હમ્પી, કોનેરુ (જ. 1987, સ્થળ ગુડી, જિલ્લો વિજયવાડા, આંધ્ર-પ્રદેશ) : શેતરંજની રમતમાં માત્ર ચૌદ વર્ષની ઉંમરે વિશ્વસ્તરનું વિજેતાપદ હાંસલ કરનાર ભારતની સૌથી નાની ઉંમરની મહિલા ગ્રાન્ડમાસ્ટર. પિતાનું નામ અશોક કોનેરુ જેઓ રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક હતા અને માતાનું નામ લતા. તેલુગુ ભાષામાં હમ્પી એટલે વિજેતા. તે નાની હતી ત્યારથી જ ભવિષ્યમાં શેતરંજની રમતમાં વિશ્વસ્તર પર વિજેતા બનશે એવા પાકા આત્મવિશ્વાસને કારણે માતા-પિતાએ તેનું નામ હમ્પી પાડ્યું. પિતા અશોકને પણ આ જ રમતમાં  વિશ્વવિજેતા બનવાની અભિલાષા હતી અને તેની રુએ તેમણે 1972માં રાજ્યસ્તરનું વિજેતાપદ હાંસલ પણ કર્યું હતું.

કોનેરુ હમ્પી

 બૉરિસ સ્પાસ્કી અને બૉબી ફિશર આ બે તેમનાં સ્ફૂર્તિસ્થાન હતાં. પરિવારની સામાન્ય આર્થિક સ્થિતિને કારણે તથા આંધ્રપ્રદેશમાં શેતરંજની રમત લોકપ્રિય ન હોવાથી તેઓ આ રમતમાં આગળ વધી શક્યા ન હતા. તેમ છતાં તે અંગેનાં પુસ્તકો અને સામયિકો વાંચીને તેમણે શેતરંજની રમતમાં પોતાનો રસ કાયમ રાખ્યો જે હમ્પીની તાલીમમાં ખૂબ કારગત અને ઉપયોગી નીવડ્યો. હમ્પી માત્ર પાંચ વર્ષની હતી ત્યારથી તેણે તેના પિતા પાસેથી શેતરંજની રમતના પાઠ લેવાની શરૂઆત કરી અને પોતાની પુત્રીને તેનું વધુ સારું જ્ઞાન મળે તે હેતુથી હમ્પી દસ વર્ષની હતી ત્યારે તેના પિતાએ પ્રશિક્ષણના નિયમિત વર્ગો શરૂ કર્યા. મદુરાઈ ખાતે 1997માં આઠ વર્ષથી નીચેના ખેલાડીઓ માટે આયોજિત રાષ્ટ્રીય સ્તરની શેતરંજની સ્પર્ધામાં હમ્પીએ અખિલ ભારતીય સ્તરે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું અને ત્યારથી તેની વિજયકૂચનો આરંભ થયો હતો. હમ્પીના પ્રશિક્ષણ માટે પૂરતો સમય ફાળવવા માટે તેના પિતાએ નોકરીમાંથી રાજીનામું આપ્યું અને રોજ સતત છ-છ કલાક સુધી હમ્પીને તાલીમ આપવાની શરૂઆત કરી. સાથોસાથ શેતરંજની રમતને વરેલાં કેટલાંક વિશિષ્ટ સામયિકોમાંથી પણ હમ્પીએ તે અંગે જરૂરી જ્ઞાન અને માર્ગદર્શન પ્રાપ્ત કરવાનો પ્રારંભ કર્યો. 1997માં ફ્રાંસ ખાતે આયોજિત દસ વર્ષની ઉંમરની નીચેના ખેલાડીઓ માટેની વિશ્વસ્તરની સ્પર્ધામાં હમ્પીએ વિજય મેળવ્યો. ત્યાર પછીની આવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે જે આર્થિક બળની જરૂરિયાત હોય છે તે બળ પરિવારના સ્તરે ઉપલબ્ધ ન હતું અને પિતા તેની ચિંતામાં હતા તે જ સમયે બૅંક ઑવ્ બરોડા તેમની વહારે આવી અને આ બૅંકે તે પછીની દેશવિદેશની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે હમ્પી અને તેના પિતાને જે કોઈ ખર્ચ કરવો પડશે તે ખર્ચની જવાબદારી ઉપાડી લીધી. શેતરંજની સ્પર્ધાના પ્રશિક્ષણમાં જરૂરી ગણાતો કમ્પ્યૂટર ખરીદવાનો ખર્ચ હમ્પીનાં માતા-પિતાએ પારિવારિક ખર્ચમાં કરકસર કરીને ઊભો કર્યો. ત્યાર બાદ હમ્પીએ 12 વર્ષની ઉંમર કરતાં નાની ઉંમરની વિશ્વસ્તરની છોકરીઓ માટેની સ્પર્ધામાં તથા 14 વર્ષથી નાની ઉંમરની છોકરીઓ માટેની વિશ્વશેતરંજ સ્પર્ધામાં વિજય હાંસલ કર્યો. તે બાર વર્ષની થઈ ત્યારથી હમ્પીએ છોકરીઓની સાથોસાથ છોકરાઓ સાથે તથા મોટી ઉંમરની મહિલાખેલાડીઓ સાથે રમવાની શરૂઆત કરી જેથી તે રમતમાં તેનું પ્રશિક્ષણ વધુ ધારદાર બની શક્યું. ત્યાર બાદ તે ચૌદ વર્ષની વયે વિશ્વસ્તરની જુનિયર ચૅમ્પિયનશિપ પણ હાંસલ કરી શકી. આ તેની વિરલ સિદ્ધિને લીધે હમ્પીએ વિશ્વનાથન્ આનંદનો સોળ વર્ષથી નીચેની ઉંમરે જુનિયર વિશ્વવિજેતા બનવાનો વિક્રમ તોડ્યો. આ સિદ્ધિને કારણે હમ્પી ભારતની નાનામાં નાની ઉંમરની મહિલા ગ્રાન્ડમાસ્ટર બની હતી. તે માટે તેનો અદમ્ય ઉત્સાહ અને રમત દરમિયાન પ્રતિસ્પર્ધીને પણ ખ્યાલ ન આવે તે સહજ રીતે લેતી ચાલ તથા તેની એકાગ્રતા આ ત્રણ મુખ્ય કારણો જવાબદાર નીવડ્યાં છે.

ઑક્ટોબર 2007માં કોનેરુએ 2600 એલો રેટિંગ પાર કરીને ભારત માટે એક નવો વિક્રમ નોંધાવ્યો છે. તેના પહેલાં આ વિક્રમ પોતાના માટે નોંધાવનાર એકમાત્ર મહિલા શેતરંજ ખેલાડી જ્યુડીથ પોલ્ગર હતી. આ જ વર્ષે હમ્પીએ ઇન્ડોર શેતરંજ સ્પર્ધામાં બે સુવર્ણચંદ્રકો મેળવ્યા અને તે દ્વારા આ રમત પર પોતાનું વર્ચસ્ એક વાર ફરી સિદ્ધ કર્યું હતું.

હમ્પી શેતરંજની રમતને ‘મેન્ટલ જિમ્નૅસ્ટિક’ એટલે કે ‘માનસિક કસરત’ ગણે છે. હવે તે રશિયાના ગૅરી કાસ્પરૉવ, ભારતના વિશ્વનાથન્ આનંદ અને પોલૅન્ડની વિશ્વસ્તરની અગ્રણી મહિલા શેતરંજ ખેલાડી જ્યુડી પોલ્ગરને પોતાના પ્રેરણાસ્રોત ગણે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે