સ્થાપત્યકલા

લલિતકલાઓના વર્ગમાંની એક રૂપપ્રદ કલા. ચિત્રકલા અને શિલ્પકલાની જેમ સ્થાપત્યકલા રૂપપ્રદ કલા છે. સ્થાપત્યની વ્યાખ્યા આપતાં સર સીડની કોલવીન જણાવે છે : ‘સ્થાપત્ય ઘાટ આપવાની કલા છે. એનું કાર્ય ક્રમબદ્ધ અને વિભૂષિત પિંડોના સંયોજનથી લાગણી વ્યક્ત અને ઉત્તેજિત કરવાનું છે.’ લાગણીનો સ્પર્શ ધરાવતી ઇમારતને સ્થાપત્ય કહી શકાય. સંસ્કૃતમાં સ્થાપત્ય માટે ‘વાસ્તુ’ શબ્દ પ્રયોજાય છે. કોઈ પણ દેશના સમાજમાં સ્થાપત્યનું અનેરું સ્થાન છે. તે દ્વારા તે દેશનો ઇતિહાસ જાણી શકાય છે. સ્થાપત્યકીય વારસા વડે કોઈ પણ દેશ ગૌરવ અનુભવે છે. યુરોપમાં સ્થાપત્યનો ઇતિહાસ કલાના ઇતિહાસની મહત્વની શાખા તરીકે વિકાસ પામ્યો છે. સ્થાપત્યકીય ઇતિહાસ ઘણો ઉપયોગી નીવડ્યો છે; કારણ કે કોઈ પણ રાજકીય કે ઐતિહાસિક અભ્યાસ કરવા માટે સ્થાપત્ય અનિવાર્ય દસ્તાવેજી પ્રમાણ છે. ભારતીય પરંપરામાં શબ્દ-બ્રહ્મ, રસ-બ્રહ્મ અને નાદ-બ્રહ્મની જેમ વાસ્તુ-બ્રહ્મની પણ કલ્પના કરવામાં આવી છે.

આદિમાનવે પોતાને રહેવા માટે અને પ્રતિકૂળ આબોહવા સામે રક્ષણ મેળવવા તેણે જે કુટિર બનાવી હશે તે સ્થાપત્યકલાનું પ્રથમ સોપાન હતું. સંસ્કૃતિના વિકાસની સાથે, અન્ય કલાઓની સાથે સ્થાપત્યકલાનો પણ ક્રમશ: વિકાસ થતો ગયો, જે અદ્યાપિ પર્યંત ચાલુ છે.

ઇજિપ્ત : વિશ્વની સૌથી પ્રાચીન એવી ઇજિપ્તની સંસ્કૃતિનું પ્રાચીનતમ સ્થાપત્ય કબર પ્રકારનું છે. ઇજિપ્તવાસીઓએ પોતાની ઇજનેરી સૂઝ અને કલાવિષયક નિપુણતાનો ઉપયોગ પોતાના મૃત સ્વજનોની કબરના નિર્માણ માટે કર્યો હતો. કબર-સ્થાપત્ય ઇજિપ્તમાં બે સ્વરૂપે વિકસ્યું – મસ્તબા અને પિરામિડ. પ્રાચીન કાળમાં ઇજિપ્તવાસીઓ મૃતકોને જમીનમાં ખાડો ખોદીને દાટતા. પછીના સમયમાં એની પર ચણતરકામ કરવામાં આવતું એમાંથી મસ્તબાનું સ્વરૂપ વિકસ્યું. મસ્તબા એક પ્રકારની લંબચોરસ કબર છે. તેની ઉપરનો ભાગ સપાટ રખાતો અને ચાર બાજુએ સહેજ ઢાળ આપવામાં આવતો. કબર અથવા તો દફન-ખંડ છેક ઊંડે રાખવામાં આવતો.

મસ્તબા, ઇજિપ્ત

મસ્તબાને પિરામિડના આદ્ય-સ્વરૂપ તરીકે ઓળખાવી શકાય. કેટલાંક મસ્તબાને ફરતો પગથિયાં-ઘાટનો ઢગ રચવામાં આવતો. સમય જતાં પગથિયાંને ઢાંકી દેવાતાં તેમાંથી પિરામિડના સ્વરૂપે આકાર ધારણ કર્યો. પિરામિડ ઇજિપ્શિયન કબરની લાક્ષણિકતા છે. સમચોરસ પાયા ઉપર ચાર ત્રિકોણાકાર બાજુઓને ઉપર એકત્ર કરીને પિરામિડ રચવામાં આવતો. દફન-ખંડમાં મસાલો ભરેલ રાજાનું શબ – મમી રાખવામાં આવતું. ઉત્તરના પ્રવેશમાંથી ગૅલરીમાં થઈને ત્યાં પહોંચી શકાતું. દફન થઈ ગયા પછી પ્રવેશ પૂરી દેવામાં આવતો. મૃતકનો કા (આત્મા) ફરીથી મૃતકના શરીરમાં પ્રવેશશે અને તે જીવિત થશે એવી ઇજિપ્તવાસીઓની આસ્થાને લીધે પિરામિડ પ્રકારનું સ્થાપત્ય અસ્તિત્વમાં આવ્યું. આથી પિરામિડમાં મૃત રાજાની જરૂરી ચીજ-વસ્તુઓ પણ રાખવામાં આવતી. નાઈલના પશ્ચિમ કાંઠે મેમ્ફિસની નજીક જાણીતું પિરામિડોનું ક્ષેત્ર – ગીઝેહ આવેલું છે. આ ક્ષેત્રમાં ખુફુ, ખાફ્રે અને મિસેરિનસ – એમ ત્રણ પિરામિડો આવેલા છે. ખુફુના પિરામિડ જેટલું ભવ્ય સ્થાપત્ય માનવજાતે આ અગાઉ બાંધ્યું ન હતું. તેના પાયાની દરેક બાજુ 236 મીટરની છે. આ પિરામિડ  હેક્ટર જમીન રોકે છે. તેની મૂળ ઊંચાઈ 147 મીટર હતી. ચૂનાના પથ્થરના 23,00,000 બ્લૉક્સ વડે તે બાંધવામાં આવ્યો છે. દરેક બ્લૉકનું વજન 2,540 કિગ્રા. છે. પૂર્વની ટેકરીઓમાંથી આ પથ્થર નાઈલમાં જ્યારે પાણીની ઊંચી સપાટી હોય ત્યારે હોડી દ્વારા લાવવામાં આવતો. ચૂનાના બ્લૉકને આરસના પથ્થર વડે ઢાંકી દેવામાં આવતા. સાથોસાથ પ્રવેશ પણ ઢંકાઈ જતો. દરેક પિરામિડને ફરતી બીજી વધારાની ઇમારતો બાંધવામાં આવતી, જે મોટે ભાગે નાશ પામી છે; પરંતુ ખાફ્રેના પિરામિડમાં તે જોવા મળે છે.

ગીઝેહના પિરામિડ

મધ્ય રાજ્ય (Middle Kingdom : ઈ. પૂ. 2065–1783) દરમિયાન પિરામિડ બાંધવાની પ્રથા બંધ થઈ. આ સમયમાં પુનર્જીવન વિશેના વિચારોમાં ઘણું પરિવર્તન આવ્યું હતું. ઇજિપ્તની નવી રાજધાની થિબ્સમાં નાઈલની પશ્ચિમની પર્વતની ટેકરીઓમાં રાજાઓ ટનલ સ્વરૂપે પોતાની કબરો બનાવતા થયા. આવી જગ્યાઓ ‘રાજાઓની કબરોની ખીણ’ તરીકે ઓળખાતી. મધ્ય રાજ્ય દરમિયાન દેવોની પૂજા માટે કેટલાંક મંદિરો બાંધવામાં આવ્યાં. તેમાં સૌથી પ્રસિદ્ધ અને ભવ્ય મંદિરો નાઈલની પૂર્વે લ્યુકસોર અને કર્નાકમાં આવેલાં છે.

એમોનનું મંદિર, લ્યુકસોર

કર્નાકના એમોન મંદિરના હૉલની છત પથ્થર વડે આચ્છાદિત છે. હૉલ 150 મીટર લાંબો અને 53 મીટર પહોળો છે. તે પથ્થર વડે આચ્છાદિત વિશ્વનો સૌથી મોટો હૉલ છે. 134 સ્તંભો તેની પથ્થરની છતને ટેકવે છે.

મિસરના સ્થાપત્યમાં કમાનનું મહત્વ ઓછું છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી ન હતી એવું ન કહી શકાય; પરંતુ તેમણે ભાગ્યે જ એ જ્ઞાનનો ઉપયોગ કર્યો હશે.

સુમેર : લાકડું અને પથ્થર પૂરતા પ્રમાણમાં મળી શકતાં ન હોવાને લીધે અહીંનું સ્થાપત્ય મોટે ભાગે માટીની પકવેલી ઈંટો વડે બાંધવામાં આવ્યું છે. સ્થાપત્યના ક્ષેત્રે આ સંસ્કૃતિની મોટામાં મોટી શોધ તે સુરંગાકાર કમાન-વૉલ્ટનો ઉપયોગ. સ્થાપત્યમાં સ્તંભોનો ઉપયોગ જણાતો નથી; કારણ કે આ પ્રદેશમાં તેના માટે લાકડું કે પથ્થર સહેલાઈથી મળતાં ન હતાં. ઈંટોનો ઉપયોગ સૌપ્રથમ સુમેરમાં થયો હોવાનું જાણવા મળે છે. ખોદકામ કરતાં કોશનો એક વિશાળ રાજમહેલ મળી આવ્યો છે. સુમેરનાં નગરોમાં મોટામાં મોટી ઇમારત ઝીગુરતની હતી. આ ઇમારત મુખ્ય દેવળના ચૉકમાં ઊભી કરવામાં આવતી કે જેથી તેમાં સૌથી ઉપરના મજલે થતી સર્વ ધાર્મિક વિધિઓ પ્રજા નીચે ચૉકમાં ઊભી રહીને જોઈ શકતી. સામાન્ય રીતે આ ઇમારતના પાંચમા કે સાતમા મજલે ધાર્મિક વિધિ-વિધાનો કરવામાં આવતાં. ઉરુક નગરમાં વરકાના સ્થળે આવેલા 12.2 મી. (40 ફૂટ) ઊંચા ઝીગુરત પર ‘શ્વેત મંદિર’ આવેલું છે. સુમેરના ધાર્મિક સ્થાપત્યમાં અલ્-ઉબેદનું દેવળ નોંધપાત્ર છે. આ દેવળ એક પર્વત ઉપર બાંધેલું છે. દેવળના પ્રવેશદ્વાર આગળ એક પથ્થરની સીડી છે. અહીં લાકડાના થાંભલાવાળો એક ઝરૂખો છે. મંદિરનાં બારણાં ઉપર તાંબાનું ભાસ્કર્ય છે. સુમેરના લોકો ગૌણ દેવદેવીઓ માટે નાનાં દેવળો બાંધતા. આ દેવળોનું ગર્ભગૃહ સામાન્ય રીતે લંબચોરસ રાખવામાં આવતું.

ઝીગુરત, એસિરિયા

બૅબિલૉન : બૅબિલૉનની સંસ્કૃતિના લોકો ઈંટ અને માટીનાં ઘર બાંધતા. મકાનમાં હવા-ઉજાસ માટે બારી-બારણાં રાખતા. મકાનો મજલાવાળાં બાંધતા. ગંદા પાણીના નિકાલ માટે ખાળકૂંડીઓ અને નીકો બનાવતા. હેમુરબીના સમયમાં અનેક મહેલો અને દેવળોનું બાંધકામ થયું હતું; પણ હાલમાં તેના કોઈ અવશેષો પ્રાપ્ય નથી. આથી અહીંની સ્થાપત્યકલા વિશે વિશેષ જાણવા મળતું નથી. સાહિત્યમાં આવતા ઉલ્લેખો પરથી અહીંની સ્થાપત્યકલાનો કેટલોક ખ્યાલ આવે છે. ઝીગુરતનું દેવાલય વિશાળ હતું. તે સાત મજલાનું હતું. તેની ઊંચાઈ 198.12 મી. હતી. બૅબિલૉનના મહાપ્રતાપી રાજા નેબુશડ્રેઝારે પણ સાત માળનું ઝીગુરત બંધાવ્યું હતું, જે બાઇબલમાં Tower of Babelના નામથી પ્રસિદ્ધ છે. બૅબિલૉનના રાજાઓએ ઝૂલતા બગીચા તૈયાર કરાવ્યા હતા. ગ્રીકના લોકોએ આ બગીચાઓને દુનિયાની સાત અજાયબીઓમાંની એક તરીકે ઓળખાવી છે.

ભારત : ભારતીય સ્થાપત્યના પ્રાચીનતમ અવશેષો સિંધુખીણની સંસ્કૃતિના હડપ્પા અને મોહેં-જો-દડોના નગરમાંથી પ્રાપ્ત થયા છે. હડપ્પામાંથી કોઠાર અને કિલ્લાના અવશેષો મળ્યા છે. કોઠારમાં બે સમાંતર ખંડ હતા. દરેક ખંડ 45 મીટર લાંબો અને 23.5 મીટર પહોળો છે. કિલ્લો ઉત્તર-દક્ષિણ 360 મીટર અને પૂર્વ-પશ્ચિમ 180 મીટર લંબચોરસ આકારનો કાચી ઈંટોનો બનેલો છે. મોહેં-જો-દડોમાંથી મળી આવેલી ઇમારતોમાં સ્નાનાગાર મહત્વનું છે. એનો વચલો કુંડ 12 મીટર લાંબો, 7 મીટર પહોળો અને 2 મીટર ઊંડો છે. મોહેં-જો-દડોની નગરરચના ઉત્તમ પ્રકારની હતી. પૂર્વ-યોજના અનુસાર આ નગરનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગો, શેરીઓ, ગલીઓ અને પાણીના નિકાલ માટેની નીકોનું વ્યવસ્થિત સંકલન થયેલું છે. તેના માર્ગો તદ્દન સીધી લીટીમાં જાય છે અને એકબીજાને બરાબર કાટખૂણે છેદે છે. મકાનો સીધી હરોળમાં જ બાંધવામાં આવતાં અને તેમનાં પ્રવેશદ્વાર ગલીઓ તરફ રાખવામાં આવતાં. લંબચોરસ, અંગ્રેજી L આકારની તેમજ એક છેડે પહોળી અને બીજા છેડે સાંકડી – એમ ત્રણ આકારની ઈંટો મળી આવી છે. લંબચોરસ ઈંટોનું પ્રમાણ 4 : 2 : 1 હતું. ઈંટો વડે બાંધેલી સીડીના અવશેષો પ્રાપ્ત થયા છે, તે પરથી અનુમાન થઈ શકે કે બે મજલાવાળાં મકાન પણ બાંધવામાં આવતાં હશે. લગભગ દરેક મોટા મકાનમાં કૂવા કે કૂઈની સગવડ જણાઈ આવે છે. આ જ પ્રમાણે લગભગ દરેક મકાનમાં બાથરૂમની સગવડ છે. કેટલાંક મકાનોમાં બાથરૂમની સાથે સંડાસની સગવડ પણ જોવામાં આવે છે. બંને નગરોના નાના-મોટા રસ્તામાં સળંગ મોરી કે નીકની પદ્ધતિ જોવામાં આવે છે. અહીંના જેવી સંગીન નીકપદ્ધતિ આ સમયનાં બીજાં શહેરોમાં ભાગ્યે જ જોવા મળે છે. નીકના પાણીનો કચરો ખાળકૂંડીમાં જમા થતો. આમ બાંધણીની દૃષ્ટિએ બંને નગરો ચોક્કસ પ્રકારની યોજનાને અનુસરતાં જણાય છે.

ઋગ્વેદ, બ્રાહ્મણગ્રંથો, મહાભારત, રામાયણ, મનુસ્મૃતિ, ગૃહ્યસૂત્રો, પાલિ જાતકકથાઓ, આગમગ્રંથો અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વાસ્તુવિષયક જે વિવિધ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તે બધા વાસ્તુનાં વિકસિત સ્વરૂપોનાં વિવરણો પૂરાં પાડે છે; પરંતુ તે સમયના સ્થાપત્યના કોઈ પુરાવશેષો પ્રાપ્ત થયા નથી. ઋગ્વેદમાં ગૃહ કે શાળાને લગતા લગભગ ત્રીસ શબ્દો છે. તેમાં પુરો અથવા નગરોના અનેક ઉલ્લેખ છે. શંબર નામના અસુરના 99 પુરોનો ઇન્દ્રે નાશ કર્યો હતો. વરુણના ભવનને એક હજાર દ્વાર અને સ્તંભ હોવાનું જણાયું છે. ઋગ્વેદ અને બ્રાહ્મણગ્રંથોમાં વાસ્તુવિદ્યા એક સ્વતંત્ર વિદ્યા હોવાનાં કોઈ સ્પષ્ટ સૂચનો મળતાં નથી, પણ સૂત્રગ્રંથોમાં વાસ્તુવિદ્યાને લગતા વ્યવસ્થિત સ્વતંત્ર ખંડો આપણને સર્વપ્રથમ જોવા મળે છે. રામાયણમાં વાસ્તુવિદ્યા વિશે ઘણી માહિતી આપવામાં આવી છે. નગરરચનામાં અગત્યનો ભાગ ભજવતા દુર્ગો ઉપરાંત ગોપુરો (પુરદ્વારો) તથા અટ્ટાલકો(બુરજો)ના ઉલ્લેખો અયોધ્યા, કિષ્કિન્ધા અને લંકાનાં વર્ણનોમાં વારંવાર આવે છે. મહાભારતના શાંતિપર્વમાં વિવિધ પ્રકારના દુર્ગોની રચના વિશેની માહિતી મળે છે. વિવિધ પ્રકારનાં ભવનોના વર્ગની સૂચિ પણ મહાભારતે આપી છે. ધાર્મિક વાસ્તુમાં યૂપ, યજ્ઞવેદી, ચૈત્ય અને દેવાયતન(મંદિર)ના ઉલ્લેખો મહાભારતમાં વારંવાર આવે છે. જાતકકથાઓમાં દેવમંદિરોને ‘દેવકુલ’ કે ‘ચૈત્ય’ તરીકે ઓળખાવ્યા છે. તે સમયે ભવનનિર્માણ માટે ઘણું કરીને કાષ્ઠનો ઉપયોગ થતો હશે એમ જાતકકથાઓમાં વર્ણિત ઘર બાંધવાની કલા દ્વારા જાણવા મળે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વાસ્તુવિદ્યાને લગતાં અનેક પ્રકરણો આવેલાં છે. ગ્રામ અને નગરની રચનાની વિપુલ માહિતી આપેલી છે. નગરનિર્માણમાં સ્વાસ્થ્યરક્ષા(sanitation)ના નિયમો પર તેણે ખાસ ભાર મૂક્યો છે. મત્સ્યપુરાણ, અગ્નિપુરાણ, ગરુડપુરાણ, દેવીપુરાણ, ભવિષ્યપુરાણ જેવાં પુરાણોમાં વૈખાનસાગમ, કામિકાગમ, સૂત્રભેદાગમ જેવા આગમગ્રંથોમાં તેમજ હયશીર્ષપંચરાત્ર, પ્રહલાદતંત્ર, ગર્ગતંત્ર, વિશ્વતંત્ર, તંત્રસમુચ્ચય વગેરે તંત્રગ્રંથોમાં પણ વાસ્તુવિષયક માહિતી આપવામાં આવી છે.

સાંચીના સ્તૂપનું તોરણદ્વાર

ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સ્થાપત્ય બૌદ્ધોનું પ્રાપ્ત થયું છે. બૌદ્ધ ધર્મના આશ્રયે સ્તૂપ, ચૈત્ય અને વિહાર પ્રકારના સ્થાપત્યનો વિકાસ થયો. સાંચી, ભરહૂત, સારનાથ, અમરાવતી, નાગાર્જુનકોંડા, તખ્તેબહાઈ, તક્ષશિલા, દેવની મોરી વગેરે સ્થળોએ આવેલા સ્તૂપો જાણીતા છે. ભાજા, કાર્લા, કન્હેરી, જુન્નર, બેડસા, નાસિક, કોન્ડાને, પિત્તલખોરા, અંજટા (ગુફા નં. 9, 10, 19 અને 26), ઇલોરા (ગુફા નં. 2, 10 અને 12) વગેરે સ્થળોએ ચૈત્યગૃહો આવેલાં છે. આ સર્વમાં કાર્લાનું ચૈત્યગૃહ ઉત્તમ છે. ભાજા, કોન્ડાને, પિત્તલખોરા, નાસિક, ઇલોરા અને અજંટામાં બૌદ્ધ વિહારો જોવા મળે છે. અજંટાની ગુફાઓનો મોટો ભાગ વિહારોનો જ છે. ઓરિસામાં કટક શહેરની પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની ટેકરીઓ પર જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. હિંદુ ધર્મને કેન્દ્રમાં રાખીને રચાયેલ ગુફા-સ્થાપત્યમાં ઇલોરાની ગુફા નં. 16 (કૈલાસ અથવા રંગમહાલ) અને મુંબઈ પાસેની એલિફન્ટાની ગુફા ઘણી જ પ્રસિદ્ધ છે. જગતના શૈલાત્મક સ્થાપત્યમાં ઇલોરાની કૈલાસ ગુફા અગ્રસ્થાને બિરાજે તેવી ભવ્ય અને કલાત્મક છે.

ભાજાનું ચૈત્યગૃહ

ઈ. પૂ. ત્રીજી સદીથી ભારતમાં મંદિર સ્થાપત્યનાં પગરણ શરૂ થયાં. સાંચીનું મંદિર નં. 40, ઉદેપુર પાસે માધ્યમિકા નગરીનું વાસુદેવનું મંદિર, તક્ષશિલાનું જંડિયાલ મંદિર મંદિર-સ્થાપત્યનાં પ્રાચીનતમ ઉદાહરણો છે. ગુપ્ત સમયમાં મંદિર-સ્થાપત્યે એનું વિશિષ્ટ વિકસિત સ્વરૂપ ધારણ કર્યું. સાંચીનું મંદિર નં. 17, નચના ગામનું પાર્વતી મંદિર, ઐહોલનું લાડખાન મંદિર, ઝાંસી પાસે દેવગઢનું મંદિર, ચેઝરલાનું કપોતેશ્વર મહાદેવનું મંદિર આ કાલનાં છે. ગુપ્તકાલ પછી શિખરને આધારે નાગર, વેસર (ચાલુક્ય) અને દ્રાવિડ એમ ત્રણ શૈલીઓ ઉદભવી. ઓરિસા, ખજૂરાહો, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગ્વાલિયર અને વૃંદાવનનાં મંદિરો નાગરશૈલીનાં છે. ઓરિસામાં લિંગરાજનું મંદિર, પુરીનું જગન્નાથનું મંદિર અને કોણાર્કનું સૂર્યમંદિર પ્રસિદ્ધ છે. ખજૂરાહોના મંદિરસમૂહમાં કંડારિયા મહાદેવનું મંદિર ઉત્તમ છે. ઉદયપુરનું ઉદયેશ્વરનું મંદિર તથા ઓસિયાનો મંદિરસમૂહ રાજસ્થાનના મંદિર-સ્થાપત્યમાં ઉલ્લેખનીય છે. ગુજરાતમાં મંદિર-સ્થાપત્યની શરૂઆત ગોપના મંદિરથી થઈ. સુણકનું નીલકંઠ મહાદેવનું મંદિર, ઘૂમલી અને સેજકપુરનાં નવલખા મંદિરો, મોઢેરાનું સૂર્યમંદિર, આબુનાં વિમલવસહિ અને લૂણવસહિ, સોમનાથનું મંદિર, સિદ્ધપુરનો રુદ્રમાળ, તારંગાનું અજિતનાથનું મંદિર વગેરે ગુજરાતની ચૌલુક્ય શૈલીનાં ઉત્તમ ઉદાહરણો છે. દ્વારકાનું જગત મંદિર અને શામળાજીનું ગદાધરનું મંદિર મુઘલકાલનાં છે. ડાકોરનું પ્રસિદ્ધ રણછોડરાયનું મંદિર મરાઠાકાલનું છે. શત્રુંજય પરનાં મોટા ભાગનાં જૈનમંદિરો મરાઠાકાલ અને બ્રિટિશકાલનાં છે. અમદાવાદનું હઠીસિંહનું મંદિર 19મી સદીના પૂર્વાર્ધનું જાણીતું મંદિર છે.

મહાબલિપુરમ્

અંબરનાથનું મંદિર, બલસણાનું ત્રિકૂટાચલ મંદિર, સિનારનું ગોંડેશ્વરનું મંદિર વગેરે મહારાષ્ટ્રનાં પ્રસિદ્ધ મંદિરો છે. ગ્વાલિયરના કિલ્લામાં તેલીકા મંદિર અને સાસ-બહુનાં મંદિરો આવેલાં છે. આમાં સાસ-બહુનાં મંદિરો તેમની રચના અને શિલ્પવૈભવને કારણે ઉત્કૃષ્ટ પ્રકારનાં છે. 16મી અને 17મી સદીમાં બંધાયેલાં વૃંદાવનનાં મંદિરોમાં ગોવિંદદેવનું મંદિર, રાધાવલ્લભનું મંદિર, ગોપીનાથનું મંદિર, જુગલકિશોરનું મંદિર તથા મદનમોહનનું મંદિર ઉલ્લેખનીય છે. લડવાનું મંદિર, માર્તણ્ડનું સૂર્યમંદિર, અવંતીપુરનું મંદિર અને 53 ગર્ભગૃહો ધરાવતું પાંડુકુંડનું મંદિર કાશ્મીરના મંદિર-સ્થાપત્યની યશકલગીઓ છે. ભારતમાં કેટલાંક વૃત્તાકાર મંદિરો બંધાયાં. આ બધાં મંદિરો ઘણું કરીને યોગિનીઓનાં મંદિરો છે. આવાં મંદિરોમાં જબલપુર પાસે ભેડાઘાટનું યોગિની મંદિર અને ખજૂરાહોના સમૂહમાં આવેલ યોગિની મંદિર ઉલ્લેખનીય છે. ભેડાઘાટના મંદિરમાં ચારે બાજુએ 81 ગર્ભગૃહો આવેલાં છે. કર્ણાટકમાં ઐહોલમાં લાડખાનનું મંદિર, દુર્ગામંદિર, બાદામીનાં ગુફામંદિરો, પટ્ટાડક્કલનું પાપનાથનું મંદિર, કાશીનાથ, વિરૂપાક્ષ, મલ્લિકાર્જુન, સુમનેશ્વરનાં મંદિરો, બેલૂરનું ચેન્નાકેશવનું મંદિર, હલેબીડનું હોયસલેશ્વરનું મંદિર, સોમનાથપુરમનું મંદિર ચાલુક્યશૈલી(વેસર)ને અનુસરે છે. દક્ષિણ ભારતમાં દ્રાવિડ શૈલીની પેટાશૈલીઓ  – પલ્લવશૈલી, ચોળશૈલી, પાંડ્યશૈલી, વિજયનગરશૈલી અને નાયકશૈલીમાં ભવ્ય મંદિરોનું નિર્માણ થયું. મહાબલિપુરમનાં મંદિરો, કાંચીનાં કૈલાસનાથ અને વૈકુંઠ પેરુમલ્લનાં મંદિરો પલ્લવશૈલીના ઉત્તમ સ્થાપત્યકીય ઉન્મેષો છે. 57 મીટર ઊંચું શિખર ધરાવતું તાંજોરનું બૃહદીશ્વરનું મંદિર મહાન રાજરાજનું ચોળશૈલીનું અનુપમ નજરાણું છે. કાંજીવરમ્(કાંચી)નું એકાગ્રનાથનું મંદિર, હમ્પીનું વિઠ્ઠલમંદિર તથા હગૌરારામનું મંદિર વિજયનગર-શૈલીને રજૂ કરતાં મંદિરો છે; જ્યારે શ્રીરંગમ્, રામેશ્વર અને મદુરાનાં મંદિરો નાયકશૈલીના ઉત્કૃષ્ટ પરિપાકો છે. આ સર્વમાં મદુરાનું મીનાક્ષી મંદિર સર્વોત્કૃષ્ટ છે. તેમાં ચાર દિશાએ કુલ 27 ગોપુરો આવેલાં છે.

ભારતમાં ઈ. સ. 1206માં મુસ્લિમોની રાજસત્તા સ્થપાતાં ઇસ્લામી સ્થાપત્ય બંધાવવાની શરૂઆત થઈ. દિલ્હીની કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ, કુતુબમિનાર, અજમેરની ઢાઈ દિન કા ઝોંપડા મસ્જિદ, અલાઈ દરવાજો, ચિરાગ-એ-દેહલી મસ્જિદ, કબીરુદ્દીન ઔલિયાનો મકબરો (લાલ ગુંબજ), સિકંદર લોદીનો મકબરો વગેરે ઇસ્લામી ઇમારતો દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આવેલી છે. આ સઘળી ઇમારતો દિલ્હી સલ્તનત કાલ(1206 –1526)ની છે. દિલ્હીની જેમ મુલતાન, કાશ્મીર, બંગાળ, ગુજરાત, જૌનપુર, માળવા અને દખ્ખણ (બહમની રાજ્ય) વગેરે પ્રાંતોમાં જે મુસ્લિમ સ્થાપત્ય નિર્માણ પામ્યું તે પ્રાંતીય મુસ્લિમ સ્થાપત્ય તરીકે જાણીતું છે. આ પ્રાંતીય મુસ્લિમ સ્થાપત્ય દિલ્હીની ઇમારતો જેવું ભવ્ય નથી; પરંતુ તેમાં હિંદુ કલાનાં ઉમદા તત્ત્વો દાખલ થતાં તે મનોહર બન્યું છે. મુઘલ બાદશાહોએ ઈરાની અને ભારતીય સ્થાપત્યશૈલીના સમન્વય દ્વારા મુઘલ સ્થાપત્યશૈલીનો વિકાસ કર્યો. અકબરના સમયમાં વિકસેલી આ મુઘલ સ્થાપત્યશૈલીનો ચરમોત્કર્ષ શાહજહાંની ઇમારતોમાં જોઈ શકાય છે. અકબરના સમયની ઇમારતો ફતેહપુર સિક્રી અને આગ્રામાં જોવા મળે છે. શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહાલની સ્મૃતિમાં આગ્રામાં યમુનાના કાંઠે બંધાવેલ તાજમહેલ મુઘલ સ્થાપત્યની સર્વોત્કૃષ્ટ કૃતિ છે.

બુલંદ દરવાજા

વિશાળ ભારત : પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર ભારતના પાડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, થાઇપ્રદેશ, ચીન, તિબેટ તથા મધ્ય એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં થયો હતો. સાંસ્કૃતિક દૃષ્ટિએ તેને ‘વિશાળ ભારત’ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રદેશમાં બંધાયેલા પ્રાચીન સ્થાપત્યમાં મોટે ભાગે ભારતીય સ્થાપત્યકલાની અસર જોવા મળે છે.

થૂપારામ, અનુરાધાપુર

શ્રીલંકા : શ્રીલંકામાં મોટે ભાગે બૌદ્ધ સ્થાપત્ય તરીકે ‘દાગાબા’નો વિકાસ થયો. ત્યાં સ્તૂપને ‘દાગાબા’ કહે છે. અનુરાધાપુરમાં બંધાયેલો સ્તૂપ એ શ્રીલંકાનો સૌથી પ્રાચીન સ્તૂપ છે. રાજા દુષ્ટ ગ્રામણી(ઈ. પૂ. 101–77)એ તે બંધાવવો શરૂ કર્યો હતો અને તે પછીના રાજા શ્રદ્ધા તિષ્યે પૂરો કરાવેલો. એમાં સૌથી નીચલા મજલે 76  76 મીટર વિસ્તાર ધરાવતા વિશાળ મંડપમાં 1,600 સ્તંભો આવેલા છે. આમાં ભિક્ષુઓ સમૂહમાં ઉપાસના કરતા. રાજા વટ્ટ ગ્રામણીએ ‘અભયગિરિ વિહાર’ બંધાવ્યો. અહીંનાં વૃત્તાકાર મંદિરો વટ-દા-ગે તરીકે ઓળખાય છે. બોધિવૃક્ષની આસપાસ કરેલા બાંધકામને ‘બોધિઘર’ કહે છે. અનુરાધાપુર અને નિલ્લકના સ્થળે આવાં બોધિઘર આવેલાં છે. મિહિનતલે શૈલગૃહ કંડારાયાં હતાં. સીગિરિયા પર્વત પર રાજા કાશ્યપ 1લાએ દુર્ગ બંધાવ્યો હતો. પોળોન્નરુવમાં બે શિવાલયો આવેલાં છે. અહીંનો વટ-દા-ગે પણ પ્રસિદ્ધ છે. કેન્ડીમાં દંતધાતુ મંદિર ખાસ નોંધપાત્ર છે. આધુનિક પાટનગર કોલંબોમાં બે હિંદુ મંદિર દર્શનીય છે.

મ્યાનમાર : મ્યાનમારના પ્રારંભિક કાલના સ્થાપત્યકીય સ્મારકો થાનોન, પ્રોમ, પેગુ, વેથલી અને પગાનના સ્થળેથી મળ્યાં છે. અહીં સ્તૂપને ‘પેગોડા’ કે ‘પયા’ કહે છે. સામાન્ય રીતે તે ત્રણ કે પાંચ સ્તર પર ઘંટાકાર બનાવેલો હોય છે. તેની ઉપરની છત્રી (તિ) મોટે ભાગે લોખંડની બનાવેલી હોય છે અને તેની પર સોનાનો ઢોળ ચડાવેલ હોય છે. ઉત્તરકાલીન સ્મારકોમાં શ્વે-માવ-દેવ (પેગુ), સગઇંગ પાસે કઉંગ-માળ અને તૂપા-યોન, શ્વે-ડગોન (રંગૂન), સિરિબ્યુમે (મિંગૂન), આરાકાન પેગોડા (માંડલે) વગેરે નોંધપાત્ર છે. રંગૂનનો શ્વે-ડગોન અતિ મહત્વનો અને વધુ ખ્યાતિ ધરાવતો પેગોડા છે. અનુશ્રુતિ પ્રમાણે ભગવાન બુદ્ધના આઠ વાળ ત્યાં રાખેલા છે. સુવર્ણપત્રોથી જડિત પેગોડા ટેકરી પર આવેલો છે અને તેની ઊંચાઈ 39.4 મીટર છે.

મલેશિયા : મલેશિયાનું આનંદ મંદિર ઉલ્લેખનીય છે. તે બેવડો પ્રદક્ષિણાપથ ધરાવે છે. ફ્રન રાઈ નામની ટેકરી પર એક નાના ચોરસ ઈંટેરી મંદિરના અવશેષ છે. વાત ફ્ર તાતના મંદિરની રચના ભારતીય શિલ્પશાસ્ત્રના નિયમો પ્રમાણે થઈ હોવાનું જણાય છે. વાત કે ઉનું મંદિર ઈંટેરી છે. જૂનાં મંદિરો પર નવાં મંદિરો બંધાતાં, પણ એ પહેલાં જૂનાં મંદિરની નાની પ્રતિકૃતિ (model) બનાવીને નવા મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવતી. નખોન સ્રિ થમ્મરાતનું વાત ફ્ર થાત (મહાધાતુ) મંદિરને વિશાળ બનાવવામાં આવ્યું છે.

થાઇલૅન્ડ : થાઇલૅન્ડના સ્થાપત્ય પર વિવિધ વિદેશી કલાની અસર જોવા મળે છે. પોંગ-તુકથી મંદિરો અને સ્તૂપના અવશેષો મળ્યા છે. લવપુરીના મહાતાત મંદિરની પીઠિકાની રચનામાં ભારતીય અસર જોવા મળે છે. ખ્મેર કાલ (10મીથી 13મી સદી) દરમિયાન અહીંના સ્થાપત્ય પર કંબોજ સ્થાપત્યનો પ્રભાવ જણાય છે. તાત-પનોમની સ્તૂપરચના ખ્મેર શૈલીની છે. લોપબુરીમાં આવેલ બે મંદિરો – વાત મહાધાતુ અને ફ્ર પ્રાંગ સોમયેત (ત્રિ-સ્તૂપ મંદિર) ખ્મેરકાલીન છે. આયુથ્થયના રાજ્યકાળ સુધી થાઇ-સ્થાપત્યના વિવિધ પ્રકારોએ તેઓનું વિશિષ્ટ સ્વરૂપ ધારણ કર્યું. એ પ્રકારોમાં વાત (મંદિર), પ્ર (સ્તૂપ), વિહાર અને બોત (ચૈત્ય જેવું બાંધકામ) નોંધપાત્ર છે. થાઇલૅન્ડમાં ધાર્મિક ઇમારતને ‘વાત’ કહે છે.

કંબોડિયા : કંબોડિયા(કંબોજ)ની ખ્મેર પ્રજાએ જગતને પ્રતિભાવંત સ્મારકોની ભેટ આપી છે. વ્યાધપુરના કિલ્લાની દીવાલના અવશેષો પ્રાપ્ત થયા છે. વટકુ મંદિર ભવવર્મા પ્રથમના સમયનું હોવાનું ગણાય છે. અંગકોરકાલીન કલાનો પ્રારંભ નવમા શતકથી શરૂ થયો. મંદિરનાં શિખરોની સંખ્યામાં ફેરફાર જોવા મળે છે. 3, 4, 6 અને 8 શિખરોવાળાં મંદિરો આવેલાં છે. અંગકોરના 25 કિલોમીટરના ઘેરાવામાં જ અગત્યનાં 20 સ્મારકો આવેલાં છે. રાજા ઇન્દ્રવર્મા સ્થાપત્યનો શોખીન હતો. એના નામે સ્થાપત્યશૈલી  ઇન્દ્રવર્મા શૈલી તરીકે ઓળખાઈ. અહીંનું જગપ્રસિદ્ધ સ્થાપત્ય અંગકોર-થોમની દક્ષિણે એક માઈલ દૂર આવેલ અંગકોર-વાત અર્થાત્ નગર-મંદિર છે. સૂર્યવર્મા બીજાએ (1131–1151) એનું બાંધકામ કરાવ્યું હતું અને વિષ્ણુને અર્પણ કર્યું હતું તેવી માન્યતા છે. જયવર્મા સાતમાના સમયથી એનો ઉપયોગ બૌદ્ધ દેવાલય તરીકે શરૂ થયો. મંદિરને ફરતી અઢી માઈલના ઘેરાવામાં 198 મીટર પહોળી ખાઈ હતી. ખાઈ પરનો પુલ પશ્ચિમ દિશાએ છે.

અંગકોર-વાત

 પીઠિકાની રચના ત્રણ મજલાઓ વડે કરેલી છે. ત્રીજા મજલાની મધ્યમાં ગર્ભગૃહ છે. પ્રથમ મજલે બે ગ્રંથાલયો છે. બીજા-ત્રીજા મજલાઓની વીથિકાઓને ચારે ખૂણે શિખરોની રચના કરેલી છે. મધ્યમાં ગર્ભગૃહના શિખરની ઊંચાઈ 60.96 મી. છે. ખ્મેર સ્થાપત્યની આ ઉત્તમ કૃતિ છે. અંગકોર-થોમ નગરનું આયોજન જયવર્મા સાતમાએ કર્યું હતું. બેયોનનું દેવાલય પણ અહીંનું પ્રસિદ્ધ સ્થાપત્ય છે. તેની રચના અંગકોર-વાતને મળતી આવે છે. કેન્દ્રીય શિખર લગભગ 30.48 મી. ઊંચું છે, જ્યારે આજુબાજુનાં શિખરો 15.24 મી. ઊંચાં છે. પ્રહ-ખાન અને નિએક-પિએન પણ નોંધપાત્ર સ્મારકો છે.

વિયેતનામ : વિયેતનામ(ચંપા)માં મુખ્યત્વે ધાર્મિક સ્થાપત્યના અવશેષો પ્રાપ્ત થયા છે. સામાન્ય રીતે અહીંનાં દેવાલયો પૂર્વાભિમુખ હોય છે. પ્રાચીન દેવાલયોનો એક મોટો સમૂહ માયસોન પ્રદેશમાં આવેલો છે. ત્યાંનું શંભુ-ભદ્રેશ્વરનું મંદિર પ્રસિદ્ધ છે. મંદિરોનો બીજો સમૂહ ડોંગ-ડુઆંગમાં આવેલો છે. જયા-ઇન્દ્રવર્મા બીજાએ ઈ. સ. 875માં બંધાવેલા. ચંપામાંનું આ એકમાત્ર બૌદ્ધ સ્થાન છે. પો નગરનો મંદિરસમૂહ ડુંગરની તળેટીમાં સમુદ્રતટ પાસે આવેલો છે. ચંપામાં ગુફા-સ્થાપત્યના પાંચેક નમૂના મળ્યા છે.

ઇન્ડોનેશિયા : ઇન્ડોનેશિયાના દ્વીપસમૂહને સુવર્ણદ્વીપ કહેતા. ત્યાં દેવાલયને ‘ચંડી’ કહે છે. મધ્ય જાવામાં ડિયાંગ પ્રદેશમાં અનેક દેવાલયોનો સમૂહ આવેલો છે. એમાં ગુપ્ત, પલ્લવ અને ચાલુક્ય શૈલીની અસર જણાય છે. મૂળમાં એ દેવાલય મુખ્યત્વે શિવાલય હતાં. પ્રાંબનાન પ્રદેશમાં આવેલાં દેવાલયોમાં લારા-જોંગરંગનું દેવસ્થાન નોંધપાત્ર છે. એ 9મી સદીનું છે. એમાં અંદરની બાજુએ રામાયણની મુખ્ય કથાના પ્રસંગોની 42 શિલ્પ-પંક્તિઓ કંડારેલી છે. આ પ્રદેશમાંથી અનેક બૌદ્ધ દેવાલયોના અવશેષો પણ મળ્યા છે. કેદુ પ્રદેશનાં ત્રણ બૌદ્ધ મંદિરો નોંધપાત્ર છે. એમાં ડુંગરને કંડારીને બનાવેલું બોરોબુદુરનું દેવાલય સુવર્ણદ્વીપના સર્વોત્તમ બૌદ્ધ સ્મારક તરીકે વિશ્વવિખ્યાત છે. એમાં એકંદરે 700થી વધુ બુદ્ધ પ્રતિમાઓ છે. મૂળ દેવાલય નવ મજલાનું પણ બેઠા ઘાટનું છે. નીચેના છ મજલા સમચોરસ છે, જ્યારે ઉપરના ત્રણ મજલા વૃત્તાકાર છે. દરેક મજલે બુદ્ધચરિત તથા જાતકકથાઓના પ્રસંગ કોતર્યા છે. આ શિલ્પપટ્ટ 3,500 જેટલા છે. નવમા મજલાની વચ્ચે 16 મીટરના વ્યાસનો સ્તૂપ છે, જે સમગ્ર દેવાલયના અગ્રભાગ તરીકે દૂરથી દેખાઈ આવે છે.

અફઘાનિસ્તાન : અફઘાનિસ્તાનમાંથી અનેક બૌદ્ધ સ્થાપત્યના અવશેષો પ્રાપ્ત થયા છે. બામિયાનમાં પ્રાચીન વિહારો, સ્તૂપો, ચૈત્યો અને મંદિરોના અનેક અવશેષો ઠેર ઠેર જોવા મળે છે. ડુંગરોમાં ગુફા-વિહારો કંડારેલા છે. ત્યાંના ડુંગરોમાંથી કંડારેલ ભગવાન બુદ્ધની બે મહાકાય પ્રતિમાઓ વિશ્વપ્રસિદ્ધ હતી, જેનો થોડાં વર્ષ પહેલાં જ તાલિબાનોએ નાશ કર્યો. કાબુલની ઉત્તરે આવેલા ખૈરખાના સ્થળે અનેક પ્રાચીન મંદિરોના અવશેષ આવેલા છે. કપિશામાંથી પ્રાચીન નગરીના અવશેષો મળી આવ્યા છે. ગાંધાર પ્રદેશમાં એક હજાર જેટલા સંઘારામો હતા અને અનેક સ્તૂપો હતા. કેટલાક સ્તૂપો કુષાણ રાજા કણિષ્કે બંધાવ્યા હતા. પુરુષપુર(વર્તમાન પેશાવર)માં કણિષ્કે બંધાવેલો સ્તૂપ પ્રસિદ્ધ છે. તખ્ત-ઇ-બહાઈનો પ્રાચીન સ્તૂપ ઉલ્લેખનીય છે. જલાલાબાદ નામે શહેરમાં પ્રાચીન નગરહારનાં ખંડેર આવેલાં છે. હદ્દા કે હિદ્દા નામના સ્થળે આવેલા સ્તૂપોનું વર્ણન ફાહિયાન અને યુઅન-શ્વાંગે કરેલું છે.

મધ્ય એશિયા : મધ્ય એશિયામાં ખોતાનની બાજુએ કુચા, તુરફાન અને તુન-હુઆંગમાં બૌદ્ધ સ્તૂપોના તથા વિહારોના અવશેષો આવેલા છે. મીરાનમાં સ્તૂપને સમાવતા વૃત્તાકાર ચૈત્યગૃહનો ચણતરી નમૂનો મળ્યો છે. તુન-હુઆંગ પાસેની પ્રસિદ્ધ ‘હજાર બુદ્ધની ગુફાઓ’માં 400 શિલ્પકૃતિઓ અને 1,000 ભિત્તિચિત્રો હતાં.

ચીનની મહાન દીવાલ

ચીન : ચીનના બૌદ્ધ સ્થાપત્યમાં પેગોડા એ ઘણે અંશે ભારતીય સ્તૂપનું રૂપાંતર છે. લોયાંગમાં છઠ્ઠી સદીમાં નવ મજલાનું લાકડાનું વિશાળ બૌદ્ધ ચૈત્ય બંધાયું હતું. નાન-શાનની તળેટીમાં ‘હજાર બુદ્ધોની ગુફાઓ’ ચોથી સદીમાં કંડારાઈ હતી. હોનાનમાં આવેલ સુંગ-શાન પર દ્વાદશાસ્ત્ર પેગોડા લગભગ ઈ. સ. 520માં બંધાયો હતો. ચીનની જગવિખ્યાત દીવાલનું બાંધકામ ઈ. પૂ. ત્રીજી સદીમાં શી-હાંગ-તીના સમય દરમિયાન શરૂ થયું હતું અને 15મી –16મી સદીમાં મીંગ વંશના શાસનકાળ દરમિયાન પૂરું થયું હતું. આમ તે દીવાલ બાંધતાં લગભગ 1,900 વર્ષ થયાં હતાં. તે 16.15 મીટર ઊંચી, 5થી 8 મી. પહોળી અને 1,880 માઈલ લાંબી છે. સમગ્ર દીવાલનું બાંધકામ ઈંટેરી છે. ચીની પ્રજાની સંરક્ષણ વિશેની સૂઝ તેમાં પ્રદર્શિત થાય છે.

તિબેટ : તિબેટના સ્થાપત્યમાં બૌદ્ધ ધાર્મિક સ્થાપત્ય મહત્વનું સ્થાન ધરાવે છે. ‘ચૉરતેન’ એ બૌદ્ધ સ્તૂપ છે. તેનો સૌથી પ્રાચીન નમૂનો આઠમી સદીનો છે. વિશાળકાય ચૉરતેનને ‘કુમ-બુમ’ કહે છે. એમાં ચારે બાજુ અનેક દેવાલયો હોય છે. ગોમ્પામાં ચૈત્ય અને વિહારનો સમન્વય હોય છે. લ્હાસા પાસે અનેક વિશાળ ગોમ્પા આવેલ છે. ગોમ્પા મોટા ભાગે પહાડ અથવા ડુંગરની ટોચ પર બાંધવામાં આવે છે. લ્હાસાનો પોતલા મહેલ એ દલાઈ લામાનો મહેલ – મઠ છે. એમાં સેંકડો ઓરડા આવેલા છે. છેક ઉપરના મજલે દલાઈ લામાના સોને મઢેલા સમાધિ-સ્તૂપ છે. લ્હાસાનો દુર્ગ પણ નોંધપાત્ર છે.

નેપાળ : નેપાળમાં બૌદ્ધ અને હિંદુ સ્થાપત્યનું નિર્માણ થયું. મૌર્ય રાજા અશોકે નેપાળની ખીણમાં અનેક સ્તૂપ બંધાવ્યા હતા. સ્વયંભૂનાથ અને બોધનાથના સ્તૂપ એમાંના મનાય છે. સ્વયંભૂનાથનું મંદિર કાઠમંડુમાં એક ટેકરી પર આવેલું છે. એમાં આવેલ ભગવાન બુદ્ધની પ્રતિમા નેપાળની સૌથી મોટા કદની પ્રતિમા છે. બોધનાથનું ચૈત્ય જગતનું સૌથી મોટું ચૈત્ય છે, એ પણ કાઠમંડુમાં આવેલ છે. ત્યાંનો સ્તૂપ નેપાળી સ્વરૂપનો છે. એની ટોચની ચારે બાજુએ નયનયુગલ નજરે પડે છે. નેપાળમાં હિંદુ મંદિરોમાં સૌથી વધુ મહત્વનું મંદિર પશુપતિનાથનું છે. એ કાઠમંડુની પાસે બાગમતી નદીના પશ્ચિમ કાંઠે ટેકરી પર આવેલું છે. તે પેગોડા સ્વરૂપે બંધાયું છે. તે આદ્ય શંકરાચાર્યે બંધાવેલું હોવાનું મનાય છે. મંદિરના બે મજલાની સોનેરી છતો દૂરથી ચમકે છે. અંદરની છત ચાંદીની છે. મંદિરનો ઉપલો ભાગ લાકડાનો છે. ગર્ભગૃહમાં ચતુર્મુખ શિવલિંગની પ્રતિષ્ઠા કરેલી છે. કાઠમંડુની વચ્ચે જૂના રાજમહેલની પાસે તુળજા ભવાનીનું અને ગાદી-દરબારની સામે કુમારીદેવીનું મંદિર છે. ગોરખનાથનું મંદિર કાષ્ઠ-મંદિર છે. કાઠમંડુમાં મત્સ્યેન્દ્રનાથ(ગોરખનાથના ગુરુ)નું મંદિર પણ છે. ત્યાંના અન્નપૂર્ણા મંદિર, વિક્રમશીલ મહાવિહાર અને શેષશાયી વિષ્ણુનું મંદિર પણ જોવાલાયક છે. પાટણમાં અશોકે બંધાવેલા પાંચ સ્તૂપો છે. ત્યાં ગોકર્ણેશ્વર મહાદેવ, શિખાનારાયણ, કૃષ્ણ અને ભીમસેનનાં મંદિરો આવેલાં છે. પોખરા ખીણ પાસે મુક્તિનાથનું મંદિર છે. ત્યાંના એક નાના પેગોડામાં દેવી જ્વાલામુખીની મૂર્તિ છે. આમ નેપાળમાં હજારો મંદિર છે અને વર્ષમાં સેંકડો પર્વ ઊજવાય છે.

ગ્રીસ : ગ્રીક લોકોએ સાદું પરંતુ ભવ્ય સ્થાપત્ય ઊભું કર્યું હતું. તેમણે નિર્માણની સાદી છતાં શાસ્ત્રીય પદ્ધતિ અપનાવી હતી. પ્રમાણ પર ભાર મૂક્યો હતો. તેમનાં બાંધકામમાં કાષ્ઠ અને આરસનો વધુ ઉપયોગ થયો છે. સ્તંભ અને મોભ પર આધારિત એવી મોભાળી (trabeated) બાંધકામની પદ્ધતિ પર ગ્રીક સ્થાપત્ય રચાયેલું છે. ઊંચા સમતલ બાંધકામ(super structure)ને ટેકવતા સ્તંભોના આયોજનને ‘ઑર્ડર’ કહેવામાં આવે છે. ગ્રીકોએ બે પ્રકારના ઑર્ડર વિકસાવ્યા – ડોરિક અને આયોનિક. કોરિન્થિયન એ પણ ત્રીજો ગ્રીક ઑર્ડર હોવાનું માનવામાં આવે છે. સૌપ્રથમ ડોરિક ઑર્ડરનો વિકાસ થયો હતો. ગ્રીક મંદિરો સાદો પ્લાન ધરાવતાં. બારી વિનાનો લંબચોરસ ઓરડો ગર્ભગૃહ (cella) કહેવાતો. તેના સન્મુખ ભાગે એક જ દ્વાર રહેતું. પ્રારંભિક કાલનાં મંદિરોમાં ડોરિક ઑર્ડરનો પ્રયોગ થયો છે. ઑલિમ્પિયામાં આવેલ હિરેયમ (Heraeum = હેરાનું મંદિર) આનું પ્રાચીનતમ ઉદાહરણ છે. તે લગભગ ઈ. પૂ. 620માં બાંધવામાં આવ્યું હતું. ઇટાલીમાં આવેલ હેરાનું મંદિર (જે પ્રારંભમાં પૉઝિડોનનું મંદિર કે બાસિલિકા તરીકે ઓળખાતું) અને ડિમિટરનું મંદિર ઉલ્લેખનીય છે. કોરિંથનું એપૉલોનું મંદિર પણ ડોરિક શૈલીનું છે. પેરિક્લિસના સમયમાં (ઈ. પૂ. 469–429) ગ્રીક સ્થાપત્યનો ઘણો વિકાસ થયો.

હેરાનું મંદિર

એથીનાનું મંદિર

એક્રૉપોલિસ પર તેણે નગરનાં મંદિરોનું નિર્માણ કરાવ્યું. એક્રૉપોલિસ એટલે ઊંચાઈ પર આવેલું નગર. તે એથેન્સનો કિલ્લેબંધીવાળો ભાગ કે રાજગઢી(citadel)નો ભાગ હતો. તે ઊંચી ટેકરીઓ પર આવેલું હતું. તેની સૌથી ઊંચાઈ પર એથીનાનું મંદિર છે. આ ઉપરાંત ત્યાં પાર્થેનૉન, ઇરેકથેયોન, નિકે એપ્ટેરોસનું મંદિર અને પ્રોપિલિયા વગેરે ઇમારતો આવેલી છે. પર્શિયન લોકો દ્વારા ધ્વસ્ત થયેલ એથીનાના મંદિરનું નવું સ્વરૂપ તે પાર્થેનૉન છે. આરસમાં બંધાયેલ આ મંદિરના શિલ્પ-અલંકરણનું કામ મહાન શિલ્પી ફિડિયાસે કર્યું હતું. ઈ. પૂ. 447થી ઈ. પૂ. 438ના સમય દરમિયાન તેનું બાંધકામ સફેદ આરસમાં થયું હતું. સમગ્ર ઇમારતને ફરતી સ્તંભાવલિ છે. ગ્રીકોએ જ્યારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારે તેનો ઉપયોગ ચર્ચ તરીકે થવા લાગ્યો. તુર્કોના આક્રમણ પછી 1456માં તેનું મસ્જિદમાં પરિવર્તન થયું. 1687ના યુદ્ધ વખતે લગભગ તેનો નાશ થયો. એક્રૉપોલિસ પર બીજું જાણીતું મંદિર ઇરેકથિયન અથવા ઇરેકથિયમનું છે. તે સુવર્ણકાળ દરમિયાન ઈ. પૂ. 420 –323માં બંધાયું હતું. નિકે એપ્ટેરોસનું મંદિર એથીના નિકે તરીકે પણ ઓળખાય છે. તે ઈ. પૂ. 426માં બંધાયું હતું. નિકે એપ્ટેરોસનો અર્થ પાંખવિહીન વિજય (wingless victory) થાય છે. 1687માં તુર્કોએ તેનો નાશ કર્યો હતો. પ્રોમિલિયાનો અર્થ થાય છે – દરવાજો. એક્રૉપોલિસનો ભવ્ય દરવાજો ઈ. પૂ. 437–432માં મેસિક્લેસે (Mnesicles) બાંધ્યો હતો. ગ્રીકોએ ઓપન ઍર થિયેટર બાંધવાની શરૂઆત કરી હતી. તેમણે ખેલકૂદ માટે અને રથદોડ તથા ઘોડાદોડની સ્પર્ધા માટે સ્ટેડિયમ પણ બાંધ્યાં હતાં.

ઓપન ઍર થિયેટર

રોમ : રિપબ્લિકન યુગ દરમિયાન બાંધકામની પ્રવૃત્તિ મર્યાદિત થઈ ગઈ હતી. સમ્રાટ ઑગસ્ટસના સમયથી રોમન સ્થાપત્યનો સુવર્ણયુગ શરૂ થયો. તે કહેતો કે ‘મને ઈંટોથી બાંધેલું નગર મળ્યું છે, પણ હું તે નગરને આરસથી બાંધેલું આપતો જઈશ.’ રાષ્ટ્રમાં સ્થપાયેલ લાંબા સમયની શાંતિ અને સુરક્ષાને લીધે તેના સમયમાં અસંખ્ય સ્થાપત્ય નિર્માણ પામ્યાં. સ્તંભના બાંધકામમાં રોમનોએ ત્રણ ઑર્ડર – ગ્રીક ઑર્ડર, ડોરિક, આયોનિક અને કોરિન્થિયન અપનાવ્યા, ઉપરાંત ટુસ્કન અને કૉમ્પોઝિટ (મિશ્ર) ઑર્ડરનું ઉમેરણ કર્યું.

 

સેપ્ટિમિયસ સેવરુસની કમાન, રોમ

 મોટી સભાઓ ભરવાના હૉલ માટે વિશાળ અવકાશવાળી અને ટેકા વિનાની ઇમારતોના બાંધકામ માટે રોમનોએ નવી જ પદ્ધતિ અપનાવી. આ માટે તેમણે કમાનોની વિશિષ્ટ પદ્ધતિ અપનાવી. જાડી દીવાલોની ઉપર ક્રમબદ્ધ કમાનોની શ્રેણી ગોઠવીને નળાકાર કમાનદાર છત બનાવવામાં આવતી. રોમનોએ તેમની પરંપરા પ્રમાણેનાં મંદિરો બાંધ્યાં હતાં. મંદિરો ઊંચાં અધિષ્ઠાન પર સ્તંભરહિત બાંધવામાં આવતાં. જોકે પોર્ટિકો(પ્રવેશચૉકી)ના ભાગમાં સ્તંભ રાખવામાં આવતા. રોમમાં આવેલું વેસ્ટાનાનું મંદિર વર્તુળાકાર છે. પ્રાચીન રોમની તે સૌથી વધુ સુરક્ષિત ઇમારત છે. સમ્રાટ હેડ્રિયને તેનું બાંધકામ ઈ. સ.ની પ્રથમ સદીમાં કરાવ્યું હતું. રોમના વ્યાપારી વાણિજ્યિક અને ન્યાયિક કાર્ય માટે બસિલિકા પ્રકારની મોટી ઇમારતો બાંધતા. હાલ અવશેષ રૂપે ઊભેલું જૂલિયાનું બસિલિકા આ પ્રકારના સ્થાપત્યનું સારું ઉદાહરણ છે. રોમનો ભવ્ય થેરમા એટલે કે સ્નાનાગાર પણ બાંધતા. કેરેકેલાનું થેરેમા (ઈ. સ. 211) અને ડાયોક્લેશિયસનું થેરેમા (ઈ. સ. 305) ઉલ્લેખનીય છે. ગ્રીકોની જેમ તેમણે થિયેટર અને ઍમ્ફીથિયેટર બાંધવાની કલા પણ હસ્તગત કરી હતી. કોલોસિયમ અથવા ફ્લેવિયન ઍમ્ફીથિયેટરનો આદર્શ નમૂનો છે. તેનો ઘેરાવો 537 મીટર છે અને તેને ફરતી દીવાલ 46 મીટર ઊંચી છે. વિજયની સ્મૃતિમાં તેઓ નગરમાં ભવ્ય કમાનો બંધાવતા. ઑગસ્ટસે આવી 17 વિજયી કમાનોનું બાંધકામ કરાવ્યું હતું. ટાઇટસ અને કૉન્સ્ટન્ટાઇનની કમાનો જાણીતી છે. યુદ્ધના વિજેતાઓને સન્માનવા માટે ઊભા કરેલા વિજય સ્તંભોમાં ટ્રોજન અને માર્કસના વિજય સ્તંભો આજે પણ રોમમાં ઊભા છે. તેમણે કબર-સ્થાપત્યના ક્ષેત્રે પણ ઘણી પ્રગતિ કરી હતી. સેસિલિયા મટેલ્લા, ઑગસ્ટસ અને હાર્ડિયનની કબરો જાણીતી છે.

પ્રારંભિક ખ્રિસ્તી સ્થાપત્ય : ખ્રિસ્તી ધર્મના ઉદભવને કારણે ચર્ચ પ્રકારના સ્થાપત્યનો વિકાસ થયો. ચર્ચ ખ્રિસ્તીઓનું પ્રાર્થનાગૃહ છે. રોમન બાસિલિકાની રચના ચર્ચના બાંધકામ માટે બરાબર અનુકૂળ થાય તેવી હતી. શરૂઆતનાં ચર્ચ બાસિલિકા તરીકે જ ઓળખાતાં હતાં. પ્રારંભિક ખ્રિસ્તી બાસિલિકાઓમાં રોમમાં આવેલ સેંટ પીટરની પુરાણી બાસિલિકા છે. તેનું બાંધકામ સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને 333 પછી તરત જ કરાવ્યું હતું. પાંચમી સદી સુધી તે હયાત હતી, પરંતુ નવી (વર્તમાન) બાસિલિકા બાંધવા માટે તે દૂર કરવામાં આવી. સેંટ જ્હૉન લેટરન અને સેંટ પૉલની બાસિલિકા પણ ઉલ્લેખનીય છે. સેંટ જ્હૉનની બાસિલિકા કૉન્સ્ટન્ટાઇને બંધાવી હતી અને તેણે પોપ સિલ્વેસ્તરને અર્પણ કરી હતી. સેંટ પૉલની બાસિલિકાનું નિર્માણ ચોથી સદીના ઉત્તરાર્ધમાં થયું હતું. સેંટ પૉલની કબર પર તે બાંધવામાં આવી છે. સેંટ મૅરી મેજરની બાસિલિકા ‘અવર લેડી ઑવ્ સ્નો’ તરીકે પ્રસિદ્ધ છે. રોમનું ‘સાન્ટા મારિયા ઇન કોસ્મેડિન’ નામનું ચર્ચ ધ્યાનાર્હ છે. સાન ક્લેમેન્ટનો પ્લાન સાદો છે.

ફોરમ, રોમ

બાઇઝૅન્ટાઇન : બાઇઝૅન્ટાઇન સ્થાપત્ય મહદ્અંશે ધર્માવલંબી હતું. સમચોરસ અથવા અષ્ટકોણીય પાયા (base) પર અર્ધવર્તુળાકાર ઘુંમટની રચના બાઇઝૅન્ટાઇન સ્થાપત્યકલાની વિશેષતા છે. ઘુંમટ આકાશની છત અથવા સ્વર્ગને અભિવ્યક્ત કરે છે. ઇમારતોમાં વપરાયેલ સ્તંભો એકાશ્મક છે. સ્તંભોની શિરાવટીમાં ઓયોનિક, કોરિન્થિયન અને મિશ્ર આકાર જોવા મળે છે. પાછળથી ડોઝેરેટ (dosseret) પ્રકારની શિરાવટીની આગવી પદ્ધતિ અપનાવી. કૉન્સ્ટન્ટિનોપલમાં આવેલ હાગિયા સોફિયા અહીંનાં સર્વ ચર્ચમાં સૌથી વિશાળ અને પ્રસિદ્ધ છે. વર્તમાન હાગિયા સોફિયાનું બાંધકામ પ્રથમ સુવર્ણયુગમાં 532માં સમ્રાટ જસ્ટિનિયનના સમયમાં શરૂ થયું હતું. છ વર્ષમાં તેનું બાંધકામ પૂરું થયું હતું. વારંવારના ધરતીકંપને લીધે તેને નુકસાન થવાથી અનેક વાર તેનો જીર્ણોદ્ધાર કરવો પડ્યો હતો.

સોફિયા હાગિયા, કૉન્સ્ટન્ટિનોપલ

1453માં તુર્કોએ કૉન્સ્ટન્ટિનોપલ જીતી લીધું ત્યારે તેમાં ચાર મિનારા ઉમેરવામાં આવ્યા હતા. 1929માં તે બાઇઝૅન્ટાઇન મ્યુઝિયમમાં ફેરવી દેવાયું. તેનો સમચોરસ વિસ્તાર 76  67 મીટર છે. તેનો ભવ્ય ઘુંમટ 321 મીટર વ્યાસનો છે અને 55 મીટર ઊંચો છે. વેનિસનું સેંટ માર્કસનું ચર્ચ પશ્ચિમી યુરોપના બીજા સુવર્ણયુગની સ્થાપત્યકલાનો ઉત્તમ અને પ્રસિદ્ધ નમૂનો છે. અહીં સેંટ માર્કસનાં અસ્થિ પધરાવેલાં હતાં. દસમી સદીમાં આગને કારણે આ ઇમારતનો નાશ થવાથી 1042થી 1085 દરમિયાન ફરીથી તેનું બાંધકામ કરવામાં આવ્યું. તેની છત પર પાંચ ઘુંમટ છે. તેનો પ્લાન ક્રૂસાકાર છે. ચર્ચની અંદરના ભાગમાં પાછળના સમયમાં અનેક ઉમેરણો કરવામાં આવ્યાં છે; પરંતુ તેમાં બાઇઝૅન્ટાઇન શૈલી જણાતી નથી. મુખભાગની ઉપરનો ભાગ ગૉથિક શૈલીમાં ઉમેરવામાં આવ્યો છે.

કેથીડ્રલ, પીસા

રોમનેસ્ક : અગિયારમી–બારમી સદી દરમિયાનના યુરોપની સ્થાપત્ય-શૈલી રોમનેસ્ક શૈલી તરીકે ઓળખાય છે. રોમનેસ્ક સ્થપતિઓ મોટે ભાગે પ્રારંભિક ખ્રિસ્તી બાસિલિકાના લંબાકાર પ્લાનને અનુસરતા હતા. રોમનેસ્ક દેવળોમાં ચાપાકાર ભાગ(apse)ને વધુ લાંબો બનાવવામાં આવ્યો. આના કારણે દેવળનો પ્લાન ક્રૂસાકારે  લૅટિન ક્રૉસના આકાર જેવો બન્યો. ચણતરી છત માટે બેરલ (barrel) કે ટનેલ (tunnel), ગ્રૉઇન (groin) કે ક્રૉસ (cross) છતની પદ્ધતિ વાપરવામાં આવી. બાઇઝૅન્ટાઇન કલાની અસર હેઠળ ક્યાંક ઘુંમટનો પ્રયોગ પણ કર્યો છે. દીવાલો પ્રમાણમાં વધુ જાડી અને બારીઓ નાના કદની રાખતા. ઇટાલીમાં મિલાનના સેંટ એમ્બ્રોજિયોના દેવળમાં ગૉથિક અસર જોવા મળે છે. આ દેવળ લૉમ્બાર્ડ લોકોએ બંધાવ્યું હતું. પીસામાં ઇટાલિયન રોમનેસ્ક સ્થાપત્યનો રસપ્રદ સમૂહ આવેલો છે. ત્યાંના કેથીડ્રલના મુખભાગમાં ઢળતા મિનારાના આઠ મજલા બ્લાઇન્ડ આર્કાડ્સ વડે અલંકૃત છે. ફ્લોરેન્સના સેન મિનિયાટોના દેવળના મુખભાગમાં આરસનું જડતરકામ (inlay) સુંદર છે. જર્મનીના રહાઇન ખીણના પ્રદેશમાં સમ્રાટ શાર્લમૅન અને તે પછીના સમયમાં પણ બાંધકામની પ્રવૃત્તિ મોટે પાયે થઈ. હિલ્ડેશેમનું સેંટ માઇકલનું દેવળ પ્રારંભિક રોમનેસ્ક કલાનું ઉમદા ઉદાહરણ છે. ફ્રાન્સમાં એર્લેસમાં સેંટ ટ્રોફાઇમનું દેવળ ઉલ્લેખનીય છે. કલનીનું ઍબે ચર્ચ ફ્રાન્સની ક્રાંતિ દરમિયાન સંપૂર્ણ નાશ પામ્યું હતું. તે સમયનું એ સૌથી મોટું દેવળ હતું.

સેંટ માઇકલનું દેવળ, હિલ્ડેશેમ

ગૉથિક : ગૉથિક મધ્યકાલીન ખ્રિસ્તી કલાના આદર્શો અને કલાત્મક સ્વરૂપોના વિકાસની પરાકાષ્ઠા છે. આ કલાનું મુખ્ય કેન્દ્ર ફ્રાન્સ હતું. તેનો ઉત્તમ સમય 1200થી 1275નો છે; પરંતુ એક સદી બાદ તે યુરોપમાં ફેલાઈ અને 16મી સદી અને તે પછી પણ તેનું અસ્તિત્વ રહ્યું. પૅરિસની નજીક આવેલ જીર્ણોદ્ધારિત (consecrated) ચેવેટ  સેંટ ડેનિસના ચર્ચનો પ્રતિષ્ઠાવિધિ 1144માં રાજા લૂઇ આઠમાની હાજરીમાં થયો. આ ઇમારતમાં સૌપ્રથમ વાર ગૉથિક સ્થાપત્યનાં લક્ષણો નિહિત થાય છે. 12મી સદીના બીજા ભાગમાં સ્થાપત્યનિર્માણની પ્રવૃત્તિ વિકસી. આ સમયની શૈલી પ્રારંભિક ગૉથિક (1140–1194) તરીકે ઓળખાય છે. આ સમયગાળાનું ઉત્તમ સ્થાપત્ય પૅરિસનું નોત્રેદામ છે. 13મી સદીનું ગૉથિક સ્થાપત્ય શિષ્ટ સ્વરૂપનું છે. આ તબક્કો ઉચ્ચ-ગૉથિક (1194–1248) કલાનો છે. આ તબક્કાનું ઉત્તમ ઉદાહરણ કેથીડ્રલ ઑવ્ ચાર્ટ્રેસ છે. તેમાં સ્થાપિત વર્જિન મૅરીની પ્રતિમાને કારણે ઘણા લાંબા સમયથી આ સ્થળ તીર્થયાત્રાનું સ્થળ બન્યું છે. 1134–1170 દરમિયાન તેના મુખભાગમાં બે મિનારા ઊભા કરવામાં આવ્યા. તેનું ઉચ્ચતમ શિલ્પ-અલંકરણ, સ્થાપત્યની સપ્રમાણતા અને સ્ટેઇન્ડ ગ્લાસ(રંગીન કાચ)ની બારીઓ તેનાં આકર્ષક તત્વો છે. તેનો પ્લાન લૅટિન ક્રૉસ આકારે છે, અર્થાત્ લંબાઈ પહોળાઈ કરતાં વધારે છે. અણીદાર કમાન (pointed arch) જેને ફ્રેન્ચમાં આર્ક-બ્રીસે (arc-bree-say) કહે છે તેનો અહીં વધુ ઉપયોગ થયો છે. ઘુંમટ (vault), દરવાજા, બારીઓ અને સુશોભનાત્મક તત્વોમાં પણ તેનો વપરાશ જોવા મળે છે. રેઇમ્સ અને એમિએન્સના કેથીડ્રલમાં ચાર્ટ્રેસ કેથીડ્રલનાં લક્ષણો  ઉચ્ચ-ગૉથિક દૃષ્ટિગોચર થાય છે. રેઇમ્સના કેથીડ્રલનો પ્લાન ચાર્ટ્રેસના જેવો છે. ફ્રાન્સના રાજાઓનો રાજ્યાભિષેક અહીં થતો. તેના સુંદર મુખભાગ માટે તે ઘણી ખ્યાતિ ધરાવે છે. એમિઅન્સના કેથીડ્રલના મંડપના ઊર્ધ્વમાન(elevation)માં આયોજનની સંવાદિતા નજરે પડે છે. તેની ઊંચાઈ 411 મીટરની છે. 13મી અને 14મી સદીની ગૉથિક કલા શુદ્ધ ગૉથિકને રજૂ કરે છે. તેનો ઉત્તમ નમૂનો સીન નદીના કાંઠે આવેલ સેન્ટ ચેપલ (પૅરિસ) છે. રાજકુટુંબ માટેનું તે ચેપલ (ખાનગી દેવળ) હતું. 1244 અને 1247 દરમિયાન સેંટ લૂઇ 9મા દ્વારા બાંધવામાં આવ્યું હતું. પવિત્ર ભૂમિ(જેરૂસલેમ)થી તે ઈસુના કાંટાળા તાજના લાવેલ અવશેષને સુરક્ષિત રીતે રાખવા આ ચેપલ બંધાવ્યું હતું.

રેઇમ્સ કેથીડ્રલ

ફ્રાન્સ પછી ગૉથિક સ્થાપત્યકલાનો વિકાસ ઇંગ્લૅન્ડ, જર્મની, બેલ્જિયમ, હોલૅન્ડ, ઇટાલી અને સ્પેનમાં થયો. કેથીડ્રલ ઑવ્ સેલિસબરી (ઇંગ્લૅન્ડ), કેથીડ્રલ ઑવ્ કોલોન (જર્મની), ચર્ચ ઑવ્ સેંટ એલિઝાબેથ (જર્મની), ચર્ચ ઑવ્ સેંટ ગુડુલે, એન્ટવર્પનું કેથીડ્રલ (બેલ્જિયમ), આસિસિમાં ચર્ચ ઑવ્ સાન ફ્રાન્સિસ્કો, ધ કેથીડ્રલ ઑવ્ ઓર્વિએટો (ઇટાલી) વગેરે ગૉથિક સ્થાપત્યની ઉલ્લેખનીય ઇમારતો છે.

નવજાગૃતિ : નવજાગૃતિ (રેનેસાં) કાલ દરમિયાન સ્થાપત્યના ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ. શરૂઆતમાં સ્થાપત્યકલાનું કેન્દ્ર રોમ હતું. રોમના સ્થાપત્યકીય અવશેષોમાં રસ જાગ્રત કરવાનું કાર્ય બ્રુનેલેસ્ચીએ કર્યું. ઈ. સ. 1518માં રાફાયેલે પોપને રોમની પ્રાચીન ઇમારતોનું રક્ષણ કરવા અપીલ કરી. આ બધાના પરિણામે શિષ્ટ બાંધકામ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. વિયેન્ઝાનો પલ્લાદીઓએ સ્થાપત્ય વિશેના ચાર ગ્રંથો લખ્યા, જે યુરોપભરમાં પ્રમાણભૂત ગણાતા હતા. ફોન્ડલિંગ હૉસ્પિટલ (ફ્લોરેન્સ), પાઝ્ઝી ચેપલ (ફ્લોરેન્સ), મેડિચિ રિકાર્ડી પેલેસ, પિટ્ટિ પેલેસ, ફાર્સેસ પેલેસ, સેંટ પીટર્સ બાસિલિકા (રોમ) વગેરે નવજાગૃતિ કાલની જાણીતી ઇમારતો છે. આ સર્વમાં સેંટ પીટર્સ બાસિલિકા નવજાગૃતિ કલાના સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. દેવળનું તલમાન (ground plan) લૅટિન ક્રૂસાકારે છે. દેવળની અંદરના દરેક ભાગ શિલ્પોથી અલંકૃત છે. એમાં 439 માનવકદનાં શિલ્પો છે. 1506માં શરૂ થયેલ તેનું બાંધકામ 120 વર્ષ સુધી ચાલ્યું હતું. તેના બાંધકામમાં બ્રેમાન્ટે, માઇકલેન્જેલો અને માડેર્નો બેર્નિનીનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું.

ફ્લોરેન્સના કેથીડ્રલનો ઘુંમટ

સેંટ પીટરના ચર્ચનો ઘુંમટ

 આશરે 65 ટન તાંબામાંથી બનાવેલી તેની વેદી(altar)ની ઉપરનો મંડપ (buldachin) ખૂબ જ અલંકૃત છે. દેવળનું સૌથી વધુ આકર્ષક સ્થાપત્યકીય અંગ તેનો મુખ્ય ઘુંમટ છે. આ સુંદર, પ્રમાણસર, ભવ્ય અને વિશાળ ઘુંમટ એ માઇકલેન્જેલોનું આયોજન છે.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ન્યૂયૉર્ક

આધુનિક સ્થાપત્ય : ઔદ્યોગિકવાદની જરૂરિયાતો અને શક્યતાઓએ આધુનિક સ્થાપત્યને જન્મ આપ્યો. રેલવે સ્ટેશનો, ગાડીઓના શેડ્સ, કારખાનાંઓ, ભવ્ય હૉલ, ડિપાર્ટમેન્ટલ સ્ટૉર્સ, ઑફિસોને પર્યાપ્ત વીજળી સાથેની વિસ્તૃત અને ભવ્ય ઇમારતોની જરૂર હતી. લોખંડ અને સ્ટીલના બહોળા ઉત્પાદને આ શક્ય બનાવ્યું. લોખંડ અને સ્ટીલની ફ્રેમોએ પરંપરાગત ઈંટ અને પથ્થરની દીવાલનું સ્થાન લીધું. આ સાથે 19મી સદીની મધ્યમાં કાચ પણ અન્ય આધુનિક બિલ્ડિંગ મટીરિયલ તરીકે પ્રચલિત થયો. બીજા નવા મટીરિયલ્સ તરીકે ઍસ્બેસ્ટોસ, ઍલ્યુમિનિયમની પેનલ્સ, પ્લાસ્ટિક, પ્લાઇવુડ વગેરેનો વપરાશ શરૂ થયો.

સર જોસેફ પેક્સ્ટન્સ ક્રિસ્ટલ પેલેસ (લંડન, 1850–51) આધુનિક એન્જિનિયરિંગ કલાનો પ્રથમ નમૂનો કહી શકાય. અહીં પ્રથમ જ વાર સ્થાપત્યમાં મોટા પાયે ઇન્ડસ્ટ્રિયલ ટૅક્નૉલૉજી વાપરવામાં આવી. દીવાલનું સ્થાન કાચે લીધું. તેથી કાચની દીવાલો હળવા પડદા જેવી જણાઈ. વિશાળ કદનું ઉત્પાદન (mass production) અને પૂર્વ-રચન(pre-fabrication)નું અહીં પ્રારંભિક ઉદાહરણ જોવા મળે છે. 1887–1889 દરમિયાન બાંધવામાં આવેલો ઍફિલ ટાવર આધુનિક પૅરિસનું પ્રતીક છે. ફ્રાન્સની રાજ્યક્રાંતિની શતાબ્દીની ઉજવણી નિમિત્તે પૅરિસમાં એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજવાનું અને ત્યાં જ એક ટાવર બાંધવાનું ફ્રાન્સની સરકારે નક્કી કર્યું. સરકાર પાસે આવેલા 700 પ્લાનમાંથી ઍફીલનો પ્લાન સ્વીકારાયો. તેના બાંધકામમાં 40 ઇજનેરોની સેવા લેવામાં આવી હતી. કારીગરો રોજના દસ કલાક કામ કરતા હતા. તેના બાંધકામમાં 25 લાખ રીવેટ વાપરવામાં આવ્યા હતા. ટાવરની સમગ્ર ઊંચાઈ 312.12 મીટર છે. ક્લિફ્ટોન સસ્પેન્સન બ્રીજ (બ્રિસ્ટલ) 1836માં આઇ. બ્રુનેલ દ્વારા બંધાયો. ફ્રેન્ચ સ્થપતિ ઈ. ફ્રેપ્સ્સિનેટે પૅરિસની નજીક ઓર્લી ખાતે ડિરિજીબલ હન્ગરનું બાંધકામ કરાવ્યું. સ્વિસ એન્જિનિયર આર. મેઇલ્લાર્ટે બેર્ને નજીક 1933માં સ્વાન્ડબેચ બ્રિજ (Schwandbach) બાંધ્યો. 1908માં ઊંચી ઇમારતો માટે જરૂરી મશરૂમ સ્લૅબ્સની શોધ કરી. હેન્નેબાઇકની કૃતિ – સેંટ જિન-દિ (મોન્ટમાર્ટ્રે) છે. પૅરિસમાં આવેલ ઍપાર્ટમેન્ટ હાઉસની ડિઝાઇન એ. પેર્રેટે કરી છે. 1912માં એફ. એલ. રાઇટે ટોકિયોમાં અર્થક્વેક-પ્રૂફ ઇમ્પીરિયલ હોટલ બાંધી.

ઓર્ફેનેજ, ઍમસ્ટરડૅમ

આધુનિક સ્થાપત્યનાં બીજ સૌપ્રથમ ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સમાં વવાયાં. અમેરિકામાં તેનો સ્કાયસ્ક્રૅપર્સ તરીકે વિકાસ થયો. શિકાગોની દસ માળની ઇમારત – હોમ ઇન્સ્યોરન્સ બિલ્ડિંગ (1883–85) પ્રથમ જાણીતી ખૂબ ઊંચી ઇમારત (skyscraper) છે. તેની ડિઝાઇન ડબ્લ્યૂ. જેનિએ કરી હતી. ધી તકોમા બિલ્ડિંગ 1887માં હોલબર્ડ અને રોચેએ બાંધી હતી. એચ. રિચાર્ડસન અમેરિકન સ્થાપત્યક્ષેત્રની પ્રથમ મહાન વિભૂતિ હતી. તેનું જાણીતું સર્જન શિકાગોમાં આવેલ માર્શલ ફિલ્ડ વેરહાઉસ (1885–1887) છે. જેનો પાછળથી નાશ કરવામાં આવ્યો હતો. એલ. સુલિવાન વાસ્તવમાં અમેરિકાનો પ્રથમ આધુનિક સ્થપતિ હતો કે જેણે સ્કાયસ્ક્રૅપર્સને એક વિશિષ્ટ સ્વરૂપ આપ્યું. શિકાગોમાં તેણે બાંધેલ ઑડિટોરિયમ–હોટલ–કાર્યાલય(1886–1889)માં તેની નિપુણતા જોવા મળે છે. 1890માં તેણે ડિઝાઇન કરેલ સ્કાયસ્ક્રૅપર્સ – ધ વેઇનરાઇટ બિલ્ડિંગ (સેંટ લૂઇસ), ધ બેયર્ડ બિલ્ડિંગ (ન્યૂયૉર્ક) અને ગૅજ બિલ્ડિંગ (શિકાગો) 1930 સુધી અમેરિકાના સૌથી આધુનિક કૉમર્શિયલ બાંધકામ તરીકે હતાં. 1894–95 દરમિયાન તેણે ગેરેન્ટે બિલ્ડિંગની પણ ડિઝાઇન કરી હતી. એફ. એલ. રાઇટના ઘરેલુ સ્થાપત્ય યુરોપમાં ખાસ કરીને જર્મની અને નેધરલૅન્ડમાં વધુ અસરકારક બન્યા. શિકાગોમાં 1909માં તેણે બાંધેલ રૉબી હાઉસ પ્રસિદ્ધ છે. ટોકિયોની ઇમ્પીરિયલ હોટલ, ફૉલિંગ વોટર અથવા કૌફમાન હાઉસ, એસ. સી. જ્હોનસન એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, ઈસોનિયન હાઉસ, પ્યુ હાઉસ, તેલિએસિન વેસ્ટ વગેરે ઇમારતોની ડિઝાઇન તેણે કરી હતી. તેની અંતિમ કૃતિ ન્યૂયૉર્કમાં આવેલ ગુગ્નેહેઇમ મ્યુઝિયમની ઇમારત છે.

અમદાવાદ ટૅક્સટાઇલ મિલ ઓનર્સ ઍસોસિયેશન (ATMA)નું મકાન, અમદાવાદ

જર્મનીમાં પી. બેહેન્સનું નામ સ્થાપત્યના ક્ષેત્રે જાણીતું છે. મોટે ભાગે તેણે ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન કરી છે. 1909માં તેણે બર્લિનમાં A.E.G. ટુર્બો ફૅક્ટરી બાંધી. કાચ અને સ્ટીલ સાથેનું જર્મનીનું આ પ્રથમ બાંધકામ હતું. તેણે સાબિત કરી બતાવ્યું કે ફૅક્ટરી પણ સુંદર રીતે બાંધી શકાય છે. આ ઉપરાંત તેણે અનેક ફૅક્ટરીઓ અને ફ્લૅટ્સની ડિઝાઇન કરી. તેના જાણીતા શિષ્યોમાં ગ્રોપિયસ, માઇસ અને લ કોર્બુઝિયર હતા. 1911માં ગ્રોપિયસે ફાગુસ ફૅક્ટરીની ડિઝાઇન કરી. આમાં તે પોતાના ગુરુની પરંપરાઓને અનુસર્યો હતો. તેણે એ. લુઝની સાથે યુરોપમાં નવા સ્થાપત્યકીય વિચારોનું સંયોગીકરણ કર્યું. અલંકરણો તેને પસંદ ન હતાં. તેણે ડિઝાઇનને માટે બાઉહાસ (Bauhaus) નામની યુનિવર્સિટીની રચના કરી. મધ્ય યુરોપમાં તે આધુનિકીકરણની પ્રેરણાનું બૌદ્ધિક કેન્દ્ર બની. આધુનિક ડિઝાઇન, સ્થાપત્ય અને હુન્નર શીખવવા માટેની આ પ્રથમ જ સંસ્થા હતી. 1928માં ગ્રોપિયસે હાઉસિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા આ સંસ્થામાંથી રાજીનામું આપ્યું. તે જ વર્ષે તેણે દેસાઉ એમ્પ્લોયમેન્ટ ઑફિસની ઇમારત બાંધી. માઇસનું મહત્વનું કાર્ય મોડલ સ્કાયસ્ક્રૅપર્સની જોડી છે. તેની દીવાલો કાચથી બનાવેલી છે. પેવેલિયન ફૉર ધી જર્મન ગવર્નમેન્ટ (1929) તેની પ્રથમ મોટી ઇમારત છે. બીજા જ વર્ષે તેણે ટુજેન્ડહર હાઉસની ડિઝાઇન કરી. લ કોર્બુઝિયરે નગર-આયોજન પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. સ્થાપત્ય વિશેનાં તેમનાં પ્રકાશનો ઘણાં પ્રસિદ્ધ છે. જોકે તેની ઇમારતોની ડિઝાઇન તેના લખાણથી જુદી પડે છે. ડોમ ઇનો હાઉસ (1914), સ્વીસ પેવિલિયન (1930–1932), વિલા સેવોય (1932), લ’ યુનિટેસ દી’ હેબિટેશન (1947–1952), નોત્રેદામે દુ હાઉટ (1950–1955), કેપિટોલ ઍન્ડ હાઇકોર્ટ, ચંડીગઢ (1950) વગેરે ઇમારતોની ડિઝાઇન કોર્બુઝિયરે કરી હતી. અમદાવાદમાં સંસ્કારકેન્દ્ર અને મિલ ઓનર્સ ઍસોસિયેશનના મકાનની ડિઝાઇન પણ કોર્બુઝિયરની છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદ

 ઇટાલીના પી. એલ. નેવ્રીએ કેટલીક સુંદર ઇમારતોની ડિઝાઇન કરી. કૉમ્યુનલ સ્ટેડિયમ (1930–32), એક્ઝિબિશન હૉલ, તુરીન (1948–1949), કૉન્ફરન્સ હૉલ ઑવ્ ધ યુનેસ્કો બિલ્ડિંગ, પૅરિસ (1953–1957), પિરેલ્લી સ્કાયસ્ક્રૅપર, મિલાન, પાલાઝે ટ્ટો દેલ્લો સ્પોર્ટ રોમ, પાલાઝ્ઝો દેલ લેવોરો, તુરીન વગેરે ઇમારતો નેવ્રીએ બાંધી હતી. અમેરિકાના સ્થપતિ લુક મિનિસ્ટર ફુલ્લેરે ડાયમેક્સિઓન હાઉસ(1927)ની ડિઝાઇન કરી. 1958માં તેણે બાંધેલ બટોન રોગ(લુસિયાના)નો ઘુંમટ સેંટ પિટર્સના ઘુંમટ કરતાં ત્રેવીસગણું કદ ધરાવે છે. ફિનલૅન્ડના સ્થપતિ એ. આલ્ટોએ સુનિલા ફૅક્ટરી માટેના વર્કર્સ હાઉસિસ તૈયાર કર્યાં. અમેરિકાની ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ વિશ્વની સૌથી ઊંચી ઇમારત ગણાતી હતી; પરંતુ હવે તો મલેશિયાના ટ્વીન-ટાવર્સે એ ઊંચાઈને પણ આંબી દીધી છે. અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ સંસ્થાનું મકાન તેનાં ઇંટેરી બાંધકામને લીધે પ્રસિદ્ધ છે. તેની ડિઝાઇન લુઈ કાહને કરી હતી. હમણાં જ ચીનમાં દુનિયાનો સૌથી લાંબો (36 કિમી.) પુલ બાંધવામાં આવ્યો છે. જાપાનના ટોકિયોમાં 1 કિમી. ઊંચાઈનું R.C.C. નગર બાંધવામાં આવી રહ્યું છે; જેમાં ઑફિસો, બગીચા, થિયેટર્સ, પ્લે-ગ્રાઉન્ડ્સ, શાળા-કૉલેજ, બાથ્સ, માર્કેટ્સ તેમજ રહેણાકનાં મકાનો વગેરે હશે. મોટાં મૉલ્સ અને મલ્ટીપ્લેક્સનાં બાંધકામો એ આધુનિક સભ્યતામાં આગવું સ્થાન લઈ રહ્યાં છે.

થૉમસ પરમાર