સુગમ સંગીત : ગેય કાવ્યરચનાને તેના અર્થને અનુરૂપ સ્વરરચનામાં ગાન સાથે સાથે રજૂ કરતો સંગીતનો એક પ્રકાર. જે હળવા સંગીતના નામે પણ ઓળખાય છે. હળવા સંગીતના આ પ્રકારને ભારતના પ્રખર સંગીતજ્ઞ ઠાકુર જયદેવસિંહે ‘સુગમ સંગીત’ નામ આપ્યું અને ત્યારથી એ નામ ચલણમાં આવ્યું છે. ઠાકુર જયદેવસિંહના મતે જે સંગીત, શુદ્ધ શાસ્ત્રીય ભારેખમ સંગીતની સરખામણીમાં, સર્વસામાન્ય શ્રોતાગણ માટે સાંભળવું, સમજવું અને માણવું સહેલું અને સરળ પડે તે સંગીત તે ‘સુગમ સંગીત’. કોઈ પણ સંગીતનો પ્રધાન હેતુ શ્રોતાઓનું મનોરંજન કરવાનો હોવાથી ગીતરચના અને સ્વરરચના આ બંનેમાં યથાવશ્યક સામર્થ્ય હોવું જોઈએ. પ્રાચીન સંગીતગ્રંથમાં એક એવો શ્ર્લોક છે, જે સુગમ સંગીત માટે પણ લાક્ષણિક છે :

सुस्वरम् सुरसम् चैव । मधुरम् मधुराक्षरम् ।

आलंकारम् प्रमाणं च । षड्वर्यम् गीतलक्षणम् ।।

જેમ કાવ્યરચના શ્રોતાઓને તરત સમજી શકાય તેવી સરળ સુગમ હોવી જોઈએ તેમ તેનું સ્વરનિયોજન પણ સરળ અને શ્રોતાઓને સુગમ હોય તેવું હોવું જોઈએ. આવી સ્વરરચના જ્યારે ગાયકના કંઠ દ્વારા શ્રોતાઓ સુધી પહોંચે છે અને શ્રોતાઓના મનમાં ગુંજતી રહે છે તથા કર્ણપ્રિય બની રહે છે ત્યારે તેને સુગમ સંગીતની રચના કહેવાય છે.

શાસ્ત્રીય અને સુગમ સંગીતની સરખામણી કરીએ તો સ્પષ્ટ થશે કે શાસ્ત્રીય રાગ આધારિત સંગીતમાં શબ્દનો મહિમા ગૌણ હોય છે, જ્યારે સ્વરમહિમા એ તેનું પ્રધાન તત્ત્વ હોય છે. માત્ર બે પંક્તિની ‘ચીજ’ બે કલાકના સ્વરવિસ્તારમાં ગાઈ શકાય છે. બીજી રીતે કહીએ તો શાસ્ત્રીય સંગીતમાં સ્વરપ્રધાન ‘બંદિશ’નો મહિમા હોય છે. તેનાથી ઊલટું, લોકસંગીતમાં સ્વરમહિમા ગૌણ હોય છે જ્યારે શબ્દમહિમાને તેમાં કંઈક વધુ પ્રાધાન્ય અપાય છે. બાર-પંદર કે વધુ પંક્તિઓ ધરાવતું લાંબું ગીત, ચાર કે પાંચ જ સ્વરોમાં ‘રમતું’ હોય, સ્થાયી અંતરા જેવી અલગ સ્વરરચના તેમાં ન હોય. બીજી રીતે કહીએ તો સુગમ સંગીતમાં સ્વરબદ્ધ થયેલી કાવ્યરચના એ શબ્દપ્રધાન કાવ્યનું સ્વરૂપ ધરાવતી હોય છે. આથી એમ કહેવાય કે સુગમ સંગીત એટલે સ્વરબદ્ધ કાવ્યરચના. તેમાં અનેક પેટાપ્રકારોનો સમાવેશ કરી શકાય છે; દા.ત., મરાઠીમાં ભાવગીત, ગુજરાતી અને ઉર્દૂમાં ગઝલ, નાટ્યગીતો, ભક્તિપ્રધાન ગીતો, આરાધના-ગીતો, ચલચિત્રનાં ગીતો વગેરે.

વાસ્તવમાં સુગમ સંગીત એ શાસ્ત્રીય રાગદારી સંગીત અને લોકસંગીત – આ બંને અંતિમોના મધ્યબિંદુએ મૂકી શકાય; જેમાં શબ્દ (ગીત) અને સ્વર આ બંનેનું પ્રાધાન્ય લગભગ સમાન હોય. અલબત્ત, આ પ્રાધાન્યની સમાનતા સ્પષ્ટ કરવા માટે શબ્દ અને સ્વર આ બંનેનાં મૂળ સુધી જવું પડે. એક રીતે વિચારીએ તો સ્વર અને શબ્દ બંને ભિન્ન હોવા છતાં, તે બંને મૂળ વાક્ કે નાદતત્ત્વના સગોત્ર-સહોદર હોવાથી અભિન્ન જેવાં જ કહેવાય. બંને વચ્ચેની ભેદરેખા પાતળી કે ઝીણી થાય, એકની ‘દખલ’ બીજામાં થઈ જાય આ વાત માત્ર સહજ જ નહિ; પરંતુ કદાચ અનિવાર્ય અને આવકાર્ય પણ છે. ભારતીય શાસ્ત્રપરંપરામાં સંગીતને ‘ગાંધર્વ’ કહ્યું છે. તે સ્વર-તાલ-પદાત્મક હોવું અનિવાર્ય છે. સુગમ સંગીત શબ્દપ્રધાન સંગીત હોવાથી તે અર્થપ્રધાનતાનો ગુણ ધરાવતું હોય છે. કોઈ એક કાવ્યરચનાને રાગ આપતી વખતે કે સ્વરબદ્ધ કરતી વખતે સુગમ સંગીતમાં સ્વર કરતાં શબ્દને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે; સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે કે જે કોઈ કાવ્યને સ્વરબદ્ધ કરવાનું હોય તે કાવ્યનો ભાવ સંગીતકારે આત્મસાત્ કરેલો હોવો જ જોઈએ અને તો જ તેની સ્વરરચના સુગમ બની શકશે. વળી સુગમ સંગીતમાં અલગ તરી આવતી એક વિશેષતા તે કાવ્યની સ્વરરચનાની સર્જનાત્મકતા છે. આ અર્થમાં સુગમ સંગીતને ‘કાવ્યસંગીત’ નામ પણ અપાય છે.

એક અર્થમાં ગીત એ સહકારી કલા છે. કવિ, સંગીતનિર્દેશક અને ગાયક આ ક્રમમાં આવનારા ત્રણ ઘટકો છે, જે આ કલાકૃતિને પૂર્ણ કરે છે. એકલો સંગીતદિગ્દર્શક કે એકલો ગાયક ‘ધૂન’-નિર્માણ કરી શકે પણ ગીત-નિર્માણ કરી શકે નહિ. વળી આ ત્રણેયમાંથી પ્રત્યેક ઘટક પોતપોતાની રીતે એટલો જ મહત્ત્વનો હોય છે. આ ત્રણેયની પ્રતિભા એકત્રિત થાય ત્યારે જ ગીતની પ્રાણધારણા થઈ શકે. ગીતની એકાત્મકતા ત્રણ સ્વતંત્ર પ્રતિભાશીલ કલાવંતોના સંવાદમાંથી જ નિર્માણ થઈ શકે. તેથી આ ત્રણેયની પરસ્પર સહકારિતા જ ખરા અર્થમાં શ્રેષ્ઠ દરજ્જાની કલાકૃતિ નિર્માણ કરી શકશે.

‘સુગમ સંગીત’ નામથી ઓળખાતો સંગીતનો આ પ્રકાર અલગ અસ્તિત્વમાં આવ્યો છે. માંડ 5060 વર્ષ પહેલાં જેનો પિંડ હવે બંધાવા લાગ્યો છે અને તેથી તેનું સ્વરૂપ કે તેનું નક્કર માળખું ઉત્ક્રાંતિના તબક્કામાંથી પસાર થઈ રહ્યાની નોંધ લેવી હવે આવશ્યક બની છે.

રાસબિહારી દેસાઈ

મંદાકિની અરવિંદ શેવડે