સેમિટિક પ્રજા : અરેબિક અથવા હિબ્રૂ જેવી સેમિટિક ભાષા બોલતા લોકો. તેઓ મુખ્યત્વે ઈથિયોપિયા, ઇરાક, ઇઝરાયલ, જૉર્ડન, લૅબેનોન, સીરિયા, આરબ દ્વીપકલ્પ અને ઉત્તર આફ્રિકામાં રહે છે. પ્રાચીન એસિરિયન, બૅબિલોનિયન, કેનેનાઇટ ઇબ્લેઇટ, હિબ્રૂ અને ફિનિશિયનો પણ સેમાઇટ હતા.

સેમિટિક લોકોએ જગતને મૂળાક્ષરો અને એકેશ્વરનો વિચાર આપ્યો. યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ – આ ત્રણ મહાન ધર્મો સેમિટિક લોકો પાસેથી મળ્યા. સેમિટિક લોકોના મૂળ(ઉત્પત્તિ)ની માહિતી મળતી નથી, પરંતુ કેટલાક નૃવંશશાસ્ત્રીઓ માને છે કે આ લોકો અરબસ્તાનના દ્વીપકલ્પમાં રહેતી ભટકતી (રખડુ) જાતિના હશે. આશરે ઈ. પૂ. 3000માં પ્રાચીન સેમાઇટો મેસોપોટેમિયાના નીચાણના પ્રદેશોમાં (હાલના અગ્નિ ઇરાકમાં) ગયા. ત્યાં સુમેરિયન સંસ્કૃતિનો વિકાસ થયો.

મેસોપોટેમિયાના અક્કડ નામના શહેરમાં ઈ. પૂ. 2300માં પ્રથમ સેમિટિક સામ્રાજ્ય સારગોન નામના સેમિટિક શાસકે સ્થાપ્યું હતું. સારગોનના શાસન હેઠળ, સમગ્ર મેસોપોટેમિયા(હાલના ઇરાક)માં સેમિટિક અને સુમેરિયન સંસ્કૃતિ ફેલાઈ હતી. લગભગ તે સમયે, સીરિયામાં સેમિટક રાજવંશો અને રાજ્યો ઉદભવ્યાં હતાં.

 આશરે 3000 વર્ષ અગાઉ, સેમિટિક લોકોએ આફ્રિકાના પ્રદેશો, સિસિલી તથા સ્પેનમાં તેમની વસાહતો સ્થાપી હતી. પાછળથી તે પ્રદેશોમાં ગયેલ બિન-સેમિટિક લોકોએ સેમિટિક સંસ્કૃતિ અપનાવી લીધી હતી. જગતની સૌથી જૂની ભાષાઓમાં સેમિટિક ભાષાઓનો સમાવેશ થાય છે. તેના ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે : (1) ઈશાન સેમિટિક (એકેડિયન); (2) વાયવ્ય સેમિટિક (હિબ્રૂ, એરેમેક ઇબ્લેઇટ); અને મધ્ય તથા દક્ષિણ સેમિટિક (અરેબિક, દક્ષિણ અરેબિયન, ઈથિયોપિક). હાલમાં બોલાતી મુખ્ય સેમિટિક ભાષાઓ એમ્હેરિક, અરબી, હિબ્રૂ અને ટાયગર ભાષાઓ છે.

ઈશ્વરલાલ ઓઝા