સેમુરાઈ : સામંતશાહી યુગના જાપાનની એક લડાયક જાતિ. તેઓ ‘સૂમો’ નામની કુશ્તી, ‘જૂડો’ નામનો ખેલ અને ‘કેન્દો’ નામક કૂદ તેમજ તિરંદાજીના નિષ્ણાત હતા. તેમના જીવનની એ ઓળખ હતી. તેઓ યુદ્ધ માટે સતત તત્પર રહેતા. તેઓ વફાદારી, વીરતા, સાદાઈ અને સખત મહેનતને જરૂરી ગુણ સમજતા હતા.

આ યુદ્ધોમાં તલવાર તેમના શરીરના આત્મા સમાન હતી. સેમુરાઈ અને તેમની તલવાર સમગ્ર પૂર્વ એશિયામાં મશહૂર થઈ.

મૃત્યુથી તેઓ ડરતા નહિ. યુદ્ધના મેદાનમાં સન્માનપૂર્વક વીરગતિ પામવાને ગૌરવ ગણતા. જો યુદ્ધકેદી તરીકે પકડાય કે હાર નક્કી દેખાય ત્યારે તેઓ આપઘાત કરતા. ‘હારાકીરી’ (સમગ્ર પેટને જાતે ચીરતા) કરતા.

આવા આત્મબલિદાનને તેઓ પોતાનો પરમ ધર્મ સમજતા. તેમની આ પ્રકારની આચારસંહિતા ‘બુશીદો’ તરીકે ઓળખાતી. બૌદ્ધ ધર્મના કઠોર આત્મસંયમે આ પ્રથાને ઉત્તેજન આપ્યું. ધીમે ધીમે આ સેમુરાઈઓમાંથી કેટલાક ઘણા શક્તિશાળી થઈ ગયા. જે ‘દૈમિયો’ (Daimyos) તરીકે ઓળખાયા.

આમ ‘દૈમિયો’ સેમુરાઈ વર્ગ જાપાની સમાજનો મૂર્ધન્ય વર્ગ બન્યો. તેમને એક નાની અને એક મોટી એમ બે તલવારો રાખવાનો અધિકાર હતો. સમાજના સેમુરાઈ સિવાયના વર્ગોને આ રીતે તલવાર ધારણ કરવાનો અધિકાર નહોતો.

સેમુરાઈઓ ‘કીરીસૂતે’નો વિશેષાધિકાર ધરાવતા હતા. આ હક્કની રૂએ જો સમાજનો સામાન્ય સભ્ય તેમના પ્રત્યે યોગ્ય આદર-સન્માન વ્યક્ત ન કરે તો તેને તેઓ મારી નાખતા. આ ક્રૂર પ્રથાનો વિશેષ ભોગ ખેડૂતો જ બનતા હતા. તેઓ પોતાના નેતા સિવાય કોઈનો હુકમ માનતા નહિ. પોતાના નેતાના તેઓ આંધળા અનુયાયી રહેતા.

તેમાંના કેટલાક ઉમરાવપદ પણ ધરાવતા હતા. ઉમરાવોમાં મૂળ જાપાની ‘ક્યોતો’ કહેવાતા જ્યારે ચીની મૂળના ‘કુ-જ’ તરીકે ઓળખાતા. તેમનામાંથી વિદ્વાન, સાક્ષર અને સામંતશાહી લશ્કરના સેનાપતિ બનતા. આવા સેમુરાઈઓને ‘બુશી’ કે ‘બુકી’ તરીકે ઓળખવામાં આવતા.

જાપાનમાં નાનાં રાજ્યોની શક્તિમાં વધારો થતાં છેક નવમી સદીથી સેમુરાઈઓનો ઉદય થયો. જાપાનની આ સામંતશાહી વ્યવસ્થામાં ‘સેમુરાઈ’ શબ્દ સામંતોના વ્યક્તિગત વફાદાર સેવકો માટે પ્રયોજાતો થયો. પોતાના આદર્શોને કારણે તેઓ જાપાનની રાજકીય અને સામાજિક વ્યવસ્થાના સ્તંભ જેવા બની રહ્યા.

સમગ્ર બારમી સદી દરમિયાન સેમુરાઈઓમાં ‘તાઈરા’ અને ‘મીનામોતો’ પરિવારો પરસ્પર લડતા રહ્યા. ઈ. સ. 1192માં તેઓ સર્વસત્તાધીશ બન્યા. મીનામોતો યોરીતોરોને સમ્રાટે ‘શોગુન’(સેનાપતિ)નું બિરુદ આપ્યું. તેણે બાકૂકૂને કેન્દ્ર બનાવી વિભિન્ન સમિતિઓ દ્વારા શાસન પોતાના હાથમાં લીધું; જેમાં સેમુરાઈ દોકોરો નામની સમિતિ સેમુરાઈ અને મોટા સામંતોની કામગીરી, વેતન અને સજા જેવા વિષયો સંભાળતી.

જાપાનમાં સેમુરાઈ શોગુનોની સત્તા લગભગ આઠ સદી સુધી રહી.

સેમુરાઈઓના જુદા જુદા વર્ગોએ ચડતીપડતી જોઈ. તાઈરા અને મીનામોતો પછી અનુક્રમે હોજો અને આશીકાગા પરિવારોનો ઉદય થયો. સત્તરમી સદીના પ્રારંભે તેઓ નિર્બળ થતાં નીચલા વર્ગના સેમુરાઈઓની તાકાત વધી. સોળમી સદીમાં પાશ્ર્ચાત્ય જગત સાથે સંપર્ક થતાં જાપાનની સેમુરાઈ આધારિત સામંતશાહી લથડવા લાગી.

દૈમિયો સેમુરાઈઓએ પોર્ટુગીઝો પાસેથી 1543માં અગનગોળો, તોપો અને બંદૂકો ખરીદી અને દારૂગોળો બનાવવાનું શીખ્યા. આને કારણે તેઓ પોતાની સ્વતંત્રતા જાળવી શક્યા.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ઉમરાવો પ્રબળ હતા. 1868માં તેમની રિયાસતોની સંખ્યા 266 હતી અને સેમુરાઈ યોદ્ધાઓ વીસ લાખ હતા, જે સંખ્યા જાપાનની વસ્તીનો સોળમો ભાગ હતી. તેમને રિયાસતોની સેવા બદલ જમીનો મળતી અને ત્યારબાદ ભથ્થાં અપાવાં શરૂ થયાં.

અઢારમી અને ઓગણીસમી સદીની કુદરતી આફતોએ સેમુરાઈઓની આર્થિક સ્થિતિ બગાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. સેમુરાઈ સામંતો આર્થિક રીતે બેહાલ થતાં તેઓએ પોતાના સેમુરાઈ સૈનિકોનાં ભથ્થાં પર કાપ મૂક્યો. ઓગણીસમી સદીના એક લેખકના નોંધ્યા મુજબ હવે સેમુરાઈ સૈનિકો પોતાના સ્વામીને જ દુશ્મન સમજવા માંડ્યા. ચોશુ નામના રાજ્યમાં તેમણે પોતાનું મુખ્ય મથક સ્થાપ્યું.

કેટલાક સેમુરાઈઓએ વેપારમાં ઝંપલાવ્યું, જ્યારે કેટલાકે મોચીનો વ્યવસાય અપનાવ્યો. સામાન્ય રીતે તેમણે મોટા પુત્રને વારસો આપવાને બદલે ધનિક વેપારીઓના પુત્રોને દત્તક લેવા માંડ્યા તેમજ તેમની સાથે લગ્નસંબંધથી જોડાતા થયા. ઓગણીસમી સદીના પ્રારંભે જાપાનના પ્રખ્યાત 250 વેપારી કુટુંબોમાંથી 20 % કુટુંબો તો સેમુરાઈ મૂળનાં જ હતાં. આ બાજુ વેપારી વર્ગ સંપન્ન થયો અને નાણાંના બળે તથા લગ્નસંબંધથી તેણે સેમુરાઈ વર્ગમાં પ્રવેશ મેળવ્યો. સમાજમાં ધીમે ધીમે સેમુરાઈ અને સામાન્ય પ્રજા વચ્ચેનું અંતર ઘટવા માંડ્યું.

સેમુરાઈ વ્યવસ્થા વિરુદ્ધ વિદ્રોહની આગેવાની ચોશુ રાજ્યે લીધી. ત્યાં ક્રાંતિકારી લશ્કરી સુધારા કરીને તમામ જાતિઓના બનેલા લશ્કરની રચના કરાઈ. આ વ્યવસ્થા સેમુરાઈઓના એકાધિકારને પડકારરૂપ હતી, તેથી શોગુને તેની વિરુદ્ધ દોઢ લાખનું સેમુરાઈ યોદ્ધાઓનું લશ્કર મોકલીને ચોશુને કરારી હાર આપી. સંધિ મુજબ સર્વજાતોના લશ્કરને વિખેરવાનું હતું; પરંતુ એના સૈનિકોએ વિખેરાવાનો ઇનકાર કર્યો અને તેમને ક્રાંતિ કરવામાં સફળતા મળી. છેવટે આ સંઘર્ષમાં તેઓ વિજયી થયા. શાહી મહેલનો કબજો લઈને રાજાશાહીના પુનરુદ્ધારની જાહેરાત કરતાં સમ્રાટે ‘મેઇજી’ (શાનદાર) નામ ધારણ કરી જાપાનમાં નવા પ્રગતિશીલ યુગનું મંડાણ કર્યું.

નવા લશ્કરી સુધારા અનુસાર સેમુરાઈઓના મહત્વના પ્રતીક તલવાર રાખવા પર ઈ. સ. 1876ના કાયદા દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. ત્યારબાદ સેમુરાઈઓનાં ભથ્થાં ઓછાં કરાયાં. પરિણામે તેમની આર્થિક સ્થિતિ ઘણી જ બગડી ગઈ.

સેમુરાઈઓના સહકારથી જાપાનમાં 200 કરતાં વધુ વિદ્રોહો થયા.

આમ સેમુરાઈઓના પ્રભુત્વનો અને હિંસક વિદ્રોહોનો અંત આવ્યો. કેટલાક સેમુરાઈઓએ વિદ્રોહ કરવાના આશયથી રાજકીય પક્ષો પણ સ્થાપ્યા હતા. આવો વર્ગ તોસા પ્રાંતમાં મજબૂત હતો. ત્યાં તેમનો નેતા ઇતાગકી તૈમુકે હતો.

નવી વ્યવસ્થામાં પોતાની સ્થિતિ જાળવી રાખવા સેમુરાઈઓ સંઘર્ષ કરતા હતા. હવે સેમુરાઈ પ્રકારના યોદ્ધાની જરૂર નહોતી. રાજ્ય જ લડતું હતું. આ જાતિના એક નેતા સર-ચો-હી-ટોએ સર્વપ્રથમ પોતાની વિશાળ જાગીર તાજને અર્પણ કરી. તેથી બીજા પણ તેને અનુસર્યા. આમ અડધા સેમુરાઈઓ ‘કૉમન મૅન’ બની ગયા.

કેટલાક સેમુરાઈઓ બૅન્કિંગ, વહાણવટું અને નિકાસ-વેપારમાં જોડાયા. બીજા કારકુન અને શિક્ષક થયા. કેટલાક પોલીસ અધિકારી બન્યા તથા નવી લશ્કરી વ્યવસ્થામાં જોડાયા. અંતે સેમુરાઈ અને કન્ફ્યુશિયન શિક્ષણપદ્ધતિએ જાપાનના અર્વાચીન રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ કર્યું.

ઈશ્વરલાલ ઓઝા