હેરિંગ્ટન, જેમ્સ (જ. 7 જાન્યુઆરી 1611, અપટોન, નૉર્થમ્પટન શાયર, ઇંગ્લૅન્ડ; અ. 11 સપ્ટેમ્બર 1677, લંડન) : અંગ્રેજ રાજકીય ચિંતક. તેમણે ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાં ઉચ્ચતર અભ્યાસ માટે પ્રવેશ લીધો, પણ સ્નાતક બન્યા વિના અભ્યાસ અધૂરો છોડ્યો હતો. યુરોપ ખંડનો વ્યાપક પ્રવાસ તેમણે કર્યો. તેમના જીવનકાળ દરમિયાન ઇંગ્લૅન્ડમાં 1642–46નો પ્રથમ આંતરવિગ્રહ ચાલ્યો હતો. આ આંતરવિગ્રહ વેળા રાજા ચાર્લ્સ 1લો સત્તા પર હતો. જેની સાથે હેરિંગ્ટનને સારા સંબંધો હોવાને કારણે આંતરવિગ્રહ પૂરો થયા પછી તેમની પર રાજકીય કાવતરાના આક્ષેપો થયા. રાજા ચાર્લ્સ 1લાનો શિરચ્છેદ (30 જાન્યુઆરી, 1649) થયો તે પછી તેમની પર રાજાશાહી વિરુદ્ધ અને રાજા ચાર્લ્સ બીજા વિરુદ્ધ કાવતરું કરવાના બેવડા આક્ષેપ કરવામાં આવ્યા, પરિણામે તેમને જેલ વેઠવી પડી. કેદી અવસ્થામાં તેમનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કથળતાં તેમને છોડી મૂકવામાં આવેલા; પરંતુ તેઓ તે પછી ક્યારેય સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શક્યા નહીં.

જેમ્સ હેરિંગ્ટન

હેરિંગ્ટનનો નોંધપાત્ર ગ્રંથ ‘ધ કૉમનવેલ્થ ઑવ્ ઓશના’ (The Commenwealth of Oceana) (1656) છે. ‘ઓશના’ ઇંગ્લૅન્ડ માટે વપરાયેલો શબ્દ છે. તેમાં તેમણે ઇંગ્લૅન્ડ માટેના આદર્શ કાલ્પનિક રાજ્યની કલ્પનાને વાચા આપી છે. તેમને ઇંગ્લૅન્ડમાં ઍરિસ્ટોટલે સૂચવી હતી તેવી મર્યાદિત અને સમતોલ સત્તા ધરાવતી કુલીનશાહી અપેક્ષિત હતી. મજબૂત મધ્યમવર્ગ અસ્તિત્વમાં હોય ત્યાં લોકશાહી સૌથી વધુ સ્થિર રહે છે. એવા ઍરિસ્ટોટલના વિચારનું તેમણે તેમની રીતે આ ગ્રંથમાં અનુમોદન કર્યું છે, તો બીજી તરફ આર્થિક અને રાજકીય સત્તાની અલગતા કે વિશ્લેષણને કારણે ક્રાંતિ પેદા થાય છે તેવી રજૂઆત કરી છે. કેટલાક અભ્યાસીઓના મતે તેમના ગ્રંથમાં ઍરિસ્ટોટલના બંધારણીય સ્થિરતા અને ક્રાંતિના સિદ્ધાંતો પુન: રજૂઆત પામ્યા છે.

આ ગ્રંથને સમજવા માટે તેને (1) ‘ધ પ્રિલિમિનરીઝ’ અને (2) ‘ધ મૉડલ ઑવ્ ધ કૉમનવેલ્થ’ – એમ મુખ્ય બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ‘પ્રિલિમિનરીઝ’ ભાગમાં રાજકીય સિદ્ધાંતોની ચર્ચા આવરી લઈ શકાય. બીજા ભાગ ‘ધ મૉડલ ઑવ્ ધ કૉમનવેલ્થ’માં રાજકીય વ્યવહાર અને સત્તાની ચર્ચા આવરી લેવાયેલી છે. જુલાઈ, 1659માં બ્રિટનની પાર્લમેન્ટ સમક્ષ હેરિંગ્ટનના વિચારો સ્વીકારવામાં આવે એ પ્રકારની એક અરજી (પિટિશન) રજૂ કરવામાં આવી હતી. હેરિંગ્ટનના વિચારોએ થૉમસ જેફરસન જેવા અમેરિકાના અગ્રણી નેતાઓને પણ પ્રભાવિત કર્યા હતા.

તેમના અન્ય ગ્રંથો પણ હતા; પરંતુ તેમનો ટૂંકમાં ‘ઓશના’ તરીકે ઓળખાતો ઉપર્યુક્ત ગ્રંથ ઘણો જાણીતો અને વિવાદાસ્પદ બન્યો હતો.

રક્ષા મ. વ્યાસ