સોમૈયા કરમસીભાઈ જેઠાભાઈ

January, 2009

સોમૈયા, કરમસીભાઈ જેઠાભાઈ (. 16 મે 1902, માલુંજા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર; . 9 મે 1999, મુંબઈ) : મહારાષ્ટ્રમાં ખાંડ-ઉદ્યોગના વિકાસમાં તથા મુંબઈના ઘાટકોપર પરામાં વૈવિધ્યપૂર્ણ શિક્ષણસંકુલની સ્થાપના તથા તેના વિસ્તરણમાં મહત્વનું યોગદાન કરનાર દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ. લુહાણા જ્ઞાતિમાં જન્મેલા કરમસીભાઈના પૂર્વજો કચ્છના વતની હતા. તેમના દાદા ઠાકરસીભાઈ કચ્છના તેરા નામના તદ્દન નાના ગામડામાં રહેતા હતા. તેમણે નોકરીની શોધમાં મુંબઈ સ્થળાંતર કર્યું. ત્યાં તેઓ શરૂઆતમાં પોતાના સસરાના બાંધકામ-વ્યવસાયમાં ભાગીદાર તરીકે જોડાયા અને સારી એવી કમાણી કરવા લાગ્યા; પરંતુ જુગાર રમવાની લતને કારણે નાદાર થયા અને હતાશામાં મુંબઈ છોડી અહમદનગર જિલ્લાના માલુંજા ગામમાં બાગાયત-વ્યવસાય કરવા લાગ્યા. થોડાક જ સમયમાં તેમણે આ વ્યવસાયમાં સારી પ્રગતિ કરી અને એક પ્રગતિશીલ બાગાયતી તરીકે નામના મેળવી. કરમસીભાઈના પિતા જેઠાભાઈ ઉદ્યમશીલ હતા. તેમણે બેલાપુર ખાતે કરિયાણાની દુકાન શરૂ કરી હતી; પરંતુ ગરમ મિજાજને કારણે તેઓ ધંધા-વ્યવસાયમાં આગળ આવી શક્યા નહિ; એટલું જ નહિ, પરંતુ પિતાની જે મિલકત તેમને વારસામાં મળી હતી તે પણ તેમણે ગુમાવી. કરમસીભાઈમાં નાનપણથી ધાર્મિક વૃત્તિનો વિકાસ થયો હતો. તેમના બાળમાનસ પર ધ્રુવ અને પ્રહલાદ જેવાં પૌરાણિક પાત્રોની જીવનકથાઓની ઊંડી અસર થવા લાગી, જેને કારણે તેમના જીવનનો નૈતિક પાયો બાળપણથી જ મજબૂત રીતે બંધાયો. તેમણે મહારાષ્ટ્રના બેલાપુર તથા મુંબઈ અને કચ્છના તેરા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું; પરંતુ તે મૅટ્રિક સુધી પણ પહોંચી શક્યા ન હતા. જોકે તેમણે પછીથી અંગ્રેજી, મરાઠી અને હિંદી ભાષાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. તેઓ કચ્છી, મારવાડી તથા સોરઠી ભાષાઓના પણ જાણકાર હતા અને તેમાં વાતચીત કરી શકતા હતા. વળી તેમને સંસ્કૃત ભાષા પ્રત્યે ઘણો લગાવ અને પ્રેમ હતા. 1920માં કચ્છના ગામડાની તેમની જ્ઞાતિની એક કન્યા સાથે તેમનાં લગ્ન થયાં હતાં; પરંતુ તેનું અવસાન થતાં 1922માં તેમણે સાકરબાઈ નામની કન્યા સાથે બીજી વારનાં લગ્ન કર્યાં. આગળ જતાં સાકરબાઈએ કરમસીભાઈના જીવનવિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શિક્ષણમાં ભલીવાર ન આવતાં કરમસીભાઈએ ધંધા-વ્યાપારમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં તેમણે કરેલા ધંધા-વ્યાપારમાં તેઓ સ્થિર થઈ શક્યા નહિ; પરંતુ 1927માં ખાંડનો વેપાર કરતી એક પેઢી–ખતોડ ઍન્ડ કંપની–માં તેઓ ભાગીદાર તરીકે જોડાયા, જેમાં તેમણે નોંધપાત્ર પ્રગતિ કરી.

કરમસીભાઈ જેઠાભાઈ સોમૈયા

સમય જતાં કરમસીભાઈએ બેલાપુર ખાંડ કારખાનાની અને ત્યાર બાદ વાલચંદ હીરાચંદના રાવળગાંવ ખાંડ કારખાનાની તથા દહાણુકરના મહારાષ્ટ્ર ખાંડ કારખાનાની એજન્સી લઈ પોતાના ખાંડના વેપારનું વિસ્તરણ કર્યું. 1936ના અરસામાં તેમણે મહારાષ્ટ્રના બેલાપુર, કોપરગાંવ અને વૈજાપુર તાલુકામાં શેરડીના ઉત્પાદન માટે જમીનો ખરીદી અને પોતાના ખાંડના કારખાનાની સ્થાપના કરવાનું સ્વપ્ન સાકાર કર્યું. તેમણે શેરડીની બાગાયતી તથા ખાંડનું ઉત્પાદન – બંને ક્ષેત્રોમાં નિપુણતા મેળવી. તેમણે પોતાની માલિકીની ધ ગોદાવરી શુગર મિલ્સ લિમિટેડના હસ્તક ભારતમાં શેરડીનું ઉત્પાદન યાંત્રિક પદ્ધતિઓ દ્વારા કરવાના શ્રીગણેશ કર્યાં. સમય જતાં તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. વળી શેરડીનું ઉત્પાદન અને ખાંડનું ઉત્પાદન – આ બંને ક્ષેત્રોમાં અવનવા પ્રયોગો કરવાનું સાહસ તેમણે દાખવ્યું. દા. ત., મુંબઈની આરે દૂધ-ઉત્પાદક કૉલોનીની માલિકીનાં પશુઓનું હજારો ટન છાણ જે આરે કૉલોની માટે નિરુપયોગી હતું, તે કોઈ પણ કિંમત ચૂકવ્યા વિના રેલવેનાં વૅગનોમાં ભરીને પોતાના અહમદનગર જિલ્લાનાં શેરડીનાં ખેતરોમાં વાપરવા માટે ત્યાંથી કાન્હેગાંવ સ્ટેશન મારફત સ્થળાંતરિત કરવાનો અભિનવ પ્રયોગ તેમણે સફળતાથી કરી બતાવ્યો. વળી સિંચાઈના ક્ષેત્રમાં પણ કરમસીભાઈએ પોતાનાં શેરડીનાં ખેતરોમાં અભિનવ પ્રયોગો કરી મબલક પાક મેળવ્યો. દા. ત., 1953–1963ના દાયકામાં ગોદાવરી ખાંડ કારખાના સાથે સંલગ્ન શેરડીનાં ખેતરોમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધારે હેક્ટરદીઠ ઉત્પાદન કરવાનો વિક્રમ તેમણે પ્રસ્થાપિત કર્યો. સાથોસાથ ‘ધ ગોદાવરી શુગર મિલ્સ લિમિટેડ’ હસ્તકનાં ખાંડ કારખાનાંઓ – સાકરવાડી કારખાનું અને લક્ષ્મીવાડી કારખાનું  આ બંને સાથે સંલગ્ન એવી સંશોધનપ્રયોગશાળાઓ સ્થાપવાનું દૂરંદેશીપણું પણ તેમણે દાખવ્યું. પરિણામે લક્ષ્મીવાડી કારખાનામાં ઉત્પાદન થયેલ ખાંડ(D-30 ખાંડ)ને સમગ્ર દેશમાં ગુણવત્તામાં પ્રથમ ક્રમાંક અને નિકાસમાં પણ સર્વોચ્ચ ક્રમાંક પ્રાપ્ત થયા. ખાંડનાં કારખાનાંઓની આડપેદાશો(મૉલેસિસ અને  ઇતર પેદાશો)નો ઉપયોગ થઈ શકે તે માટે એક અલાયદી ડિસ્ટિલરીની તેમણે સ્થાપના કરી, જેમાં રૅક્ટિફાઇડ સ્પિરિટનું ઉત્પાદન પણ થવા લાગ્યું. 1962માં તેમના નેતૃત્વ હેઠળ સાકરવાડી કારખાનાની બાજુમાં એક એસેટિક ઍસિડ પ્લાન્ટ પણ નાંખવામાં આવ્યો.

મહારાષ્ટ્રમાં જમીનધારણની મહત્તમ મર્યાદાને લગતો કાયદો પસાર થતાં કરમસીભાઈની માલિકીની શેરડીનું ઉત્પાદન કરતી હજારો એકર જમીન તે કાયદા હેઠળ આવરી લેવામાં આવી. ભારતમાં જે જે ક્ષેત્રોમાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તે તે ક્ષેત્રોમાં તેની જે જે વિપરીત અસરો થઈ તે બધી જ અસરો કરમસીભાઈના ઔદ્યોગિક સામ્રાજ્યને ક્રમશ: પણ ભોગવવી પડી હતી. છેવટે તે બધા જ એકમો સમેટી લેવા પડ્યા.

દરમિયાન કરમસીભાઈએ કર્ણાટકના મુધોળ ખાતે 1970માં સમીરવાડી નામથી ‘કર્ણાટક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍપ્લાઇડ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ’(K.I.A.A.R.)ની સ્થાપના કરી, જેનો મુખ્ય ઉદ્દેશ ઉત્તમ ગુણવત્તાવાળી ખાંડનું ઉત્પાદન કરવા ઉપરાંત ખાંડ તથા શેરડીના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી ટૅકનૉલૉજીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું હતું. તેમના આ સાહસને તત્કાલીન કર્ણાટક સરકારે સંપૂર્ણ ટેકો આપ્યો હતો. આ સાહસને પરિણામે શેરડીમાંના ખાંડના પ્રમાણમાં 10 %થી 13 % જેટલો વધારો તો થયો જ; પરંતુ સાથોસાથ શેરડીના ઉત્પાદન હેઠળની જમીનના વિસ્તારમાં પણ બે દાયકા (1972–1992) દરમિયાન છગણો વધારો નોંધાયો. આમ કરમસીભાઈએ ગોદાવરી નદીના કિનારે 1940માં જે બીજ રોપ્યું હતું તે કર્ણાટકના કૃષ્ણા અને ઘટપ્રભાના તટપ્રદેશમાં વટવૃક્ષમાં ફેરવાઈ ગયું હતું. ખાંડના સામાન્ય વ્યાપારથી જેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી તે કરમસીભાઈ હવે મોટા ગજાના ખાંડના કારખાનેદાર બની ગયા હતા.

તેમનાં ખેતરો અને કારખાનાંમાં કામ કરતા કામદારો પાસેથી તેમની બે અપેક્ષાઓ હતી : શિસ્ત અને ઇમાનદારીની, તો સામા પક્ષે કરમસીભાઈએ કામદારોના ન્યાયોચિત અધિકારોનું હરહંમેશ સંપૂર્ણ જતન કર્યું; એટલું જ નહિ, પરંતુ મુશ્કેલીઓના સમયમાં કરમસીભાઈ સક્રિય રીતે પોતાના કામદારો અને અન્ય કર્મચારીઓને પડખે રહેલા.

કરમસીભાઈની આકાંક્ષા ઉદ્યોગ-વ્યાપાર દ્વારા માત્ર ધન કમાવાની ન હતી; તેમણે તેમની સમાજ પ્રત્યેની જવાબદારીઓ અને ફરજો પણ નિષ્ઠાપૂર્વક અદા કરવી હતી. તેઓના દિલમાં દેશદાઝ હતી, મહાત્મા ગાંધીના તેઓ સાચા અનુયાયી હતા. તેઓ ખાદી પહેરતા અને સ્વાતંત્ર્ય-સેનાનીઓને મદદ તો કરતા જ, સાથે સાથે એમાંના કેટલાક ભૂગર્ભમાં ગયેલા કાર્યકરોને પોતાના નિવાસમાં આશ્રય પણ આપતા.

શિક્ષણક્ષેત્રમાં તેમની સવિશેષ રુચિ હોવાથી તેમણે તે માટે ‘સોમૈયા ટ્રસ્ટ’ની સ્થાપના કરી અને શરૂઆતમાં સાકરવાડી અને લક્ષ્મીવાડીમાં બે હાઈસ્કૂલોની સ્થાપના કરી તથા અહમદનગર જિલ્લાની 8થી 10 શૈક્ષણિક સંસ્થાઓની નાણાકીય જવાબદારી વહન કરી. કર્ણાટકની સમીરવાડી ખાતેની શિક્ષણસંસ્થા તથા પોતાના વતન કચ્છની કેટલીક શાળાઓને તેમણે મોટી રકમનું દાન આપ્યું. સપ્ટેમ્બર, 1959માં તેમણે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ‘સોમૈયા વિદ્યાવિહાર’ નામના મહત્વાકાંક્ષી શૈક્ષણિક સંકુલની શરૂઆત કરી. આ સંકુલમાં સ્થાપવામાં આવનાર શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર ઔપચારિક કે ચીલાચાલુ શિક્ષણ જ નહિ; પરંતુ વિદ્યાર્થીઓમાં પાયાનાં જીવન-મૂલ્યોનું સંવર્ધન થાય તેવા ધ્યેયો પર ભાર મૂકવાનું કરમસીભાઈનું સ્વપ્ન હતું. આ પ્રકલ્પ હેઠળ 1960માં વિનયન અને વિજ્ઞાન કૉલેજ, 1962માં ‘જુનિયર કૉલેજ ઑવ્ એજ્યુકેશન’ (ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ) અને ત્યાર બાદ ક્રમશ: પૉલિટૅકનિક; કૉમર્સ કૉલેજ; ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ; ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જર્નાલિઝમ ઍન્ડ માસ-કમ્યુનિકેશન; સોમૈયા કમ્પ્યૂટર સેન્ટર; કૉલેજ ઑવ્ એન્જિનિયરિંગ; સોમૈયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનિકલ ટ્રેનિંગ ઍન્ડ રિસર્ચ; ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ; કૉલેજ ઑવ્ કૉમ્પ્રિહેન્સિવ એજ્યુકેશન, ટ્રેનિંગ ઍન્ડ રિસર્ચ; મેડિકલ કૉલેજ અને સાથે એક હૉસ્પિટલ; ઇન્ડોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ; કલાભવન; જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી પૂરી પાડવા માટે ‘સુરુચિ’; ભારતીય સંસ્કૃતિ પીઠ અને ‘સૂરભારતી’ જેવી શિક્ષણસંસ્થાઓ ઉમેરવામાં આવી છે. ‘સૂરભારતી’માં સંસ્કૃત ભાષા અને સાહિત્યના અધ્યયન અને સંશોધન પર ભાર મૂકવામાં આવે છે. વર્ષ 2005 દરમિયાન ઘાટકોપરના સોમૈયા શૈક્ષણિક સંકુલમાં આશરે 25,000 વિદ્યાર્થીઓ અને આશરે 1,000 અધ્યાપકો અધ્યયન, સંશોધન અને અધ્યાપનપ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા.

આદિવાસી સમાજની સેવા કરવાના ઉદ્દેશથી કરમસીભાઈએ ‘ગિરિવનવાસી પ્રગતિ મંડળ’ નામની સંસ્થાની સ્થાપના કરી; જેની નિશ્રામાં વિવિધ પ્રકારની શૈક્ષણિક, સામાજિક, સ્વાસ્થ્ય, કૃષિ, પશુસંવર્ધન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે. મુંબઈની નજીક થાણે જિલ્લાના દહાણુ નજીક ‘નરેશવાડી’ નામથી એક આદિવાસી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં આદિવાસીઓ અને ગિરિજનો માટે વિવિધ પ્રકારની સેવાપ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

દેશનાં જુદાં જુદાં રાજ્યોના પછાત અને અંતરિયાળ વિસ્તારોમાં સોમૈયા ટ્રસ્ટની આર્થિક સહાય વડે નિ:શુલ્ક સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન પણ ભૂતકાળમાં કરવામાં આવતું, જેનો લાભ લેનારાઓની સંખ્યા આશરે અઢી લાખ જેટલી હતી.

વિશ્વ હિંદુ પરિષદના નેજા હેઠળ કરમસીભાઈએ પોતાનાં પત્ની અને પુત્રી સાથે થાઇલૅન્ડ તથા આસપાસના દેશોની મુલાકાત લીધી હતી.

વર્ષ 2000માં ભારત સરકારે કરમસીભાઈ સોમૈયાને ‘પદ્મવિભૂષણ’ના મરણોત્તર ખિતાબથી સન્માન્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે