સ્થાનીયતા : કોઈ એક જાતિ કે વર્ગક-સમૂહ(taxonomic group)નો આવાસ નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ પૂરતો જ મર્યાદિત રહે તેવી પરિસ્થિતિ. આ પરિસ્થિતિના નિર્માણ માટે જવાબદાર પરિબળોમાં અલગીકરણ (isolation) અથવા મૃદા કે આબોહવાકીય પરિસ્થિતિઓ સામેની પ્રતિક્રિયા(response)નો સમાવેશ થાય છે. આવા વર્ગક(taxon)ને તે પ્રદેશનો સ્થાનિક (endemic) ગણવામાં આવે છે. સ્થાનીયતાનો વિસ્તાર વર્ગકની કક્ષા ઉપર આધાર રાખે છે. એટલે કે કુળ(family)ની સ્થાનીયતાનો વિસ્તાર ઘણો વધારે હોય છે; જ્યારે સ્થાનિક જાતિ(species)નો વિસ્તાર ઘણો ઓછો હોય છે. સ્થાનિક જાતિઓ કુદરતી રીતે અન્યત્ર થતી નથી. સ્થાનીયતા નિશ્ચિત ભૌગોલિક એકમ જેવા કે ટાપુઓ, આવાસ(habitat)નો પ્રકાર, અન્ય ચોક્કસ વિસ્તાર કે વિભાગમાં જોવા મળે છે; દા. ત., નારંગી છાતીવાળો શકરખોર (orange breasted sunbird) ફિન્બોસ-(દક્ષિણ-પશ્ચિમ દક્ષિણ આફ્રિકાના એક વનસ્પતિ સમૂહનો પ્રકાર છે.)નું માત્ર સ્થાનિક છે. કોએલા અને લાલ કાંગારું ઑસ્ટ્રેલિયા સિવાય દુનિયામાં અન્ય કોઈ પણ સ્થળે કુદરતી રીતે થતાં નથી.

સ્થાનિક પ્રકાર કે જાતિ તેમના ભૌગોલિક અલગીકરણને લીધે ખાસ કરીને હવાઈ, ગેલાપેગોસ અને સોકોટ્રા જેવા સુદૂર(remote)ના ટાપુઓમાં વિકાસ પામે છે. સ્થાનીયતા ઈથિયોપિયા જેવી ઉચ્ચ ભૂમિઓ કે બૈકલ સરોવર જેવી વિશાળ જલરાશિ (waterbody) જેવા જૈવવૈજ્ઞાનિક રીતે અલગીકૃત (isolated) વિસ્તારોમાં પણ જોવા મળે છે.

સ્થાનિકો સરળતાથી ભયાપન્ન (endangered) કે વિલુપ્ત (extinct) થઈ શકે છે; કારણ કે તેઓનો આવાસ મર્યાદિત હોય છે અને તેઓ નવા સજીવના પ્રવેશ સહિતની માનવપ્રવૃત્તિઓથી સુભેદ્ય (vulnerable) હોય છે. બર્મુડામાં સમુદ્રકાક (petrels) અને દેવદાર (cedars, ખરેખર જ્યુનિપર) બંને 17મી સદીની શરૂઆતમાં લાખોની સંખ્યામાં હતાં. સદીને અંતે સમુદ્રકાક વિલુપ્ત થયાં હોવાનું માનવામાં આવે છે અને દેવદાર વિલુપ્તિની નજીક ધકેલાઈ ગયાં હતાં. તેનું કારણ સદીઓથી તેમનો વહાણો બનાવવામાં ઉપયોગ થતો હતો અને પરોપજીવીનો પ્રવેશ પણ તે માટે જવાબદાર હતો.

સ્થાનિક અને દેશજ (indigenous) સજીવો એકસરખાં નથી. દેશજ જાતિ અન્ય સ્થાનોએ મૂલનિવાસી (native) હોય છે. પ્રવેશિત (introduced) જાતિઓ પ્રાકૃતિક (naturalized) અથવા વિદેશી (exotic) તરીકે પણ ઓળખાય છે. પ્રવેશિત જાતિઓ આપેલા વિસ્તાર માટે દેશજ હોતી નથી.

સ્થાનીયતા સામાન્ય રીતે એવા વિસ્તારોમાં જોવા મળે છે; જેઓ ભૂતકાળમાં કોઈક રીતે અલગ પડ્યા હોય છે. ઑસ્ટ્રેલિયા અન્ય ખંડોથી કરોડો વર્ષ પૂર્વે અલગ પડ્યો છે; તેથી તે સ્થાનીયતાનું ઊંચું પ્રમાણ દર્શાવે છે.
80 %થી વધારે વનસ્પતિ અને પ્રાણીજાતિઓ અન્ય ખંડોમાં થતી નથી. સુદૂર હવાઈના ટાપુઓમાં સ્થાનિકો દેશજ વાહક-પેશીધારી વનસ્પતિસમૂહનો 95 % ભાગ બનાવે છે.

કોઈ એક જાતિની બે વસ્તીઓ (populations) અલગ પડી જતાં તેઓ આંતરપ્રજનન કરી શકતી નથી ત્યારે સ્થાનીયતા જોવા મળે છે. બંને વસ્તીઓ અલગ રીતે પ્રજનન કરવાનું ચાલુ રાખી તેમનો સ્વતંત્રપણે ઉદવિકાસ કરે છે. સમય જતાં તે બંને વસ્તીઓ અલગ જાતિઓમાં પરિણમી શકે છે. નવી જાતિના આ ઉદવિકાસને જાતિ-ઉદભવન (speciation) કહે છે.

બે વસ્તીઓ કેટલાંક પરિબળોને કારણે અલગ થાય છે. આ ઘટનાને અલગીકરણ (isolation) કહે છે. અલગીકરણનું કારણ ભૌગોલિક (દા. ત., દરિયાની સપાટીમાં થતા ફેરફારો અથવા ગિરિમાળાનું સર્જન) કે વર્તન (દા. ત., કોઈ એક વસ્તીમાં બે જુદી જુદી પ્રજનન-ઋતુઓનો વિકાસ) હોઈ શકે છે.

ટાપુઓ ઉપર ઉદવિકાસ પામેલી અને ત્યાં હાલમાં જોવા મળતી જાતિઓ સામાન્યત: પ્રમાણમાં અર્વાચીન ઉદવિકાસી (evolutionary) ઊપજો છે અને તે સ્થાનિકોનો પ્રથમ મૂળભૂત પ્રકાર બનાવે છે. નિશ્ચિત આવાસ માટે અનુકૂલિત કોઈ એક પ્રજાતિ કેટલીકથી માંડી અનેક જાતિઓ ધરાવે છે. આ ઘટનાને અનુકૂલિત વિકિરણ (adaptive radiation) કહે છે; દા. ત., ગૅલાપેગોસની ખ્યાતનામ ફિન્ચ, હવાઈઅન ટાપુઓમાં મળી આવતી Hedyotis (કુળ  રુબિયેસી) અને વિવિધ વનસ્પતિ યજમાનો પર થતી અનુકૂલિત કીટક પ્રજાતિની જાતિઓ. અન્ય પ્રજાતિઓની કેટલીક જાતિઓ અત્યંત સમાન આવાસમાં થાય છે; દા. ત., હવાયન સમૂહમાં જોવા મળતી ગેસ્નેરિયેસી કુળની પ્રજાતિ Crytandra.

ટાપુઓ આ જાતિઓ માટે રક્ષણ પૂરું પાડે છે, જ્યાં તેઓને સ્પર્ધા કે અન્ય પ્રતિકૂળ પરિબળોનો સામનો કરવો પડતો નથી; તેથી અન્ય સ્થળોએ વિલોપન (elimination) પામતી જાતિઓની જેમ તેઓ વિલુપ્ત થતી નથી;
દા. ત., ખંડીય વિસ્તારોમાં જ્યારે કઠોર પરિસ્થિતિઓ વિકાસ પામે, ત્યારે ટાપુઓ એકસરખી આબોહવા પૂરી પાડે છે.

સ્થાનીયતા માત્ર ખંડો વચ્ચે જ જોવા મળે તેમ પણ નથી. તે ખંડોમાં પણ જોવા મળે છે; દા. ત., કોઈ એક જાતિ દક્ષિણ–પશ્ચિમ ઑસ્ટ્રેલિયા કે ઉષ્ણકટિબંધીય ક્વીન્સલૅન્ડ જેવા વિશાળ પ્રદેશ પૂરતું મર્યાદિત હોઈ શકે છે. તેઓને વિસ્તૃત (broad) સ્થાનિકો કહે છે; દા.ત., સુગર મૅપલ (Acer saccharum) પૂર્વ ઉત્તર અમેરિકામાં અને કોકો (Theobroma cacao) ઍમેઝોન દ્રોણી(basin)માં થાય છે. વળી, સ્થાનીયતા ઘણા નાના વિસ્તારો જેવા કે પર્વતના શિખર કે ટેકરીને ફરતે આવેલાં ઝરણાંઓ પૂરતું, એટલે કે થોડાક જ ચોરસ કિલોમિટર પૂરતું મર્યાદિત હોઈ શકે છે. ઘણા ઊંચા પર્વતો, દરિયાઈ પાણીનાં લાંબાં અંતરો, એકલવાયા ટાપુઓ, દરિયાના પાણીની ખારાશ વગેરે કારણોને લઈને સજીવોનું સ્થળાંતર થતું અટકે છે અને તેઓ એકલતા અનુભવે છે. આ પ્રકારની સ્થાનીયતાને સંકીર્ણ (narrow) સ્થાનીયતા કહે છે; દા. ત., Darcycarpus viellandii ન્યૂ કેલેડોનિયાના ટાપુ પૂરતું જ મર્યાદિત છે. વાયેલેન્ડિયા સિસિલી ટાપુ પૂરતી જ મર્યાદિત રહેતી પ્રજાતિ છે. ઉપર્યુક્ત બંને પ્રકારની સ્થાનીયતામાં અલગીકરણની ક્રિયા માટે આસપાસના વિસ્તારોની પ્રતિકૂળ પરિસ્થિતિઓ જવાબદાર હોઈ શકે છે.

કેટલીક સ્થાનિક જાતિઓ પુરાસ્થાનિક (paleoendemic) હોય છે, જે એક સમયે બહોળું વિતરણ ધરાવતી જાતિના અવશિષ્ટ (relict) તરીકેનું પ્રતિનિધિત્વ દર્શાવે છે; દા. ત., Lyonothamnus floribundus. આ જાતિ હાલમાં માત્ર કૅલિફૉર્નિયાના ટાપુઓ પર જ જોવા મળે છે. તે તૃતીય (tertiary) ભૂસ્તરીય યુગમાં સમગ્ર કૅલિફૉર્નિયામાં ફેલાયેલી હતી. Ginkgo biloba લગભગ 20 કરોડ વર્ષ (પર્મિયન કાળ) પૂર્વે દુનિયામાં બહોળો ફેલાવો ધરાવતી હતી. આજે આ જાતિ ચીનના કેટલાક પ્રદેશ પૂરતી જ મર્યાદિત બની છે. સેન્ટ હેલિના ટાપુ પર મળી આવતી 85 %થી વધુ વનસ્પતિજાતિઓ અને ન્યૂઝીલૅન્ડની 72 % વનસ્પતિજાતિઓ પુરાસ્થાનિક છે.

બે કે તેથી વધારે વિસ્તૃતપણે અલગીકૃત (seperated) પ્રદેશોમાં જોવા મળતી જાતિને અસતત (discontinuous) કે વિયોજિત (disjunct) જાતિ કહે છે; દા. ત., Magnolia દક્ષિણ-પૂર્વ એશિયા અને પૂર્વીય ઉત્તર અમેરિકામાં થાય છે, પરંતુ તે બંને પ્રદેશોની વચ્ચે ક્યાંય થતી નથી.

Sequoia sempervirens (રેડવૂડ વૃક્ષ) કૅલિફૉર્નિયામાં થોડાંક વર્ષો પૂર્વે જ ઉત્પન્ન થયાં હોવા છતાં અત્યારે તે માત્ર કૅલિફૉર્નિયા પૂરતાં જ મર્યાદિત છે. આ પ્રકારની સ્થાનીયતાને સૂક્ષ્મ સ્થાનીયતા કહે છે.

ભારતમાં સ્થાનીયતા ધરાવતા વિસ્તારોમાં આંદામાન, નિકોબાર, હિમાલય અને આસામને ગણવામાં આવે છે. ભારતમાં આવૃત્તબીજધારીઓ(angiosperms)ની 15,000 જેટલી જાતિઓ થાય છે; તે પૈકી 12 % જેટલી જાતિઓ દ્વીપકલ્પીય (peninsular) સ્થાનીયતા ધરાવે છે. તેમાં દ્વિદળીની 1384 અને એકદળીની 548 જાતિઓનો સમાવેશ થાય છે. તેમાંની 958 જાતિઓ શાકીય અને બાકીની વૃક્ષ સ્વરૂપની જાતિઓ છે. ભારતમાં રુબિયેસી, ઑર્કિડેસી, ફૅબેસી અને પોએસી કુળોને સ્થાનિક કુળો ગણવામાં આવે છે.

ગુજરાતમાં જોવા મળતી Cyperus dwarkensis, Fuirena tuwensis, Helichrysum kachchhicum, Tephrosia jamnagarenis વગેરે વિવિધ વિસ્તારોની સ્થાનીયતા ધરાવે છે. Ischaemum santapaui, Chlorophytum borivilianum, Dendrobium microbulbon અને Eulophia rhamnetia વગેરે દક્ષિણ ગુજરાતની સ્થાનિક જાતિઓ છે.

‘વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ’ના દર્શાવ્યા મુજબ સ્થાનિક જાતિઓની સૌથી વધારે ટકાવારી ધરાવતા પારિસ્થિતિક પ્રદેશો આ પ્રમાણે છે : ફિન્બોસ (દક્ષિણ આફ્રિકા), હવાઈ શુષ્ક વનો (યુ.એસ.), હવાઈ ઉષ્ણકટિબંધીય વનો (યુ.એસ.), વૉન્ગન અકૃષ્ટ ભૂમિઓ (heath lands) (ઑસ્ટ્રેલિયા), માડાગાસ્કર શુષ્ક પર્ણપાતી વનો (માડાગાસ્કર), માડાગાસ્કર લો-લૅન્ડ વનો (માડાગાસ્કર), ન્યૂ ક્લેડોનિયા શુષ્ક વનો (ન્યૂ ક્લેડોનિયા), સાયેરા મેડ્રે દ ઓએક્સાકા (Sierra Madre de Oaxaca) અને સાયેરા મેડ્રે ડેલ સર (Sierra Madre del Sur), પાઇનઑક વનો (મૅક્સિકો, ગ્વાટેમાલા).

આવાં વિશિષ્ટ નિવસનતંત્રો પર ઝઝૂમતા મુખ્ય ભયો પૈકી કેટલાક આ પ્રમાણે છે : વૈશ્વિક તાપન (global warming), મોટા પાયા પર ઉત્કાષ્ઠન (logging) ક્રિયાઓ, સ્થાનાંતરી (shifting) કૃષિના એક ભાગ રૂપે ‘કાપો’ અને ‘બાળો’ (slash and burn) પદ્ધતિ.

ઉપર્યુક્ત પરિબળો દુનિયામાં માનવ-વસ્તીવિસ્ફોટનાં દ્વિતીયક પરિણામો છે.

યોગેશ ડબગર

બળદેવભાઈ પટેલ