હમ્પી : ઐતિહાસિક મહત્વ ધરાવતું કર્ણાટક રાજ્યનું એક નગર. તે વર્તમાન કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલ છે. પ્રાચીન અનુશ્રુતિ મુજબ તે વાલીની કિષ્કિંધાનગરી હોવાનું મનાય છે. 14મી સદીમાં હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સમૃદ્ધ નગર હતું. આજે તે ફક્ત વિજયનગર સામ્રાજ્યની કીર્તિ દર્શાવતા ભગ્નાવશેષોનું સ્થળ માત્ર છે. ઈ. સ. 1336માં હરિહર (પ્રથમ) અને બુક્કારાયે તેની સ્થાપના કરી હતી. ઈ. સ. 1509થી 1529 સુધી કૃષ્ણ દેવરાયનો શાસનકાળ સુવર્ણકાળ ગણાતો હતો. તેના સમયમાં પ્રસિદ્ધ મંદિરો બંધાયાં હતાં. ઈ. સ. 1565માં વિજયનગરના અંતિમ રાજા રામરાયને તાલિકોટાના યુદ્ધમાં બહમની સુલતાનોના સંઘે હરાવ્યો અને હમ્પીનો કબજો તેઓના હાથમાં ગયો. તેઓએ આ નગરનો લૂંટીને ધ્વંસ કરી નાખ્યો. હાલમાં અહીં માત્ર વિજયનગર સામ્રાજ્યની જાહોજલાલી, ભવ્યતા ને કળારસિકતા દર્શાવતાં સ્થાપત્યોના ભગ્નાવશેષો જોવા મળે છે. આમાં વિઠ્ઠલમંદિર, હજારારામમંદિર, વિરૂપાક્ષમંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે તત્કાલીન સ્થાપત્યકળાનાં ઉત્તમ ઉદાહરણો છે.

 

વિઠ્ઠલમંદિર, હમ્પી

વિઠ્ઠલમંદિર સૌથી વધુ અલંકૃત છે. તેનું નિર્માણ કૃષ્ણદેવરાય(દ્વિતીય)ના સમયમાં શરૂ થયેલ ને અચ્યુતરાયના શાસનકાળ(ઈ. સ. 1529, 1542)માં ચાલુ રહ્યું હોવા છતાં વિસ્તૃત આયોજનના કારણે પૂરું થઈ શકેલ નહિ. 152.40  41.15 મી.ના સમકોણ ચતુર્ભુજાકાર દીવાલોથી તે રક્ષિત છે. આની અંદર સ્તંભોની ત્રણ હારથી યુક્ત આચ્છાદિત માર્ગ છે. ત્રણ દિશાઓનાં ગોપુરમ્(પ્રવેશદ્વાર)માં દક્ષિણ અને પૂર્વનું ઉત્તમ છે. મુખ્ય મહામંડપની લંબાઈ 70.04 મી. પણ ઊંચાઈ માત્ર 7.62 મી. છે. સંભવત: અપૂર્ણ હોવાના કારણે ઊંચાઈ ઓછી છે. સમગ્ર મંદિરની નિર્માણયોજના અસાધારણ છે. પ્રસ્તુત મંદિરમાં વિઠ્ઠલ-સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજે છે.

વિજયનગર સામ્રાજ્યની કીર્તિ દર્શાવતા ભગ્નાવશેષો, હમ્પી

કૃષ્ણદેવરાય દ્વારા નિર્મિત (ઈ. સ. 1513) હજારારામમંદિર, વિઠ્ઠલમંદિરનું સમકાલીન છે. સામાન્ય પ્રકારના પ્રસ્તુત મંદિરને ફરતી 7.31 મી. ઊંચી કિલ્લેબંધી છે. સંભવત: આ મંદિર રાજપરિવારની પૂજા માટે હતું. સભામંડપ, મધ્યમંડપ અને ગર્ભગૃહમાં વહેંચાયેલ આ મંદિરના કેન્દ્રીય ભાગે ચારે ખૂણે ચાર વિશાળ કાળા પથ્થરના અસાધારણ આકૃતિઓવાળા સ્તંભ છે. આથી શિખર-શૈલી બૌદ્ધ ચૈત્યકક્ષો જેવી વિશિષ્ટ છે. ગર્ભગૃહમાં વિષ્ણુનું રામ-સ્વરૂપ પ્રતિષ્ઠિત છે. મંદિરની દીવાલો પર રામાયણના વિભિન્ન પ્રસંગોનાં ચિત્રો અંકિત છે. પ્રસ્તુત મંદિર એ સમયની વિજયનગર શૈલીનું સર્વોત્તમ ઉદાહરણ મનાય છે.

દક્ષિણના પ્રાચીનતમ સંરચનાત્મક મંદિરમાંનું એક વિરૂપાક્ષનું મંદિર પૂર્વવર્તી કાંચીના રાજસિંહેશ્વર મંદિર સાથે અધિક સામ્ય ધરાવે છે. પલ્લવ સ્થાપત્યશૈલીથી પ્રભાવિત પ્રસ્તુત મંદિર રથ-શૈલી પર આધારિત છે. અનેક મંજિલોવાળું ક્રમશ: ઘટતા જતા પાયાવાળું તેનું વર્તુળાકાર શિખર સુશોભિત છે.

હસમુખ વ્યાસ