સેમ્નાઇટ યુદ્ધો : રોમનો અને સેમ્નાઇટો વચ્ચે થયેલાં ત્રણ યુદ્ધો.

સેમ્નાઇટ નામની લડાયક જાતિના લોકો દક્ષિણ ઇટાલીના પર્વતીય પ્રદેશમાં રહેતા હતા. એ લોકો ઓસ્કન ભાષા બોલતા હતા. સેમ્નાઇટ લોકો હિરપીમ, કૉડિની, કેરેસન્ટ અને પેન્ટ્રી નામના ચાર પ્રાદેશિક વિભાગોમાં રહેતા હતા. આ વિભાગોની સંયુક્ત ધારાસભા ન હતી; પરંતુ યુદ્ધસમયે તેઓ એમનો સંયુક્ત લશ્કરી સેનાપતિ પસંદ કરીને એની નેતાગીરી નીચે લડતા હતા. ઈ. પૂ. 354માં ગૉલ લોકોના આક્રમણ સામે તેઓ રોમન લોકો સાથે જોડાયા હતા, પરંતુ એ પછી રોમનો અને સેમ્નાઇટો વચ્ચે થોડા થોડા સમયને અંતરે ત્રણ યુદ્ધો થયાં, જે ‘સેમ્નાઇટ યુદ્ધો’ તરીકે ઓળખાય છે.

એમાંનું પ્રથમ યુદ્ધ ઈ. પૂ. 343થી 341 દરમિયાન થયું; બીજું ઈ. પૂ. 316થી 304 સુધી ચાલ્યું અને ત્રીજું છેલ્લું યુદ્ધ ઈ. પૂ. 298થી 290ના સમયગાળામાં લડાયું. આ યુદ્ધોમાં શરૂઆતમાં સેમ્નાઇટ લોકોનો વિજય થયો; પરંતુ અંતે રોમનોને સ્પષ્ટ વિજય મળ્યો અને સેમ્નાઇટ લોકોને પરાજય સાથે મોટી ખુવારી સહન કરવી પડી.

આ વિનાશક યુદ્ધોને લીધે સેમ્નાઇટોની વસ્તીમાં ઘણો ઘટાડો થયો. છતાં એમણે પીરહસ અને હેનિબાલને રોમનો સામેની લડાઈમાં મદદ કરી. ઈ. પૂ. 90માં શરૂ થયેલા સામાજિક વિગ્રહ(social war)માં તેઓ લડ્યા. રોમના શક્તિશાળી નેતા લુસિયસ કૉર્નેલિયસ સુલ્લા સામેના આંતરવિગ્રહમાં પણ એમણે ભાગ લીધો હતો. અંતે સુલ્લાએ ઈ. પૂ. 82માં રોમના કોલીન દરવાજા પાસેના યુદ્ધમાં તેમનો સખત પરાજય કરીને તેમને કચડી નાખ્યા. એ પછી મોટાભાગના સેમ્નાઇટોએ રોમનોની ભાષા અને રીતરિવાજો અપનાવી લીધા.

આમ, સેમ્નાઇટ યુદ્ધો પ્રાચીન રોમનો અને સેમ્નાઇટ જાતિના લોકો વચ્ચે લડાયાં, જેને અંતે સેમ્નાઇટોએ મોટો વિનાશ વહોરી રોમનોની સત્તા અને સંસ્કૃતિનો સ્વીકાર કર્યો હતો. સેમ્નાઇટોની ભાષાનો સૌથી લાંબો અને મહત્વનો ‘ટેબ્યુલા ઍગ્નોનેન્સિસ’ નામનો અભિલેખ કાંસાના પતરા ઉપર ઓસ્કન મૂળાક્ષરોમાં કોતરાયેલો છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી