હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના પિતા બારિસાલમાં સરકારી વકીલ હતા અને વકીલ તરીકે સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા. ફઝલુલ હક્ક અભ્યાસમાં તેજસ્વી હતા. તેમણે 1890માં પ્રવેશ પરીક્ષા પાસ કરી. 1894માં સ્નાતક અને 1896માં કોલકાતા યુનિવર્સિટીમાંથી તેઓ એમ.એ. થયા. 1897માં તેમણે બી.એલ.ની (કાયદાની) પરીક્ષા પાસ કરી. ફઝલુલ હક્કે બારિસાલની રાજચંદ્ર કૉલેજમાં અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી. તેમને સાહિત્ય અને પત્રકારત્વમાં પણ રસ હતો. તેઓ 1901થી 1906 સુધી ‘બલક’ના તંત્રી અને 1900થી 1903 સુધી ‘ભારત સુહૃદ’ના સહતંત્રી હતા. તેઓ બંગાળી દૈનિક ‘નવજુગ’ તથા બીજાં કેટલાંક અખબારો સાથે જોડાયેલા હતા. 1906માં તેઓ સરકારી નોકરીમાં જોડાયા અને સરકારી ધિરાણ મંડળીઓના ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે 1912માં રાજીનામું આપીને કોલકાતામાં વકીલાત શરૂ કરી. તેઓ આશુતોષ મુખરજી, વ્યોમેશચંદ્ર બેનરજી, સુરેન્દ્રનાથ બેનરજી, મોતીલાલ ઘોષ વગેરેના ગાઢ સંપર્કમાં હતા.

ફઝલુલ હક્ક મુસ્લિમોના ઉત્કર્ષમાં રસ ધરાવતા હતા અને 1906માં ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપનામાં સક્રિય હતા. 1913માં તેઓ બંગાળની ધારાકીય સમિતિના સભ્ય બન્યા, ત્યારથી દેશના વિભાજન (1947) સુધી તેની સાથે જોડાયેલા રહ્યા. તેમાં 1934–1936નાં બે વર્ષ તેઓ કેન્દ્રીય ધારાસભાના સભ્ય હતા. 1913થી 1916 સુધી તેઓ બંગાળ પ્રાંતિક મુસ્લિમ લીગના સેક્રેટરી અને 1916થી 1921 સુધી તેઓ ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રમુખ હતા. તેઓ કાગ્રેસ સાથે પણ જોડાયેલા હતા. 1916માં કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે લખનૌ કરાર કરાવવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1917માં તેઓ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સહમંત્રી અને 1918–19માં તેના મહામંત્રી બન્યા હતા. કૉંગ્રેસે 1919માં જલિયાંવાલા બાગના હત્યાકાંડની તપાસ કરવા પંજાબ તપાસ સમિતિ નીમી ત્યારે મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ સાથે તેમને પણ સભ્યપદે નીમ્યા હતા.

ફઝલુલ હક્ક

કૉંગ્રેસે અસહકારનો ઠરાવ કર્યો તે પછી તેમણે કૉંગ્રેસ છોડી કારણ કે તેઓ તેના વિરોધી હતા. બંગાળમાં 1924માં તેઓ શિક્ષણ ખાતાના મંત્રી હતા. 1930–1933 દરમિયાન લંડનમાં ભરાયેલી ત્રણ ગોળમેજી પરિષદોમાં તેઓ મુસ્લિમોના પ્રતિનિધિ હતા.

