સ્કન્દપુરાણ : પુરાણસાહિત્યનો ગ્રંથ. મુખ્ય અઢાર મહાપુરાણોમાં તેરમું પુરાણ શિવે કહેલું છે. વિસ્તારની દૃષ્ટિએ આ પુરાણ બધાં પુરાણોમાં સૌથી મોટું છે. ભૂગોળ, કથાનકો અને અન્ય વિગતોની દૃષ્ટિએ આ પુરાણ પદ્મપુરાણ કરતાં પણ વધુ મહત્વનું છે.

સ્કંદપુરાણનાં બે સંસ્કરણો મળે છે. એક સંસ્કરણ ખંડાત્મક છે – તે સાત ખંડોમાં વહેંચાયેલું છે; બીજું સંહિતાત્મક છે  તે છ સંહિતાઓ ધરાવે છે. આ બંને સંસ્કરણો પુન: અનેક પેટાવિભાગો ધરાવે છે. આ પુરાણની શ્લોકસંખ્યા 81,000 હોવાનો સામાન્ય મત પ્રવર્તે છે. નારદપુરાણ (અ. 104) અનુસાર આ એક શૈવપુરાણ છે. ડગલે ને પગલે આ પુરાણમાં ભગવાન શિવનો મહિમા પ્રતિપાદિત કરવામાં આવ્યો છે.

મત્સ્યપુરાણ (અ. 53) અનુસાર સ્કન્દપુરાણમાં તત્પુરુષની કલ્પના, અનેક ઉપાખ્યાનો અને માહેશ્વર ધર્મોનું નિરૂપણ છે. તેના 81,100 શ્લોકો છે.

શિવપુરાણના ઉત્તરખંડ અનુસાર મહેશ્વર આ પુરાણના વક્તા છે અને સ્કન્દ કે કાર્તિકેય શ્રોતા છે. સ્કન્દપુરાણના પ્રભાસખંડ અનુસાર સૌપ્રથમ કૈલાસ પર્વત ઉપર બ્રહ્મા વગેરે દેવો સમક્ષ ભગવાન શંકરે પાર્વતીને સ્કન્દપુરાણ કહ્યું હતું. પાર્વતીએ કાર્તિકેયને આ પુરાણ કહ્યું હતું. કાર્તિકેયે નંદીને, નંદીએ અત્રિને, અત્રિએ વેદવ્યાસને અને વેદવ્યાસે સૂત પૌરાણિકને આ પુરાણ કહ્યું હતું. આમ, આ પુરાણની પરંપરા તેની પ્રાચીનતા અને દિવ્યતા સિદ્ધ કરે છે.

વ્યાસકથિત આ પુરાણના સાત ખંડ છે. તે આ પ્રમાણે છે : (1) મહેશ્વરખંડ, (2) વૈષ્ણવખંડ, (3) બ્રહ્મખંડ, (3) કાશીખંડ, (5) અવન્તીખંડ, (6) નાગરખંડ અને (7) પ્રભાસખંડ.

સ્કન્દપુરાણની શંકરસંહિતાના હાલાસ્ય માહાત્મ્યમાં સ્કન્દપુરાણની છ સંહિતાઓ હોવાનું કહેવાયું છે. આ છ સંહિતાઓ પચાસ ખંડમાં વિભક્ત છે. આ સંહિતાઓ આ પ્રમાણે છે : (1) સનત્કુમારસંહિતા, (2) સૂતસંહિતા, (3) શાંકરી સંહિતા, (4) વૈષ્ણવી સંહિતા, (5) બ્રાહ્મી સંહિતા અને (6) સૌર સંહિતા.

બંને વાચનાઓના શ્લોકોની કુલ સંખ્યા 81,000 ગણાવાઈ છે. આગળ જોયું તેમ મત્સ્યપુરાણ આના 81,100 શ્લોકો ગણાવે છે.

ડૉ. વિલ્સન વગેરેના મતે આ પુરાણનો સમય ઈ. સ.ની અગિયારમી સદીનો મનાય છે. તેમના મતે આ પુરાણમાં જગન્નાથજીના મંદિરનું વર્ણન છે. તે તેમાં ન હોઈ શકે. ઈ. સ. 1264ની આસપાસ જગન્નાથજીનું મંદિર બંધાયું છે. તેથી આ પુરાણમાં જગન્નાથજીના મંદિરના વર્ણનને કારણે ઈ. સ.ની તેરમી સદી પછીનું આ પુરાણ ગણાય; પરંતુ પાશ્ચાત્ય વિદ્વાનોના આ મતને અન્ય વિદ્વાનો ગ્રાહ્ય રાખતા નથી; કારણ કે શક સંવત 930(ઈ. સ. 1008)માં લખાયેલી એક હસ્તપ્રત, જે કોલકાતામાં છે તેમાં આ પુરાણનો ઉલ્લેખ મળે છે. આથી પણ એક પ્રાચીન હસ્તપ્રત નેપાળના સરકારી પુસ્તકાલયમાં હોવાનું ડૉ. હરપ્રસાદ શાસ્ત્રીએ ત્યાંની સૂચિમાં જણાવ્યું છે. સ્કન્દપુરાણની આ પ્રાચીન હસ્તપ્રત પણ આ પુરાણની પ્રાચીનતા સિદ્ધ કરે છે. અલબત્ત, આ પુરાણના પ્રાચીન વિસ્તાર અને તેનું વિશાળ કદ અધ્યયન અને સંશોધનનો વિષય છે. ડૉ. આર. સી. હાઝરા સૂતસંહિતા ઉપર માધવાચાર્યની ટીકાને આધારે ઈ. સ. 1300ને સ્કન્દપુરાણના સમયની ઉત્તરસીમા ગણે છે. નેપાળની પ્રાચીન હસ્તપ્રત ઈ. સ.ના સાતમા સૈકાની હોવાથી તે તેની પૂર્વસીમા ગણી શકાય.

વિષયવ્યાપની દૃષ્ટિએ આ પુરાણ ખૂબ જ સમૃદ્ધ છે. આ પુરાણની વિષયાનુક્રમણિકાને સંપૂર્ણ રીતે પામવી એ દુષ્કર કાર્ય છે. ડૉ. આર. સી. હાઝરાનો પણ આવો મત છે.

સ્કન્દપુરાણના હાર્દને પામવા શ્રી સી. વી. વૈદ્ય, એચ. સી. રાયચૌધરી, ડી. સી. સરકાર, ડૉ. આર. સી. હાઝરા, ડૉ. એ. બી. એલ. અવસ્થી વગેરે વિદ્વાનોએ તેનું વિશદ અધ્યયન કર્યું છે. નારદીય પુરાણમાં આ પુરાણની વિષયાનુક્રમણિકા પ્રમાણમાં વિગતે મળે છે.

ખંડાનુસારી વિભાજન ધરાવતી વાચનાવાળા સ્કન્દપુરાણના સાતેય ખંડમાં અધ્યાયો આ પ્રમાણે છે :

1 ખંડ અધ્યાય શ્લોકસંખ્યા
1. મહેશ્વરખંડ 174 12,000
2. વૈષ્ણવખંડ 153 12,000
3. બ્રહ્મખંડ 87 12,000
4. કાશીખંડ 100 12,000
5. અવન્તીખંડ–રેવાખંડ 387 12,000
6. નાગરખંડ–તાપીખંડ 179 12,000
7. પ્રભાસખંડ 414 12,000
કુલ ખંડ 7 1,494 84,000

અન્યત્ર કુલ અધ્યાય 1,671 અને કુલ શ્લોકસંખ્યા 81,000 કહેવાઈ છે. આ સ્કન્દપુરાણના પચીસ ઉપવિભાગો છે.

સંહિતાનુક્રમ અનુસાર છયે સંહિતાઓમાં કહેલી શ્લોકસંખ્યા આ પ્રમાણે છે :

1    સંહિતા શ્લોકસંખ્યા
1. સનત્કુમારસંહિતા 36,000
2. સૂતસંહિતા  6,000
3. શાંકરી સંહિતા 30,000
4. વૈષ્ણવી સંહિતા  5,000
5. બ્રાહ્મી સંહિતા  3,000
6. સૌર સંહિતા  1,000
કુલ શ્લોક 81,000

આ સ્કન્દપુરાણ અનેક પેટાવિભાગોમાં વિભાજિત છે.

આમ, બધાં પુરાણોમાં બૃહત્કાય એવા આ પુરાણમાં સંખ્યાબંધ ઉપાખ્યાનો છે. શિવોપાસકો માટે પરમ આદરણીય ગ્રંથ છે. વર્ણાશ્રમ-વ્યવસ્થા, ધર્મો, તીર્થો વગેરેની દૃષ્ટિએ વિચારતાં આ પુરાણ ભારે અગત્ય ધરાવે છે. ઘણાં તીર્થો, પર્વતો, નદીઓ, સ્થળ-માહાત્મ્યોની દૃષ્ટિએ પ્રાચીન ભૂગોળને પામવા વાયુપુરાણ, મત્સ્યપુરાણ, માર્કન્ડેયપુરાણ કે પદ્મપુરાણ કરતાં પણ આ પુરાણ મહત્વનું છે. અનેક જ્ઞાતિપુરાણો આ પુરાણની અંતર્ગત છે. સમગ્ર ભારતવર્ષમાં ભારે પ્રચાર અને આદર ધરાવતી સત્યનારાયણની કથામાં જણાવ્યું છે કે, ‘इति श्री स्कन्दपुराणे रेवाखण्डे सत्यनारायणकथायाम् …… अध्याय:।’ પરંતુ પ્રચલિત સ્કન્દપુરાણમાં આ કથા મળતી નથી ! સ્કન્દપુરાણના આધારે જ સહ્યાદ્રિખંડ, અર્બુદાચલખંડ, કાશ્મીરખંડ, કૈલાસખંડ, પુષ્કરખંડ, બદરિકાખંડ, હિમવતખંડ, અધિમાસખંડ, અંબિકામાહાત્મ્ય, અયોધ્યામાહાત્મ્ય, અરુન્ધતીવ્રતકથા, વૈશાખમાહાત્મ્ય, કાર્તિકેયમાહાત્મ્ય, કાશીખંડ, નાગરખંડ, જ્વાલામુખીમાહાત્મ્ય, જ્વાલામુખીપુરાણ, શ્રીમાળપુરાણ વગેરે સ્કન્દપુરાણની અંતર્ગત મનાય છે. સ્વતંત્ર રીતે પ્રકાશિત થયેલાં કે મળતાં કેટલાંય તીર્થમાહાત્મ્યો કે સ્થળપુરાણો અને જ્ઞાતિપુરાણોની ગંગોત્રી સ્કન્દપુરાણ હોવાની સંભાવના છે. તો ઘણી વાર આ સ્કન્દપુરાણ આવાં તીર્થમાહાત્મ્યો અને જ્ઞાતિપુરાણની કેવળ આધારશિલારૂપ બન્યું છે. ક્યારેક સમગ્ર સ્થળપુરાણ કે જ્ઞાતિપુરાણો સ્કન્દપુરાણની અંતર્ગત હોવાની સંભાવનાને લીધે આ પુરાણનું અધ્યયન કરવાની દિશા ખૂલી છે. ડૉ. એ. બી. એલ. અવસ્થીએ સ્કન્દપુરાણનું સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશદ અધ્યયન કર્યું છે.

પ્રથમ ખંડાનુસારી વેંકટેશ્વર સંસ્કરણ પ્રમાણે વિષયવસ્તુ ટૂંકમાં આ પ્રમાણે છે :

(1) માહેશ્વર ખંડ : આ ખંડના ત્રણ ઉપખંડો છે  કેદારખંડ, કુમારિકાખંડ અને અરુણાચલખંડ. કેટલાક માત્ર કેદારખંડ અને કુમારિકાખંડને જ આ ખંડની અંતર્ગત માને છે. શિવપાર્વતીની અનેક પ્રકારની લીલાઓનું સુંદર વર્ણન અહીં કરવામાં આવ્યું છે. આ ખંડમાં સ્કન્દ-કાર્તિકેયનું માહાત્મ્ય સ્વાભાવિક રીતે આવરી લેવાયું છે. આ ખંડના ઉપખંડોનાં નામ જ તેમના ક્ષેત્રનું માહાત્મ્ય આવરી લેવાયું હોવાનું સૂચવે છે. કુમારિકાખંડમાં નવમી સદીના ભારતનું ભૌગોલિક ચિત્ર મળે છે. ગુજરાતની ભૌગોલિક સ્થિતિની જાણકારી માટે આ ખંડ ઉપયોગી છે.

(2) વૈષ્ણવખંડ : આ ખંડના ભૂમિવારાહ (બંગવાસી સંસ્કરણમાં વેંકટાચલ), ઉત્કલ (બંગવાસી સંસ્કરણમાં) પુરુષોત્તમ ક્ષેત્ર, બદરિકા, કાર્તિક, માર્ગશીર્ષ, ભાગવત, વૈશાખ અને અયોધ્યાખંડ નામે આઠ પેટાખંડ છે.

આ ખંડના ઉત્કલખંડમાં ઓરિસાના જગન્નાથજીનું મંદિર, તેનું પૂજાવિધાન, પ્રતિષ્ઠા અને તત્સંબંધિત અનેક ઉપાખ્યાનો મળે છે. રાજા ઇન્દ્રદ્યુમ્નને નારદમુનિના ઉપદેશથી જગન્નાથજીની મૂર્તિની ભાળ મળવી અને મંદિરની કરાયેલી યોજના વગેરેનું વિસ્તૃત વર્ણન પુરુષોત્તમ-ક્ષેત્ર-માહાત્મ્યની દૃષ્ટિએ ઉપકારક છે અને ઐતિહાસિક–ભૌગોલિક–ધાર્મિક અધ્યયનની દૃષ્ટિએ અગત્ય ધરાવે છે. આ સાથે અનેક શિવલિંગોના આવિર્ભાવ અને તેમનાં માહાત્મ્યોનું વિશદ વર્ણન મળે છે.

(3) બ્રહ્મખંડ : આ ખંડના સેતુ, ધર્મારણ્ય, ચાતુર્માસ્ય અને બ્રહ્મોત્તરખંડ નામે ચાર પેટાખંડ છે. બંગવાસી સંસ્કરણમાં ચાતુર્માસ્યખંડ છે. કેટલાક વિદ્વાનો આ ખંડના માત્ર બ્રહ્મારણ્ય અને બ્રહ્મોત્તર નામે બે જ પેટાખંડ માને છે. કેટલાક સેતુ, ધર્મારણ્ય અને ચાતુર્માસ્ય ખંડને જુદા ગણે છે. પ્રથમ ખંડની અંતર્ગત આવતા ધર્મારણ્યખંડમાં ધર્મારણ્યનું માહાત્મ્ય વિશદ રીતે આલેખાયું છે. બીજા ખંડમાં ઉજ્જયિનીસ્થિત મહાકાલની પ્રતિષ્ઠા અને પૂજાવિધાનનું વિશેષ વર્ણન મળે છે.

(4) કાશીખંડ : આ ખંડનું નામ જ આ ખંડનો કાશીક્ષેત્ર સાથેનો ગાઢ સંબંધ સૂચવે છે. અહીં કાશીનગરીનો મહિમા વર્ણવાયો છે. કાશીના બધા દેવતાઓ, શિવલિંગોના આવિર્ભાવ અને તેમનાં માહાત્મ્યનું પ્રતિપાદન વિશેષ રૂપે વિગતે આ ખંડમાં મળે છે. કાશીનગરીની પ્રાચીન ભૂગોળની જાણકારી મેળવવા માટે આ ખંડ વિશેષ અગત્ય ધરાવે છે.

(5) આવન્ત્ય ખંડ : આ ખંડમાં અવંતીક્ષેત્ર, ચતુરશીતિ લિંગ-માહાત્મ્ય અને રેવાખંડ ઉપખંડ છે. અવન્તીખંડ કે અવંતીક્ષેત્રમાં ઉજ્જૈનની આજુબાજુનાં સ્થળો સાથે સંકળાયેલી ભૂગોળને આવરી લીધી છે. ઉજ્જૈનના મહાકાલ અને વિભિન્ન શિવલિંગો(चतुरशीति–84)ની ઉત્પત્તિની કથાઓ અને તેમનાં માહાત્મ્ય આ ખંડનો પ્રધાન વિષય છે. મહાકાલેશ્વરના મંદિરનું વિસ્તૃત વર્ણન અહીં છે. પ્રાચીન અવન્તીની ભૌગોલિક અને ધાર્મિક સ્થિતિનું પૂરેપૂરું ચિત્ર આ ખંડમાં ઉપસાવાયું છે.

રેવાખંડમાં રેવા-નર્મદા નદીની ઉત્પત્તિ, તેના તીરે આવેલાં તીર્થો અને તેમનાં માહાત્મ્ય વર્ણવાયાં છે. સત્યનારાયણની કથા બંગવાસી સંસ્કરણમાં મળે છે; વેંકટેશ્વર સંસ્કરણમાં મળતી નથી. નર્મદા સાથે સંકળાયેલી ભૌગોલિક સ્થિતિનું વિશદ અધ્યયન કરવા આ ખંડ ઉપયોગી છે.

નર્મદા નદીની સહાયક નદી તાપીના કિનારે આવેલાં તીર્થોનું વર્ણન તાપીખંડનો વિષય છે. કેટલાક તાપીખંડને અલગ ગણાવે છે. તાપી નદીના કિનારે વસેલાં તીર્થોની વિગતો, માહાત્મ્ય આદિને લીધે તાપીમાહાત્મ્ય કે તાપીખંડ અલગ સ્થળપુરાણ તરીકે પણ જાણીતું બન્યું છે. તાપીના માહાત્મ્યને નાગરખંડમાં પણ ક્યારેક ગણાવાયું છે.

(6) નાગરખંડ : નારદપુરાણના મતે છઠ્ઠો ખંડ નાગરખંડ છે. આજકાલ મળતા નાગરખંડના ત્રણ પેટાખંડ કે પરિચ્છેદ છે. તેમાં પ્રથમ બે પરિચ્છેદમાં અનુક્રમે વિશ્વકર્મા-ઉપાખ્યાન અને વિશ્વકર્માવંશાખ્યાન છે. કેટલાક આને વિશ્વકર્મા-પુરાણ તરીકે પણ ઓળખાવે છે. ત્રીજા પરિચ્છેદમાં હાટકેશ્વર-માહાત્મ્ય છે. આ પેટાખંડમાં નાગર બ્રાહ્મણોની ઉત્પત્તિ અને હાટકેશ્વરનું માહાત્મ્ય આવરી લેવાયાં છે. ભારતની ભૌગોલિક સ્થિતિ જાણવા માટે આ ખંડ ઉપયોગી છે. નાગરોની ઉત્પત્તિનો ઇતિહાસ એક જ્ઞાતિપુરાણ તરીકે પણ અગત્ય ધરાવે છે.

(7) પ્રભાસખંડ : સાતમો પ્રભાસખંડ છે. તેમાં પ્રભાસમાહાત્મ્ય, અર્બુદખંડ અને દ્વારકામાહાત્મ્ય ઉપખંડો છે. પ્રભાસમાહાત્મ્ય પ્રભાસક્ષેત્રની ભૂગોળ, તીર્થો અને તેના માહાત્મ્ય સાથે સંકળાયું છે. અર્બુદખંડ આબુક્ષેત્રનાં ભૂગોળ, તીર્થ અને માહાત્મ્ય સાથે સંબંધિત છે. દ્વારકામાહાત્મ્ય કુશસ્થલિ-કુશક્ષેત્રની ભૂગોળ, તીર્થ અને માહાત્મ્યની દૃષ્ટિએ ઉપકારક છે. બંગવાસી સંસ્કરણમાં એક વસ્ત્રાપથ-માહાત્મ્ય છે. વેંકટેશ્વર સંસ્કરણમાં પ્રભાસક્ષેત્રને અગત્ય અપાઈ છે.

આમ, સ્કંદપુરાણનાં વેંકટેશ્વર અને બંગીય સંસ્કરણ મળે છે. બંનેમાં અધ્યાય અને શ્લોકોની સંખ્યામાં ભેદ જોવા મળે છે. આ પુરાણ પંચાશત (50) ખંડાત્મક કહેવાય છે. ઉપર્યુક્ત ખંડ સિવાય સ્કન્દપુરાણ સાથે સંબંધિત સનત્કુમારસંહિતા, સૂતસંહિતા, શાંકરી સંહિતા, વૈષ્ણવી સંહિતા, બ્રાહ્મી સંહિતા અને સૌરી સંહિતા કહેવાય છે. આ સંહિતાઓનું વિવરણ અષ્ટાદશ પુરાણદર્પણના સ્કન્દપુરાણમાં આપ્યું છે. તેના શ્લોકોની કુલ સંખ્યા પણ 81,000 ગણાવાઈ છે. આ દર્શાવે છે કે ખંડાત્મક સ્કન્દપુરાણ સિવાય બીજું સંહિતાત્મક સ્કન્દપુરાણ હતું. પરંપરા પ્રમાણે સ્કન્દપુરાણનું આ અન્ય સંસ્કરણ ગણાવાય છે. શિવરહસ્યના સંભવકાંડ અનુસાર આ એક તાપસપુરાણ છે. શિવમહાપુરાણ, લિંગપુરાણ, વરાહપુરાણ, સ્કન્દપુરાણ, મત્સ્યપુરાણ, કૂર્મપુરાણ વગેરે શિવમાહાત્મ્યપરક પુરાણો છે. આ પુરાણ વસ્તુત: એક ગ્રંથનો જ ભાગ છે; અનેક પરસ્પર અસંલગ્ન ખંડોનો સમાહાર માત્ર છે અને આ ખંડો અવાન્તર ખંડોમાં વહેંચાયેલા છે. સાથે સાથે જુદી જુદી સંહિતાઓ પણ અવાન્તર ખંડોમાં વિભાજિત છે. તેમની અધ્યાય અને શ્લોકસંખ્યામાં પણ ભેદ જોવા મળે છે. વેંકટેશ્વર સંસ્કરણ ખંડાત્મક છે. બંગીય સંસ્કરણ સંહિતાત્મક છે; જે અવાન્તર ખંડોમાં વિભક્ત છે. તાપીમાહાત્મ્ય (પૂર્વોક્ત નાગરખંડમાં ગણાવાયું છે.) તે બંને મુદ્રિત સંસ્કરણમાં મળતાં નથી. નારદપુરાણના પૂર્વાર્ધ અ. 104માં સ્કન્દપુરાણની વિશદ સૂચિમાં પણ તાપીખંડ નથી. તેમાં નાગરખંડ છે. સંહિતાઓ અને ખંડોમાં શિવનાં અર્ચનમહિમા વગેરે શિવપરક વિષયોને પ્રાધાન્ય અપાયું છે.

સ્કન્દપુરાણની શંકરસંહિતાના હાલાસ્યમાહાત્મ્યમાં સ્કન્દપુરાણની છ સંહિતાઓ અને તેના કુલ પચાસ ખંડ હોવાનું કહ્યું છે. આ સંહિતાઓનો ક્રમ સનત્કુમારસંહિતા, સૂતસંહિતા, શાંકરી સંહિતા, વૈષ્ણવી સંહિતા, બ્રાહ્મી સંહિતા અને સૌરી સંહિતા એવો છે.

(1) સનત્કુમારસંહિતા : આ સંહિતાના વક્તા સનત્કુમાર છે. આ સંહિતાના વીસ-બાવીસ અધ્યાયો છે. આ સંહિતા સૌથી નાની છે.

(2) સૂતસંહિતા : શિવોપાસનાની દૃષ્ટિએ આ એક અનુપમ ખંડ છે. આ સંહિતામાં વૈદિક અને તાંત્રિક પૂજાઓનું સવિસ્તર વર્ણન છે. આ સંહિતાની આ વિલક્ષણતાને લીધે વિજયનગર સામ્રાજ્યના મંત્રી માધવાચાર્યે તેના ઉપર તાત્પર્ય-ટીકા લખી છે. તે આનંદાશ્રમ ગ્રંથાવલી, પુણેથી પ્રકાશિત થઈ છે. આ સંહિતાના ચાર ખંડ છે : (1) પ્રથમ ખંડનું નામ શિવમાહાત્મ્ય છે. અહીં તેર અધ્યાયોમાં શિવનો મહિમા વિશેષ રૂપે વર્ણવાયો છે. (2) જ્ઞાનયોગખંડના વીસ અધ્યાયોમાં આચારધર્મોનું આલેખન છે. હઠયોગની પ્રક્રિયાનું સાંગોપાંગ વિવેચન આ ખંડમાં છે. (3) ત્રીજો ખંડ મુક્તિખંડ છે. તેના નવ અધ્યાયોમાં મુક્તિના ઉપાયો વર્ણવાયા છે. (4) યજ્ઞવૈભવખંડ નામનો ખંડ સૌથી મોટો છે. તેના પૂર્વ અને ઉત્તર  એવા બે ભાગ છે. પૂર્વ ભાગના સુડતાળીસ અધ્યાયો છે. તેમાં અદ્વૈત વેદાન્તના સિદ્ધાંતોને શિવભક્તિ સાથે સંપુટિત કરી સુંદર આલેખન અને વિવેચન કરવામાં આવ્યું છે. દાર્શનિક દૃષ્ટિએ આ ખંડ ઉપાદેય, પ્રમેયબહુલ અને મીમાંસા કરવા યોગ્ય છે. આના બીજા ખંડના ઉત્તર ભાગમાં બ્રહ્મગીતા અને સૂતગીતા આવે છે. બ્રહ્મગીતામાં બાર અધ્યાય છે અને સૂતગીતામાં આઠ છે. બંને ગીતાઓનો વિષય આધ્યાત્મિક છે. આત્મસ્વરૂપનું કથન અને તેના સાક્ષાત્કારના ઉપાયો ખૂબ જ સુંદર રીતે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. આ સંહિતામાં શિવની કૃપાથી જ બધાં કર્મોની સિદ્ધિ થતી હોવાનું કહેવામાં આવ્યું છે.

प्रसादलाभाय हि धर्मसञ्चय: प्रसादलाभाय हि देवतार्चनम् ।

प्रसादलाभाय हि देवतास्मृति: प्रसादलाभाय हि सर्वाअभिहितम् ।।

शिवप्रसादेन विना न भुक्तय: शिवप्रसादेन विना न मुक्तय: ।

शिवप्रसादेन विना न देवता: शिवप्रसादेन हि सर्वमास्तिका: ।।

(3) શાંકરી સંહિતા : આ સંહિતા અનેક પેટાખંડોમાં વહેંચાયેલી છે. તેનો પ્રથમ ખંડ શિવરહસ્ય કહેવાય છે. આ ખંડ સમગ્ર સંહિતાનો અડધો ભાગ છે. તેના 13,000 શ્લોકો છે અને તેના સાત કાંડ છે : સંભવકાંડ, આસુરકાંડ, મહેન્દ્રકાંડ, યુદ્ધકાંડ, દેવકાંડ, દક્ષકાંડ અને ઉપદેશકાંડ. શિવરહસ્યને અલગ ગ્રંથ તરીકે પણ ઓળખાવાયો છે.

(4) વૈષ્ણવી સંહિતા : આ વિષ્ણુના નામે ઓળખાતી સંહિતામાં જગન્નાથક્ષેત્ર-પુરુષોત્તમક્ષેત્ર સાથે સંકળાયેલાં તીર્થોનું આલેખન છે.

(5) બ્રાહ્મી સંહિતા : બ્રહ્માના નામે ઓળખાતી આ સંહિતા છે.

(6) સૌરી સંહિતા : આ સંહિતાનું નામ સૂર–સૂર્ય સાથે સંબંધિત હોવાનું સૂચવે છે; પણ વસ્તુત: આ સંહિતા શિવ સંબંધિત અનેક બાબતો ધરાવે છે. આનંદાશ્રમ, પુણે દ્વારા પ્રકાશિત સૌરપુરાણ એક ઉપપુરાણ છે અને તેમાં શિવલીલાપરક વિગતો જોતાં સૌરી સંહિતા તરીકે ઓળખાતા સ્કન્દપુરાણના એ ભાગને સૌરપુરાણ માનવા પ્રેરે છે.

આવાં ઘણાં તીર્થમાહાત્મ્યો, સ્થળપુરાણો કે ઉપપુરાણોને સ્કન્દપુરાણની જ દેણગી ગણવી રહી.

સ્કન્દપુરાણનો અંગ્રેજી અનુવાદ શ્રી જી. વી. ટાગોર દ્વારા કરાયો છે. તે મોતીલાલ બનારસીદાસ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા