હથોડી (hammer) : ફિટરો વડે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું ઓજાર. જૉબવર્કમાં જરૂર પડે ત્યાં ફટકો મારવા માટે તે વપરાય છે. તેના ઉપયોગના અનુસંધાનમાં તે કઠણ હથોડી અથવા હલકી હથોડી તરીકે ઓળખાય છે. કઠણ હથોડી, રિવેટિંગ, ચિપિંગ અને ખીલી ઠોકવા વપરાય છે

હથોડી : (અ) દડા આકારની હથોડી, (આ) ત્રાંસા આકારની હથોડી, (ઇ) સીધા આકારની હથોડી

. તે ઘડતરના પોલાદ(forged steel)માંથી બનાવવામાં આવે છે. તેનું વજન 100 ગ્રામથી 1,000 ગ્રામ સુધી હોય છે; પણ 300 ગ્રામ અને 500 ગ્રામની હથોડી વ્યાપકપણે વપરાય છે. કઠણ હથોડીથી જેની સપાટીને હાનિ થાય એમ હોય ત્યાં હલકી હથોડી વપરાય છે. આ હથોડીને મોગરી (mallet) કહેવાય છે. આ હથોડી સખત રબર, તાંબું, પિત્તળ, સીસું અથવા લાકડામાંથી બનાવાય છે. હથોડીના મુખ્ય ભાગ આકૃતિમાં દર્શાવ્યા છે.

હથોડીના મુખ્ય ભાગમાં, ફલક (face), માથું (head), આંખ (eye) અને પીન (peen) છે. ફલક સખત અને પૉલિશ કરેલો હોય છે. તે સપાટ ન હોતાં થોડો બહિર્ગોળ હોય છે. આનાથી જેના પર કામ કરાય છે તે સપાટી ઉપર નિશાન પડતાં નથી. હાથો જેમાં બેસાડવામાં આવે છે તે આંખ લંબવૃત્તાકાર (elliptical) હોય છે. આ હાથો બેસાડ્યા બાદ તેની પકડ સખત કરવા જરૂરી ફાચર (wage) મારવામાં આવે છે. આ ફાચર ધાતુમાંથી બનાવાય છે. આ ફાચરની મદદથી કાર્ય કરતી વખતે હાથો છૂટો પડતો નથી. હાથો સારા પ્રકારના લાકડામાંથી એવી રીતે બનાવાય છે કે હથોડી પકડવાનું સરળ થાય. હાથામાં વપરાતું લાકડું બરાબર નિર્જલીકરણ (seasoning) કરેલું હોય છે. ઓછા વજનની હથોડી માટે તેના હાથાની લંબાઈ 200થી 260 મિમી.ની રખાય છે. ભારે વજનની હથોડી માટે તેના હાથાની લંબાઈ 380થી 450 મિમી.ની રાખવામાં આવે છે. જે બાજુએથી ટીપવાની કારવાઈ થાય છે તેની વિરુદ્ધના ભાગને પીન કહેવાય છે. તેના આકાર મુજબ હથોડી દડા આકારની (ball peen), ત્રાંસા આકારની (cross peen) અથવા સીધા આકારની (straight peen) હથોડી તરીકે ઓળખાય છે. સામાન્યપણે દડા આકારની હથોડી વપરાય છે. ત્રાંસા આકારની હથોડી દડા આકારની હથોડીના જેવી જ હોય છે સિવાય કે પીનનો આકાર. આ હથોડી વાળવા અથવા ખૂણાઓને ટીપવા માટે વપરાય છે. સીધા આકારની હથોડી મુશ્કેલ જગ્યાઓએ ટીપવા માટે વપરાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