અંબિકા (જૈન)

February, 2001

અંબિકા (જૈન) : જૈન ધર્મના બાવીસમા તીર્થંકર નેમિનાથની યક્ષિણીનું નામ અંબિકા છે. શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણે તે સુવર્ણ સમાન કાંતિવાળી, સિંહના વાહન પર બેસનારી ચતુર્ભુજ છે. તેના ચાર હાથોમાં આંબાની લૂમ, પાશ, તેડેલું બાળક અને અંકુશ હોય છે. દિગંબર સંપ્રદાય પ્રમાણે એ સિંહ પર આરૂઢ થયેલી અને તેના બે હાથમાં આંબાની લૂમ તથા બાળક હોય છે. તેના એક હાથમાં આંબાની લૂમ હોવાથી તેને ‘આમ્રા’ પણ કહે છે. તેનું એક નામ ‘કુષ્માંડી’ પણ છે.

ભગવાન નેમિનાથની શાસનદેવી તરીકે અંબિકાનું સ્થાન છે, છતાં તેનું મહત્વ બંને સંપ્રદાયોમાં સ્વતંત્ર દેવી તરીકે વિશેષ છે. અંબિકાની નાનીમોટી પાષાણ તેમજ ધાતુપ્રતિમાઓ મળી આવી છે. મથુરામાંથી પ્રાપ્ત રાતા આરસપહાણની અંબિકાની પ્રાચીન મૂર્તિ હાલ કૉલકાતાના મ્યુઝિયમમાં છે. ખંડગિરિ, ઓરિસા, ઢાંક વગેરે સ્થળોએથી અંબિકાની સુંદર મૂર્તિઓ મળી છે. આ ઉપરાંત આબુ પર્વત પર વિમલવસહીની દેરીમાં તથા ગૂઢ મંડપમાં અંબિકાની 7 મૂર્તિઓ મળી છે. ગુજરાતમાં શેરિસા, પાટણ, વડોદરા, અકોટા, ખંભાત તેમજ સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણ, ગિરનાર વગેરે સ્થળોએ પણ અંબિકાની પ્રતિમાઓ મળેલી છે.

ભારતી શેલત