સુગતકુમારી બી. (શ્રીમતી)

January, 2008

સુગતકુમારી, બી. (શ્રીમતી) (. 22 જાન્યુઆરી 1934, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ ભાષાનાં કવયિત્રી. કેરળ યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાનના વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી (1955). અધ્યાપનની કારકિર્દી. કેરળ રાજ્ય જવાહર બાલભવનનાં નિવૃત્ત આચાર્યા. 2002માં કેરળ વિમેન્સ કમિશનનાં અધ્યક્ષા. તેઓ મલયાળમ, સંસ્કૃત અને અંગ્રેજીનાં તજ્જ્ઞ છે.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ઘણાં વર્ષો સુધી સંપાદક, ‘તાલિરુ’, બાળસામયિક; સેક્રેટરી, ધ સોસાયટી ફૉર કૉન્ઝર્વેશન ઑવ્ નૅચર, તિરુવનંતપુરમ્.

તેમને મળેલ સન્માનો આ પ્રમાણે છે : કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1967; કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1978; સાહિત્યપ્રવર્તક ઍવૉર્ડ; ઑડક્કુળલ ઍવૉર્ડ; આસન પ્રાઇઝ; વાયલાર ઍવૉર્ડ તેમજ તેમને સમાજસેવા માટે લક્ષ્મી ઍવૉર્ડ અને પર્યાવરણ સંરક્ષણ પ્રયાસો માટે વૃક્ષમિત્ર ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

તેમનાં પ્રકાશનો આ પ્રમાણે છે : ‘મુથુચિપ્પી’ (1961), ‘પતિરાપ્પુક્કાલ’ (1967), ‘રાત્રિમઝા’ (1977), ‘અંબા લમનીકાલ’ (1981), ‘પાવમ માનવહૃદયમ્’ (1968), ‘ઇરુલચિરાકુકાલ’, ‘સ્વપ્નભૂમિ’ (1965), ‘રાધા એવિદ’ (1995), ‘કવિતા કાલ’ (1998) – આ તમામ કાવ્યસંગ્રહો છે. તેમણે બાળસાહિત્યના 4 ગ્રંથો પ્રગટ કર્યા છે અને બીજી ભાષાઓમાંથી અનેક પુસ્તકોના અનુવાદ પણ કર્યા છે.

તેમના કાવ્યસંગ્રહ ‘રાત્રિ મઝા’ (1977) બદલ તેમને 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. પુરસ્કૃત કૃતિમાં તેમની નિર્દોષ શૈલી સૌમ્ય અને રસાળ ગૂંથણીવાળી તથા સ્વરમાધુર્યની મનોરંજકતાને કારણે તે સમકાલીન મલયાળમ કાવ્યસાહિત્યમાં આગવું પ્રદાન ગણાય છે.

મહેશ ચોકસી