સેન, સુકુમાર (. 1900, ગોઆબગન, ઉત્તર કોલકાતા; . 1992) : બંગાળના અગ્રણી પૌર્વાત્યવિજ્ઞાની, વ્યુત્પત્તિશાસ્ત્રી, ભાષાવિજ્ઞાની, ભારતીય અને બંગાળી સાહિત્યના તવારીખકાર, નિબંધકાર, વાર્તાકાર અને શિક્ષક. એન્સાઇક્લોપીડિયા જેવા વિશાળ જ્ઞાનભંડાર તેમજ વિદ્વત્તાને કારણે તેઓ જીવંત દંતકથા બની ગયા હતા. તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જ્વળ હતી. તેમણે સંસ્કૃતમાં ઑનર્સ સાથે બી.એ.ની અને ‘તુલનાત્મક વ્યુત્પત્તિવિજ્ઞાન’માં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમના શોધનિબંધ ‘ધ યુઝ ઑવ્ કૅસિલ ઇન વેદિક પ્રોઝ’ બદલ 1924માં કોલકાતા યુનિવર્સિટીની પ્રેમચંદ રાયચંદ શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. 1925માં યુનિવર્સિટી તરફથી તેમને ‘વિમેન્સ ડાઇલેક્ટ ઇન બેંગાલ’ શોધપત્ર બદલ ગ્રિફિથ મેમૉરિયલ પ્રાઇઝ અપાયું હતું. 1926 અને 1931ની વચ્ચે યુનિવર્સિટી તરફથી મૉવૅટ સુવર્ણચંદ્રક, ગ્રિફિથ મેમૉરિયલ પ્રાઇઝ (બીજા બે પ્રસંગે) તથા આશુતોષ મેમૉરિયલ સુવર્ણચંદ્રક અપાયા હતા. ‘ઓલ્ડ પર્શિયન ઇન્સ્ક્રિપ્શન્સ ઑવ્ ઍકેમેનિયન એમ્પાયર’ વિષય પર તેમણે પીએચ.ડી.ની ડિગ્રી માટે અભ્યાસ હાથ ધર્યો હતો.

તેઓ કોલકાતા યુનિવર્સિટીમાં તુલનાત્મક વ્યુત્પત્તિશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા અને ક્રમશ: બઢતી પામીને 1954માં ભાષાવિજ્ઞાનના ખૈરા પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા; 1954માં એ વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા.

1970માં બર્દ્વાન યુનિવર્સિટી તરફથી માનાર્હ ડી.લિટ્.ની ડિગ્રી અને વિશ્વભારતી યુનિવર્સિટી તરફથી ‘દેશીકોત્તમા’ ડિગ્રી મેળવી. 1979માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ફેલો ચૂંટાયા. કોલકાતાની એશિયાટિક સોસાયટીના વર્ષો સુધી સભ્ય રહ્યા. 1983માં લંડનની રૉયલ એશિયાટિક સોસાયટી તરફથી ત્રિવાર્ષિક સુવર્ણચંદ્રક મેળવનાર તેઓ પ્રથમ ભારતીય વિદ્વાન હોવાનું બહુમાન પામ્યા. 1963માં ‘ભારતીય સાહિત્યેતર ઇતિહાસ’ ગ્રંથ બદલ પશ્ચિમ બંગાળ સરકાર તરફથી રવીન્દ્ર પુરસ્કાર અને 1981માં વિદ્યાસાગર પુરસ્કાર પણ તેમને અપાયા હતા. તેઓ સંખ્યાબંધ ભાષાના જાણકાર હતા.

‘બાંગ્લા સાહિત્યેતર ઇતિહાસ’ (4 ગ્રંથો) (1940-58)ના મૂલ્યવાન પ્રદાન ઉપરાંત તેમનાં પુસ્તકોમાં મુખ્ય આ પ્રમાણે છે : ‘હિસ્ટરી ઑવ્ બ્રજબુલિ લિટરેચર’ (1935), ‘ભાષાર ઇતિવૃત્ત’ (1939), ‘હિસ્ટૉરિકલ સિન્ટેક્સ ઑવ્ મિડલ ઇન્ડો-આર્યન’ (1950), ‘હિસ્ટરી ઍન્ડ પ્રિ-હિસ્ટરી ઑવ્ સંસ્કૃત’ (1958), ‘કમ્પૅરેટિવ ગ્રામર ઑવ્ મિડલ ઇન્ડો-આર્યન’ (1960), ‘ધ લૅટિન લગ્વેજ’ (1961), ‘ઍન ઈટિમૉલૉજિકલ ડિક્શનરી ઑવ્ બેંગાલી’ (1000-1800) અને ‘બંગાળી સ્થાન-નામ’ (1981).

આ ઉપરાંત બંગાળી સંસ્કૃતિ અને સાહિત્યને લગતાં પ્રકાશનોમાં ‘બંગલા સાહિત્યે ગદ્ય’ (1934); ‘પ્રાચીન બંગલા ઓ બંગાળી’ (1943); ‘મધ્ય યુગેર બંગલા ઓ બંગાળી’ (1945), ‘ઇસ્લામી બાંગ્લા સાહિત્ય’ (1951); ‘બંગભૂમિકા’ (1974); ‘નટ, નાટ્ય, નાટક’ (1977); ‘આધાર માધુરી’ (1982); ‘રવીન્દ્ર ઇન્દ્ર ધનુ’ (1984) તથા ‘બાનફુલેર ફુલાવન’(1984)નો સમાવેશ થાય છે.

પૌરાણિક વિષયને લગતી તેમની કૃતિઓમાં ‘રામકથાર પ્રાક્ ઇતિહાસ’ (1974), ‘ઑરિજિન ઍન્ડ ડેવલપમેન્ટ ઑવ્ રામ લિજન્ડ’ (1977) અને ‘ભારતકથાર ગ્રંથિમોચન’ (1981) મુખ્ય છે.

સર્જનાત્મક ક્ષેત્રે તેઓ ટૂંકી વાર્તાના લેખક અને જીવનચરિત્રાત્મક કૃતિઓ બદલ જાણીતા છે. આમાં ‘કાલિદાસ તર કાલે’ (1976), ‘સત્ય મિથ્યા કે કોરેછે ભાગ’ (1978), ‘જિની સકલ કાજેર કાજી’ (1979) મુખ્ય છે.

તેમનાં કેટલાંક મહત્વનાં સંપાદનો આ પ્રમાણે છે : વિપ્રદાસનું ‘મનસા વિજય’ (1953), ચુડામણિદાસનું ‘ગૌરાંગ વિજય’, વૃંદાવનદાસનું ‘ચૈતન્ય ભાગવત’, કૃષ્ણદાસ કવિરાજનું ‘ચૈતન્ય ચરિતામૃત’ વગેરે.

તેમની ઘણી કૃતિઓ હિંદીમાં અનુવાદ પામી છે; વિવિધ સામયિકોમાં અસંખ્ય લેખો છપાયા છે. તેમની આત્મકથા ‘દિનેર પારે દિન જે ગેલો’માં તેમના યુગની તમામ ગતિવિધિનું સુંદર ચિત્ર ઝિલાયું છે.

મહેશ ચોકસી