સ્થાનીય ચિકિત્સા પ્રતિફૂગ (antifungal local therapy)

January, 2009

સ્થાનીય ચિકિત્સા, પ્રતિફૂગ (antifungal local therapy) : ચામડી અને શ્લેષ્મકલા પર ફૂગના ચેપની સ્થાનિક કાર્ય કરતાં ઔષધો વડે સારવાર કરવી તે. સપાટી પર સારવાર કરતાં ઔષધો વડે સ્થાનીય ચિકિત્સા થાય છે. તેઓ ક્યારેક ફૂગના ચેપને મટાડે છે અથવા ક્યારેક મોં કે ઇન્જેક્શન દ્વારા અપાતાં ઔષધોની અસર વધારવામાં ઉપયોગી રહે છે. મલમ (ointment), તૈલમલમ (cream), પ્રવાહી (દ્રાવણ), શૅમ્પૂ વગેરે સ્વરૂપે વાપરવામાં આવે છે. તેમનો પ્રમુખ ઉપયોગ ચામડી, નખ તથા મોંની કે યોનિ(vagina)ની શ્લેષ્મકલા પરના ફૂગના ચેપની સારવારમાં થાય છે.

ચામડી પરના ફૂગના ચેપમાં તે સ્થળને સૂકું અને સ્વચ્છ રખાય છે તથા તેના પર પ્રતિફૂગ ઔષધનો તૈલમલમ વપરાય છે. તેની સાથે ખૂજલી કે એલર્જીજન્ય વિકાર સાથે હોય તો સ્ટિરોઇડનો મલમ પણ વપરાય છે. ચામડી પરનો ફૂગનો ચેપ ત્વક્ફૂગ (tinea) નામે ઓળખાય છે અને ઘણી વખત વલયો (rings) બનાવે છે. માટે તેને વલયાકારી (ringworm) પણ કહે છે. વલયાકારી ત્વક્ફૂગને દાદરના રોગ તરીકે પણ ઓળખાય છે.

પગ પરના ફૂગના ચેપમાં છંટકાવ, ચૂર્ણ, તૈલમલમ કે લૂગદી(gel)ના સ્વરૂપે ઔષધો અપાય છે. તેમાં માઇકોનેઝોલ, ટોલ્નાફ્ટેટ, ટર્બિનાફાઇન, કીટોકોનેઝોલ, ક્લોટ્રાઇમેઝોલ, સર્ટાકોનેઝોલ વગેરે ઔષધો ઉપયોગી છે. અગાઉ બેન્ઝોઇક અને સેલિસિલક ઍસિડ વ્યાપકપણે વપરાતાં હતાં. નખમાં ફૂગનો ચેપ હોય તો લાંબા સમય સુધી સારવાર કરાય છે. તેમાં સિક્લોપિરોક્સ અથવા એમોરોલ્ફિનનાં નખરંજકદ્રવ્યો (nail paints) વપરાય છે. સાથે મુખમાર્ગી ઔષધોની પણ જરૂર પડે છે. હાથ, પગ, ધડ, જાંઘ, મોં તથા દાઢીના વિસ્તારની ફૂગમાં ક્લોટ્રાઇમેઝોલ, કીટોકોનેઝોલ, મિકોઝોલ, ટર્બિનાફાઇન અને ટોલ્નાફ્ટેટ વપરાય છે. ચૂર્ણ અથવા પાઉડરમાં મૅન્થોલ તથા ઝિંક ઑક્સાઇડ ઉમેરવાથી ખૂજલી ઘટે છે. હાથ અને હથેળીના ફૂગચેપમાં સેલેનિયમ સલ્ફાઇડ વપરાય છે. સાથે મુખમાર્ગે ગ્રિસિયોફલ્વિન આપવાથી ફાયદો રહે છે. ચામડી પર યીસ્ટને કારણે થતો ટિનિઆ વર્સિકોલારનો વિકાર સેલેનિયમ સલ્ફાઇડ, કીટોકોનેઝોલ, સિક્લોપિરોક્સ વગેરેથી નિયંત્રિત કરાય છે.

યોનિની શ્લેષ્મકલા પર શ્વેતફૂગ(candida)થી ચેપ લાગે તો નિસ્ટેટિનની ગોળી કે ક્લોટાઇમેઝોલનો મલમ યોનિમાં મૂકવાનું સૂચવાય છે. આ ઉપરાંત માયકોનેઝોલ, બ્યુટોકોનેઝોલ, ટાયોકોનેઝોલ વગેરે પણ ઉપયોગી છે. મોંમાં થતા શ્વેતફૂગના ચેપને થૂલિયો (thrush) કહે છે. તેમાં ક્લોટ્રાઇમેઝોલ ઉપયોગી છે. તેમાં જેન્શિયન વાયોલેટ ચોપડવાથી પણ ફાયદો રહે છે. જરૂર પડ્યે મુખમાર્ગી ઔષધો અપાય છે.

શિલીન નં. શુક્લ