સ્વલ્પ તત્વો : 20 મિગ્રા./દિવસથી ઓછી માત્રામાં દૈનિક આવશ્યકતા હોય તેવાં પોષક તત્વો. તેમાં સ્વલ્પ ધાતુઓ  જસત (zinc), ક્રોમિયમ, સેલેનિયમનો સમાવેશ થાય છે. ઉપર જણાવેલી વ્યાખ્યા પ્રમાણે, લોહતત્વ, મૅન્ગેનીઝ તથા તાંબું નામની ધાતુઓ અને આયોડિન અને ફ્લોરાઇડ – એ અધાતુ તત્વોનો પણ સ્વલ્પ તત્વોમાં સમાવેશ કરી શકાય છે. સોડિયમ, પોટૅશિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ફૉસ્ફેટ વગેરે આવશ્યક પોષક તત્વોની દૈનિક જરૂરિયાત 20 મિગ્રા.થી વધુ હોય છે.

લોહતત્વની દૈનિક જરૂરિયાત 10 મિગ્રા. હોય છે; પરંતુ ગર્ભધારણવય(child bearing age)ની સ્ત્રીઓમાં તે 15થી 20 મિ.ગ્રા. હોય છે. તે ધાન્ય (cereals), કઠોળ, ભાજી, પાલક, યકૃત, ઈંડાં, માંસ, માછલી વગેરેમાં વધુ હોય છે. તેની ઊણપમાં પાંડુતા (anaemia) તથા કોષોનું શ્વસન વિકારયુક્ત બને છે. ઊણપની સારવારમાં મુખમાર્ગી તથા ઇન્જેક્શન દ્વારા લોહતત્વ આપવામાં આવે છે.

મૅન્ગેનીઝની દૈનિક જરૂરિયાત 5 મિગ્રા. જેટલી હોય છે. તે ધાન્ય, સૂકો મેવો, કૉફી તથા ચામાંથી મળે છે. પ્રાણીજ ખોરાકમાં તેનું પ્રમાણ ઓછું હોય છે. તેનું શારીરિક કાર્ય શું છે તે સ્પષ્ટ નથી; પરંતુ તે ગ્લુકોઝના ચયાપચય સાથે સંકળાયેલું છે. તેની માનવમાં ઊણપ દર્શાવાઈ નથી.

તાંબા(copper)ની દૈનિક જરૂરિયાત 2 મિગ્રા. છે. તે સૂકો મેવો, ધાન્ય, કઠોળ, માંસ, ફળો, યકૃત, માછલી અને શાકભાજીમાંથી મળે છે. તેની ઊણપ અપક્વ અને ઓછા વજનવાળાં નવજાત શિશુમાં તથા અપોષણની સ્થિતિમાં જોવાય છે. તેની ઊણપને કારણે પાંડુતા, શ્વેતકોષોની અલ્પતા, હાડકાંમાં ક્ષારતત્વની ઘટ અને અસ્થિભંગ (fracture) થાય છે. તેના ચયાપચયમાં વિષમતા થવાથી તેની અધિકતા થાય છે અને તેથી વિલ્સનનો રોગ થાય છે.

કોબાલ્ટની ઊણપથી માનવમાં કોઈ રોગ થતો નથી. વિટામિન બી12માં તે હોય છે, પણ તેની ઊણપ વિટામિન બી12 લઈને જ દૂર કરાય છે.

જસત(zinc)ની દૈનિક જરૂરિયાત 2.5 મિગ્રા. છે. તે સગર્ભાવસ્થામાં વધે છે. તે ચોખા, ઘઉં, મકાઈ, જવ, દૂધ, પનીર, કઠોળ, માંસ, યકૃત, માછલી, ઈંડાં વગેરેમાં મળે છે. તેની ઊણપ ફક્ત ધાન્ય ખાનારા, અલ્પપોષણવાળા કે વૃદ્ધોમાં જોવા મળે છે. તેની ઊણપથી ભૂખ ઘટવી (અરુચિ, loss of appetite), અસ્વાદિતા (ageusia), થાક અને ઘાના રૂઝવામાં વાર લાગવી વગેરે થાય છે.

ક્રોમિયમની દૈનિક જરૂરિયાત 5થી 100 માઇક્રોગ્રામ હોય છે. તેની ઊણપને દૂર કરવાથી ગ્લુકોઝના ચયાપચયમાં સુધારો થાય છે તથા પ્રોટીનની ઊણપવાળાં બાળકોની વૃદ્ધિ પણ સામાન્ય સ્તરની બને છે.

સેલેનિયમની દૈનિક જરૂરિયાત 0.1થી 0.2 મિગ્રા./કિગ્રા. છે. તેથી તે 60 કિગ્રા.ની વ્યક્તિમાં 60થી 100 માઇક્રોગ્રામ બને છે. તે ગલગ્રંથિ(thyroid gland)ના અંત:સ્રાવ થાયરૉક્સિન(T4)ને તેના સક્રિય ટ્રાઇઆયોડોથાયરોનિન(T3)માં પરિવર્તિત કરવામાં મહત્વનું કાર્ય કરે છે. તેની ઊણપથી ચીનના એક પ્રાંતમાં હૃદ્-સ્નાયુ રુગ્ણતા(cardiomyopathy)નો રોગ નોંધાયેલો છે. તેને કેશાન રોગ (Keshan disease) કહે છે. તેની ઊણપથી ચીનના પર્વતીય પ્રદેશોમાં કૅશિન-બેક (Kashin-Beck) રોગ થાય છે, જેમાં અસ્થિસંધિરુગ્ણતા (osteoarthopathy) થાય છે. સેલેનિયમની ઊણપથી થતા વિકારમાં વિટામિન ઈ રક્ષણ આપે છે.

આયોડિન સ્વલ્પ અધાતુ તત્વ છે. તેની દૈનિક જરૂરિયાત 76થી 150 માઇક્રોગ્રામ છે. તેનું મહત્વનું કાર્ય ગલગ્રંથિ(thyroid gland)ના અંત:સ્રાવોમાંના અગત્યના ઘટક તરીકેનું છે. તે દરિયાઈ આહાર, માછલી, તાજાં ફળો, તાજાં શાકભાજી (પાલક સિવાયનાં), ધાન્યના દાણા, માંસ, દૂધ, ઈંડાં, દરિયાઈ કે આયોડિનયુક્ત મીઠામાંથી મળે છે. તેની ઊણપથી મૃત શિશુજન્મ, ગર્ભપાત, જન્મજાત કુરચનાઓ, અલ્પધીવામનતા (cretinism), કોઈ પણ ઉંમરે માનસિક કાર્યમાં ઘટાડો વગેરે થાય છે. તેની ઊણપથી ગલગ્રંથિ (thyroid gland) મોટી થઈને ગલગંડ (goitre) બનાવે છે. તેવું સમુદ્રથી દૂરના પર્વતીય વિસ્તારોમાં (દા. ત., હિમાલય), તથા આયોડિનના ચયાપચયને અસર કરતાં રસાયણો(દા. ત., થાયોસાયનેટ, થાયોયુરેસિલ વગેરે)થી પણ થાય છે. કોબીજમાં તેમનું પ્રમાણ વધુ હોવાથી તેને ગલગંડિતાના વિકાર સાથે સાંકળવામાં આવે છે. આયોડિનની ઊણપથી ગલગ્રંથિના અંત:સ્રાવોનું પ્રમાણ ઘટે છે અને તેથી અલ્પગલગ્રંથિતા (hypothyroidism) થાય છે. સારવાર રૂપે આયોડિનયુક્ત મીઠું, લ્યુગોલનું આયોડિન કે ગલગ્રંથિનો અંત:સ્રાવ અપાય છે.

બીજું સ્વલ્પ અધાતુ તત્વ છે ફ્લોરિન. તેની દૈનિક જરૂરિયાત 2થી 3 મિલીગ્રામ છે. તે દાંતમાં સડો થતો અટકાવે છે તથા હાડકાંનું ઉત્શોષણ (resorption) ઘટાડે છે અને તેમાં કૅલ્શિયમનું જમા થવાનું વધારે હોય છે. આ રીતે તે અસ્થિભંગની સંભાવના ઘટાડે છે. તેની ઊણપથી દાંતના મોતિયલ (enamel) નામના આવરણમાં તે ઓછું જમા થાય છે અને તેથી દાંતમાં સડો (caries) થાય છે. તે ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળો, પ્રાણીજ ફળો, માછલી તથા ચામાંથી મળે છે. તેની અધિકતા ફ્લૂરોમયતા (fluorosis) નામનો રોગ કરે છે.

શિલીન નં. શુક્લ