હમીરપુર (હિમાચલ પ્રદેશ)

February, 2009

હમીરપુર (હિમાચલ પ્રદેશ) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 31° 41´ ઉ. અ. અને 76° 31´ પૂ. રે.ની આજુબાજુનો 1,118 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિયાસ નદીથી અલગ પડતો કાંગરા જિલ્લો, પૂર્વમાં સરખાદથી અલગ પડતો મંડી જિલ્લો, દક્ષિણે બિલાસપુર જિલ્લો તથા પશ્ચિમે ઊના જિલ્લો આવેલા છે. જિલ્લામથક હમીરપુર જિલ્લાની મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી છે. મોટા ભાગનો ભૂમિભાગ શિવાલિકની ટેકરીઓથી આવરી લેવાયેલો છે. સ્થાનભેદે ટેકરીઓની ઊંચાઈ 400 મીટરથી 1,100 મીટરની છે. મુખ્ય હારમાળાઓ અગ્નિ દિશાતરફી વિસ્તરણવાળી છે. શિવાલિક હારમાળાની જુદી જુદી ટેકરીઓ અહીં જખ ધાર, કાલી ધાર, ચબૂતરા ટેકરીઓ, ચંગાર ટેકરીઓ, સોલાસિંધી ધાર, ચિંતપૂર્ણી અને જસવાન ધાર નામોથી ઓળખાય છે. આ ટેકરીઓનું વય 2.5 કરોડ વર્ષનું ગણાય છે. અહીં આર્થિક દૃષ્ટિએ ઉપયોગી ખનિજો મળતાં નથી; માત્ર ઈંટો બનાવવાની માટી તેમજ કાચ બનાવવાના રેતીના કાંકરા મળે છે. આ કાચા માલ પર ઈંટો અને કાચના એકમો નભે છે.

જળપરિવાહ : આ જિલ્લામાં કાયમી નદીઓનું પ્રમાણ ઓછું છે, બિયાસ અહીંની એકમાત્ર મુખ્ય નદી છે. તે હમીરપુર-કાંગરા જિલ્લાઓ વચ્ચેની 60 કિમી. લંબાઈની સરહદ રચે છે. આ ઉપરાંત અહીં બેકારખાદ, પુંગખાદ, કુનાહખાદ અને માનખાદ જેવી નાની નદીઓ બિયાસમાં ઠલવાય છે. સુકરખાદ અને મંડખારખાદ સરખાદ નદીમાં ઠલવાય છે; સરખાદ નદી સતલજને જઈ મળે છે.

હમીરપુર જિલ્લો (હિમાચલ પ્રદેશ)

ખેતી : જિલ્લાના મુખ્ય ધાન્યપાકો ઘઉં, મકાઈ અને ડાંગર છે. ધાન્યપાકોનું બિયારણ જિલ્લા બહારથી મેળવાય છે. રોકડિયા પાકોમાં શાકભાજી, કાંદા, બટાટા, શેરડી અને તેલીબિયાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં પ્રાયોગિક ધોરણે કેરી, લીંબુ ઉગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જિલ્લામાં 1977થી 1982 દરમિયાન 24 જેટલી લિફ્ટ ઇરિગેશન સ્કીમો પૂરી કરવામાં આવી છે, આ સિંચાઈ-યોજનાથી ખેતીના પાકોને લાભ થયો છે.

પશુપાલન : ખેતી અને દૂધ સાથે સંકળાયેલાં પશુઓનો ઉછેર થાય છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં 7 જેટલાં પશુ-દવાખાનાં અને 13 જેટલાં પશુ-ચિકિત્સાલયો શરૂ કરાયાં છે. 5 જેટલાં કૃત્રિમ ગર્ભધારણ-મથકો આવેલાં છે. હમીરપુર તાલુકાના તાલ ખાતે રાજ્ય સરકાર દ્વારા એક ઘેટાઉછેર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. 1978માં દૂધ માટેનું એક શીતગૃહ સ્થાપવામાં આવ્યું છે. ખેડૂતો પાસેથી સહકારી ધોરણે દૂધ ભેગું કરાય છે.

ઉદ્યોગો : જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નાના અને મધ્યમ કદના કેટલાક એકમો નાખવામાં આવ્યા છે. હમીરપુરથી માત્ર 2 કિમી.ને અંતરે એક ઔદ્યોગિક વસાહત સ્થાપવામાં આવી છે. વર્મા સ્ટીલ ફેબ્રિકેટર્સ, દેવરાજ સ્યુઇંગ મશીન ઍસમ્બ્લિંગ, જગદંબા ઍસોસિયેશન રેઝિન ઍન્ડ ટર્પેન્ટાઇન ફૅક્ટરી તથા પી.વી.સી. પગરખાંનાં કારખાનાંનો આ એકમોમાં સમાવેશ થાય છે. નાદોન ખાતે એક ગ્રામીણ ઔદ્યોગિક તાલીમસંસ્થા સ્થાપી છે; જેમાં વણાટકામ, સુથારીકામ તથા ફિટિંગકામની તાલીમ અપાય છે.

સરકારી હસ્તકલા બૉર્ડ તરફથી શાલ અને ગાલીચા તૈયાર થાય છે. સરકારી ઔદ્યોગિક તાલીમસંસ્થામાં સીવણકામ અને ભરતકામની તાલીમ અપાય છે. જિલ્લામાં સાબુ, ધૂપ, રાચરચીલું, પોલાદની ચીજવસ્તુઓ, રેડિયો-સમારકામ, પૂંઠાંનાં બૉક્સ, રમતનાં સાધનો, મુદ્રણાલયો, હોઝિયરી, બેકરી, સીવણ-સંચા, સોડાવૉટર, મીણબત્તી જેવા નાના એકમો કાર્યરત છે. આ એકમોમાં 2,000 જેટલા લોકોને કામ મળી રહે છે.

વેપાર : જિલ્લામાં તેમજ જિલ્લામથક ખાતે કોઈ બજાર વિકસ્યું નથી. ઘઉં અને મકાઈ સિવાયની લોકોની રોજબરોજની જરૂરિયાતો બહારથી આયાત કરવામાં આવે છે. લોકોની સુવિધા જળવાય તે હેતુથી જિલ્લામાં રાષ્ટ્રીયકૃત તથા સહકારી બૅંકોની સુવિધા ઉપલબ્ધ છે.

પરિવહન : જિલ્લામાં રેલમાર્ગની સુવિધા નથી. જરૂરી માલસામાનની હેરફેર માટે જિલ્લાભરમાં ટ્રકોનો ઉપયોગ થાય છે. રસ્તાઓની ગૂંથણી સારી છે. રાજ્યપરિવહનની તેમજ ખાનગી બસો દ્વારા લોકો અવરજવર કરે છે. બિયાસ નદી પર તિરા-સુજાનપુર ખાતે પુલ બાંધવામાં આવ્યો છે. તેનાથી હમીરપુર, પાલમપુર અને બૈજનાથ વચ્ચેનાં અંતર ઘટ્યાં છે અને અનુકૂળતા વધી છે.

બાબા બાલકનાથ મંદિરનું વિહંગાવલોકન

પ્રવાસન : જિલ્લામાં મહત્વનાં કહી શકાય એવાં કોઈ ઐતિહાસિક કે પુરાતત્વીય સ્થાનો નથી. તિરા-સુજાનપુર ખાતે પાંચ મંદિરો, રામપુરના ગુલામ મહમ્મદની કબર, વિશ્રાંતિગૃહ તથા સૈનિક સ્કૂલ આવેલાં છે. નાદોન ખાતે ચિત્રો કંડારેલાં બે મંદિરો અને વિશ્રાંતિગૃહ છે. ધર્મશાલા-બિલાસપુરા માર્ગ પર આવેલું હમીરપુર કાંગરાના રાજા હમીરચંદે સ્થાપેલું હોવાનું કહેવાય છે. હમીરપુરનું સૌંદર્ય તેની આજુબાજુ છવાયેલાં ચીલનાં જંગલો પર આધારિત છે. તે જિલ્લામથક હોઈને ત્યાં વહીવટી કચેરીઓ આવેલી છે. ટેકરીની ટોચ પરના વિશ્રાંતિગૃહ પરથી હમીરપુર નગર જોવાનો આનંદ માણી શકાય છે. ભોરંજ તાલુકામથક ખાતે આવેલ દેવસિદ્ધ મંદિર ઘણું પ્રાચીન ગણાય છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબથી લોકો અહીંના બાબા બાલકનાથના મંદિરના દર્શનાર્થે આવે છે. બાળક વગરનાં યુગલો બાબા દેવસિદ્ધના આશીર્વાદ લેવા આવે છે.

જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ વર્ષ દરમિયાન જુદા જુદા સમયે મેળા ભરાય છે. જિલ્લાના તેમજ બહારના ઘણા લોકો એ મેળા માણવા આવે છે.

લોકોવસ્તી : 2001 મુજબ જિલ્લાની વસ્તી 4,12,009 જેટલી છે. તે પૈકી સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં થોડુંક વધારે છે. ગ્રામીણ વસ્તી 90 %થી વિશેષ છે. જિલ્લામાં મુખ્યત્વે હિન્દી અને પહાડી ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુઓનું પ્રમાણ 95 % જેટલું છે, જ્યારે બાકીના 5 %માં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લામાં 80 % જેટલા લોકો સાક્ષર છે. હમીરપુર, નાદોન અને તિરા-સુજાનપુર ખાતે ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ આવેલી છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને 5 તાલુકાઓ અને 5 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 4 નગરો અને 1,650 (33 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : પ્રાચીન સમયમાં કટોચ વંશના રાજાઓ રાવી અને સતલજ નદીઓ વચ્ચેના પ્રદેશ ઉપર શાસન કરતા હતા. હાલના હમીરપુરનો પ્રદેશ જૂના જલંદર-ત્રિગાર્તા સામ્રાજ્યનો ભાગ હતો. તેનો ઉલ્લેખ મહાભારત, અષ્ટાધ્યાયી અને પુરાણોમાં કરેલ છે. કટોચ વંશની સ્થાપના ભૂમિચંદે કરી હતી. કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ મહાભારતના યુદ્ધ વખતે, તે ત્રિગાર્તાનો શાસક હતો અને કૌરવોના પક્ષે યુદ્ધમાં લડ્યો હતો. આ પ્રદેશના લોકો બહાદુર યોદ્ધાઓ હતા. તેમણે સદીઓ પર્યંત તેમની આ પરંપરા જાળવી રાખી છે. બ્રિટિશ લશ્કરમાં તેઓ મોટી સંખ્યામાં હતા, અને ભારતના લશ્કરમાં પણ તેઓ હજારોની સંખ્યામાં છે.

પ્રાચીન કાળમાં આ પ્રદેશ મૌર્ય અને ગુપ્ત સમ્રાટોની સત્તા હેઠળ હતો. મધ્યયુગમાં મહંમદ ગઝનવી, દિલ્હીના સુલતાનો અને મુઘલ બાદશાહોની સત્તા હેઠળ આ પ્રદેશ હતો. ઈ. સ. 1700થી 1740 દરમિયાન કટોચ વંશનો હમીરચંદ આ પ્રદેશનો શાસક હતો. તેના રાજ્યના કેટલાક સામંતો મેવા, મહેલ્તા, ધતવાલ વગેરે નાની જાગીરોના રાણા કહેવાતા હતા. હમીરચંદના નામ પરથી હમીરપુર નામ રાખવામાં આવ્યું અને તેણે ત્યાં કિલ્લો બંધાવ્યો હતો.

અંગ્રેજોએ 1846માં કાંગડા રાજ્ય ખાલસા કર્યા પછી કાંગડા જિલ્લો રચ્યો ત્યારે હમીરપુર તેનો એક ભાગ હતો. આ વિસ્તાર પંજાબ રાજ્યમાં હતો. 1 નવેમ્બર, 1966ના રોજ હિમાચલ પ્રદેશનું પુનર્ગઠન થયું ત્યારે તેને હિમાચલ પ્રદેશમાં મૂકવામાં આવ્યો. 1 સપ્ટેમ્બર, 1972ના રોજ થયેલ પુનર્ગઠનના પરિણામે અલગ હમીરપુર જિલ્લાની રચના કરવામાં આવી હતી.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