સુલિવાન, આર્થર (Sullivan, Arther) : (જ. 13 મે 1842, લૅમ્બેથ, બ્રિટન; અ. 22 નવેમ્બર 1900, વેસ્ટમિન્સ્ટર, બ્રિટન) : બ્રિટિશ ઑર્ગનવાદક, સંગીતનિયોજક અને ઑર્કેસ્ટ્રા-સંચાલક. એક આયરિશ બૅન્ડ-માસ્ટરના તેઓ પુત્ર હતા. લંડનમાં ગૉસ અને બેનેટ નામના બે સંગીતકારો પાસે થોડું સંગીતશિક્ષણ લઈ તે લિપઝિગ ચાલ્યા ગયા. ત્યાં સંગીતકારો રીટ્ઝ, ડેવિડ અને મોશેલેસ (Moscheles) હેઠળ તેમણે ઑર્ગનવાદન અને સંગીતનિયોજનનો અભ્યાસ કર્યો. 1861માં બ્રિટન પાછા ફરીને તેઓ સેંટ માઇકલ કૅથીડ્રલના ઑર્ગનવાદક બન્યા. 1864માં તેમણે તેમની પ્રથમ કૃતિ ‘આયરિશ સિમ્ફની’ લખી, જેનાથી તેમનું નામ થયું. 1866માં તેઓ લંડન ખાતેની રૉયલ એકૅડેમી ઑવ્ મ્યુઝિકમાં સંગીતનિયોજનના પ્રાધ્યાપક નિમાયા અને તેમણે કૅન્ટાટા ‘કૅનિલ્વર્થ’ લખ્યો.

આર્થર સુલિવાન

એ જ વર્ષે એ કૅન્ટાટાનું ગાન બર્મિન્ગહામ ફેસ્ટિવલમાં થતાં તેમનું નામ વધુ ઝળક્યું. 1867માં તેમણે કન્યર્ટો ફૉર ચેલો ઍન્ડ ઑર્કેસ્ટ્રા લખ્યો. એ જ વર્ષે તેમણે વિયેના જઈ ઑસ્ટ્રિયન સંગીત-નિયોજક ફ્રાન્ઝ શુબર્ટની સંગીતની હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો. વિયેનામાં તેમણે ઑપેરા ‘કૉક્સ ઍન્ડ બૉક્સ’ લખ્યો. 1883માં તેમને બ્રિટિશ મહારાણીએ ‘નાઇટહૂડ’ના ખિતાબથી નવાજ્યા. એમની અન્ય મહત્વની કૃતિઓ છે :

1. શ્લોક ગાન : ‘ઑન્વર્ડ, ક્રિશ્ચિયન સોલ્જર્સ’, 1872;

2. ઑરેટોરિયો : ‘ધ લાઇટ ઑવ્ ધ વર્લ્ડ’, 1873;

3. ઑવર્ચટ : ‘ટ્રાયલ બાય જુરી’, 1875;

4. ઑપેરા : ‘સોસરર’, 1877;

5. ઑપેરા : ‘એચ. એમ. એસ. પિનાફોર’, 1878;

6. ઑપેરા : ‘પાઇરેટ્સ ઑવ્ પેન્ઝાન્સ’, 1879;

7. ઑપેરા : ‘પૅશન્સ’, 1879;

8. ઑપેરા : ‘ધ ઝૂ’, 1875;

9. ઑપેરા : ‘આયોલાન્થે’, 1882;

10. ઑપેરા : ‘પ્રિન્સેસ ઇડા’, 1883;

11. ઑપેરા : ‘ધ મિકાડો’, 1885;

12. ઑપેરા : ‘યુટોપિયા લિમિટેડ’, 1893;

13. ઑપેરા : ‘ધ ચીફટેઇન’, 1895;

14. ઑપેરા : ‘ગ્રાન્ટ ડ્યૂક’, 1996;

15. ઑપેરા : ‘ધ બ્યૂટી સ્ટોન’, 1898;

16. ઑપેરા : ‘ધ રોઝ ઑવ્ પર્શિયા’, 1899;

17. ઑપેરા : ‘એમેરાલ્ડ આઇલ’, 1900.

1885થી 1881 સુધી સુલિવાન લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીના ઑર્કેસ્ટ્રાના સંચાલક હતા. 1883થી 1900 સુધી આમરણાંત તે લીડ્સ ફેસ્ટિવલના પણ સંચાલક હતા.

અમિતાભ મડિયા