સુલતાના, બેગમ પરવીન (. 25 મે 1950, નૌગાંવ, આસામ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાનાં વિખ્યાત ગાયિકા. તેમનાં પૂર્વજો મૂળ અફઘાનિસ્તાનનાં વતની; પરંતુ સ્થળાંતર કરી તેઓ ભારતના આસામ પ્રાંતમાં સ્થાયી થયેલાં, જ્યાં પરવીન સુલતાનાનો જન્મ થયેલો. તેમના દાદા મોહમ્મદ નજીબખાન રબાબના સારા વાદક હતા તો તેમના પિતા ઇકરામૂલ મજીદ પોતે ગાયક અને પતિયાલા ઘરાનાના ઉસ્તાદ બડે ગુલામઅલી ખાનના તથા ગુલ મોહમ્મદ ખાનના શિષ્ય હતા. બાલ્યાવસ્થાથી જ પરવીન સુલતાનાને શાસ્ત્રીય સંગીતના સંસ્કાર પોતાના પરિવારમાંથી મળ્યા હતા. તેઓ નાનાં હતાં ત્યારે પિતાની સાથે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોમાં હાજરી આપતાં હતાં. છ વર્ષની ઉંમરથી જ પરવીનની સંગીતની શિક્ષાનો પ્રારંભ થયેલો. તેમની ઉંમર બાર વર્ષની હતી ત્યારે 1962માં કોલકાતા ખાતે આયોજિત સદારંગ સંગીત-સમારોહમાં તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ રજૂ થયો હતો, જેમાં તેમને સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

બેગમ પરવીન સુલતાના

શાસ્ત્રીય સંગીતનું પ્રાથમિક જ્ઞાન પોતાના પિતા પાસેથી મેળવ્યા પછી ઉચ્ચ તાલીમ તેમણે કોલકાતા-નિવાસી અને જાણીતા સંગીતકાર ચિન્મય લાહિરી પાસેથી સતત આઠ વર્ષ સુધી પ્રાપ્ત કરી હતી (1965-73), ત્યારબાદ ઉપર્યુક્ત ગુરુની સલાહથી તેમણે કિરાના ઘરાનાના સંગીતકાર ઉસ્તાદ દિલશાદખાન પાસેથી સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમની પાસેથી મેળવેલ કઠોર તાલીમને કારણે પરવીન સુલતાના હવે સાડા ત્રણ સપ્તક સુધી અત્યંત કુશળતાથી ગાઈ શકે છે, જે તેમની ગાયકીની ખાસિયત ગણાય છે. તાલીમની શરૂઆતમાં પતિયાલા ઘરાનાની અને ત્યારબાદ કિરાના ઘરાનાની તાલીમ લીધેલી હોવાથી બેગમ પરવીનની ગાયકીમાં આ બંને ઘરાનાની ગાયકીનો સુખદ સમન્વય થયેલો છે. તેઓ સરળ અને મુશ્કેલ બંને પ્રકારના રાગો એકસરખી કુશળતાથી રજૂ કરી શકતાં હોય છે. એમના ગાયનમાં ધીમા આલાપ, ઝડપી તાનો તથા બોલતાનો – આ બધાંની સચોટ અને શાસ્ત્રશુદ્ધ રજૂઆત હોય છે. ખયાલ, ઠૂમરી, ભજન કે ગઝલ – આમાંથી કોઈ પણ ગીતપ્રકારને તેઓ હંમેશાં સંપૂર્ણ શુદ્ધતાથી રજૂ કરી શકતાં હોય છે, કારણ કે સ્વર પરનું તેમનું પ્રભુત્વ અદભુત છે. મંદ્ર, મધ્ય, તાર અને અતિતાર સપ્તક – આ બધામાં તેમનો અવાજ ભમરડાની જેમ ફરતો હોય છે અને તેનો ખ્યાલ તેમની ગાયકી સાંભળવાથી જ આવી શકે છે. તેમનો આ કરિશ્મા અન્ય કોઈ ગાયક કે તેની ગાયકીમાં દેખાતો નથી. પુરિયા, ધનાશ્રી, ગુજરી તોડી, રાગેશ્રી, મારવા તથા માલકૌંસ – આ તેમના પ્રિય રાગો છે. તેમના પતિ અને એક જમાનાના ગુરુ દિલશાદખાં સાહેબ પોતે તો સારા ગાયક છે જ, પરંતુ તેમણે પોતે ત્રણ નવા રાગો રચ્યા છે; જેમાં દિન તોડી, અંબા મનોહરી અને માહુલ રાગનો સમાવેશ થાય છે.

