સોમેસ માઇકેલ (જ્યૉર્જ) [Somes Michael (George)]

January, 2009

સોમેસ, માઇકેલ (જ્યૉર્જ) [Somes, Michael (George)] [. 28 સપ્ટેમ્બર 1917, હોર્સ્લી (Horsely), ગ્લૉસેસ્ટરશાયર, (Gloucestershire), ઇંગ્લૅન્ડ] : પ્રશિષ્ટ અને આધુનિક બૅલે-નૃત્યોના પ્રખ્યાત બ્રિટિશ નર્તક તથા રૉયલ બૅલે કંપનીના કોરિયોગ્રાફર. પ્રસિદ્ધ બૅલે-નર્તકી મેર્ગોટ ફોન્ટેઇન સાથે તેમણે ઘણાં નૃત્યોમાં નૃત્ય કરેલું.

માઇકેલ સોમેસ (જ્યૉર્જ)

1934માં સોમેસે સેડ્લર્સ વેલ્સ સ્કૂલ ખાતે બૅલે-નૃત્યનો અભ્યાસ કર્યો. ત્યાં અભ્યાસ કરનાર તેઓ પ્રથમ પુરુષ નર્તક હતા. 1935માં તેઓ રૉયલ બૅલે કંપનીમાં નર્તક તરીકે સભ્ય બન્યા. 1937થી તેમણે એકલ (Solo) નૃત્ય કરવાં શરૂ કર્યાં. તેમણે સર્વપ્રથમ એકલનૃત્ય ફ્રેડરિક ઍશ્ટોને કોરિયોગ્રાફ કરેલ નૃત્યકૃતિ ‘હૉરોસ્કોપ’માં કરેલું.

બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ લશ્કરમાં સેવા આપ્યા પછી તેમણે ફરીથી ઍશ્ટોને કોરિયોગ્રાફ કરેલ નૃત્યોમાં નર્તન કરવું શરૂ કર્યું. તેમાંથી આ નૃત્યો ખૂબ સફળ ગણાયાં છે : ‘સિમ્ફનિક વેરિયેશન્સ’ (1946), ‘સિન્ડ્રેલા’ (1948), ‘ડેફિનસ ઍન્ડ ક્લૉ’ (1951), ‘તિરેસિયાસ’ (1951) અને ‘ઑન્ડિને’ (1958). તદુપરાંત ‘સ્વાન લેક’, ‘ગિઝેલ’ (Giselle) અને ‘ધ સ્લીપિંગ બ્યૂટી’ જેવી પ્રશિષ્ટ બૅલે-રચનાઓમાં પણ તેમણે નર્તન કર્યું હતું.

પુરુષ નર્તક રૉબર્ટ હેલ્પ્માનના અવસાન પછી 1950માં પ્રસિદ્ધ બૅલે-નર્તકી મેર્ગોટ ફોન્ટેઇનની સાથે યુગલનર્તન કરવાનું સોમેસે શરૂ કર્યું. બ્રિટિશ રાણીએ 1959માં ‘કમાન્ડર ઑવ્ ધી ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ ઍમ્પાયર’ ખિતાબ વડે સોમેસને નવાજ્યા. 1961ની સાલથી તેમણે રંગમંચ પરથી એક નર્તક તરીકે નિવૃત્તિ લીધી. 1963માં તેમણે ‘રૉયલ બૅલે કંપની’ના આસિસ્ટન્ટ ડિરેક્ટરનું પદ ગ્રહણ કર્યું અને કેટલાક મૂંગા એકપાત્રી અભિનય (pantomime) કર્યા, જેમાંથી ‘મૅર્ગુરાઇટ ઍન્ડ આર્મેન્ડ’માં તેમનો અભિનય ખૂબ વખણાયો. 1964માં તેમણે રૉયલ બૅલે કંપનીના આસિસ્ટન્ટ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપી તે જ નૃત્યસંસ્થામાં એક નૃત્યશિક્ષકની જવાબદારી સંભાળી.

1959માં પત્ની ડેઈદ્રે ડિક્સનના અવસાન પછી તેમણે નર્તકી અન્તૉઇનિતે સિબ્લે સાથે લગ્ન કર્યું હતું.

અમિતાભ મડિયા