સોમેશ્વર 1લો (શાસનકાળ : 1043–1068) : દખ્ખણમાં આવેલ કલ્યાણીના ચાલુક્ય વંશના રાજા જયસિંહ 2જાનો પુત્ર. તેણે ‘આહવમલ્લ’ (યુદ્ધમાં મહાન), ‘ત્રૈલોક્યમલ્લ’ તથા ‘રાજનારાયણ’ બિરુદો અપનાવ્યાં હતાં. તે ‘વીર માર્તંડ’ તરીકે પણ જાણીતો હતો. ગાદીએ આવ્યો કે તરત દક્ષિણ ભારતના ચોલ વંશના રાજા રાજાધિરાજે તેના પ્રદેશો ઉપર ચડાઈ કરી અને તેનાં ત્રણ સૈન્યોને એક પછી એક પરાજય આપ્યો. સોમેશ્વરે નાસી જવું પડ્યું. ચોલ રાજા પાટનગર કલ્યાણીમાં લૂંટ કરીને વિપુલ સંપત્તિ લઈ ગયો. ત્યાર બાદ તેણે બીજી બે ચડાઈઓ કરી. તેની છેલ્લી લડાઈ કૃષ્ણા નદી ઉપરહાલમાં કોલ્હાપુર પાસે આવેલા કોપ્પમમાં 1052માં થઈ. તેમાં ચોલ રાજા રાજાધિરાજ મરાયો. તેના ભાઈ રાજેન્દ્રદેવે ગભરાટમાં પડેલા લશ્કરને છાવણીમાં જુસ્સો ચડાવી, યાદગાર જીત મેળવી. એ લડાઈમાં ચાલુક્ય રાજા સોમેશ્વરનો ભાઈ તથા તેના કેટલાક સેનાપતિઓ મરણ પામ્યા. આ વખતે પણ સોમેશ્વરે નાસી જવું પડ્યું હતું.

સોમેશ્વરે યોગ્ય તક મળતાં, 1058માં ચોલ પ્રદેશો પર ચડાઈ કરી. કાંચી જીતી લીધા બાદ કોપ્પમની લડાઈ તે લડ્યો. બીજી વારની 1061ની ચડાઈમાં તેનો પરાજય થયો.

ચોલ વંશની ગાદી ઉપર વીર રાજેન્દ્ર આવ્યો. તેણે સોમેશ્વરને પાંચ કે તેનાથી વધુ વાર હરાવ્યાનો દાવો કર્યો છે. તેમાંની તેની વધારે જાણીતી લડાઈ કુડલ સંગમ પાસે થઈ. તેમાં ચાલુક્યોની સખત હાર થઈ. સોમેશ્વર તેના રાજકુમારો સહિત નાસી ગયો; પરન્તુ તેની રાણી તથા રાજ્યનો ખજાનો વીર રાજેન્દ્રે કબજે કર્યાં. સોમેશ્વરે તેનું વેર વાળવા 1063 અને 1067માં કરેલા પ્રયાસો નિષ્ફળ ગયા. તેના પુત્ર વિક્રમાદિત્યે 1067–68માં ચોલ પાટનગર ઉપર ચડાઈ કરી. જીત મેળવીને ત્યાં લૂંટ કરી.

ચોલ વંશના રાજાઓ સાથે લડાઈઓમાં વ્યસ્ત રહેવા છતાં સોમેશ્વર બીજા દુશ્મનો સામે પણ લડતો હતો. તેણે ઉત્તર કોંકણ જીત્યું તથા ગુજરાત ઉપર લૂંટ માટે ચડાઈ કરી. ગુજરાતમાં તેનો પ્રતિસ્પર્ધી ભીમદેવ પહેલો રાજ્ય કરતો હતો. સોમેશ્વરે માળવા ઉપર ચડાઈ કરી અને માન્ડુ, ઉજ્જૈન તથા ધારાનગરીમાં લૂંટ કરી. આ દરમિયાન પરમાર રાજા નાસી ગયો. સોમેશ્વર બુંદેલખંડના ચેદિપ્રદેશના કલચુરિ વંશના રાજા કર્ણ સામે પણ ઈ. સ. 1055માં લડ્યો અને તેને પરાજય આપ્યો. સોમેશ્વરના પરાક્રમી પુત્ર વિક્રમાદિત્યે પૂર્વ ભારતમાં આવેલા મિથિલા, મગધ, અંગ, વંગ, ગૌડ વગેરે પ્રદેશો ઉપર ચડાઈઓ કરીને જીતી લીધા. કામરૂપ(આસામ)ના રત્નપાલે ચાલુક્યોના લશ્કરને હરાવીને પાછું કાઢ્યું. આ રીતે ચાલુક્ય સૈન્ય ઉત્તર ભારતમાં અવ્યવસ્થા તથા ઊથલપાથલ સર્જી નીકળી ગયું. ચાલુક્ય લશ્કરના કેટલાક સરદારોએ પોતાના સૈનિકો સાથે બંગાળ અને તેની આસપાસના પ્રદેશોમાં વસવાટ કર્યો અને સમય જતાં તેમણે પોતાનાં સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યાં.

સોમેશ્વર 1લાના અમલ દરમિયાન ચાલુક્યો શક્તિશાળી થયા. તેમનો પ્રભાવ ઉત્તર ભારતમાં દૂર દૂરના પ્રદેશો સુધી ફેલાયો હતો. સોમેશ્વરને કોઈ અસાધ્ય રોગ લાગુ પડવાથી તેણે તુંગભદ્રા નદીમાં શિવભક્તિના મંત્રોનો પાઠ કરતાં કરતાં માર્ચ, 1068માં જળસમાધિ લીધી. સોમેશ્વર 1લો એક મહાન યોદ્ધો હતો. તેણે અનેક લડાઈઓમાં અપ્રતિમ વીરતા બતાવી હતી. તેણે નવી રાજધાની વસાવીને વર્તમાન કલ્યાણીને સમૃદ્ધ નગર બનાવ્યું.

સોમેશ્વર 2જો (શા. કા. 1068–1076) : ચાલુક્ય વંશના રાજા સોમેશ્વર 1લાનો પુત્ર. સોમેશ્વર 2જો 1068માં ગાદીએ બેઠો. તે પછી તેણે ‘ભુવનાયક-મલ્લ’નો ખિતાબ ધારણ કર્યો. તેનો ભાઈ વિક્રમાદિત્ય ચોલ વંશના રાજા વીર રાજેન્દ્રની કુંવરી સાથે પરણ્યો અને તેની સ્થિતિ મજબૂત કરી. વીર રાજેન્દ્રે તેના જમાઈ વિક્રમાદિત્યને ગાદીએ બેસાડવા, સોમેશ્વર 2જાના રાજ્ય પર ચડાઈ કરી. શરૂઆતમાં થોડા વિજયો મળ્યા પછી સોમેશ્વરે તેને હરાવ્યો. વિક્રમાદિત્ય તેને શરણે ગયો તથા સારા સંબંધો રાખવા માંડ્યા. ત્યાર બાદ સોમેશ્વરે ગુજરાતના ચાલુક્ય (સોલંકી) વંશના કર્ણદેવ સાથે જોડાણ કરીને માળવાના પરમાર વંશના રાજા જયસિંહ(ભોજનો વારસદાર)ને હરાવી માળવા જીત્યું. યુદ્ધમાં જયસિંહ મૃત્યુ પામ્યો. થોડા સમયમાં, ભોજના ભાઈ પરમાર ઉદયાદિત્યે શાકંભરીના ચાહમાન રાજા વિગ્રહરાજ 3જાના અશ્વદળની મદદથી માળવા પાછું મેળવ્યું. ‘વિક્રમાંકદેવચરિત’ તથા વિક્રમાદિત્ય 6ઠ્ઠાના અમલના શિલાલેખોમાં જણાવ્યા મુજબ સોમેશ્વર 2જો નીતિભ્રષ્ટ હતો અને તેની ફરજો પ્રત્યે બેદરકાર રહેવાથી પ્રજામાં અસંતોષ ફેલાયો અને તેની સત્તા ક્ષીણ થવા માંડી. તેથી તેના ભાઈ વિક્રમાદિત્ય 6ઠ્ઠાએ હોયસલ વંશના ઇરેયાંગ અને પાંડ્ય રાજાની મદદથી સોમેશ્વરને હરાવ્યો, કેદ પકડ્યો અને પોતે ગાદીએ બેઠો (1076).

સોમેશ્વર 3જો (શા. કા. 1126–1138) : ચાલુક્ય વંશના વિક્રમાદિત્ય 6ઠ્ઠાનો પુત્ર. તે ઈ. સ. 1126માં ચાલુક્ય વંશની ગાદીએ બેઠો. તેણે ‘ભૂલોકમલ્લ’ તથા ‘ત્રિભુવનમલ્લ’ના ઇલકાબો ધારણ કર્યા. તે એક પ્રતાપી અને મહત્વાકાંક્ષી શાસક હતો. હોયસલ વંશના રાજા વિષ્ણુવર્ધને તેના પ્રદેશો ઉપર ચડાઈ કરી. તેને શરૂમાં કેટલાક વિજયો મળ્યા. તે પછી સોમેશ્વરે તેને હરાવ્યો અને નસાડી મૂક્યો. આ સમયના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેણે આંધ્ર અને દ્રમિલ પ્રદેશો જીત્યા હતા.

સોમેશ્વર 3જો વ્યાપક જ્ઞાન ધરાવતો હોવાથી તેમને ‘સર્વજ્ઞ ભૂપ’ અથવા ‘સર્વજ્ઞ ચક્રવર્તી’ના ખિતાબો આપવામાં આવ્યા હતા. તેણે ‘માનસોલ્લાસ’ અથવા ‘અભિલાષતીર્થચિંતામણિ’ નામનો ગ્રંથ લખ્યો હતો. તેને તૈલ 3જો અને જગદેકમલ્લ 2જો  બે પુત્રો હતા. તેના પછી જગદેકમલ્લ 2જો ઈ. સ. 1138માં રાજા બન્યો.

સોમેશ્વર 4થો : ચાલુક્ય વંશના રાજા તૈલ 3જાનો પુત્ર. ચાલુક્યોના સામંત તરીકે દખ્ખણના કેટલાક પ્રદેશોમાં શાસન કરતા કલચુરી કુટુંબના બિજ્જલે ઈ. સ. 1156માં ચાલુક્ય રાજા તૈલ 3જાની ગાદી પચાવી પાડી. ઈ. સ. 1181માં તૈલ 3જાના પુત્ર સોમેશ્વર 4થાએ દખ્ખણના કેટલાક પ્રદેશો જીતીને ચાલુક્ય રાજ્ય ઊભું કર્યું. તેમાં તેના સેનાપતિ બ્રહ્માએ ઘણી મદદ કરી હતી. ઈ. સ. 1181–82માં તે ગાદીએ બેઠો અને તેણે ‘ત્રિભુવનમલ્લ’ બિરુદ અપનાવ્યું. તેણે કલચુરિ રાજાઓ આહવમલ્લ અને સિંઘણને હરાવીને તેના પૂર્વજોનું રાજ્ય પાછું મેળવ્યું. તેના રાજ્યમાં શિમોગા, ચિતલ દ્રુગ, બેલારી અને બીજાપુર જિલ્લાનો સમાવેશ થતો હતો. હાનુંગલ અને બનવાસીનો કામદેવરસ, દ્વારસમુદ્રનો હોયસલ બલ્લાલ 2જો તથા નોલંબવાડીનો વિજય પાંડ્ય તેના માંડલિકો (સામંતો) હતા. બેલારી અને શિમોગા જિલ્લા ઉપર તેનું સાર્વભૌમત્વ 1189 સુધી હતું. દખ્ખણના તેના પ્રદેશો યાદવ ભિલ્લમે આ અરસામાં પડાવી લીધા અને તેને હાંકી કાઢ્યો. ગોવાના કદમ્બ વંશના જયકેશી 3જાના આશ્રયે તેણે રહેવું પડ્યું. તે પછી તેની કોઈ માહિતી મળતી નથી.

સોમેશ્વર (હોયસલ) (. . 1234–1263) : મૈસૂરમાં ગંગવાડીના હોયસલ વંશના રાજા નરસિંહ 2જાનો પુત્ર. તેણે શ્રીરંગમથી આશરે 8 કિમી. દૂર કાનાનૂરમાં પાટનગર બાંધ્યું અને તેને વિક્રમપુર નામ આપ્યું. ત્યાંથી તેના શક્તિશાળી સામંતો સામે તે ચોલ રાજ્યને રક્ષણ આપતો હતો. તેણે પોતાના મોટા પુત્ર નરસિંહ 3જાને વહીવટ સોંપીને પોતાની સાથે નાના પુત્ર રામનાથને રાખ્યો. તેણે પાંડ્યો સામે સતત લડાઈઓ લડવી પડી. જટાવર્મન્ સુંદર પાંડ્યે તેની સામે કેટલાક વિજયો મેળવ્યાનો દાવો કર્યો છે. પાંડ્યો અને હોયસલો વચ્ચે વારંવાર ગંભીર લડાઈઓ થઈ હતી. સોમેશ્વરને યાદવ કુળના કૃષ્ણ સાથે પણ લડાઈ થઈ હતી અને તેણે પ્રદેશો ગુમાવ્યા હતા.

સોમેશ્વર 1લો (નાગ, છિંદક) (. . 1090–1110) : મધ્યપ્રદેશના બસ્તાર રાજ્યના, નાગ જાતિના છિંદક કુળનો રાજા. તે ધારાવર્ષ જગદેકમલ્લનો પુત્ર હતો. બસ્તારનું જૂનું નામ ચક્રકોટ અથવા ચક્રકૂટ હતું. સોમેશ્વરે, શિલાલેખમાં જણાવ્યા મુજબ વિંધ્યવાસિનીદેવીની કૃપાથી ચક્રકૂટનું રાજ્ય મેળવ્યું હતું. તેણે રાજા મધુરાન્તક(ચક્રકૂટનો રાજા)ની હત્યા કરીને રાજ્ય મેળવ્યું હતું. સોમેશ્વરે વેંગીનગર બાળ્યું, ભદ્રપટ્ટણ તથા વજ્ર પર સત્તા સ્થાપી અને દક્ષિણ કોશલનાં અનેક ગામો કબજે કર્યાં. તેની સત્તા હેઠળ દક્ષિણ કોશલનો ઘણો મોટો વિસ્તાર હતો.

સોમેશ્વર 2જો (ચૉડ કે ચોલ) : દખ્ખણમાં દક્ષિણ કોશલમાં 12મી સદીની પ્રથમ પચીસીમાં થયેલ તેલુગુ ચૉડ કે ચોલ કુળનો રાજા. તે કશ્યપ ગોત્રનો હતો. તેણે કુમારીસિંહ તથા પટણા મ્યુઝિયમના અભિલેખો બહાર પાડ્યા હતા. તે શિવ અને વિષ્ણુનો ભક્ત હતો. તે રક્ત ધ્વજ રાખતો અને ‘સિંહલાંછન’ ધરાવતો હતો. તેના ઉપર્યુક્ત અભિલેખો પાટનગર સુવર્ણપુરથી બહાર પાડ્યા હતા. 12મા સૈકાની શરૂઆતનાં વરસોમાં તેની જાહોજલાલી હતી.

સોમેશ્વર 3જો (ચૉડ કે ચોલ) : તેલુગુ ચૉડ કે ચોલ કુળના સોમેશ્વર 2જાનો પૌત્ર, ઈસવી 12મી સદીની મધ્યમાં થઈ ગયો. તેના વિશે વધુ માહિતી મળતી નથી.

સોમેશ્વર (કલચુરિ) (. . 1168–1177) : દખ્ખણમાં ચાલુક્યોના માંડલિક કલચુરિ કુળના બિજ્જલનો પુત્ર. બિજ્જલે તેના પુત્ર સોમેશ્વરની તરફેણમાં ગાદીત્યાગ કર્યો (ઈ. સ. 1168). બીજા એક ઈ. સ. 1165ના શિલાલેખમાં સોમેશ્વરને કુંતલનો રાજા જણાવ્યો છે. તેથી એમ કહી શકાય કે 1165થી તેના પિતા સાથે સરકારમાં સોમેશ્વર જોડાયેલો હતો.

સોમેશ્વર ‘સોમદેવ’ તથા ‘સોવિદેવ’ તરીકે પણ જાણીતો હતો. તેણે ‘રાય-મુરારી’નો ખિતાબ ધારણ કર્યો હતો. તેના શિલાલેખોમાં તેના રાજ્યાભિષેકનું વર્ષ 1168 જણાવ્યું છે. તેના રાજ્યમાં શિમોગા જિલ્લાનો સમાવેશ થતો હતો. કૃષ્ણા જિલ્લો પણ ઈ. સ. 1174માં તેની સત્તા હેઠળ હતો. તેણે ઈ. સ. 1172 પહેલાં ચોલ, ગુર્જર તથા લાટના પ્રદેશો જીત્યા હતા. તે સમયે ચોલ પ્રદેશનો રાજા રાજરાજ 2જો અને ગુર્જર તથા લાટનો રાજ્ય ચાલુક્ય (સોલંકી) વંશનો કુમારપાળ હતો. ઈ. સ. 1174ના થોડા સમય અગાઉ સોમેશ્વરે કલિંગ, કિમિર, તુરુષ્ક, ચેરા તથા સૌરાષ્ટ્રના પ્રદેશોમાં લૂંટ કરી હતી. પશ્ચિમ મૈસૂર અને કુર્ગના શાસક ચંગલવા રાજા મહાદેવને, સોમેશ્વરના સામંત (માંડલિક) કદમ્બ વંશના સોવિદેવે લડાઈમાં કેદ કર્યો હતો. સોમેશ્વરનો મંત્રી બયાલિક કેશીમય્યા બનવાસી, સિંદવાડી, તરદવાડી અને હાનુન્ગલનો કારભાર સંભાળતો હતો. સોમેશ્વરના શાસનની છેલ્લી તારીખ ઈ. સ. 1177 જાણવા મળે છે, જે તેના નાના ભાઈ અને વારસદાર સંકમના શાસનની શરૂઆતની તારીખ છે.

સોમેશ્વર (સોમવંશી) (12મી સદીનો પૂર્વાર્ધ) : પૂર્વ દખ્ખણમાં સુવર્ણપુર(સોનપુર)નો રાજા. આ રાજા સોમેશ્વર પોતાને ‘કુમાર’ અને ‘કુમારાધિરાજ’ કહેવડાવતો હતો. તેણે ‘પરમેશ્વર’ તથા ‘પરમભટ્ટારક’ જેવા ભવ્ય ખિતાબો ધારણ કર્યા હતા. તેને દક્ષિણ કોશલના પશ્ચિમ ભાગના કલચુરિઓએ હરાવ્યો હતો. સોનપુરની આસપાસના પ્રદેશો તેની સત્તા હેઠળ હતા.

સોમેશ્વર (ચાહમાન) (. . 1169–1177) : રાજસ્થાનમાં અજમેરની ઉત્તરે આવેલા શાકંભરીના ચાહમાન (ચૌહાણ) વંશનો રાજા. પૃથ્વીરાજ 2જાના અવસાન પછી એના કાકા સોમેશ્વર શાકંભરીના રાજા બન્યા. તે સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરી કાંચનદેવીથી અર્ણોરાજને થયેલો પુત્ર હતો. અર્ણોરાજના અવસાન પછી એની રાણી સુધવાના પુત્રો તથા પૌત્રોએ શાકંભરીની ગાદી પચાવી પાડી હતી. એટલે સોમેશ્વરને રાજગાદી મળવામાં વિલંબ થયો. સોમેશ્વરનો ઉછેર અણહિલવાડ પાટણમાં સિદ્ધરાજ જયસિંહ પાસે થયો હતો. કોંકણના મલ્લિકાર્જુન સામેના કુમારપાળના યુદ્ધમાં એ કુમારપાળની સાથે રહીને લડ્યો હતો. એ ગુજરાતમાં હતો ત્યારે જ એનાં લગ્ન કલચુરિની રાજકુંવરી કર્પૂરદેવી સાથે થયા હતા, જેનાથી એને પૃથ્વીરાજ (3જો) અને હરિરાજ નામના પુત્રો થયા હતા. પૃથ્વીરાજ 2જાના અવસાન પછી શાકંભરીના મંત્રીમંડળના આમંત્રણથી સોમેશ્વર એની પત્ની અને પુત્રો સાથે ત્યાં ગયો અને રાજા બન્યો. એ સમયે શાકંભરીનો પ્રદેશ સપાદલક્ષ (સવા લાખ ગામોના સમૂહ) તરીકે ઓળખાતો હતો. એનું રાજ્ય ઉદેપુર પાસેના બિજોલી સુધી વિસ્તાર પામ્યું. 1177માં એના અવસાન પછી એનો પુત્ર પૃથ્વીરાજ 3જો શાકંભરીની ગાદીએ આવ્યો, જે ભારતના ઇતિહાસમાં પ્રતાપી રાજા પૃથ્વીરાજ ચૌહાણ તરીકે પ્રસિદ્ધ થયો. સોમેશ્વરના અવસાન સમયે પૃથ્વીરાજ 3જો સગીર વયનો હતો; તેથી એક વર્ષ માટે પૃથ્વીરાજની માતા કર્પૂરદેવીએ એના વતી રાજવહીવટ ચલાવ્યો હતો.

સોમેશ્વર (12મી સદીનો ઉત્તરાર્ધ) : ભારતના ઇતિહાસમાં પ્રસિદ્ધ પૃથ્વીરાજ 3જો ચૌહાણ(ઈ. સ. 1178–1192)નો મંત્રી. પૃથ્વીરાજ તેના દુશ્મન મુસલમાનો સામે આગળ વધી રહ્યો હતો, ત્યારે તેના મંત્રી સોમેશ્વરે તેને આગળ ન વધવા સમજાવવાનો પ્રયાસ કર્યો. પૃથ્વીરાજને તેના ઉપર રાજદ્રોહનો વહેમ આવ્યો. તેથી તેના કાન કાપી નાખીને તેને બરતરફ કર્યો. મંત્રી સોમેશ્વર પૃથ્વીરાજનો કટ્ટર દુશ્મન બન્યો અને મુસ્લિમો સાથે જોડાયો. તરાઈની લડાઈમાં (ઈ. સ. 1192) પૃથ્વીરાજ હાર્યો. ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા મુજબ મંત્રી સોમેશ્વર મુસ્લિમોને પૃથ્વીરાજની છાવણી સુધી દોરી ગયો અને પૃથ્વીરાજને કેદ કરવામાં આવ્યો.

આ ઉપરાંત રજપૂતાનામાં પરમારોના ગૌણ વંશમાં ભિન્નમાલમાં ઉદયરાજનો પુત્ર સોમેશ્વર (ઈ. સ. 1140, 1161) રાજા થયો હતો તથા દક્ષિણ ભારતમાં કોંકણ પ્રદેશમાં શિલહારા વંશમાં 13મા સૈકામાં સોમેશ્વર નામે રાજા થઈ ગયો.

મુગટલાલ પોપટલાલ બાવીસી

જયકુમાર ર. શુક્લ