બેગમ પરવીન સુલતાના આકાશવાણી અને દૂરદર્શનનાં નિયમિત કલાકાર છે. તેમણે અને તેમના પતિએ ભારતનાં લગભગ બધાં જ નગરો અને મહાનગરોમાં અવારનવાર જાહેર કાર્યક્રમો આપ્યા છે. આ ઉપરાંત, અમેરિકા, ફ્રાન્સ, રશિયા, જર્મની, ઑસ્ટ્રેલિયા, દુબઈ, અફઘાનિસ્તાન જેવા અનેક દેશોમાં પોતાની અદભુત ગાયકી દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે.

તેમને પાશ્ર્ચાત્ય શાસ્ત્રીય સંગીત પણ ગમે છે. બીથોવન તેમનો પ્રિય કલાકાર છે. જૂજ કિસ્સાઓમાં તેમણે હિંદી ફિલ્મો માટે પણ પાર્શ્ર્વગાયન કર્યું છે; દા.ત., ફિલ્મ ‘કુદરત’માં ઠૂમરી શૈલીમાં ભૈરવી રાગમાં તેમણે ગાયેલું ગીત ‘હમે તુમસે પ્યાર કિતના યે હમ નહિ જાનતે…’ – તથા ફિલ્મ ‘ગદ્દાર’માં ખમાજ રાગમાં ગાયેલું ગીત ‘આન મિલે સજના…’ લોકજીભે ચઢેલાં તેમનાં ગીતો છે. તેમણે એચ.એમ.વી. (HMV) ઉપરાંત પૉલિડોર મ્યુઝિક ઇન્ડિયા, ભારત રેકર્ડઝ, મૅગ્ના સાઉન્ડ, સોનોડિસ્ક, ગ્રામોફોન કંપની જેવી ઘણી કંપનીઓ માટે ધ્વનિમુદ્રણ કરેલું છે. તેમણે ગાયેલ હંસધ્વનિ, મંગલભૈરવ, આહીર-ભૈરવ, દીન તોડી અને કુસુમી કલ્યાણ રાગો ખૂબ પ્રખ્યાત થયા છે.

બેગમ પરવીન સુલતાનાએ એપ્રિલ 2003માં તેમના પિતા ઇકરામુલ મજીદ તથા ફૈઝખાન બંનેની સ્મૃતિમાં પુણે ખાતે ‘ગુન રંગ સંગીત સભા’ નામની સંગીતને વરેલી સંસ્થાની સ્થાપના કરી છે અને તેને વિકસાવવામાં તેઓ વ્યસ્ત રહે છે.

તેમનાં કેટલાંક આલબમ પણ બહાર પડ્યાં છે. મે, 2006માં પણ તેમનાં સાતથી આઠ નવાં આલબમ બહાર પડવાની વકી હતી, જેમાં વિવિધ રાગો પર આધારિત આલબમનો સમાવેશ થવાનો હતો.

બેગમ પરવીન સુલતાનાને વર્ષ 2006 સુધી અનેક ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં છે, જેમાં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’નો ખિતાબ, ગાંધર્વ કલાનિધિ ઍવૉર્ડ (1980), મિયા તાનસેન ઍવૉર્ડ (1986), સંગીતસમ્રાજ્ઞી ઍવૉર્ડ (1994), સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, ‘ક્લિયોપૅટ્રા ઑવ્ મ્યુઝિક’ અને ‘પોએટ્સ્ ઑવ્ મ્યુઝિક’નો સમાવેશ થાય છે. ‘પદ્મશ્રી’નો ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર તેઓ સૌથી નાની ઉંમરનાં કલાકાર છે.

સ્નેહલ વિવેક શેવડે