હદીસ : પયગંબર સાહેબનાં વાણી અને વર્તનની પરંપરાનો હવાલો આપતા ગ્રંથો.

અરબી ભાષામાં હદીસ શબ્દનો અર્થ સમાચાર, બનાવ, વર્ણન કે વાત થાય છે. અકસ્માત માટેનો શબ્દ હાદિસા પણ હદીસ ઉપરથી બન્યો છે. પરંતુ ઇસ્લામ ધર્મ તથા મુસ્લિમ કોમમાં હદીસ શબ્દ પયગંબર સાહેબ (સ.અ.વ.) અથવા તેમના સહાબીઓની વાણી કે વર્તન માટે ખાસ વપરાય છે. ખુદ પયગંબર સાહેબે પણ પોતાના બોલ માટે હદીસ શબ્દ પસંદ કર્યો હતો કે જેથી બીજાઓની વાત અને તેમની વાત વચ્ચે ભેદ થઈ શકે. હદીસના અર્થમાં બીજા શબ્દો જેવા કે અસર, ખબર અને સુન્નતનો પણ ઉપયોગ થાય છે. હદીસના અભ્યાસ માટે એક વિશિષ્ટ શાસ્ત્રનો વિકાસ થયો છે અને તે ઇલ્મુલ હદીસ કહેવાય છે.

ઇલ્મુલ હદીસના ઉદભવ તથા વિકાસનો સંક્ષિપ્ત ઇતિહાસ આ પ્રમાણે છે : પયગંબર સાહેબના સહાબીઓએ તેમનાં વચનો ખુદ સાંભળ્યાં હતાં અને તેમનું વર્તન જોયું હતું. આ સહાબીઓએ પયગંબર સાહેબની વાતો યાદ રાખીને પયગંબર સાહેબના અવસાન પછી આવનારા તાબિઈન તથા તેમના પછી આવનારા તબા તાબિઈનને સંભળાવી હતી. શરૂઆતમાં આ પરંપરા મૌખિક સ્વરૂપમાં જળવાઈ રહી હતી. જોકે કેટલાકે હદીસો લખીને હદીસ-સંગ્રહો પણ તૈયાર કર્યા હતા. ખુદ પયગંબર સાહેબને પોતાની વાતોના મહત્વનો ખ્યાલ હતો તેથી આપ પોતાની વાત ટૂંકમાં, ધીમે ધીમે અને ત્રણ વાર કહેતા હતા જેથી કરીને સાંભળનાર તેને સમજીને યાદ પણ રાખી શકે. પયગંબર સાહેબે એવી પણ ચેતવણી આપી હતી કે જે કોઈ જૂઠી હદીસ વર્ણવશે તે નરકમાં જશે. આથી સહાબીઓ તથા તેમના અનુયાયીઓ હદીસ વર્ણવવામાં બહુ કાળજી અને સાવચેતી રાખતા હતા તથા બહુ વિશ્વાસપાત્ર–ઈમાનદાર વ્યક્તિ પાસેથી જ હદીસ ગ્રહણ કરતા હતા. આમ હદીસોનો વિશ્વાસપાત્ર સંગ્રહ થયો હતો તથા તેની મૌખિક પરંપરા પણ ચાલતી રહી હતી. હદીસ સાથે સંકળાયેલા બે શબ્દપ્રયોગો ઘણું મહત્વ ધરાવે છે : એક શબ્દ છે ‘રાવી’ એટલે કે હદીસનું વર્ણન અથવા નકલ કરનાર. બીજો શબ્દ છે ‘સનદ’. બધા રાવીઓનાં નામો મળીને સનદ બને છે. રાવી જે વાત કહે છે તે રિવાયત કહેવાય છે. જે વ્યક્તિ રિવાયત નકલ કરે છે તે કહે છે કે મેં પયગંબર સાહેબને એમ કહેતા કે કરતા અમુક વ્યક્તિ પાસેથી સાંભળ્યું છે અથવા અમુક વ્યક્તિએ ફલાણી વ્યક્તિની સનદથી મને બતાવ્યું. પછી જે વ્યક્તિએ પોતાની પહેલાંની જે વ્યક્તિ પાસેથી રિવાયત સાંભળી હોય તેનું નામ લે છે. આ રીતે રાવીઓનો સિલસિલો ઉપરના છેલ્લા રાવી એટલે કે સહાબી સુધી પહોંચે છે, જેણે પ્રત્યક્ષ પયગંબર સાહેબને કહેતા કે કરતા સાંભળ્યા/જોયા હોય. આ રીતે રાવીઓનો સમૂહ થાય છે અને તે સનદ કહેવાય છે. જો સનદ વિશ્વાસપાત્ર હોય તો હદીસ વિશ્વાસપાત્ર ગણાય છે. આ સનદ જે હદીસ વર્ણવે છે તેના પાઠને મતન કહેવામાં આવે છે. આ રીતે દરેક હદીસના બે ભાગ હોય છે : એક સનદ અને બીજો મતન.

પયગંબર સાહેબના અવસાન પછી અરબસ્તાનની બહારના વિસ્તારોમાં ઇસ્લામનો ફેલાવો થયો તેથી ધાર્મિક બાબતોનાં જ્ઞાન તથા સંશોધનનો શોખ વધ્યો. પરિણામે કુરાનની તફસીર (સમજૂતી) સાથે હદીસની મદદ લેવાનું શરૂ થયું. આમ હદીસના સંગ્રહો તથા તેમના સંપાદનનું કામ ફેલાયું. આની સાથે ખરી અને ખોટી હદીસો નક્કી કરવાનાં ધોરણો નક્કી થયાં તથા હદીસના મુખ્ય ત્રણ પ્રકાર પડ્યા : (1) સહીહ : જેની સનદમાં કોઈ કમજોરી ના હોય અને રાવી જે કાંઈ નકલ કરે તે ન્યાયપૂર્ણ હોય છે. (2) હસન : જેના રાવી સાચા હોય પણ તેમનું સચ્ચાઈનું ધોરણ સહીહ કરતાં નીચું હોય. (3) ઝઈફ : એટલે કમજોર.

હદીસોને લખવાનું કામ તો શરૂથી જ ચાલુ થઈ ગયું હતું; પરંતુ વિષય અનુસાર પ્રકરણ પાડીને આધુનિક ઢબે હદીસ-સંગ્રહો ત્રીજી સદી હિજરી(નવમી સદી ઈસ્વી)માં સંપાદિત થયા. નીચે જણાવેલા છ સંગ્રહોને પ્રમાણભૂત માનવામાં આવે છે : (1) અલ-બુખારી, (2) મુસ્લિમ, (3) અબૂ દાઊદ, (4) અલ-તિર્મિઝી, (5) અલ-નસાઈ, (6) ઇબ્ન માજા. આ છ સંગ્રહો એકસાથે અલ-સિહાહુલ-સિત્તા એટલે કે ‘છ પ્રમાણભૂત સંગ્રહો’ના નામે ઓળખાય છે. કુરાન પછી આ સંગ્રહો પવિત્ર ગ્રંથો ગણાય છે. આમાંથી બુખારી તથા મુસ્લિમને વધુ મહત્વ આપવામાં આવે છે અને તે અલ-સહીહૈન અથવા બે પ્રમાણભૂત ગ્રંથોના નામે ઓળખાય છે. આ બે સંગ્રહોમાં વિષયોની પણ વિવિધતા જોવા મળે છે; જ્યારે બાકીના ચાર ગ્રંથો સુન્નત ઉપર આધારિત છે તેથી તે સુનન અરબઆ (સુન્નતની ચાર કિતાબો) કહેવાય છે. પાછળના કેટલાક હદીસશાસ્ત્રીઓએ નવા સંગ્રહો રચ્યા હતા; પરંતુ તેમને સામાન્ય સ્વીકૃતિ મળી શકી હતી નહિ, જ્યારે પાછળના મોટા ભાગના અભ્યાસીઓએ અગાઉના છ સંગ્રહોની સમજૂતી અથવા તેમની સંક્ષિપ્ત આવૃત્તિઓ તૈયાર કરી હતી. આમાં ઇમામ બગવીરચિત મસાબીહુસ્સુન્નહ; અલ-તબરૈઝીકૃત મિશકાતુલ મસાબીહ; અલ-સુયૂતીકૃત જમ્ઉલ જવામિ અને અલ-જામિઉસ્સગીર જાણીતી છે. હદીસ-સંગ્રહોની સમજૂતી લખવાનું કામ કર્યું હોય તેઓમાં ઇબ્ન હજર, અલ-કસ્તલાની, અલ-નવવી, અલ-શૌકાની વગેરેની ગણના થાય છે.

પયગંબર સાહેબે ચાળીસ હદીસોનો સંગ્રહ તૈયાર કરનાર અથવા મોઢે કરનારને ખુશખબરી આપી છે. મુસ્લિમોમાં ચાળીસ હદીસો ઉપર આધારિત સંગ્રહો અગણિત સંખ્યામાં જોવા મળે છે. આવા સંગ્રહને અરબઈન કહેવાય છે.

શિયાપંથી મુસ્લિમો માત્ર એવી હદીસોને પ્રમાણભૂત ગણતા આવ્યા છે જેના રાવી ચોથા ખલીફા હઝરત અલી, તેમનાં કુટુંબીજનો કે તેમના સાથીદારો હોય. શિયાઓના પાંચ પ્રખ્યાત હદીસ-સંગ્રહોનાં નામ આ મુજબ છે : (1) અલ-કાફી (લેખક : અલ-કુલૈની), (2) મલ લા યહઝુરુહૂલ ફકીહ (લેખક : બાબવયહ), (3) તેહઝીબુલ અહકામ, (4) અલ-ઇખ્તિસાર (લેખક : અલ-તૂસી), (5) નહજુલ બલાધા (લેખક : અલ-મુર્તુઝા).

હદીસના શિક્ષણના જુદા જુદા પ્રકાર હતા. શરૂઆતમાં હદીસ માત્ર મોઢે સંભળાવીને શીખવવામાં આવતી અને શિષ્ય તેને યાદ કરી લેતો. પાછળથી હદીસ લખીને અથવા નકલ કરીને શીખવાની પણ પ્રથા પ્રચલિત થઈ હતી. આમાંથી કુરાનને કંઠસ્થ કરવાની પ્રથાની સાથે સાથે હદીસના સમગ્ર ગ્રંથને કંઠસ્થ કરવાની પ્રથા પણ પ્રચલિત થઈ.

હદીસશાસ્ત્રના ફેલાવાના પરિણામરૂપ બીજું એક અજોડ શાસ્ત્ર ઉદભવ્યું તે ઇલ્મુર રિજાલ છે. દરેક હદીસની સનદમાં રાવીઓનાં નામ આવે છે. આમાંથી દરેક રાવીનાં ચરિત્ર તથા તેની વિશ્વસનીયતા બાબતમાં સંશોધન કરીને પુસ્તકો લખાયાં. આવાં પુસ્તકો કિતાબુર રિજાલ (અર્થાત્ જીવનચરિત્રો) અને તેનું શાસ્ત્ર ઇલ્મુર રિજાલ કહેવાયું. આવી રીતે જીવનચરિત્રોનો એક મહામૂલો સંગ્રહ અસ્તિત્વમાં આવ્યો છે જે અરબી ભાષા અને ધાર્મિક સાહિત્યનો અણમોલ ખજાનો છે.

હદીસશાસ્ત્રના વિકાસમાં ભારતના મુસ્લિમ વિદ્વાનો અને ખાસ કરીને ગુજરાતના હદીસશાસ્ત્રીઓએ મહત્વનો ફાળો આપ્યો છે. પાટણના સોળમા સૈકાના અલ્લામા મુહમ્મદ બિન તાહિરે હદીસનો શબ્દકોશ – અલ-બુહારૂલ અનવાર  લખ્યો હતો, જે હદીસના શિક્ષણમાં પાઠ્યપુસ્તકની ગરજ સારે છે. હદીસનો એક પ્રકાર હદીસે કુદસી કહેવાય છે, જેનો અર્થ પવિત્ર હદીસ થાય છે. આ પ્રકારની હદીસમાં જે વાત કરવામાં આવે છે તે અલ્લાહના તરફથી હોય છે અને તેના શબ્દો તથા વર્ણન પયગંબર સાહેબનાં હોય છે. આ પણ ઈશ્વરપ્રેરિત હદીસ છે, પણ કુરાનથી જુદા પ્રકારની હોય છે.

હદીસશાસ્ત્રનો જેની ઉપર આધાર રહેલો છે તેને ઉસૂલે હદીસ કહેવામાં આવે છે. ઉસૂલે હદીસમાં રાવીઓના પ્રકાર અને રિવાયતના પ્રકારની ચર્ચા હોય છે અને હદીસ રિવાયત કરવાના નિયમો ઘડવામાં આવે છે. ઉસૂલે હદીસના વિષય ઉપર પણ અરબી તથા અન્ય ભાષાઓમાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય ઉપલબ્ધ છે.

મેહબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી