સેન સુચિત્રા

January, 2008

સેન, સુચિત્રા (. 6 એપ્રિલ 1935, પાબના, બાંગ્લાદેશ) : અભિનેત્રી. બંગાળી અને હિંદી ચિત્રોમાં રૂપસૌંદર્ય અને અભિનયપ્રતિભાથી એક અભિનેત્રી તરીકે જીવંત દંતકથા બની જવાની સિદ્ધિ મેળવનારાં સુચિત્રા સેનનું મૂળ નામ રમા સેન છે. ચિત્રોમાં તેમણે કામ શરૂ કર્યું ત્યારે તેઓ પરિણીત હતાં એ બાબત નોંધપાત્ર એટલા માટે છે કે પરિણીત અભિનેત્રીને પ્રેક્ષકો પ્રણયદૃશ્યોમાં સ્વીકારતા નથી એવી એક માન્યતા તેમણે તોડી નાંખી હતી. સુચિત્રાનો જન્મ બાંગ્લાદેશમાં થયો હતો, પણ તેમનો ઉછેર પટણામાં તેમના મોસાળમાં થયો હતો. એ જમાનામાં બંગાળના ભદ્ર પરિવારોમાં કન્યાનાં લગ્ન નાની ઉંમરે થઈ જતાં. 1946માં સુચિત્રા માત્ર 12 વર્ષનાં હતાં ત્યારે તેમનાં લગ્ન દીવાનાથ સેન સાથે થયાં હતાં. સુચિત્રા પરણીને સાસરે ગયાં તે પછી થોડા જ સમયમાં તેમના પતિએ તેમની પ્રતિભા પારખી લીધી હતી. એટલે બિમલ રોયના એક ચિત્રમાં ગીત ગાવાનું નિમંત્રણ મળ્યું ત્યારે તે સ્વીકારી લેવા દીવાનાથે જ તેમને પ્રોત્સાહન આપ્યું હતું. એ ગીત ગાવા માટે તેઓ સ્ટુડિયોમાં ગયાં અને થોડા જ સમય પછી સુચિત્રા સેન નામ સાથે બંગાળી ચિત્રોમાં કામ શરૂ કરી દીધું.

સુચિત્રા સેન

બંગાળી ચિત્રોના અત્યંત લોકપ્રિય અભિનેતા ઉત્તમકુમાર અને સુચિત્રા સેનની જોડીએ વર્ષો સુધી એક પછી એક સફળ ચિત્રો આપ્યાં હતાં. ભારતીય રૂપેરી પડદાને મળેલી કેટલીક જોડીઓમાં તેમનો સમાવેશ થાય છે. આ જોડીનું પ્રથમ સફળ ચિત્ર ‘અગ્નિપરીક્ષા’ હતું. એ પછી બંનેએ લગભગ ત્રીસેક ચિત્રોમાં સાથે કામ કર્યું હતું. ઉત્તમકુમાર ન હોય એવાં ચિત્રોમાં પણ સુચિત્રાએ કામ કર્યું હતું અને એ બધાં ચિત્રોમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વને કારણે તેમની ભૂમિકાઓ મહત્વની બની રહી હતી. સુચિત્રા સેનની વિશેષતા હતી તેમનું અપૂર્વ સૌંદર્ય અને અદભુત ભાવાભિવ્યક્તિ. તેમણે જે જૂજ હિંદી ચિત્રોમાં કામ કર્યું છે તે પણ નોંધપાત્ર બની રહ્યાં છે; જેમ કે બિમલ રોય-દિગ્દર્શિત ‘દેવદાસ’માં તેમણે પારોની ભૂમિકા ભજવી હતી, આસિત સેન-દિગ્દર્શિત ‘મમતા’માં તવાયફ તથા તેની દીકરીની બેવડી ભૂમિકા ભજવી હતી અને ગુલઝાર દિગ્દર્શિત ‘આંધી’માં એક કાબેલ ને ગણતરીબાજ રાજકારણી મહિલાની ભૂમિકા ભજવી હતી.

સુચિત્રાના પતિ દીવાનાથનું 1969માં એક અકસ્માતમાં અવસાન થયું હતું. જોકે કાનૂની રીતે એ પહેલાં જ બંને છૂટાં પડી ગયાં હતાં. 1978ના અરસામાં તેમનું ચિત્ર વ્યાવસાયિક રીતે નિષ્ફળ જતાં સુચિત્રાએ એકાએક જ માયા સંકેલી લીધી હતી. પછી તેમણે જાહેરમાં દેખાવાનું પણ બંધ કરી દીધું હતું. તેમની દીકરી મૂનમૂન સેને પણ બંગાળી અને હિંદી ચિત્રોમાં કામ કર્યું છે અને મૂનમૂનની બે પુત્રીઓ રાઇમા અને રિયા પણ બંને ભાષાનાં ચિત્રોમાં કામ કરી રહી છે. સુચિત્રાને 1963માં તેમના એક બંગાળી ચિત્ર ‘સાત પાકે બાંધા’ માટે મૉસ્કોના આંતરરાષ્ટ્રીય ચિત્ર-મહોત્સવમાં શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક મળ્યું હતું. કોઈ પણ આંતરરાષ્ટ્રીય ચિત્ર-મહોત્સવમાં પારિતોષિક મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યાં હતાં. અભિનયમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓમાં ઘણો સમય આપી રહ્યાં છે.

નોંધપાત્ર ચિત્રો : ‘કજરી’ (1953); ‘સદાનંદેર મેલા’, ‘ઓરા થાકે ઓધારે’, ‘ગૃહપ્રવેશ’, ‘અગ્નિપરીક્ષા’ (1954); ‘શાપમોચન’, ‘દેવદાસ’ (હિંદી); ‘ભાલોબાસા’ (1955); ‘શિલ્પી’, ‘સાગરિકા’ (1956); ‘મુસાફિર’ (હિંદી); ‘ચંદ્રનાથ’, ‘ચંપાકલી’ (1957); ‘સૂર્યાતોરણ’, ‘ઇન્દ્રાની’ (1958); ‘દીપ જ્વલે જાય’ (1959); ‘સરહદ’ (હિંદી), ‘હૉસ્પિટલ’, ‘બમ્બઈ કા બાબુ’ (હિંદી) (1960); ‘સાથી હારા’ (1961); ‘સાત પાકે બાંધા’ (1963); ‘મમતા’ (હિંદી, 1966); ‘આલો આમાર આલો’ (1971); ‘આંધી’ (હિંદી, 1975).

હરસુખ થાનકી