સેમિટિક ભાષાકુળ અને તેની ભાષાઓ : ભાષાઓના આનુવંશિક વર્ગીકરણમાં પ્રાચીનતાની દૃષ્ટિએ ભારોપીય ભાષાકુળ જેટલું જ મહત્વનું ભાષાકુળ. મહદંશે આફ્રિકા અને એશિયાના આરબ દેશોમાં આ કુળની ભાષાઓ પ્રચલિત છે. તેથી તેને આફ્રો-એશિયન ભાષાકુળ પણ કહેવાય છે. આફ્રિકાની બીજી ભાષાઓ જે હેમિટિક ભાષાઓ તરીકે ઓળખાય છે તેમનું આ ભાષાઓ સાથે વિશેષ મળતાપણું હોવાથી હેમિટો-સેમિટિક અથવા હેમિટિક-સેમિટિક ભાષાકુળ તરીકે પણ આ ભાષાકુળ જાણીતું છે. 300થી વધુ ભાષાઓ અને 25 કરોડથી વધુ ભાષકો ધરાવતું આ વિશાળ ભાષાકુળ છે.

આ ભાષાકુળના મુખ્યત્વે 3 વિભાગ પાડી શકાય : પૂર્વની સેમિટિક ભાષાઓ, પશ્ચિમની સેમિટિક ભાષાઓ અને દક્ષિણની સેમિટિક ભાષાઓ. પૂર્વની ભાષાઓમાં મેસોપોટેમિયાની અને ઉત્તર-પશ્ચિમી ભાષાઓમાં લૅબેનોન અને સીરિયાની તથા દક્ષિણ-પશ્ચિમી ભાષાઓમાં આરબ દેશો અને ઈથિયોપિયાની ભાષાઓનો સમાવેશ કરી શકાય.

મૂળ ‘સેમાઇટ’ નામની પ્રાચીન જાતિની ભાષા પરથી આ કુળનું નામ ‘સેમિટિક ભાષાકુળ’ પડ્યું છે. એક માન્યતા પ્રમાણે ‘સેમિટિક’ એવું નામ બાઇબલમાંના નોઆહ(Noah)ના પુત્ર શેમ (Shem) પરથી આવ્યું છે.

ખૂબ લાંબો ઇતિહાસ ધરાવતા આ ભાષાકુળની ભાષાઓ સાઉદી અરેબિયા સહિત સમગ્ર નૈર્ઋત્ય એશિયામાં અને ઉત્તર આફ્રિકામાં બોલાય છે. ઇરાક, સીરિયા, જૉર્ડન વગેરેમાં આ કુળની ભાષાઓ બોલાય છે. બૅબિલોનિયા, ઍસિરિયા અને ફિનિશિયાની પ્રાચીન ભાષાઓ આ ભાષાકુળની હતી. આ કુળની અન્ય પ્રાચીન ભાષાઓમાં (જે આજે મૃતપ્રાય ગણાય છે તેમાં) અક્કાડિયન, એમોરાઇટ, મોઆબાઇટ અને ફિનિશિયનને ગણી શકાય. આ બધી જ ભાષાઓ એક સમયે મધ્ય પૂર્વમાં બોલાતી હતી. આ બધી જ પ્રાચીન ભાષાઓ ઈ. પૂ. આઠમા સૈકામાં વિકસી હતી. અક્કાડિયન ભાષામાં વિશાળ સાહિત્ય કિલાકાર લિપિમાં રચાયેલું હતું. બૅબિલોનિયન ભાષામાં માટીની તકતી પર કિલાકાર લિપિમાં લખાયેલ લખાણો ઈ. પૂ. 2800 સુધીનાં મળે છે. આ ઉપરાંત યહૂદીઓની હિબ્રૂ ભાષાનું પ્રાચીન સ્વરૂપ લેખિત સ્વરૂપે જળવાયેલું છે, જેનું અર્વાચીન સ્વરૂપ ઇઝરાયલમાં લેખિત અને ઉચ્ચરિત બંને સ્વરૂપે લાખો લોકો દ્વારા વપરાશમાં છે. ઈસુ ખ્રિસ્તની જૂની અરામી ભાષાની બોલીઓ આજે પણ નાનાં જૂથોમાં બોલાતી જોવા મળે છે. જગતની ભાષાઓમાં આ કુળની ભાષાઓને સૌથી પ્રાચીન લેખિત સ્વરૂપ હોવાનું શ્રેય મળે છે.

આજે સૌથી વધુ બોલાતી સેમિટિક ભાષા તરીકે અરબીને (20 કરોડથી વધુ ભાષકો) નિર્દેશી શકાય. એ પછી અમ્હેરિક (2.7 કરોડ ભાષકો), હિબ્રૂ (50 લાખ ભાષકો) અને ટાઇગ્રિનિયા(45 લાખ ભાષકો)નો નિર્દેશ કરી શકાય.

આ કુળની મુખ્ય ભાષા અરબી એશિયાના સાઉદી અરેબિયાથી શરૂ કરી આફ્રિકાના ઇજિપ્ત, અલ્જિરિયા અને મોરૉક્કો સુધી સત્તાવાર ભાષા તરીકે અપનાવાઈ છે. તે શિષ્ટ અને તળપદા એમ બંને સ્વરૂપમાં મળે છે. શિષ્ટ અરબી ઇસ્લામ ધર્મની પવિત્ર ભાષા છે અને તે બોલતા દેશોમાં તે Lingua-Franca તરીકે વપરાય છે. તળપદી અરબી અનેક આધુનિક ભાષાઓ દ્વારા અસ્તિત્વમાં છે; જેમાં અલ્જેરિયન, મોરૉક્કન, ઇજિપ્શિયન, સીરિયન, ઇરાકી અને આરબદેશોની અનેક બોલીઓનો સમાવેશ કરી શકાય. માલ્ટામાં બોલાતી માલ્ટીઝ ભાષા પણ અરબી ભાષામાંથી ઊતરી આવી છે. પરંતુ તેણે લખાણ માટે રોમન લિપિને અપનાવી છે.

આ કુળની બીજી ભાષાઓ હેમિટિક ભાષાઓ તરીકે ઓળખાય છે; તેમાં પ્રાચીન ઇજિપ્શિયન, બર્બર, કુશ અને ચાદ ભાષાઓનો સમાવેશ થાય છે. આ ચારેય ભાષાઓને એકબીજા કરતાં સેમિટિક ભાષાઓ સાથે વધુ મળતાપણું છે.

સેમિટિક ભાષાઓની પુનર્રચના કરતાં, તેમના પ્રાક્-સેમિટિક વ્યાકરણ પર નજર કરતાં જણાય છે કે તેનો શબ્દક્રમ VSO (Verb-Subject-Object) હતો. પ્રશિષ્ટ અને આધુનિક અરબી ભાષામાં હજી આજે પણ આ જ ક્રમ જળવાયેલો છે. હિબ્રૂ અને માલ્ટીઝ જેવી કેટલીક આધુનિક ભાષાઓમાં યુરોપીકરણને કારણે આ ક્રમ SVO (Subject-Verb-Object) છે. આધુનિક ઈથિયોપિયાની ભાષાઓ SOV (Subject-Object-Verb) છે. કદાચ તેમની પર કુશ ભાષાની અસર હોઈ શકે.

પ્રાક્-સેમિટિક ભાષાઓની વિભક્તિ-વ્યવસ્થામાં ત્રણ વિભક્તિઓ જોવા મળે છે : કર્તા, કર્મ અને સંબંધ. આ વ્યવસ્થા કુરાનની અરબી ભાષામાં સચવાયેલી જોવા મળે છે. મૂળ સેમિટિક ભાષામાં ત્રણ વચન હતાં : એકવચન, દ્વિવચન અને બહુવચન. અરબી ભાષાઓમાં દ્વિવચન આજે પણ જોવા મળે છે. જાણીતા શહેર ‘બહેરિન’ના નામમાં દ્વિવચન છે (Bahrainbahr + sea, ayn = two). હિબ્રૂમાં પણ દ્વિવચન જોવા મળે છે : Sana-Snatayim-Sanim (એક વર્ષબે વર્ષવર્ષો). માલ્ટીઝ ભાષામાં પણ દ્વિવચન મળે છે : Sena-Sentenjn-Snin (એક વર્ષ-બે વર્ષ-વર્ષો). કાળ, અર્થ અને અવસ્થાની બાબતમાં સેમિટિક ભાષાઓમાં ઘણી વિવિધતાઓ છે.

રૂપતંત્રમાં બધી જ સેમિટિક ભાષાઓમાં ત્રણ વર્ણોના મૂળ શબ્દોની ખાસ ભાત જોવા મળે છે; જેમ કે, અરબીમાં k-t-b = લખવું, પણ

kataba = તેણે લખ્યું.

kutiba = તે લખાયું (પું.).

kutibat = તે લખાયું (સ્ત્રી.).

kitabun = પુસ્તક.

kutubun = પુસ્તકો.

હિબ્રૂ ભાષામાં પણ આવી ભાત જોવા મળે છે; જેમ કે

katabi = મેં લખ્યું

katabtat = તેં (પું.) લખ્યું.

katabt = તેં (સ્ત્રી.) લખ્યું.

katab = તેણે (પું.) લખ્યું.

katba = તેણે (સ્ત્રી.) લખ્યું.

katabnu = અમે લખ્યું.

niktab = તે (પું.) લખાયું.

nikteba = તે (સ્ત્રી.) લખાયું.

શબ્દભંડોળમાં પણ સેમિટિક ભાષાઓમાં ઘણું સામ્ય જોવા મળે છે.

આમ, વિશાળ ભૌગોલિક ફલક અને વધુ સંખ્યામાં ભાષાઓ અને ભાષકો ધરાવતું આ ભાષાકુળ પ્રાચીનતા, સાંસ્કૃતિકતા અને ભાષાકીય વિશેષતાને કારણે જગતનાં ભાષાકુળોમાં વિશેષ સ્થાન ધરાવે છે.

નીલોત્પલા ગાંધી