાં. સિંહ પર સવાર થયેલ આ સ્વરૂપ અંબિકાને નામે પ્રસિદ્ધ છે. આ રાજરાજેશ્વરી સ્વરૂપમાંથી એક ઉગ્ર સ્વરૂપ પ્રગટ્યું, જેણે શંભુ-નિશંભુ, રક્તબીજ, ચંડ-મુંડ, મહિષાસુર વગેરે સઘળા અસુરોનો સંહાર કર્યો. દુર્ગાના પ્રત્યેક સ્વરૂપનાં તેના પરાક્રમ અનુસાર અલગ અલગ નામ પ્રસિદ્ધ થયાં. અસુરોનો સંહાર, દુષ્ટોનું દમન અને ભક્તોનું આધિવ્યાધિ તેમજ ઉપાધિથી રક્ષણ અને તેમનાં પાપ અને ગુનાઓની ક્ષમા કરનારાં દેવી અંબિકાની મૂર્તિ કે યંત્ર રૂપે પૂજા-ઉપાસના-આરાધના વ્યાપક બની.
અંબિકાની મૂર્તિઓમાં શાંત-સૌમ્ય મુખમુદ્રા, ત્રિનેત્ર, ઘણું કરીને ચાર હાથ જે પૈકીના જમણા એક હાથમાં ખડ્ગ અને બીજો અભય કે વરદ મુદ્રામાં અને ડાબા એક હાથમાં ઢાલ કે દર્પણ અને બીજો વરદ મુદ્રામાં હોય છે. સૌષ્ઠવયુક્ત દેહયષ્ટિ, સોળ શણગારોથી વિભૂષિત દેવી પદ્માસન કે પદ્મપીઠ પર ઘણું કરીને સિંહના વાહન પર બેઠેલાં જોવામાં આવે છે. શાક્ત સંપ્રદાયોને લગતાં મૂર્તિસ્વરૂપોમાં દેવીને મુખ્યત્વે ઊભેલાં બતાવાય છે.
સ્માર્તોમાં અંબિકાની પૂજા શિષ્ટ અહિંસાત્મક પદ્ધતિએ થાય છે. કાપાલિક અને કાલમુખ જેવા શૈવ સંપ્રદાયોમાં તેનું હિંસાત્મક બલિદાનયુક્ત સ્વરૂપ પ્રચલિત રહ્યું છે. શાક્ત સંપ્રદાયોમાં તાંત્રિક સાધનાપદ્ધતિનો પ્રયોગ કરવામાં આવે છે. સાધારણ રીતે અંબાજીનાં મંદિરોમાં ત્રિકોણાકાર યંત્ર પર દેવીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી જોવામાં આવે છે. ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિ, દરેક મહિનાની અષ્ટમી તેમજ કેટલીક વિશિષ્ટ પૂર્ણિમાઓના દિવસે અંબાજીનાં વ્રત, ઉપવાસ અને વિશેષ પૂજન-આરાધન કરવામાં આવે છે.
પ્રવીણચંદ્ર પરીખ