સેમ્પલ, ઍૅલન ચર્ચિલ (. 8 જાન્યુઆરી 1863, લુઇસવીલે; . 8 મે 1932, પામ બીચ, ફ્લૉરિડા, યુ.એસ.) : તેઓ નૃવંશશાસ્ત્રનાં જાણીતાં વિદુષી છે. તેઓ મોટેભાગે કુમારી સેમ્પલ તરીકે વધુ જાણીતાં છે. તેઓ સંસ્કારી કુટુંબમાં જન્મ્યાં હતાં. તેઓ ન્યૂયૉર્કની વસાર (Vassar) કૉલેજમાંથી સ્નાતક (1882) થયેલાં, ત્યાર પછી તેમણે 1891માં અનુસ્નાતકની પદવી પણ મેળવી હતી. વધુ અભ્યાસ અર્થે તેઓ 1891-92 અને 1895માં જર્મની ગયાં હતાં. જર્મનીમાં નૃવંશશાસ્ત્રનો અભ્યાસ કરીને તેઓ યુ.એસ. પાછાં આવ્યાં. તેઓ વિશેષે કરીને રેટઝેલની વિચારસરણીથી પ્રભાવિત થયેલાં. રેટઝેલના વિચારોને લક્ષમાં રાખીને તેમણે ‘માનવી અને પર્યાવરણ’ની વિચારધારા રજૂ કરી. પોતાની વિચારધારાના સંદર્ભમાં તેમણે જાપાન, ચીન, ફિલિપાઇન્સ, જાવા, ભારત અને યુરોપના ઘણા દેશોની મુલાકાત લીધી હતી.

કુમારી સેમ્પલે ભૌગોલિક પરિબળો અને અસરોના સંદર્ભમાં ઘણાં પ્રવચનો આપેલાં. તેઓ નવનિશ્ર્ચયવાદનાં મુખ્ય હિમાયતી હતાં. તેમના મંતવ્ય મુજબ, માનવી પ્લાસ્ટિક સમાન છે; માનવીને કુદરતી પરિસ્થિતિમાં જેમ ઢાળવો હોય તેમ ઢાળી શકાય છે.

તેમણે ‘American History and its Geographic Conditions – 1903’, ‘Influences of Geographic Environment – 1911’ જેવાં પુસ્તકો પ્રગટ કર્યાં હતાં; જેમાં તેમણે રેટઝેલના નૃવંશશાસ્ત્રના વિચારોને લક્ષમાં રાખ્યા હતા.

વિવિધ યુનિવર્સિટીઓમાં તેમણે અધ્યાપનકાર્ય પણ કરેલું. તેમાં ઑક્સફર્ડ, શિકાગો, કોલંબિયા, કૉલોરાડો, વેલેસન તેમજ ક્લાર્ક યુનિવર્સિટીઓ મુખ્ય હતી. તદુપરાંત લંડનની રૉયલ જ્યૉગ્રાફિક સોસાયટીમાં તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં 1912માં તેમણે પ્રવચનો આપેલાં. 1923થી 1932 સુધી ક્લાર્ક યુનિવર્સિટીમાં તેમણે નૃવંશશાસ્ત્રનાં પ્રાધ્યાપિકા તરીકે સેવા આપેલી.

તેમણે પોતાના પુસ્તકમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે વિવિધ પરિબળોને કારણે માનવીની રહેણીકરણી પણ બદલાતી રહે છે. આ વિચાર પ્રકૃતિ-પ્રભાવવાદ તરીકે જાણીતો છે. રેટઝેલની જેમ તેમણે લોકોની જીવનશૈલી પર થતી પ્રાકૃતિક માહોલની અસરનું મહત્વ રજૂ કર્યું છે. ટૂંકમાં, તેમણે માનવોનો (1) પ્રાદેશિક ભૂમિકા અને (2) મુસાફરીનો અનુભવ અથવા દરિયાપારના વેપારનો અનુભવ – આ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરેલો.

તેમણે તેમના જીવનના છેલ્લા તબક્કામાં ભૂમધ્ય સમુદ્રની આજુબાજુના પ્રદેશો પર પુસ્તક લખેલું. પોતાનાં વૈજ્ઞાનિક સંશોધનો ઉપરાંત સેમ્પલે એક ઉમદા, ઉત્સાહી અને ઊંડી સમજવાળાં પ્રાધ્યાપિકા તરીકે જીવન વિતાવેલું. તેમના માર્ગદર્શન હેઠળ ઘણા ભૂગોળવેત્તાઓ તૈયાર થયા હતા.

રીના રૉય ચૌધરી

અનુ. નીતિન કોઠારી