હમ્ઝા ઇસ્ફહાની (જ. 893, ઇસ્ફહાન, ઈરાન; અ. 961) : ઈરાનનો પ્રસિદ્ધ ઇતિહાસકાર, ભાષાશાસ્ત્રી, વ્યાકરણશાસ્ત્રી. જે તે શાસ્ત્રની તેની અરબી કૃતિઓ આધારભૂત ગણાય છે અને પાશ્ચાત્ય દેશોને તેમનો પરિચય ઘણા લાંબા સમય પહેલાં થઈ ચૂક્યો છે.

અબૂ અબ્દુલ્લાહ હમ્ઝાનો જન્મ ઈરાનના ઐતિહાસિક નગર ઇસ્ફહાન(EKBATANA)માં થયો હતો અને ત્યાં જ તેણે પોતાનું સમગ્ર જીવન વિતાવ્યું હતું. હમ્ઝાને કોઈ રાજ્યાશ્રય મળ્યો ન હતો. છતાં તેણે મહેનત કરીને અને મોટા વિદ્વાનો પાસેથી શિક્ષણ મેળવીને અરબી ભાષાશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી.

હમ્ઝાએ કુલ બાર પુસ્તકો લખ્યાં છે; પરંતુ તેમાંથી માત્ર ત્રણ ઉપલબ્ધ છે : (1) ‘તારીખ સિને મુલૂક અલ-અર્ઝવલ-અંબિયા’, (2) ‘કિતાબુલ અમ્સાલ’, (3) ‘દીવાને અબૂનુવાસ’ (સંપાદન). તેનું ઇતિહાસનું પુસ્તક – ‘સિને મુલૂક’ – ઘણું મહત્વ ધરાવે છે. આ અરબી ઇતિહાસમાં હમ્ઝાએ ઈરાનની પ્રાચીન પરંપરાઓને અગત્યનું સ્થાન આપી તેમને સાચવી રાખી છે. આ ઇતિહાસ 1844માં મૂળ અરબીમાં અને 1848માં લૅટિન અનુવાદ સાથે પ્રગટ થઈ ચૂક્યો છે.

‘કિતાબુલ અમ્સાલ’માં હમ્ઝાએ કહેવતો(proverbs)નો સંગ્રહ કર્યો છે. કહેવતોના વિષયમાં તે અરબી ભાષાની પ્રશિષ્ટ કૃતિ ગણાય છે અને પાછળના લેખકોએ તેનું અનુકરણ કર્યું છે.

હમ્ઝાએ તેના અનુગામી અને અરબી ભાષાના પ્રસિદ્ધ કવિ અબૂનુવાસ(અ. 810)નાં કાવ્યોનો સંગ્રહ કર્યો હતો, જેની હસ્તપ્રતો બર્લિન તથા કેરોમાં મળે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી