સુલિવન, ઍન. (. 1866, ફીડિંગ, હિબ્સ, મૅસેચ્યૂસેટ્સ, અમેરિકા; . 1936) : અમેરિકાનાં અંધજનો માટેનાં અંધ-શિક્ષિકા. ખાસ કરીને તેઓ હેલન કૅલરનાં શિક્ષિકા તરીકે બહુ જાણીતાં થયાં. બાળપણમાં તાવના પરિણામે તેઓ લગભગ અંધ બની ગયાં હતાં. તેમણે મૅસેચ્યૂસેટ્સમાં વૉલધૅમ ખાતે આવેલા પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂશનમાં શિક્ષણ લીધું હતું. નવાં દાખલ કરાયેલાં 7 વર્ષનાં હેલન કૅલરને શિક્ષણ આપવા તે સંસ્થામાં તેઓ 1887માં જોડાયાં હતાં. તેમણે હેલન કૅલરની હથેળીમાં શબ્દોની જોડણી લખી. લખીને તેમનાં એકાંતનું નિવારણ કરી તેમના મનને તે પામી શક્યાં. આ પ્રસંગકથા પરથી 1957માં ‘ધ મિરૅકલ વર્કર’ નામનું પ્રસિદ્ધ ચલચિત્ર નિર્માણ પામ્યું હતું. શેષ જીવન માટે તેઓ કેલરનાં સાથી બની રહ્યાં; તેમણે લેખક, વ્યાખ્યાનકાર તથા બધિર જનોના પ્રવક્તા તરીકે બહોળી ખ્યાતિ મેળવી હતી.

મહેશ ચોકસી