લીગમાં ઝીણા અને બીજા ઉગ્રવાદીઓ સાથે તેમને વૈચારિક મેળ ન થવાથી તેમણે લીગ છોડી અને 1937માં કૃષક પ્રજા પક્ષ સ્થાપ્યો. તેમણે મુસ્લિમ લીગના નેતા નઝીમુદ્દીનને હરાવ્યા અને પોતે બંગાળની ધારાસભામાં ચૂંટાયા. તેમણે કૉંગ્રેસ સાથે જોડાણ કરીને સંયુક્ત મંત્રીમંડળ રચવાની દરખાસ્ત મૂકી. બંગાળમાં કૉંગ્રેસના નેતા શરદચંદ્ર બોઝ તે માટે તૈયાર હતા; પરંતુ કૉંગ્રેસ હાઈ કમાન્ડે બંગાળમાં સંયુક્ત સરકારની દરખાસ્ત સ્વીકારી નહિ. તે પછીના બનાવોએ બતાવી આપ્યું કે આ પગલું અવિચારી અને ગેરડહાપણભર્યું હતું. મુસ્લિમ લીગે આ પરિસ્થિતિનો તાત્કાલિક લાભ લીધો અને ફઝલુલ હક્કના કૃષક પ્રજા પક્ષ સાથે સંયુક્ત સરકારની રચના કરી. ત્યારથી બંગાળમાં લીગનો પ્રભાવ વધવા માંડ્યો. ફઝલુલ હક્કે મુસ્લિમ લીગના અલગતાના વિચારો/સિદ્ધાંતો સ્વીકાર્યા અને પાકિસ્તાનની માગણી કરતો 1940નો લાહોર ઠરાવ રજૂ કર્યો; પરંતુ તેમને લીગના ઉગ્રવાદીઓ પ્રત્યે ખરેખર સદભાવ નહોતો એટલે 1941માં તેમણે લીગ સાથે છેડો ફાડ્યો. તેના ફળસ્વરૂપે બંગાળમાં સંયુક્ત સરકારનું પતન થયું. ત્યાર બાદ તેમણે હિંદુ કોમના પ્રતિનિધિ શ્યામાપ્રસાદ મુખરજી સાથે નવી સંયુક્ત સરકારની રચના કરી. તેનું વલણ પ્રગતિશીલ, રાષ્ટ્રવાદી અને બિનસાંપ્રદાયિક હોવાથી મુસ્લિમ લીગ અને બ્રિટિશ અધિકારીઓને ગમ્યું નહિ. તેમની ચાલબાજી અને કાવતરાના પરિણામે ફઝલુલ હક્કે 1943માં રાજીનામું આપવું પડ્યું અને મુસ્લિમ લીગે મંત્રીમંડળની રચના કરી. 1946માં ફઝલુલ હક્ક ફરીથી મુસ્લિમ લીગમાં જોડાયા.

દેશના વિભાજન (1947) પછી તેઓ ઢાકામાં સ્થાયી થયા અને પૂર્વ પાકિસ્તાનના ઍડ્વોકેટ જનરલ બન્યા. 1954માં 81 વર્ષની વયે તેમણે રાજીનામું આપ્યું અને કૃષક શ્રમિક પક્ષ સ્થાપ્યો. તેમને મુસ્લિમ લીગના વિરોધી બધા પક્ષોના બનેલા યુનાઇટેડ ફ્રન્ટના નેતા ચૂંટવામાં આવ્યા. 1954માં પૂર્વ પાકિસ્તાનની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં તેઓ બે મતદાર મંડળમાંથી મોટી બહુમતીથી ચૂંટાયા અને યુનાઇટેડ ફ્રન્ટના મંત્રીમંડળના વડા બન્યા; પરંતુ તેમની સત્તા લાંબો સમય ટકી નહિ. તે મંત્રીમંડળને બરતરફ કરીને ગવર્નરનું રાજ સ્થપાયું. 1955માં તેમની કેન્દ્રીય મંત્રીમંડળમાં ગૃહમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. 1956માં તેમને પૂર્વ પાકિસ્તાનના ગવર્નર નીમવામાં આવ્યા. બે વર્ષ પછી તેમને તે હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા.

બંગાળના જાહેર જીવનમાં અડધી સદી સુધી ફઝલુલ હક્ક પ્રભુત્વ ધરાવતા હતા. બંગાળના વિભાજન પહેલાંના ત્રણ દાયકા સુધી રાજકીય જીવનમાં તેઓ મહત્વનો ભાગ ભજવતા હોવાથી તેઓ ‘શેરે-બંગલા’ કહેવાતા હતા. તેઓ કોલકાતાની ઇસ્લામિયા કૉલેજ (હાલની મૌલાના આઝાદ કૉલેજ), લેડી બ્રેબૉર્ન કૉલેજ, વાજેદ મેમૉરિયલ ગર્લ્સ હાઈસ્કૂલ અને ચખાર કૉલેજ સહિત ઘણી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના સાથે જોડાયેલા હતા. તેમણે ડેટ સેટલમેન્ટ ઍક્ટ ઘડવામાં મુખ્ય ભાગ ભજવીને ખેડૂતોનો આર્થિક બોજો દૂર કરાવ્યો હતો. તેઓ જરૂરિયાતવાળાને તરત મદદ કરતા હતા. અંગત અને જાહેર જીવનમાં તેઓ સાદા હતા.

જયકુમાર ર. શુક્લ